
યોગેન્દ્ર યાદવ
શિક્ષણનો લોકશાહી સાથે કેવો સંબંધ છે? શિક્ષણ લોકશાહીમાં યોગદાન આપી શકે? તેનો ઉત્તર સ્પષ્ટ અને સરળ છે — કશું ય નહીં. યોગદાનના બદલે સંભવત્ વધુ મુશ્કેલી ઊભી કરે છે. હું તમને એક ઉદાહરણ આપું છું.
હું હરિયાણાનો નિવાસી છું. તમે દિલ્હીની બરાબર નીચેના ભાગમાં ગુડગાંવથી ૧૫ કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં જજો. ગુડગાંવને આપણે ટૅક્નૉલૉજી અને ૨૧મી સદીનું મોટું કેન્દ્ર ભલે માનતા હોઈએ; જ્યાં આઇ.ટી. હબ છે. અહીંયાં મેવાત નામનો એક વિસ્તાર છે. દેશમાં જે વિસ્તારમાં સૌથી ઓછો સાક્ષરતા દર છે, તેમાંથી એક મેવાત પણ છે. એટલું તો કહી જ શકાય કે મુસ્લિમ સમાજમાં સૌથી ઓછી સાક્ષરતા દિલ્હીથી નજીક આવેલા આ વિસ્તારમાં છે. હું ફરતો-ફરતો ત્યાં પહોંચ્યો અને એક શાળામાં જઈને બેઠો. આ સરકારી શાળા હતી. મેં શિક્ષકને પૂછ્યું ‘હું ૯ અને ૧૧ ધોરણમાંથી કોઈ એકના નાગરિકશાસ્ત્રના તાસમાં બેસી શકું છું?’ તેમણે કહ્યું, ‘કેમ નહીં! તમે ભણાવો પણ ખરા.’ શિક્ષક માટે તો આ સારું હતું કે કોઈ બહારની વ્યક્તિ બાળકોને ભણાવવા તૈયાર હતી. મને માહિતી મળી કે છેલ્લા બે મહિનાથી નાગરિકશાસ્ત્ર ભણાવનારા શિક્ષક રજા પર હતા. એક ધોરણમાં સંસ્કૃતના અને બીજામાં કૉમર્સના શિક્ષક નાગરિકશાસ્ત્ર ભણાવી રહ્યા હતા.
હું તેમના વર્ગમાં બેઠો અને બાળકો સાથે બે કલાક સુધી વાતો કરી. તે સમયે વર્ગમાં જે કંઈ ચાલી રહ્યું હતું તેનો સંદર્ભ આપીને મેં વાત રજૂ કરી. મોટા ભાગનાં બાળકોને ખ્યાલ હતો કે રાષ્ટ્રપતિ કોણ છે. સૌને રાષ્ટ્રપતિનું નામ પણ ખબર હતી. મેં પૂછ્યું, ‘લોકશાહી’ શબ્દ સાંભળ્યો છે? શું આપણા દેશમાં લોકશાહી છે?’ એક વિદ્યાર્થિનીએ કહ્યું : ‘હા, હા. એક લોકતંત્ર છે અને એક રાજતંત્ર છે.’ મેં પૂછ્યું : ‘શું આ બંને આપણા દેશમાં એકસાથે છે?’ તેણે કહ્યું : ‘હા, લોકશાહી માટે પાંચ વર્ષ અને રાજતંત્ર માટે છ વર્ષે ચૂંટણી થાય છે.’ મને સમજાઈ ગયું કે તે લોકસભા અને રાજ્યસભાની વાત કરી રહી છે.
મેં પૂછ્યું : ‘દેશમાં કોનું રાજ હોય છે?’ તેમણે કહ્યું : ‘રાષ્ટ્રપતિનું.’ મેં કહ્યું : ‘હા તેઓ રાજ ચલાવે છે, પરંતુ માનો કે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન વચ્ચે કોઈ મતભેદ થાય તો શું થાય?’ તેમણે કહ્યું : ‘મતભેદ ન થવો જોઈએ. થાય તો બંનેએ સાથે બેસીને સમાધાન લાવવાનું રહે.’ મેં કહ્યું : ‘આ તો સારી વાત છે. પરંતુ માની લો કે તેમ છતાં મુદ્દો ન ઉકેલાયો તો?’
બાળકો સાથે આ વિષય પર ખૂબ વાતચીત થઈ. મેં કહ્યું, ‘તમે પરસ્પર વાતચીત કરી લો. આ પરીક્ષા નથી પરંતુ સમજી-વિચારીને તમે ઉત્તર આપજો.’ સૌએ એકબીજા સાથે સંવાદ કરીને કહ્યું, ‘જો આવું કશું થાય તો આખરે રાષ્ટ્રપતિ આ દેશના પ્રમુખ છે.’ ફરી તેમને પૂછ્યું, ‘વડા પ્રધાનની મરજીનું શું?’ બાળકોએ કહ્યું : ‘ના. તેમણે રાષ્ટ્રપતિની વાત માનવી પડશે, કારણ કે રાષ્ટ્રપતિ વડા પ્રધાનની પસંદગી કરે છે. એ સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિની વાત આખરી ગણાશે.’
લોકસભા અને રાજ્યસભા વિશે મેં પૂછ્યું હતું કે આ બંને ગૃહમાંથી કયા ગૃહ પાસે વધુ શક્તિ છે? પછી ખૂબ ચર્ચા થઈ. તે બધાનો મત એવો હતો કે, ‘ઉપલું ગૃહ રાજ્યસભા ગણાય છે, તો ઉપલા ગૃહની સત્તા વધુ છે.’ પછી મેં તેમનું પુસ્તક ઉલટાવીને જોયું. તે પુસ્તકમાં રાષ્ટ્રપતિની સત્તા વિશે ૧૪ પાનાં હતાં અને વડા પ્રધાન વિશે માત્ર બે પૅરેગ્રાફ. જો વિદ્યાર્થીઓ એ નિષ્કર્ષ પર આવે કે દેશમાં રાષ્ટ્રપતિની સત્તા વધુ છે; તો તેમાં ખોટું શું છે?
આ પુસ્તકોમાં રાષ્ટ્રપતિ, ધારાસભા, અમલદારવર્ગ, ન્યાયિક અને વહીવટી સત્તા વિશે વિસ્તૃત રીતે દર્શાવવામાં આવ્યું હતું. કટોકટીના સમયમાં પણ તેમની પાસે સત્તા હોય છે. તેમની સત્તા વિશે ૧૪ પાનાંમાં ભણાવવામાં આવે છે અને અંતે એક નાનકડા હિસ્સામાં ઉલ્લેખ થાય છે કે રાષ્ટ્રપતિ એક કર્મચારીની નિયુક્તિ કરે છે — જેનું પદ વડા પ્રધાનનું છે.
તેમની સાથે એકાદ કલાક માથાકૂટ કર્યા બાદ પૂછ્યું : ‘આ વર્ગખંડમાં વીજળી કેમ નથી?’ તેમણે કહ્યું : ‘પાછલાં ત્રણ અઠવાડિયાંથી સ્કૂલ અને પૂરાં ગામની વીજળી કાપી નાંખવામાં આવી છે; કારણ કે પંચાયત ચૂંટણીમાં સરપંચ બનનાર દલિત છે. ગામની પ્રભાવશાળી જ્ઞાતિને તે સ્વીકાર્ય નહોતું. સરપંચને પાઠ ભણાવવા પ્રભાવશાળી જૂથ વિકાસ અધિકારીને મળીને એક એવી રમત રમ્યું કે ગામમાં પંદર દિવસ સુધી વીજળી નથી આવી. લોકો આ રીતે ત્રાહિમામ પોકારશે અને તેમને ખ્યાલ આવશે કે દલિતને સરપંચ તરીકે ચૂંટશો તો આવાં હાલ થશે.’
આ બાળકો દેશની રાજકીય વ્યવસ્થાના નાનકડા મુદ્દાઓ પણ મને જણાવી શકતાં નહોતાં. તે પછી મને એક કલાક સુધી જ્ઞાતિ અને રાજનીતિ વિશે એક શોધનિબંધ લખાય તે સ્તરથી બધું સમજાવી રહ્યાં હતાં. તેમણે મને ગામની રાજનીતિ જે સૂક્ષ્મતા સમજાવી, તે સાંભળીને હું દંગ રહી ગયો કે ૧૧મા ધોરણનાં બાળકોને રાજનીતિ વિશે આટલું વિસ્તારપૂર્વક ખ્યાલ છે!
આપણી મુશ્કેલી પુસ્તકો આધારિત ચર્ચા, અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોની છે. બાળકો પોતાના સામાન્ય જીવનમાં રાજનીતિ વિશે જે કંઈ શીખે છે, તેને આપણે શાળાના રાજનીતિશાસ્ત્રમાં જગ્યા આપવા માટે તૈયાર નથી. આપણે રાજનીતિશાસ્ત્રનો અર્થ એવો કરીએ છીએ કે દેશમાં રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે, તમે તે પ્રક્રિયાનું વર્ણન કરો. આ પ્રશ્નનો જવાબ કોઈ પણ યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસરને પૂછી જોશો; તો તે ભાગ્યે જ યોગ્ય રીતે જણાવી શકશે. આ પ્રશ્ન દેશના સંસદના ૫૪૩ સભ્યોને પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? તો અડધાથી વધુ સાંસદો તે વિશે માહિતી નહીં આપી શકે. પરંતુ આ પ્રકારની મતલબ વિનાની વાતો આપણે ધોરણ ૮માં ભણાવીએ છીએ.
રાજનીતિશાસ્ત્ર અંગે જે મુશ્કેલી છે, તેના આપણે ત્રણ ભાગ કરી શકીએ. એક, રાજનીતિના સિદ્ધાંત અને વ્યવહારનું વિભાજન. જે બાળકો રાજ્યસભા અને રાષ્ટ્રપતિ વિશે બોલતાં હતાં — તે બરાબર હતું. કારણ કે તેમને રાજનીતિનો કોરો સિદ્ધાંત, તે પણ ઔપચારિક રાજનીતિનો સિદ્ધાંત જણાવવામાં આવ્યો હતો. તેનું વ્યવહારશાસ્ત્ર ભણાવવામાં આવ્યું નહોતું. આ રાજનીતિશાસ્ત્ર અને વ્યવહારનું વિભાજન છે. મનમોહનસિંઘ આ દેશને કેવી રીતે ચલાવી રહ્યા છે, જ્યારે સત્તા તો પ્રતિભા પાટીલની હોવી જોઈએ?[1] તેમનું પુસ્તક એવું દર્શાવતું નથી કે વડા પ્રધાન જ દેશને ચલાવે છે. ક્યાં ય નાનકડા વાક્યમાં એવું લખી દેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પ્રતીકાત્મક પ્રમુખ છે. આ એક વાક્યમાત્ર છે અને એક વાક્યનું મહત્ત્વ એટલું છે, જેટલું હોવું જોઈએ. બીજું, જે આ ઉદાહરણમાં દાખવ્યું કે બાળકોના જીવનનાં અનુભવ અને શાળાના ઔપચારિક શિક્ષણમાં ફરક છે. આ બંને અલગ-અલગ ક્ષેત્ર છે. એકબીજા સાથે તેનો કોઈ સંબંધ નથી. ત્રીજું લોકશાહી અને રાજનીતિ વચ્ચેનો ફરક છે.
રાજનીતિશાસ્ત્ર વિષયને અગાઉના ધોરણમાં રાજનીતિશાસ્ત્ર કહેવામાં આવતો નહોતો. આ વિષયને અગિયારમા-બારમા ધોરણમાં જ આ નામ આપવામાં આવે છે. નાગરિકશાસ્ત્ર કે રાજનીતિશાસ્ત્રના નામના ૬થી ૧૨ ધોરણ સુધી જેટલાં પણ પુસ્તક હતાં, તે વિશે એક વાત ઠોસ રીતે કહી શકાય કે તે પુસ્તકોમાં એક બાબતનો અભ્યાસ કરાવવામાં નહોતો આવતો. દૂરથી પણ તે વિષયને સ્પર્શ કરવામાં આવતો નહોતો — તે છે રાજનીતિ.
પાછલા બે દાયકામાં ‘નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ’ [એન.સી.ઇ.આર.ટી.]નાં પુસ્તકો વિશે તમે બૂમબરાડા કે ભગવાકરણના મુદ્દા સાંભળ્યા હશે. પરંતુ તમે રાજનીતિશાસ્ત્રના પુસ્તક વિશે ક્યારે ય વિવાદ સાંભળ્યો? મેં નથી સાંભળ્યો. તેનું કારણ એ છે કે, તેમાં રાજનીતિ ભણાવવામાં નહોતી આવતી. તેમાં કોઈ વિવાદાસ્પદ વાત નહોતી. જો રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે જોશો તો તેમાં કોઈ વિવાદ થાય એવું છે જ ક્યાં? રાષ્ટ્રપતિની ચૂંટણી ‘સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ’થી થાય છે. જે રીતે આ પદ્ધતિનું નામ છે, તેનું તો નામ સાંભળીને જ બાળકો થાકી જાય છે. વિશ્વમાં માત્ર આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આ રીતે થાય છે. ખબર નહીં આ વિચિત્ર પ્રણાલી આપણા દેશે કેમ અપનાવી હશે? રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિને આપણે એ રીતે ભણાવી રહ્યા છીએ, જાણે આ દેશની રાજનીતિનો કેન્દ્રીય ભાગ હોય અને તેની આસપાસ આખો દેશ ફરતો હોય.
રાષ્ટ્રીય પાઠ્યસંવાદની રૂપરેખા ૨૦૦૫ના અનુરૂપ તમામ વિષયોનાં પુસ્તક નવી રીતે લખવામાં આવ્યાં છે. માત્ર રાજનીતિ વિજ્ઞાન નહીં; ગણિત, અર્થશાસ્ત્ર, ભાષા વગેરે તમામ વિષયોમાં ૧થી ૧૨ ધોરણ સુધીનાં પુસ્તકો લખવામાં આવ્યાં છે. તેમાં એ પણ તક હતી કે આપણે રાજનીતિશાસ્ત્રનાં પુસ્તકો ફરી એક વાર ધ્યાનથી જોઈએ. આ એક અનન્ય અવસર હતો. તેમાં અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોને નવી રીતે તૈયાર કરવાની તક મળી હતી. …મને નથી લાગતું કે આ અંગે આપણી જરાસરખી તૈયારી હતી. વિશ્વના બીજા દેશોમાં મોટી મોટી સંસ્થાઓ આ વિષય પર કાર્યરત હોય છે કે કયા વિષયમાં શું ભણાવવું જોઈએ. અમેરિકામાં તમને એક વિષય પર કાર્ય કરનારી દસ સંસ્થાઓ મળી જશે, જ્યાં પચાસથી સો લોકો કાર્યરત હોય. આ સંસ્થાઓનો એકમાત્ર ઉદ્દેશ એ હોય છે કે અમેરિકાની શાળામાં બાળકોને નાગરિકશાસ્ત્રનું શિક્ષણ કેવી રીતે આપવું? આ સંસ્થાઓ છેલ્લાં ચાળીસ-પચાસ વર્ષથી કામ કરે છે.
આપણા દેશમાં ન આવી સંસ્થાઓ છે, ન આવી કોઈ વ્યક્તિ — જેની સાથે મળીને આ કામ કરી શકાય. આપણે ત્યાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર સમજે છે કે પાઠ્યપુસ્તક લખવું તે સામાન્ય કામ છે. અન્ય વિષયોના પણ એવા જ હાલ છે. પાઠ્યપુસ્તક લખવાનાં અને તે પણ શાળાનાં! આમાં તેઓ જરા સરખો રસ લેતા નથી. એમ પણ આપણે ત્યાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર પોતાને સર્વશ્રેષ્ઠથી નીચે ક્યારે ય ગણવા તૈયાર હોતા નથી. કોઈ છત્તીસગઢમાં ભણાવી રહ્યા હોય અને તેને પૂછવામાં આવે કે બસ્તર વિસ્તારમાં શું થઈ રહ્યું છે? સલવા જુડુમ શું છે અને તે અંતર્ગત શું થઈ રહ્યું છે? રાજનીતિ વિજ્ઞાનના આ પ્રોફેસરને તમે પૂછશો કે તમારા પાડોશમાં શું થઈ રહ્યું છે? તો તે સમજશે કે તમે તેમની સાથે કેમ તુચ્છ વાત કરી રહ્યા છો? તમે તેની સાથે માત્ર પચાસ હજાર લોકો માર્યા ગયા તેની વાત કરી રહ્યા છો? તમે તેમની સાથે પ્લૅટોના વિષયમાં વાત કરો. તમે તેમની સાથે ૧૯૫૬થી ૧૯૬૧ સુધીના ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે વાત કરશો; તો તેઓ જ્ઞાન પીરસશે.
રાજનીતિશાસ્ત્રના વિષયમાં આપવામાં આવેલા સંદર્ભોનો — આપણે જીવીએ છીએ, તેનાથી ખૂબ અંતર રહ્યું છે. સામાન્ય રીતે એક પત્રકારને સ્થાનિક રાજનીતિ વિશે વધુ ખ્યાલ હશે. આપણા સંદર્ભ સમાવિષ્ટ કરવા અર્થે આપણી વ્યવસ્થા તૈયાર કરી નથી. આપણા દેશની આ વિશે કોઈ તૈયારી નથી, કોઈ અનુભવ નથી. આ બાબત પર ધ્યાન આપવા જેવું છે. દેશના કરોડો નાગરિક, જેનાથી આ દેશનું ભવિષ્ય નિર્ધારિત થવાનું છે, તેઓ કેટલો સમય શાળામાં રાજનીતિ કે સમાજ કે દેશ વિશે વિચારવામાં વિતાવે છે? જેને આપણે સમાજવિજ્ઞાનનું ધોરણ કહીએ છીએ, તે ધોરણમાં કેટલાં બાળકો ભણે છે? અને તેને શાળાના કલાકો સાથે ગુણાકાર કરીએ તો તમે વિચારો કે એક વર્ષમાં કેટલો સમય આ દેશના ભવિષ્ય વિશે ચર્ચા થઈ છે? અને તે સમયનો આપણે કેટલો દુરુપયોગ કરીએ છીએ. આ દેશનું નવનિર્માણ કરવાનું હશે તો તમારી પાસે કેટલો સમય છે? અને આ સમયમાં આપણે કોઈ નોંધપાત્ર વાત કરતા નથી.
જે તક અમને મળી, તેનો ઉપયોગ અમે કેવી રીતે કર્યો અને તેનાથી શું થયું? તેના પડકાર શું હતા? પડકાર ખૂબ હતા. જે થઈ શક્યું તે નજીવું છે. પહેલાં જે કાર્ય થયું તે અભ્યાસક્રમ બદલવાનું હતું. આ દેશમાં અજાણતા એવી ઘટના પણ બની ગઈ કે ‘સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન’[સી.બી.એસ.ઈ.]એ થાકી-હારીને કહી દીધું કે તમે અભ્યાસક્રમ બદલી નાંખો, તો અમે પણ બદલી દઈશું. ‘સી.બી.એસ.ઈ.’ જાગે તે પહેલાં તો અભ્યાસક્રમ બદલાઈ ચૂક્યા હતા. અભ્યાસક્રમમાં જે બદલાવ આવ્યો, હું વિશેષ કરીને રાજનીતિ વિજ્ઞાનની વાત કરીશ — જેમાં ૬થી ૮ ધોરણ સુધી આપણે વિદ્યાર્થીઓને સંસ્થાઓ વિશે ભણાવવાનું બંધ કરી દીધું. ધોરણ ૬નાં બાળકોને એ ન ભણાવવામાં આવ્યું કે મુખ્ય મંત્રી કોણ છે?, રાષ્ટ્રપતિ કોણ છે?…. વગેરે. તેમને સ્થાનિક બાબતો વિશે ભણાવવામાં આવે છે, અને સ્થાનિક રાજનીતિ વિશે પણ માહિતી આપવામાં આવે છે. રાજકીય સંસ્થાઓ વિશે માહિતી આપવાના બદલે વર્તમાનમાં જે કંઈ થઈ રહ્યું છે તે બાબતો સમાવિષ્ટ કરવામાં આવી. જેમ કે બજાર, મીડિયા અને ટેલિવિઝન, જે રાજકીય બાબત છે. તે રાજનીતિ સંસ્થાની જેમ કાર્યરત નથી. આ બાબત વિશે વિદ્યાર્થીઓનો પરિચય કેળવાય તે માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો. નાગરિકશાસ્ત્રના બદલે સામાજિક અને રાજકીય જીવન સાથે પરિચય કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો.
આ પુસ્તકોનું એવું નામ આપવામાં આવ્યું જેમાં કેટલોક રાજનીતિનો, કેટલોક અર્થશાસ્ત્રનો અને કેટલોક સમાજશાસ્ત્રનો હિસ્સો હોય. એ રીતે અમે વિષયોને ચાર દીવાલોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, જે બદલાવને ધોરણ ૬માં ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યા. અમે નક્કી કર્યું કે રાજનીતિ વિજ્ઞાન શું છે, અર્થશાસ્ત્ર શું છે અને સમાજશાસ્ત્ર શું છે? — તે જાણવાનો કોઈ અર્થ નથી. અમને લાગે છે કે વિદ્યાર્થી પોતાના આસપાસના માહોલ વિશે જાણવા ઇચ્છે છે — તે તેને જાણવા દેવું જોઈએ.
એ પહેલાં ધોરણ ૯થી ૧૦માં દેશનું બંધારણ ભણાવવામાં આવતું હતું. તે તમામ બાબતને દૂર કરીને લોકશાહીના મથાળા હેઠળ રાજનીતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ કર્યો છે. બાળકોને લોકશાહીના સિદ્ધાંત અને વ્યવહાર વિશે જણાવવામાં આવ્યું છે. અને વિશેષ કરીને આપણા દેશમાં કેવો વ્યવહાર થાય છે — તેનો પરિચય આપવામાં આવ્યો છે.
ધોરણ ૧૧ અને ૧૨માં રાજનીતિશાસ્ત્રની પાયાની બાબતથી પરિચય થાય તેમ કરવામાં આવ્યું છે. કારણ કે આ ધોરણમાં બાળકો રાજનીતિ વિજ્ઞાનને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરે છે. બાળકો આ વિષયને પસંદ કરે છે તેનું એક કારણ આ વિષયમાં સારા ગુણ આવે તે છે.
અમે બે પરિવર્તન કર્યાં છે. એક, બાળકોને સાંપ્રત વિશ્વ વિશે માહિતી મળે, કારણ કે અત્યાર સુધી એવી પ્રણાલી હતી કે રાજનીતિ વિજ્ઞાન અને ઇતિહાસનાં પુસ્તકો તેમને વિશ્વયુદ્ધ વિશેની માહિતી આપતા હતા. અંતિમ પ્રકરણમાં થોડીક વિગત એવી આપવામાં આવતી કે છેલ્લાં ૧૫ વર્ષમાં શું પરિવર્તન આવ્યું છે. અમે વર્ષ ૧૯૯૧ના અગાઉના વિશ્વની ઘટનાઓને એક પ્રકરણમાં આવરી લીધી હતી અને ૧૯૯૧ પછીના વિશ્વ પર એક પૂર્ણ પુસ્તક બનાવીને આપ્યું; જેમાં આજે આપણે જે વિશ્વમાં જીવી રહ્યા છીએ, જેમાં સોવિયત સંઘ નથી — તે દુનિયા કેવી છે.
બીજું પરિવર્તન એ કર્યું કે અમે ગત સાઠ વર્ષોની ભારતીય રાજનીતિનો ઇતિહાસ જણાવતાં પુસ્તકો લખ્યાં. કારણ કે અમને સૌને અનુભવ હતો કે કટોકટી જેવી ઘટનાઓ આપણા જીવનમાં ખૂબ મોટી અને પરિવર્તનકારી ઘટના છે. આજે આપણી શાળાનાં સરેરાશ બાળકો ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકા કરતાં ૧૯૨૦થી ૧૯૩૦ વિશે વધુ જાણકારી ધરાવે છે. અને પછી આપણે તેમનાથી આશા રાખીએ છીએ કે તેઓ યુનિવર્સિટીમાં આવીને, તુરંત હાલના રાજકારણ વિશે અભ્યાસ કરવાનો આરંભ કરી દે.
એટલે અમે નિર્ધાર કર્યો છે કે સીધું વર્તમાન વિશે ભણાવવાના બદલે પહેલાં ૧૯૪૭થી વર્તમાન વચ્ચેનો ઇતિહાસ ભણાવવો જોઈએ. પ્રથમ વખત અમે આઝાદ ભારતની રાજનીતિનો ઇતિહાસ ભણાવવાનો પ્રયાસ કર્યો છે. તે તમામ મુદ્દા પર એક પુસ્તક લખવામાં આવ્યું જે દર્શાવે છે કે પાછલાં ૬૦ વર્ષમાં શું થયું અને તેમાં રાજકીય પક્ષોની ભૂમિકા પણ દર્શાવવામાં આવી છે. કટોકટી કાળ સંદર્ભે એક લાંબું પ્રકરણ લખવામાં આવ્યું છે. તેમાં ૧૯૮૪માં રમખાણોનો ઉલ્લેખ છે, ૨૦૦૨નાં રમખાણોનો પણ ઉલ્લેખ છે જે દર્શાવે છે કે આ દરમિયાન શું થયું છે. આ બધું છેલ્લાં ૬૦ વર્ષ દરમિયાનની ઘટનાઓ છે.
બીજો પડકાર, સ્વરૂપ અને વિષયવસ્તુ — બંને એકસાથે બદલવાનાં હતાં કારણ કે તે પહેલાં રાજનીતિ વિજ્ઞાનનાં પુસ્તકો ખૂબ નીરસ હતાં. અમે ઘણાં બાળકો અને અધ્યાપકો સાથે વાત કરી અમે એક વાત બાળકો પાસેથી વારંવાર સાંભળી કે નાગરિક શાસ્ત્ર કંટાળાજનક વિષય છે. આપણા દેશમાં રાજનીતિ એક ઝનૂન છે. તમે કોઈ ઢાબામાં પહોંચી જાવ, જરૂર કોઈ વ્યક્તિ એ વાત પર શરત લગાવશે કે વિરોધ પક્ષ શાસક પક્ષને કઈ વાત પર ઘેરી શકે છે. અથવા તો ચૂંટણી આવનારા સમય પર ક્યારે થશે. પાનના ગલ્લા અને દરેક ઢાબા પર રાજનીતિની ચર્ચા સાંભળવા મળશે. રાજનીતિ પર ચર્ચા કરવી તે આ દેશમાં એક ફૅશન છે. તે એટલું બધું સામાન્ય છે કે મને તેનાથી આશ્ચર્ય થાય છે — મને થાય છે કે ખરેખર રાજનીતિ આટલી અગત્યની બાબત છે! એ જ દેશમાં શાળામાં બાળકો એમ કહે છે કે નાગરિકશાસ્ત્ર કંટાળાજનક છે! બાળકોને તેમાં કોઈ રસ નથી. આ કેવી રીતે સંભવી શકે કે માતા-પિતા જે બાબતમાં ઝનૂન ધરાવે છે, તે જ બાબત બાળકોને કંટાળાજનક લાગે છે?
કંટાળો એટલે માત્ર રસરુચિનો અભાવ નથી. અમે એક રીતે નિર્ધાર કરી લીધો હતો કે રાજનીતિ વિજ્ઞાનનાં પુસ્તકો કોઈ પણ સ્થિતિમાં કંટાળાજનક નહીં હોય.
અમે રંગના ખૂબ પ્રયોગો કર્યા. એક વાત જે મને ઘણી મોડી સમજાઈ કે સામાન્ય પરિવારમાં, સામાન્ય શહેરી વર્ગના પરિવારમાં અને એક સામાન્ય ગ્રામીણ પરિવારનાં બાળકો પાસે ઘરમાં શાળાનાં પુસ્તકો સિવાય અન્ય કોઈ પુસ્તક હોતાં નથી. એવું નથી કે ઘરમાં હજારો પુસ્તકો છે અને તેમાં પાઠ્યપુસ્તક પણ છે. ઘરમાં આ એકમાત્ર પુસ્તકો હોય છે અને તે એકમાત્ર પુસ્તકોમાં રંગોનો ઉપયોગ કેમ ઓછો કરવો? અમે પ્રયાસ કર્યો કે આ પુસ્તકોને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવે. પ્રયત્ન કર્યો કે તેમાં વાર્તા હોય, ખૂબ તસવીરો હોય અને દુનિયાભરનાં કાર્ટૂન તેમાં સમાવિષ્ટ કરવામાં આવે.
કાર્ટૂનના બે લાભ છે. એક તો કાર્ટૂન જોઈને હાસ્ય નીપજી શકે. વર્ગમાં હસવું તે એક રાજકીય ડગલું છે. કારણ કે તમે હસશો તો તેનો અર્થ છે કે તમે ડરેલા નથી. હસવું સત્તાના સ્થાપિત સંતુલનને ડોલાવે છે. વર્ગખંડમાં બાળક હસી લે, તો તે ખૂબ મોટું ડગ ગણાશે. બીજી એવી ઘણી બાબત હોય છે જેને આપણે શબ્દોમાં વર્ણવી શકતા નથી. પાઠ્યપુસ્તક જે શબ્દોમાં વર્ણવી ન શકે, તે કાર્ટૂન એક શબ્દોમાં કહી દે છે. એટલે તેમાં ફિલ્મોના સંવાદ પણ મૂકવામાં આવ્યા છે.
‘દીવાર’ ફિલ્મનો એક સંવાદ છે, જેમાં અમિતાભ બચ્ચન બાળપણની એક ભૂમિકામાં આવતો બાળકલાકાર કહે છે કે ‘નીચે ફેંકા હુઆ પૈસા નહીં ઉઠાઉંગા.’ અસ્તિત્વની આનાથી સારી મિસાલ કઈ હોઈ શકે?
તે બાળક આત્મસન્માનની માંગણી કરી રહ્યો છે, જેને આજે દેશના તમામ દલિત માંગી રહ્યા છે. આત્મસન્માનનો વિચાર તમે ‘દીવાર’ ફિલ્મના માધ્યમથી દર્શાવો? ભાગલા માટે તેઓને ‘ગરમ હવા’ ફિલ્મ દર્શાવો ને અમે નક્કી કર્યું કે આ પ્રકારના પ્રશ્નો વિશે વાત કરવા અર્થે આવાં ફિલ્મી દૃશ્યો, વાર્તાઓ બતાવવામાં આવે. હું આજે પણ એમ માનું છું કે જો તમારે. ’૬૦-’૭૦ના દાયકામાં ઉત્તર ભારતની રાજનીતિ સમજવી હોય તો પાઠ્યપુસ્તકના અવેજમાં શ્રીલાલ શુક્લનું રાગ દરબારી પુસ્તક વધુ યોગ્ય છે. તે સમયની રાજનીતિ સમજવા અર્થે રાજનીતિ વિજ્ઞાનનાં પુસ્તકો એટલાં મદદગાર નહીં થઈ શકે, જેટલી મદદ રાગ દરબારી પુસ્તકથી મળી શકે. એ રીતે તમે ફણીશ્વરનાથ રેણુને વાંચો.
અમે ધોરણ ૭માં એક પ્રયોગ કર્યો છે. અમે એક વાર્તા લીધી અને તે વાર્તા દર્શાવે છે કે એક દિવસ માએ હડતાલ કરી દીધી. એક ઘર છે જ્યાં મા કહે છે કે હું આજે હડતાલ કરીશ. બસ! આજે હું કામ નહીં કરું. તે પછી ઘરમાં શું થાય છે? સાંજ સુધી તે ઘરમાં શું થાય છે તેની આ વાર્તા છે. દીકરીની એવી ફરિયાદ હોય છે કે મારી મા કામ નથી કરતી, મારા પિતા જ કામ કરે છે. સાંજ સુધી તો તે દીકરીને ખ્યાલ આવી જાય છે કે તેની મા કેટલું કામ કરતી હતી. આ બધા મુદ્દા રાજનીતિ સાથે જોડાયેલા છે.
ધોરણ ૧૨નું પાઠ્યપુસ્તક કાશ્મીરના મુદ્દા પર વાત કરે છે, કટોકટી અંગે જણાવે છે, નાગાલેન્ડના મુદ્દાને સમજાવે છે. અમે માનીએ છીએ કે બેબાકપણે રાજકીય મુદ્દા પર વાત કરવાથી માત્ર તે પક્ષપાતી નહીં બનાવી દે. રાજનીતિ વિશે વાત કરતી વેળાએ એક સંતુલન બનાવી શકાય છે. પુસ્તક એવું હોવું જોઈએ કે તેને વાંચીને કોઈને પણ એવું ન લાગવું જોઈએ કે પુસ્તક લખવામાં આવ્યું ત્યારે કયા પક્ષનું શાસન હતું. આ એક ન્યૂનતમ માપદંડ હોવો જોઈએ. અમારા માટે આ એક પરીક્ષા ઘડી કાઢી હતી. આ બધાંની પાછળ એક તત્ત્વ છે. — લોકશાહીનું નવું એક દર્શન, લોકશાહીનો નવો સિદ્ધાંત. સામાન્ય રીતે સિદ્ધાંત બને છે ક્યાંક અને તેનો અમલ અન્ય કોઈ જગ્યાએ થાય છે. આપણો આદર્શવાદ અધૂરો છે અને તેને આપણે ઘસડી રહ્યા છીએ.
અમે આ ભારને નીચે મૂકીને એક નાનકડો પ્રયાસ કર્યો છે. આનાથી બાળકો ઉન્નત થઈને, સ્વતંત્ર થઈને રાજનીતિના આંગણામાં સંભવતઃ વધુ સારી રીતે રમી શકશે.
[“ગાંધીમાર્ગ”, માર્ચ–એપ્રિલ 2009ના અંકમાંથી અનુવાદિત]
o
[1]. આજના સંદર્ભે અહીં નરેન્દ્ર મોદી અને દ્રૌપદી મૂર્મૂ વાંચવું.
e.mail : kirankapure@gmail.com
પ્રગટ : नवजीवनનો અક્ષરદેહ; સપ્ટેમ્બર 2025; પૃ. 317−323