1975માં કટોકટી જાહેર થઈ, ત્યારે આ ઘોર અન્યાય સામે પોતાનો વિરોધ નોંધાવવા દર્શકે સ્વરાજસૈનિક તરીકે મળેલું તામ્રપત્ર સરકારને પાછું મોકલી આપ્યું
જન્મ : 15-10-1914 • મૃત્યુ : 29-8-2001
દર્શક, આપણા મનુભાઈ પંચોળી સ્તો, આપણી વચ્ચે હોત તો આજે બરાબર એકસો અગિયાર વરસના થયા હોત! જો કે, અત્યારે હું લખી રહ્યો છું એમાં કોઈ જન્મજયંતી વિશેષ તરેહના ટાંચણટિપ્પણનો ખયાલ મુદ્દલ નથી. માત્ર, જૂન 1975થી માર્ચ 1977ના કટોકટીરાજના પચાસી ગાળામાં ત્યારે આપણા સારસ્વતો કેવી રીતે વ્યક્ત થયા હતા એની ઝલક ઝાંખી રૂપે થોડીક વાત કરવા વાસ્તે દર્શક સરખું રૂડું ઓઠું લેવું છે, એટલું જ.
હમણાં મેં ‘સારસ્વત’ એ પ્રયોગ કીધો પણ એમનાં અભિવચનોનો આ ગાળાનો પૂરા કદનો સંચય હજુ મળવાનો બાકી છે. ઉમાશંકરના ‘સમયરંગ’માં તેમ માવળંકરના ‘નો સર’માં આવી કેટલીક સામગ્રી જરૂર સચવાઈ ગઈ છે.
પણ દર્શક જેવાને એ ગાળામાં જે લખવા-બોલવાનું થયું હશે, એ એમના સાહિત્યમાં કિંચિત સચવાયું હોય તો પણ વિશિષ્ટ સંચયોમાં તો તે પહોંચવું જ જોઈએ ને. અને હા, સ્વામી આનંદ જેવા લડવૈયા ને કરવૈયા એવા જ અનુત્તમ ગદ્યસ્વામીએ જીવનના આખર મહિનાઓમાં 1975ના જૂન-ડિસેમ્બરના ગાળામાં દિલ રેડીને જે લખ્યું, એની તો શી ખબર તે વખતના સીમિત દાયરા બહાર ક્યાં ય નોંધ પણ લેવાઈ હશે કે કેમ.
દર્શક બહારગામ હશે ને કટોકટી જાહેર થઈ. ઘરે, સણોસરા પહોંચ્યા ત્યારે ઘરમાં પ્રવેશતાં જ નજર એ તામ્રપત્ર પર પડી જે એમને સ્વાતંત્ર્યસૈનિકને નાતે મળ્યું હશે. સ્વાતંત્ર્યસૈનિક હોઈ પતિ-પત્ની બંને પેન્શનના અધિકારી હતાં, પણ ‘તે તો અમે નહોતું લીધું. દેશસેવાનું એટલું અલ્પ મૂલ્યાંકન કરવું નહોતું. પણ તામ્રપત્ર લીધું હતું. આપણાં સંતાનો, સંતાનોનાં સંતાનો જુએ, ગૌરવ લે, પ્રેરણા અનુભવે તેવી સમજથી લીધેલું. આની હવે જરૂર હતી ખરી? … થયું, ક્યાં છે તે સ્વરાજ જેમાં રવિ ઠાકુરે પ્રાર્થ્યું હતું કે ‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર, જ્ઞાન જેથા મુક્ત…’ ક્યાં છે તે સ્વરાજ જેને માટે પંદર વર્ષની કિશોર વયે મારા ઊઘડતા આકાશ સમા ભાવિને નાખી દઈ અજાણ વાટે ચાલી નીકળ્યો હતો, જેને માટે મેં માથાં પછાડતી મારી બહેનને છોડી હતી? કટોકટીની તારીખે સ્વરાજ નાશ પામ્યું છે. અને મેં રાજ્યપાલશ્રીને પત્ર લખવા કલમ ઉપાડી …’
અને શું લખ્યું એમણે આ પત્રમાં –
‘સ્વરાજ લાવવા, ટકાવવા અને વિકસાવવામાં અલ્પ છતાં મારી શક્તિ મુજબનો બધો ફાળો આપનાર, દેશ અને દેશનાં ગરીબ ભાઈબહેનોને ચાહનાર દેશવત્સલ નાગરિક તરીકે મારાથી કહ્યા વિના રહેવાતું નથી કે દેશ પર લાદેલી કટોકટી સ્વરાજના હેતુ અને સ્વરાજના સિદ્ધાંતને ઉથલાવી મૃત:પ્રાય કરનાર છે.’
‘વર્તમાન સરકારની નીતિ અને વ્યવહાર સામે લોકો શાંત, અહિંસક વિરોધ કરતા હતા. લાખોનાં સરઘસો પટણા, દિલ્હી, કલકત્તામાં નીકળ્યાં હતાં, અને જે ગાંધીયુગનો હું સાક્ષી છું તેના કરતાંયે ચડી જાય એવી શાંતિ આ સરઘસો, સભાઓમાં જળવાયેલી, મેં બિહાર અને બીજે સ્થળે જોઈ છે.’
‘આ સ્થિતિમાં આંતરિક અશાંતિનો ભય હતો તેવું કોઈ સમજુ નાગરિકને ગળે ઉતરે તેવું નથી.’
‘કટોકટી વાજબી કારણે કે વાજબી સમયે મુકાઈ છે કે નહીં તે સંબંધમાં કોઈ અદાલતમાં પણ જઈ શકે નહીં, તેવો બંધારણીય સુધારો લાવી સરકારે પોતાની પાસે કોઈ આધાર નથી તેવું તો આડકતરી રીતે કબૂલ્યું ગણાય, પણ નાગરિકોના રાજ્યને પ્રશ્ન પૂછવાના કે યોગ્યતા તપાસવાના મૂળભૂત અધિકારને નઠોરતાથી ઝૂંટવી લીધો છે. આ સ્વરાજ નથી.’
‘સ્વરાજમાં નાનામાં નાના નાગરિકને સરકારને પૂછવાનો, ખુલાસો માગવાનો અધિકાર છે, કારણ કે સરકાર સંતાન છે, નાગરિકો તેના જન્મદાતા છે.’
‘આ સ્વરાજ નથી, કારણ કે પ્રજાની નાડીના ધબકારા દર્શાવનાર યંત્ર સમા વર્તમાનપત્રોને મોંએ તાળાં મરાયાં છે …’
‘હું કોઈ પક્ષમાં નથી. કોઈ પક્ષનાં હિતો માટે આ લખતો નથી. સ્વરાજ ઝંખતા, તે માટે યથાશક્તિ ભોગ આપેલા અને ભોગ આપવા ઈચ્છતા નાગરિક તરીકે આ લખું છું.’
‘અત્યારે આ નાગરિકતા કટોકટી, સેન્સરશિપ, મિસા, સંરક્ષણ ધારાના અવિચારી અમલ નીચે ડૂબી રહી છે તેવું લાગે છે. તેવે વખતે હું મૌન રહું તો મારા આજ સુધીના સમગ્ર જીવનને લાંછન લાગે … આથી હું આ બધાંનો વિરોધ કરું છું અને વિરોધ રૂપે મને અપાયેલ ‘સ્વરાજસૈનિક’ તરીકેનું તામ્રપત્ર આપના દ્વારા સરકારને પાછું મોકલું છું …’
દર્શકને પણ થોડાં અઠવાડિયાં ત્યારે જેલની હવા ખાવા મળેલી. ક્યારેક જે જેલમાં એમણે ‘દીપનિર્વાણ’ નવલકથા લખી હશે, જે વાંચીને ઉમાશંકરે એમનામાં ગોવર્ધનરામના સાક્ષર જીવનનો આદર્શ ચરિતાર્થ થતો જોયો હતો, એ જ જેલનાં આ અઠવાડિયાં એક જુદા જ સર્જનની સોગાત લઈને આવ્યાં : કેદીઓ પાસે મહાભારતનું પારાયણ કર્યું. દર્શકનો આ પ્રકારનો પહેલો જ પ્રયોગ હતો.
અનસૂય આનંદ છતાં કંઈક નાજુક અદેખાઈ, એવો એક હૃદયભાવ પ્રગટ કરું? દર્શક પકડાઈને અમારી વડોદરા સેન્ટ્રલ જેલમાં આવ્યા હોત તો! એ દિવસોમાં અમે બાબુભાઈ જશભાઈને અક્ષરશ: કંઠસ્થ ‘રઘુવંશ’નું આકંઠ પાન કર્યું હતું. દર્શક હોત અને મહાભારતનો સમો બંધાયો હોત.
જો કે, શરૂમાં હું પાલનપુર સબ જેલમાં હતો ત્યારેદ ર્શકની પરોક્ષ મુલાકાત યાદગાર બની રહી હતી. મહેન્દ્ર મેઘાણીએ જે સાહિત્ય મોકલીઆપ્યું તેમાં દર્શકનાં મેઘાણી વ્યાખ્યાનો પણ હતાં. ન ભૂતો ન ભવિષ્યતિ એવું આ મેઘાણી-ઘટન હજુ સુધી તો છે, દર્શકના એકસો અગિયારમે!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 ઑક્ટોબર 2025