
રૈહાના તૈયબજી
આજે હિન્દુત્વની રાજનીતિ એની પરાકાષ્ઠાએ છે, ત્યારે કૃષ્ણભક્ત રૈહાના તૈયબજીનો પરિચય આપવા માંગુ છું.
1943માં બ.ક.ઠા. એટલે કે બળવંતરાય ઠાકોરે ગાંધીજીના અનુયાયી અબ્બાસ તૈયબજીની દીકરી રૈહાનાના ‘હાર્ટ ઓફ એ ગોપી’ અંગ્રેજી કાવ્ય પરથી ‘ગોપીહ્રદય’ નામનું આખ્યાન કાવ્ય પ્રગટ કર્યું.
“આજન્મ સ્નેહી પ્રિય ભાઈશ્રી મોહનભાઈ કબા ગાંધીને અર્પણ” કરેલા આ પુસ્તકના નિવેદનમાં બ.ક.ઠા. કહે છે :
“વડોદરાને વતન ગણ્યું તે દરમિયાન મ્હને એક મોટો લાભ આ થયો કે શ્રીમતી બ્હેન રેહાના અબ્બાસ તૈયબજીની થોડી ઘણી ઓળખાણ પામ્યો. આર્થિક ભીંસ અને માનસિક વ્યગ્રતા વધતી જ જાય છે, એવા કાળમાં વસ્તીના તમામ થરમાં ધર્મો અને પંથો કટાય કજળે, ભક્તિભાવ ફટકી જાય, લોક સ્વાર્થી દુન્યવી બુદબુદજીવી મેલા મનના બનતા ભાસે, તેમાં કશી નવાઈ નથી. આવા સમયમાંયે શ્રીમતી બ્હેન ખરે ઉન્હાળે નિર્મળ શીતળ ગિરિઝરણ હોય ને એવા આદર્શ ભક્ત છે. કુદરતી બક્ષીસો અને યથાયોગ્ય પાકતા સંસ્કારોને શુભ મેળે મુસ્લિમ ક્યારામાં આ ફૂલ ઉઘડ્યું છે એ વળી વિશેષ નવાઈની વાત છે. પણ અબ્બાસ સાહેબને જે કોઈ ઓળખતું એ તો તુર્ત જ સ્વીકારશે કે એમના પુત્રી આવાં હોય એમાં કશી નવાઈ નથી. એમનું હાર્ટ ઓફ એ ગોપી (1936) મ્હારા જોવામાં આવ્યું ના હોત, એ તો એક વિરલ અને વિશ્વસનીય માનસિક વિકાસ(સાઇકલિક ગ્રોથ)નો અહેવાલ (રેકર્ડ) છે એવું એનું મૂલ્યાંકન – સર્જક બ્હેનની અંગત પિછાન ઉપરથી હું કરી શક્યો, તેમ બનવા પામ્યું ના હોત, – તો આ ગોપીહૃદય રચાવા જ પામત નહીં, એટલી બધી આ મારી કૃતિ એ આગલીની ઋણી છે.”
‘મુસ્લિમ ક્યારામાં ઊગેલું ફૂલ જોઈને ‘ નવાઈ પામતા બ.ક.ઠા. તેમનું પુસ્તક ગાંધીજીને કેમ અર્પણ કર્યું એનો જવાબ આપતા કહે છે :
“આનું અર્પણ ગાંધીજીને કરવામાં હું માત્ર અંગત સ્નેહે પ્રેરાયો નથી. મોહનભાઈ તપસ્વી છે અને ભક્ત છે. રુઢિચુસ્ત વર્ણાશ્રમધર્મી હિન્દુ છે અને સ્વતંત્ર ચિંતક છે; આદર્શ જૈન જેવા છે આદર્શ ખ્રિસ્તી જેવાય છે; એ હીરાને અનેક પાસા છે અને દરેક પાસો તેજ તેજનો અંબાર છે.”.
એક રૂઢિચુસ્ત વર્ણાશ્રમધર્મી હિન્દુ આદર્શ જૈન, આદર્શ ખ્રિસ્તી કઈ રીતે હોઈ શકે એ પ્રશ્ન હમણા બાજુ પર મૂકીને આ પુસ્તકના પ્રવેશકમાં શ્રી અરવિંદના અંતેવાસી અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી શું કહે છે તે વાંચો :
“કુમારી રેહાનાએ અનુભવ્યું કે કોઈ અપૂર્વ સત્તાએ એમનો કબજો લઈને ‘હાર્ટ’ ત્રણ દિવસમાં એમની પાસે લખાવ્યું, એમણે ગોપીઓનો રાસ જોયો, શ્રી કૃષ્ણની ઘનશ્યામ જ્યોતિના દર્શન કર્યા, શ્રી કૃષ્ણના નૂપુરનો ઝંકાર સાંભળ્યો, ….. કુ. રેહાનાએ પોતે ‘હાર્ટ’ લખતી વખતે પ્રેરણાનો જે આવેશ અનુભવ્યો તેવા આવેશનો ઉલ્લેખ ગ્રીક સર્જકોએ કર્યો છે. આપણા સાહિત્યમાં પણ જન્મથી અભણ એવી વ્યક્તિઓએ કોઈ સંત મહાત્માના આશીર્વાદથી કે દેવદેવીની ઉપાસના વડે સરસ્વતીનો પ્રસાદ પ્રાપ્ત કર્યાના ઉલ્લેખો મળી આવે છે તેના મૂળમાં કુ. રેહાના અનુભવી એવી જ કોઈ શક્તિનું કાર્ય હોવું જોઈએ. આ તો ચમત્કાર !! પણ ચમત્કાર બનતા જ હોય તેમનો સ્વીકાર કરતા ડરવું શા માટે વારુ?”
પછી આગળ લખે છે:
“સને 1936ના એપ્રિલમાં કુ. રૈહાનાએ દિલીપકુમાર રાયને પોતાનાં કેટલાક પદ્યો મોકલ્યા અને કેવી રીતે લખાયા એ પ્રશ્ન ઉઠ્યો ત્યારે એ પદ્યોના જન્મ વિશે એમણે આ પ્રમાણે લખ્યું :- “થોડા વર્ષો પૂર્વે એક રાત્રે હું પ્રાર્થનામાં બેઠી’તી. ઓચિંતો સંગીત જેવો મોટો અવાજ મારે કાને પડ્યો. રાગ સારંગ હતો, અને ગાનારા ખૂબ ઝડપે ગાતા હતા – “અહો બનઠનકર આઈ હું જશોદા! બનઠનકર આઈ” – ત્યાર પછી એ ગાનારી ગોપીઓને મેં મારા તરફ આવતી જોઈ અને દિલીપભાઈ! શા રંગો! શી સુગંધ! અને એમના આભરણ અને ઘરેણાની શી ઝબક! હું તો સ્તબ્ધ થઈ ગઈ. ગોપીઓ તો ગોળ ગોળ ફરતી નાચ્યા જ કરતી હતી અને એમની મધ્યમાં ભૂરા તેજનો અંબાર ચમકાર સહિત પડ્યો.”
રૈહાનાબેન કહે છે, “મેં જાણ્યું કે એ જ્યોતિપૂંજ કૃષ્ણનો હતો. એના નૂપુરનો ઝંકાર મેં સાંભળ્યો. હું મત્ત થઈ ગઈ. બનઠનકર એ લીટી ઘૂંટતી હું નિદ્રાવશ થઈ અને મારા સમસ્ત દેહમાં એ નૃત્યુનો ભાવ વ્યાપી ગયો. જ્યારે સવારે હું ઊઠી ત્યારે ગાતી અને નાચતી ઊઠી અને તુર્ત શબ્દોની ધારા ચાલી અને મેં તે ઉતારી લીધી.”
પછી આગળ શ્રી પુરાણી લખે છે,
“કુ. રૈહાના એ કોઈ ઉર્ધ્વશક્તિના પ્રતાપે ત્રણ જ દિવસમાં હાર્ટ લખ્યું – તેમને લખવું પડ્યું. રા. બ.ક. ઠાકોરે ગોપીહૃદય પૂરું કરતા સાત વર્ષ લીધા …. જન્મે અહિંદુ કુ. રૈહાના સાચુ હિંદુત્વ પામ્યા છે જ્યારે જન્મે હિંદુ રા. બ.ક. ઠાકોર અહિન્દુ ગણાય એવું માનસ કેળવી શક્યા છે – એવી જીવનની અકળ ગતિ છે.”
“જન્મે અહિન્દુ કુ. રૈહાના સાચુ હિન્દુત્વ પામ્યા છે.” – ગાંધીવાદીઓ, હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમો – ત્રણેય ખેમા માટે આ વાક્ય પડકારરૂપ છે. સૌને દિપાવલીની શુભેચ્છા!
સૌજન્ય : રાજુભાઈ સોલંકીની ફેઇસબૂક દીવાલેથી સાદર