
રામચંદ્ર ગુહા
મહાત્મા ગાંધીના ચાર દીકરા હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. જેમાં દેવદાસ સૌથી નાના અને સૌમ્ય સ્વભાવના હતા, તેઓ થોડા જ સમયમાં આશ્રમના જીવનમાં સંપૂર્ણરીતે ભળી ગયા હતા. જેમ-જેમ તેમનો આશ્રમના જીવન સાથેનો ઊંડો પરિચય થયો, તેમ-તેમ ખંત સાથે પિતાની વાતોનું પાલન કર્યું જેમાં ખાદી કાંતવી તેમ જ દક્ષિણ ભારતના લોકોને હિંદી શીખવવી જેવી બાબતોનો સમાવેશ થતો હતો. ગાંધીજીના જીવનમાં એવો પણ સમય આવ્યો કે જ્યારે દેવદાસે તેમની વાત માની નહીં. આવું ત્યારે થયું કે જ્યારે, તેમને સી. રાજગોપાલાચારી એટલે કે રાજાજીની દીકરી લક્ષ્મી સાથે પ્રેમ થયો, આ એક એવો સંબંધ હતો કે જેનો ગાંધીજી અને રાજાજી એમ બંનેએ વિરોધ કર્યો. દેવદાસ અને લક્ષ્મીનાં માતા-પિતાએ તેમને કહ્યું કે તેઓ પોતાના પ્રેમની પરીક્ષા આપવા માટે પાંચ વર્ષ સુધી એકબીજા સાથે વાત ના કરે અને પત્ર પણ ના લખે. તેમણે આવું જ કર્યું અને પછી લગ્ન કરી લીધાં. દેવદાસને ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ અખબારમાં નોકરીનો પ્રસ્તાવ મળ્યો અને તેઓ લક્ષ્મી સાથે દિલ્હી આવી ગયા. આ શહેરમાં તેઓનાં ચાર સંતાનો તારા, રાજમોહન, રામચંદ્ર અને ગોપાલકૃષ્ણનો જન્મ થયો.
ગાંધીજીના દીકરા અને રાજાજીની દીકરીના આ લગ્નની કહાણી બાળપણથી જ મારા મનમાં વસી ગઈ હતી. દેવદાસ અને લક્ષ્મીની પ્રેમ કહાણીને ભારતના મધ્યમ વર્ગમાં ખૂબ પસંદ કરવામાં આવતી હતી. જેનાથી મારા માતા-પિતા પણ પ્રેમ લગ્નમાં રાહ જોવાની બાબતે પ્રેરિત થયા હતા, તેઓને પણ પ્રેમ લગ્ન કરવા માટે પાંચ વર્ષ રાહ જોવી પડી હતી. મારા માટે આ સૌભાગ્યની વાત હતી કે મને દેવદાસ અને લક્ષ્મી ગાંધીના ચારે ય બાળકોને જાણવા-સમજવાની તક મળી. આ ભાઈ-બહેનોમાં હું સૌ પ્રથમ રામચંદ્ર(રામૂ)ને મળ્યો હતો, પણ લોકસેવક તેમ જ લેખક ગોપાલકૃષ્ણ મારા સૌથી અંગત છે. અમારી મિત્રતા 1980ના દાયકાના અંતમાં થઈ કે જ્યારે અમે દિલ્હીમાં કામ કરતા હતા. ગોપાલ ગાંધીના ઘરે જ મારી પ્રથમ મુલાકાત તેમના બહેન તારા સાથે થઈ કે જેઓ ખાદી વિશેષજ્ઞ છે અને હિંદી, બંગાળી, અંગ્રેજી સહિતની ઘણી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. ગોપાલે જ મારી મુલાકાત તેમના ભાઈ રાજમોહન સાથે કરાવી હતી કે જેમનો તારીખ 7 ઓગસ્ટના દિવસે 90મો જન્મદિવસ ઉજવ્યો.

રાજમોહન ગાંધી
જ્યારે હું પહેલી વખત 1990માં રાજમોહન ગાંધીને મળ્યો. ત્યારે તેઓ એક ચૂંટણી લડીને હાર્યા હતા. જેના એક વર્ષ પહેલા તેઓને અમેઠીમાં લોકસભા ચૂંટણીમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી વિરુદ્ધ સંયુક્ત વિપક્ષી ઉમેદવાર તરીકે પસંદ કરાયા હતા. જેનો અસલી ગાંધી વિરુદ્ધ નકલી ગાંધીની લડાઈ રૂપે પ્રચાર કરાયો હતો, જેમાં મહાત્માના એક પ્રમાણિક વંશજ અને એક એવી વ્યક્તિ વચ્ચે મુકાબલો હતો જે સંયોગવશ તેમનું ઉપનામ રાખતા હતા. રાજમોહન ગાંધી પાસે નૈતિકતા તો હતી પણ પૈસા નહોતા. તે સમયે નહેરુ પરિવારના ગઢ એવા અમેઠીમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. પણ, રાજીવ ગાંધીની પાર્ટીએ તેમનો બહુમત ગુમાવ્યો અને વી.પી. સિંહ પ્રધાન મંત્રી બન્યા હતા. રાજીવ ગાંધીને ટક્કર આપવાના પુરસ્કારરૂપે વી.પી. સિંહે રાજમોહન ગાંધીને રાજ્યસભાના સભ્ય બનાવ્યા. લાંબા કદવાળા અને મોટાં ચશ્માં પહેરતા રાજમોહન ગાંધીમાં વિશિષ્ટતા તેમ જ ગંભીરતા જોવા મળે છે, તેઓ ખૂબ વિચારીને ધીરે-ધીરે બોલે છે. તેઓમાં તેમના ભાઈ રામુ જેવી વાક્પટુતાનો અભાવ છે. પ્રથમ મુલાકાતમાં જ એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે રાજમોહન ગાંધી પ્રભાવશાળી વ્યક્તિ છે. આ મુલાકાતના થોડા સમય બાદ મેં રાજમોહન ગાંધી દ્વારા લિખિત રાજાજી (Rajaji, A Life) અને સરદાર વલ્લભભાઈ પટેલ(Patel, a life)ના જીવન આધારિત પુસ્તક વાંચ્યા અને ખાસ્સો પ્રભાવિત પણ થયો. રાજમોહન ગાંધીએ ઉદારવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપતી સાપ્તાહિક પત્રિકા ‘હિમ્મત’ની શરૂઆત અને સંપાદન કર્યા હતા. ઈમરજન્સી દરમિયાન સેન્સર બોર્ડનો સામનો કરવો પડ્યો, પરંતુ બાદમાં નાણાંના અભાવમાં આ પત્રિકા બંધ થઈ ગઈ.
ગોપાલ દ્વારા રાજમોહન ગાંધી સાથેની મુલાકાત બાદ મેં તરત જ તેઓ સાથે અલગથી મુલાકાત શરૂ કરી હતી. દરેક મુલાકાતમાં દેશના ઇતિહાસ અંગેની મને જાણકારી મળતી હતી. છેલ્લાં થોડાં વર્ષોમાં દિલ્હી, બેંગ્લુરુ, પંચગિની સહિત મિશિગનમાં તેઓ સાથે મારી લાંબી વાતચીત થઈ છે. મને તેઓનાં પુસ્તક તેમ જ નિબંધ વાંચીને ખાસ્સી પ્રેરણા મળી છે. રાજમોહન ગાંધી અને મારા વચ્ચે, છપાયેલા વિષય બાબતે માત્ર એકવખત અસહમતિ થઈ છે, જે વિશે હવે યાદ કરવું ઘણું સામાન્ય લાગે છે. હું એક એવા પરિવારમાં ઉછર્યો છું, જે મહાત્મા ગાંધી કરતાં નહેરુની વધુ પ્રશંસા કરતા હતા. એક યુવા સ્કોલર તરીકે જ્યારે હું ભારતીય પર્યાવરણ વિષયક રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મેં નહેરુ પ્રત્યે વધુ આલોચનાત્મક દૃષ્ટિકોણ વિકસિત કર્યો કારણ કે તેઓની સરકારે આર્થિક વિકાસના મૉડલને આક્રમક રીતે અપનાવ્યું હતું, ભલે પર્યાવરણીય સ્થિરતા પર તેના પરિણામ નકારાત્મક હતા. આ રાજમોહન ગાંધી હતા કે જેમણે મને તે વાત સમજવા દીધી કે નહેરુ કોઈ ખરાબ બાબતનું પ્રતીક નથી કે જેવું મારા પર્યાવરણવાદી મિત્રો મને તે સમયે જણાવી રહ્યા હતા. પુસ્તક ધ ગૂડ બોટમેન(The good boatman)માં તેમણે જણાવ્યું છે કે આર્થિક નીતિ બાબતે મતભેદ છતાં નહેરુ જ ગાંધીના ઉત્તરાધિકારી હતા. મહાત્મા ગાંધીના તમામ અનુયાયીઓમાં નહેરુ જ મહાત્માના સમાવેશી દૃષ્ટિકોણ સમજવા અને વ્યવહારમાં લાવવામાં સૌથી યોગ્ય હતા. પોતાના ગુરુની જેમ ભારતના પ્રથમ પ્રધાન મંત્રી હિંદુ હતા જેઓ પર મુસલમાનોએ ભરોસો વ્યક્ત કર્યો હતો. તેઓ એક એવી વ્યક્તિ હતા કે જેમણે મહિલાઓના સમાન અધિકારો માટેની લડાઈ લડી. ગાંધીજીના નજીકના સહયોગીઓ સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, કૃપાલાની અને સરદાર કોઈમાં પણ નૈતિક અને રાજનીતિક ગુણોનું આ દુર્લભ સંયોજન નહોતું. રાજમોહન ગાંધીએ મને એવું પણ જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યા બાદ, કેવી રીતે નહેરુ અને પટેલે પોતાના વ્યક્તિગત મતભેદોને અલગ રાખતા ભારતને એક કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજમોહન અને રામચંદ્ર ગાંધીમાંથી રામુને એકલામાં અથવા એક મોટા શ્રોતા સમૂહ સાથે સાંભળવામાં રોમાંચક અનુભવ થતો હતો. તેમણે મૌખિક પરંપરામાં સૌથી સારું કામ કર્યું. બીજી બાજુ, રાજમોહનના લેખનમાં કોઈ વ્યંગ્ય નથી પણ તેઓ પાસે પત્રોની જાણકારી ખૂબ છે. રાજમોહન ગાંધી પાસેથી દેશ વિશે આટલું જાણ્યા-શીખ્યા બાદ આ લેખને એક પત્રમાંથી પ્રાપ્ત જાણકારી સાથે સમાપ્ત કરવા માગુ છું. મને આ વાત વેરિયર એલ્વિનના રિસર્ચ પત્રમાં મળી જે અંગ્રેજમાંથી ભારતીય બન્યા હતા અને ભારતના જનજાતીય લોકોના વિદ્વાન હતા. તેઓ ગાંધી અને નહેરુ બંનેને સારી રીતે જાણતા હતા. જૂન 1933માં દેવદાસ અને લક્ષ્મીને પૂનામાં લગ્ન માટેની પરવાનગી મળી ગઈ હતી. ત્યાર બાદ જ ગાંધી અને કાઁગ્રેસ દ્વારા વધુ એક દેશવ્યાપી સત્યાગ્રહ અભિયાન શરૂ કરવાની વાત થતી હતી, જે અસહયોગ અને સવિનય કાનૂનભંગના આંદોલનના માર્ગ પર ચાલવાનું હતું. પૂનામાં મહાત્માના અનુયાયીઓના એક સમૂહને મળતા વેરિયર એલ્વિને તેઓને ઉદાસ જાણ્યા. એલ્વિને તેમના એક દોસ્તને લખ્યું કે, માત્ર દેવદાસ અને તેમની પત્ની લક્ષ્મી ખુશ હતા કારણ કે તેઓ પૂરી રીતે જેલ નહીં જવા દૃઢ હતા. આખરે, સત્યાગ્રહ થયો નહીં. દેવદાસને તેમના પિતાએ જેલ જવા માટેનો આદેશ આપ્યો નહીં. તેઓ અને તેમના પત્ની લક્ષ્મી દિલ્હી જતાં રહ્યાં, જ્યાં તેમણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ સૌથી અલગ રીતે ચાર પ્રતિભાશાળી ભાઈ-બહેનોને ઉછેર્યા.
e.mail : nbhavsarsafri@gmail.com
![]()

