પદ્મસન્માન નહીં સ્વીકારવાનું ઔચિત્ય
દેશની અકાદમીના ચુંટાયેલા પ્રમુખ ઉમાશંકરને શિક્ષણ મંત્રીએ પૂછ્યું કે હું તમારી શી સેવા કરી શકું. ત્યારે કવિ કહ્યું કે, તમારા સેક્શન અધિકારીઓને સમજાવશો કે અકાદમી એમની તાબેનો ઇલાકો નથી.

પ્રકાશ ન. શાહ
કાલે જ દર્શકને એકસો અગિયારમે યાદ કરવાનું બન્યું હતું. છેલ્લા ચાર દાયકા દરમિયાન વિદેહ થયેલા ગુજરાતી સર્જકો પૈકી એમને અને ઉમાશંકરને સવિશેષ સંભારવાનું વખતોવખત થતું રહે છે. એમ તો, આ જેમનું શતાબ્દી વર્ષ છે તે નિરંજન ભગત પણ સહજ સ્મરણીય છે. પણ ઉમાશંકર અને દર્શકમાં જે સંગતિ અને સાતત્ય છે તે ગાંધીયુગના સ્વાતંત્ર્યસૈનિકો તરીકે તેમ માર્ક્સ સહિતના વ્યાપક વિશ્વવિચારમાં રમેલ તરીકે છે. સંગતિ અને સાતત્યની રીતે એક સ્પૃહણીય સ્મરણ, 1947ના સ્વાતંત્ર્યપર્વ પછી સીમાઘટનારૂપ કટોકટીરાજ સામે બંનેની પ્રતિકારભૂમિકાનું પણ છે.

ઉમાશંકર જોશી
વિધાયક વિકલ્પના, સકારાત્મક અનુમોદનાના તેમ યથાપ્રસંગ અસંમતિના આ અવાજોનું ગૌરવ એ વાતે છે કે એમને પહેલા (1947) અને બીજા સ્વરાજ (1977) એકેનો કાટ ને મેદ ન ચડ્યો. એકે સીમાઘટનાએ એ ઇતિ માનીને અટક્યા નહીં. તમે સંખ્યાબંધ સ્વાતંત્ર્યસૈનિકોને જોશો જે સુડતાલીસે સત્તામાં ગંઠાઈ ગયા હોય કે જેમણે ચાલુ જિંદગી બસર કરવું પસંદ કર્યું હોય. તમે કટોકટી સામેના લડવૈયાઓમાં પણ એવા સંખ્યાબંધ લડવૈયાઓ જોશો જે 1977 સાથે સત્તાકારણમાં ગંઠાઈ ગયા હોય કે વેલઅર્ન્ડ પણ ચીલેચલુ જિંદગીમાં ગોઠવાઈ ગયા હોય.
પણ સ્વરાજ અને લોકશાહી જેનું નામ, એમાં તો સતત સતર્કના અને અતન્દ્ર જાગૃતિ એ નાગરિક પૂર્વશરતવત્ છે. સહેજ સાતેક દાયકા થયા હશે, ‘ગ્રામર ઑફ પોલિટિક્સ’ (લેંસ્કી) વાંચ્યાને ઊઘડતે પાને, પાછલી બાજુએ, મુકાયેલું એક ક્વોટેશન કમબખ્ત કેડો મેલતું નથી. અર્ધુંક વાક્ય ટાંકું એમાંથી, ધ બેટલફીલ્ડ ઇઝ નેવર ક્વાયેટ – એક એવું સમરાંગણ છે આ, જે કદાપિ સૂનું હોઈ શકતું નથી.

મનુભાઈ પંચોળી ‘દર્શક’
ઉમાશંકર જોશી દેશની સાહિત્ય અકાદમીના પ્રમુખપદે ચુંટાયા ત્યારે તો હજુ કટોકટી સામે લડીને બનેલી મોરારજી સરકાર હતી. જનતા પ્રધાનમંડળના શિક્ષણ મંત્રી ચુંદરે વિધિવત વિનયપૂર્વક અકાદમી પ્રમુખને પૂછ્યું કે આપની શું સેવા કરી શકું. ઉમાશંકર જેનું નામ, એમણે કહ્યું કે તમારા સેક્શન અધિકારીઓને સમજાવશો કે સ્વાયત્ત અકાદમી એમને તાબેનો ઇલાકો નથી. સરકાર સાથે ધારો કે બહોળી સંમતિ તોપણ સમીકૃત થવું પસંદ નહીં કરનારા માંહેલા હતા. નિખિલ ચક્રવર્તી ને ઉમાશંકર બે વિરલ શખ્સિયત એવી હતી. આપણી વચ્ચે જેમણે પદ્મસન્માન નહીં સ્વીકારવામાં ઔચિત્ય જોયું.
શાસન પરત્વે અભિગમમાં છતે ઝોકફેરે ઉમાશંકર ને દર્શક બેઉમાં એક વિલક્ષણ નાતો ત્યારે જોવા મળ્યો, જ્યારે કાઁગ્રેસકુળના મગનભાઈ પ્ર. દેસાઈ અને ઉમાશંકર જોશી યુનિવર્સિટીના ઉપકુલપતિપદ માટે સામસામા હતા. કાઁગ્રેસે મગનભાઈ પોતાના સત્તાવાર ઉમેદવાર છે એવું વલણ દાખવ્યું ત્યારે દર્શકે (કાઁગ્રેસમેન છતાં) એમને બદલે ઉમાશંકરનું સમર્થન કહ્યું હતું, કેમ કે ઉપકુલપતિપદ એ કોઈ પક્ષીય હોદ્દો નથી. (જો કે આજે જે પ્રકારનું નિયુક્તિકારણ ધરાર ચાલે છે તેમાં તો આ ત્રણે પ્રતિભા એક સાથે વિરોધ નોંધાવવો પસંદ કરે.)
દર્શક ધારાસભ્ય હતા અને રાજ્ય સરકારે એમને કૃષિવર્સિટી સંભાળવા પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે મારે ધારાસભ્યપદ છોડવું જોઈએ. સરકારે કહ્યું કે, કૃષિ’વર્સિટીનો હોદ્દો એ ઓફિસ ઓફ પ્રોફિટ ન ગણાય એવી કાનૂની જોગવાઈ કરીએ. દર્શકે કહ્યું કે ધારાસભ્ય તરીકે પક્ષીય સંડોવણી અને બીજી બાજુ યુનિવર્સિટીનું દાયિત્વ, બે એક સાથે ન જઈ શકે.
આવો વિવેક ક્યાં શોધવો આજે? હમણાં કહ્યું કે ઝોકફેરે છતાં સાથે, એનું વિલક્ષણ ઉદાહરણ કટોકટી પછીનાં વર્ષોમાં કોઈ જોવું હોય તો તે ગુજરાતની સાહિત્ય અકાદમી બાબતે જોવા મળ્યું. ઉમાશંકરે એનું સન્માન ન સ્વીકાર્યું, કેમ કે એ સ્વાયત્ત નહોતી. દર્શકને હિસ્સે અકાદમીની સ્વાયત્ત રચનાનું દાયિત્વ આવ્યું. ઉમાશંકર ને દર્શકના આ ઇતિહાસવારસા સામે આજે ક્યાં છીએ આપણે, એ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપતાં લાળા ચાવવા પડે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 ઑક્ટોબર 2025