મોદીજી સરકારી પૈસે રેલી / સભાનું આયોજન કરે અને તેમાં વિપક્ષનું ચરિત્રહનન કરે ! છતાં મોદીજી કહે હું ખાતો નથી, હું ખાવા દેતો નથી !
મોદીજીએ PM CARES-Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations ફંડ ઊભું કર્યું. અને કહી દીધું કે આ સરકારી ફંડ નથી ! અગાઉ PMNRF-પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ 1948માં સ્થાપિત થયું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ કુદરતી આફતો – પૂર, ભૂકંપ, ચક્રવાત, દુર્ઘટનાઓ કે રમખાણોમાં પીડિતોને તાત્કાલિક રાહત આપવાનો છે. આ ફંડ સરકારી ફંડ છે, જેનું નિયંત્રણ પ્રધાન મંત્રીના વિશેષ વિવેકથી થાય છે, અને તેમાં દાનદાતાઓને આવકવેરા રાહત મળે છે. જ્યારે PM CARES ફંડની રચના 27 માર્ચ 2020માં કોવિડ-19 મહામારીને કારણે કરવામાં આવી હતી, જેનો વિશેષ ઉદ્દેશ આવી સ્થિતિમાં લોકોને વ્યાપક રાહત, આરોગ્ય સુવિધાઓનું નિર્માણ / અપગ્રેડ, સંશોધન અને અન્ય મદદ પૂરી પાડવાનો છે. આ ફંડ એક ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલું છે, જેમાં પ્રધાન મંત્રી ચેરમેન છે અને રક્ષા, ગૃહ અને વિત્ત મંત્રીઓ ટ્રસ્ટી છે. તેમાં વિદેશી દાન (FCRA હેઠળ) અને CSR દાન પર 100% વેરા છૂટ મળે છે, જે PMNRFમાં નથી. 2020-21માં PM CARESમાં 10,990 કરોડ રૂપિયાના દાન આવ્યા હતા. સરકાર કહે છે કે “CAG-કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા નિયંત્રિત નથી અને તેના ખર્ચની વિગતો પૂરી રીતે જાહેર થતી નથી. PM CARES ફંડ ખાનગી હોવાથી ઝડપી નિર્ણયો લઈ શકાય છે !”
જો પી.એમ. કેર્સ ફંડ સરકારી નથી તો સરકારી વેબસાઇટ, અશોક ચક્ર અને વડા પ્રધાનના ફોટાનો ઉપયોગ શા માટે?
જો પી.એમ. કેર્સ ફંડ સરકારી નથી તો સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકીને બળજબરીથી પૈસા એકત્ર કેમ કરવામાં આવ્યા? શું આને ‘સ્વૈચ્છિક યોગદાન’ કહેવાય? રેલવે કર્મચારીઓ પાસેથી ₹ 146 કરોડ 72 લાખ એકત્ર કરવામાં આવ્યા ! અવકાશ વિભાગના કર્મચારીઓ પાસેથી ₹ 5 કરોડ 18 લાખ કાપવામાં આવ્યા. રક્ષા મંત્રાલયના કર્મચારીઓનો એક દિવસનો પગાર બળજબરીથી કાપવામાં આવ્યો, જે કુલ ₹ 500 કરોડ છે. સુપ્રીમ કોર્ટના અધિકારીઓનો ત્રણ દિવસનો પગાર, નોન-ગેઝેટેડ અધિકારીઓનો બે દિવસનો પગાર અને ગ્રુપ ‘સી’ના કર્મચારીઓનો એક દિવસનો પગાર કાપવામાં આવ્યો.
જો પી.એમ. કેયર્સ ફંડ પ્રાઈવેટ હોય તો કોર્પોરેટ ડોનેશન માટે માન્ય રહી શકે નહીં ! CSRની રકમ એ કામો માટે ખર્ચ કરવાની હોય છે જેથી લોકોના સામાજિક / આર્થિક / શૈક્ષણિક / નૈતિક અને સ્વાસ્થ્યના સ્તરમાં સુધારો થાય. એટલે 26 મે 2020ના રોજ કેન્દ્ર સરકારે કંપની એક્ટ 2013માં પણ સુધારો કરી CSRમાં પી,એમ, કેયર્સ ફંડનો સમાવેશ કરી દીધો !
આ ભંડોળને ખાનગી ટ્રસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારી વિભાગોમાંથી પૈસા લૂંટવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક રીતે નહીં, ફરજિયાતપણે વસૂલાત કરવામાં આવી હતી. એક ખુલ્લેઆમ જૂઠાણું, સ્પષ્ટપણે ગુનાહિત યુક્તિ.
આ ફંડ ક્યા વાપર્યું, કેવી રીતે વાપર્યું તેનું કોઈ ઓડિટ નહીં ! એટલું જ નહીં, આ અંગે કોઈ માહિતી RTI હેઠળ કોઈ માંગી ન શકે ! લૂંટને ઢાંકી રાખવાનો સજ્જડ બંદોબસ્ત ! શું આને સુશાસન / ગુડ ગવર્નન્સ કહેવાય?
હવે વિચારો, ઝડપી નિર્ણયો લઈ શકાતા હોય તો 2021થી 2025 દરમિયાન, PM CARES ફંડમાંથી ગુજરાતને કોઈ ફાયદો થયો? કોઈ નવી હોસ્પિટલો બની? કોઈ નવું સંશોધન થયું? લોકોને રાહત મળી?
મોદીજીની જાદુઈ કળા તો જૂઓ : આ ટ્રસ્ટ, ડોનેશન ઉઘરાવે ત્યારે સરકારી અને હિસાબ આપવાનો થાય ત્યારે પ્રાઈવેટ !
11 ઓક્ટોબર 2025.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર