હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ભણતો/ભણાવતો હતો ત્યારે રોજ બે બુકસ્ટોર્સની મુલાકાત લેતો. એક તે યુનિવર્સિટીનો પોતાનો બુકસ્ટોર અને બીજો તે ખાનગી, એક કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો Penn Book Center.
આમાંનો પહેલો બુકસ્ટોર શરૂઆતમાં યુનિવર્સિટી પોતે ચલાવતી હતી. પછી એ લોકોએ સ્ટોર Barnes & Nobel નામની એક કંપનીને સોંપ્યો. ત્યાર બાદ એની ગુણવત્તા પણ ઘણી બદલાઈ ગઈ.
જો કે આમાંનો બીજો બુકસ્ટોર મને વધારે ગમતો હતો. એ પ્રમાણમાં ઘણો નાનો હતો પણ ત્યાં લેટેસ્ટ પુસ્તકો મળી રહેતાં. પેલા યુનિવર્સિટી બુકસ્ટોરમાં લોકપ્રિય પુસ્તકો વધારે મળતાં.
ત્યાર બાદ મારી નોકરી ગઈ અને હું સાતેક વરસ કેલિફોર્નિયા રહેવા ચાલ્યો ગયો. ત્યાં હું આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતો હતો તો પણ અઠવાડિયે એક વાર તો મારા ગમતા બેત્રણ બુકસ્ટોર્સની મુલાકાતે જતો.
પછી ત્યાંથી હું ફિલાડેલ્ફિયા પાછો આવ્યો. આવીને તપાસ કરી તો Penn Book Center બંધ થઈ ગયો હતો. એકબે જણને પૂછ્યું પણ ખરું કે આ બુકસ્ટોર ક્યાં move થયો છે? પણ કોઈએ સાચો જવાબ ન’તો આપ્યો.
પછી ખબર પડી કે સાઈઠ વરસનું આયુષ્ય ભોગવીને આ બુકસ્ટોર 2020માં બંધ થઈ ગયો છે. એક બાજુ amazon. com જેવાનું એકચક્રી શાસન, બીજી બાજુ ભૌતિક સ્વરૂપમાંથી ડિજિટલ સ્વરૂપ તરફ જઈ રહેલાં પુસ્તકો, ત્રીજી બાજુ લોકોની બદલાતી જતી reading habits. આ અને આવાં બીજાં અનેક કારણોસર ઘણા નાના બુકસ્ટોર્સ બંધ થઈ ગયા છે. એટલું જ નહીં, Borders જેવી કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે.
UKની એક કંપની આખા વિશ્વમાં પોસ્ટેજ ખર્ચ લીધા વિના પુસ્તકો મોકલતી હતી. amazon. com માટે એ કંપની એક મોટો પડકાર હતી. આખરે amazonએ એ બુકસ્ટોર ખરીદી લીધો. એમ કરીને એણે એક હરીફની હત્યા કરી નાખી. એ પણ ધોળે દહાડે. પછી એણે એ બુકસ્ટોર બંધ કરી દીધો. બરાબર એમ જ alldirect. com નામનો એક બુકસ્ટોર હતો. એ દરેક પુસ્તકો પર 35% ડિસકાઉન્ટ આપતો હતો. ત્યારે મેં એની પાસેથી Husserlનાં તમામ પુસ્તકો ખરીદેલાં.

2020માં જ્યારે માલિકે Penn Book Center સ્ટોર બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે કેટલાક લોકોએ એના વિરોધમાં દેખાવો પણ કરેલા. એટલું જ નહીં, કેટલાક લોકોએ amazon.com પરથી પુસ્તકો ખરીદવાનું બંધ કરીને એ સ્ટોરમાંથી જ પુસ્તકો ખરીદવાનું શરૂ કરેલું. લગભગ દસેક હજાર ગ્રાહકોએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સત્તાવાળાઓને વિનંતી કરેલી કે જે મકાનમાં આ બુકસ્ટોર છે એ મકાનનું ભાડું ઓછું લેવામાં આવે. પણ યુનિવર્સિટી ખોટ સહન કરવા માગતી ન હતી. એ લોકોએ ભાડું ઓછું કરવાની ના પાડી દીધેલી.
આખરે માલિકે એ બુકસ્ટોર બંધ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે જે કંઈ સામગ્રી બુકસ્ટોરમાં બચી છે એ બધી જ વેચ્યા પછી જે કંઈ પૈસા અમને મળશે એ પૈસા અમે પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં વસતી આફ્રો-અમેરિકન પ્રજાનાં બાળકોના શિક્ષણ પાછળ વાપરીશું. માલિક દંપતીએ સમાજસેવા કરવાનું સ્વીકાર્યું.
હવે મને ફરી એક વાર યુનિવર્સિટીમાં ગુજરાતી ભણાવવાનું કામ મળ્યું છે. હું અઠવાડિયાના ચાર વાર (આમ તો બે વાર પણ જતાં આવતાં ચાર વાર) એ બુકસ્ટોર પાસેથી પસાર થાઉં છું અને એની ખાલીખમ બારીઓ તરફ જોઈને ઉદાસ થઈ જતો હોઉં છું. એ બારીઓની બહાર ઊભા ઊભા અનેક વાર મેં પુસ્તકો જોયાં છે. મારા જીવનના ઘડતરમાં બુકસ્ટોર્સનો ફાળો ઘણો મોટો છે. જેટલો મારા ગુરુઓનો છે એટલો જ તો.
એક બુકસ્ટોર બંધ થાય ત્યારે મારા બુકલવરના ચિત્તનો એક ભાગ બુઠ્ઠો થઈ જાય. મને પણ એવું જ થયું છે. હજી પણ મને કળ વળતી નથી અને વળશે પણ નહીં.
[સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA,]
25 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

