મુંબઈના માધવ બાગની સભામાં અમદાવાદના ભદ્રંભદ્ર
બ્રહ્માંડમાં સૌથી પ્રાચીન એવા ભરતખંડનાં શાસ્ત્રોમાં કહ્યું છે કે મંદમતિનો મનુષ્ય પણ વિના ઉદ્દેશ કોઈ કાર્ય કરવા તત્પર થતો નથી. ત્યારે ભદ્રંભદ્ર જેવી મહાન વિભૂતિના મોહમયી મુમ્બાપુરીમાંના આગમનનું પ્રયોજન? અમે એ વાસ્તવિકતાથી જ્ઞાત છીએ કે અમારા આજના સુજ્ઞ વાચકો મહાન ભદ્રંભદ્રની મહાન ભાષાથી સુપરિચિત નહિ હોય. એટલે હવે અમે મહાન ભદ્રંભદ્રની અનુજ્ઞા લઈને અમારા આજના વાચકોને અવગત થઈ શકે એવી ભાષા પ્રયોજવાના પ્રયત્નનો પ્રારંભ કરીશું.
ભદ્રંભદ્ર મુંબઈમાં
ભદ્રંભદ્ર મુંબઈ આવ્યા હતા અહીંના માધવ બાગમાં ભરાનારી બાળલગ્ન પ્રતિબંધક કાયદાનો વિરોધ કરવા માટેની એક સભામાં ભાગ લેવા માટે. પણ આ માધવ બાગ વિષે વાત કરતાં પહેલાં આપણે જવું પડશે છેક ઈ.સ. ૧૬૯૧ની સાલમાં. આપણી ભાષામાં અગાઉ એક કહેવત પ્રચલિત હતી : ‘દીવ, દમણ, ને ગોવા, ફિરંગી બેઠા રોવા.’ અહીં જેનો ઉલ્લેખ છે એ ત્રણે એક જમાનામાં પોર્ટુગીઝ શાસન હેઠળ હતા. તેમાંના દીવ બંદરના એક વેપારી. નામે રૂપજી ધનજી. અસલ રહેઠાણ હતું ભાવનગર પાસે આવેલું ઘોઘા બંદર, જે એ વખતે અંગ્રેજોના તાબામાં હતું. ઘણા અંગ્રેજો તેને Gogo બંદર કહેતા. મુંબઈના કોટ વિસ્તારમાંના એક રસ્તા સાથે પણ આ ઘોઘાનું નામ જોડાયેલું હતું : ઘોઘા સ્ટ્રીટ. કેટલાક તેને પણ ‘ગોગો સ્ટ્રીટ’ કહેતા. તો એવા ઘોઘા ગામથી રૂપજી શેઠ નજીકના દીવ બંદરે જઈ વસ્યા, વેપાર માટે. પછી ત્યાં શું થયું એની તો ખબર પડતી નથી. પણ ઈ.સ. ૧૬૯૧માં તેમણે દીવ છોડ્યું અને મુંબઈ આવી વસ્યા. આમ કરનાર તેઓ પહેલવહેલા હિંદુ ગુજરાતી. અલબત્ત, તેમની પહેલાં ઈ.સ. ૧૬૪૦માં સુરત નજીકના ગામ ‘મોરા’ના દોરાબજી નાનાભાઈ વતન છોડી મુંબઈ વસ્યા હતા. જો કે રૂપજી શેઠે મુંબઈ આવીને પણ કામ તો પહેલાં કરતા હતા એ જ કર્યું : સરકારને જોઈતો માલ-સામાન પૂરો પાડવાનું. ફરક એટલો કે પહેલાં પોર્ટુગીઝ સરકારને માલ પૂરો પાડતા, હવે અંગ્રેજોની કંપની સરકારને. રૂપજી શેઠને ત્રણ દીકરા : મનોરદાસ, દયાળદાસ, અને વનરાવનદાસ. પણ ત્રણમાંથી બે વિષે આજે કશી જ માહિતી મળતી નથી. એટલું જ જાણવા મળે છે કે મનોરદાસે બાપીકો ધંધો ચાલુ રાખ્યો એટલું જ નહિ, ધીરધારનો નવો ધંધો શરૂ કર્યો અને તેમાં ખૂબ કમાયા. એટલું જ નહિ, મુંબઈના ‘નગર શેઠ’ ગણાવા લાગ્યા. મનોરદાસને પાંચ દીકરા : હરજીવનદાસ, રણછોડદાસ, કેસુરદાસ, રામદાસ, અને નાગરદાસ. તેમાંના રણછોડદાસને ઘેર એકનો એક દીકરો તે માધવદાસ. આ માધવદાસ વેપારમાં ઘણું કમાયા હતા એટલું જાણવા મળે છે, પણ તેમના જીવન વિષે બીજું કશું જાણવા મળતું નથી. તેમને પણ પાંચ દીકરા : મોહનદાસ, મૂળજીભાઈ, ગોપાળદાસ, વરજીવનદાસ, અને નરોત્તમદાસ. ઈ.સ. ૧૮૩૭માં માધવદાસ શેઠનું અવસાન થયું. ત્યારે મુંબઈના ગવર્નર રોબર્ટ ગ્રાંટે આ પાંચે ભાઈઓને ગવર્નર હાઉસમાં બોલાવ્યા હતા. હા, ભદ્રંભદ્ર મુંબઈના જે સ્ટેશને ઊતર્યા હતા તે સ્ટેશન સાથે આ રોબર્ટ ગ્રાન્ટનું નામ જ જોડાયું હતું. પાંચે ભાઈઓને શાલ-પાઘડી ભેટ આપીને ગવર્નરે સ્થાનિક રિવાજ પ્રમાણે ‘પિતૃશોક ઉતરાવ્યો’ હતો. આજના સી.પી. ટેન્ક નજીકની એ વખતે લાલબાગ તરીકે ઓળખાતી જગ્યાની બધી જમીન વરજીવનદાસ અને નરોત્તમદાસે ખરીદી લીધી. અને ત્યાં બંધાવ્યો પિતા માધવદાસની સ્મૃતિમાં ‘માધવ બાગ’. ત્યાંના લક્ષ્મીનારાયણ મંદિરની ગણના મુંબઈનાં મહત્ત્વનાં મંદિરોમાં થાય છે. મંદિર ઉપરાંત ત્યાં એક મોટો હોલ પણ છે. એક વખતની ‘નેશનલ યુનિયન’ નામની એક અગ્રણી સંસ્થાએ ૧૯૧૩ના જાન્યુઆરીની ૧૫મી તારીખે આ જ હોલમાં ગાંધીજી અને કસ્તૂરબાનો જાહેર સત્કાર સમારંભ યોજ્યો હતો. તેમને આમંત્રણ નહોતું છતાં લોકમાન્ય ટિળક પણ એ વખતે હાજર રહ્યા હતા અને ભાષણ પણ કર્યું હતું. એ જમાનામાં માધવ બાગ બાંધવાનો કેટલો ખરચ આવ્યો હશે? દોઢ લાખ રૂપિયા. જો કે એ વખત માટે આ ઘણી મોટી રકમ હતી.
માધવબાગનું પ્રવેશદ્વાર
અમદાક્વાદના લેખકની ભદ્રંભદ્ર નવલકથા અને મુંબઈના આ માધવ બાગમાં મળેલી સભા વચ્ચે સીધો સંબંધ છે. પણ એ તરફ આજ સુધી ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. ઓગણીસમી સદીના એક આગળ પડતા કવિ, લેખક, પત્રકાર, અને સમાજ સુધારક બહેરામજી મલબારીએ બ્રિટિશ સરકારને એક વિનંતી કરી : લગ્ન કરવા માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી ૧૪ કે ૧૬ વરસની હોવી જોઈએ એવો કાયદો કરવાની જરૂર છે. મુંબઈના સનાતનીઓએ આ દરખાસ્તનો વિરોધ કરવા માટે માધવ બાગમાં એક જાહેર સભાનું આયોજન કર્યું. આ સભામાં રાવસાહેબ નારાયણ મંડલિકે આગળ પડતો ભાગ લીધો હતો. એ સભામાં પ્રગટ થયેલા વિરોધની એટલી તો અસર થઈ કે વાઈસરોય લોર્ડ રિપને ખરડો મુલતવી રાખવો પડ્યો.
જો કે પછીથી મલબારીના અથાક પ્રયત્નોને પરિણામે ૧૮૯૧ માં The Age of Consent Act મંજૂર થયો. આ કાયદો અમલમાં આવ્યા પછી ૧૨ વરસથી ઓછી ઉંમરની છોકરીનાં લગ્ન તેની સંમતિથી પણ ન કરી શકાય એવું ઠરાવાયું. ભદ્રંભદ્ર નવલકથામાં માધવ બાગમાં જે સભા મળે છે તેમાં ‘વિરોધ પક્ષના નેતા’ તરીકે મલબારીનો ઉલ્લેખ છે. તેવી જ રીતે એક ‘ચકરી પાઘડીવાળા શાસ્ત્રીના મરાઠીમાં થયેલા ભાષણનો પણ ઉલ્લેખ છે. તેમાં વક્તાઓનાં જે નામ આપ્યાં છે કઈ કઈ વ્યક્તિઓ તરફ ઈશારો કરે છે એ વાત તે વખતના વાચકો સહેલાઈથી પામી જતા હતા.
એ વખતનાં મુંબઈનાં કેટલાંક અંગ્રેજી અખબારોમાં ૧૮૮૫ના નવેમ્બર ૧૫ના અંકમાં આ મીટિંગના અહેવાલ છપાયા હતા. એ વાંચતાં સ્પષ્ટ થાય છે કે રમણભાઈએ માધવ બાગની સભાનું જે વર્ણન કર્યું છે તે મુખત્વે હકીકત આધારિત છે. સભામાં જેવી અરાજકતા લેખકે વર્ણવી છે તેવી જ અરાજકતા માધવ બાગમાં મળેલી વાસ્તવિક સભામાં પણ ફેલાઈ હતી. ખુરસીઓ ઊછળી હતી, હોલના દરવાજા તૂટ્યા હતા, કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ હતી. માધવ બાગની સભાનું રમણભાઈએ જે વર્ણન કર્યું છે તેનો થોડો ભાગ જોઈએ : “ઊભેલા પડી જવા લાગ્યા. પડી ગયેલા ઊભા થવા લાગ્યા. મારી પણ એ જ વાલે થઇ. કચરાયેલા બૂમો પાડવા લાગ્યા. નહિ કચરાયેલા તાલેઓ પાડવા લાગ્યા. પાસેના હસવા લાગ્યા. આઘેના ધસવા લાગ્યા. ભીડ વધી ને નીચે પડેલાને ઊભા થવું વધારે મુશ્કેલ થવા લાગ્યું. ભદ્રંભદ્રની ગતિ પરવશ થઇ. જીવનાશા ભંગોન્મુખ થઇ. પણ એવામાં શિવશંકરે આવી કેટલાકને લાત લગાવી, આઘા ખેંચી કાઢ્યા. રામશંકરે પડ્યા પડ્યા કેટલાકને બાચકા ભરી બૂમો પાડતા અને મહામહેનતે છૂટવા મથતાં ઊઠાડ્યા. આ બધું બન્યા પછી પણ મિથ્યાભિમાની ભદ્રંભદ્ર કહે છે। : “આર્યસેનાના નાયક થઈ સંગ્રામમાં અદ્ભુત શૌર્ય દર્શાવતાં હું દુષ્ટ શત્રુના છલથી અશ્વભ્રષ્ટ થયો છું. પણ તેથી પરાજય પામ્યો નથી. સેનાનો જય થયો છે. આર્ય ધર્મનો જય થયો છે. રૂઢીદેવીની કીર્તિ પ્રગટ થઈ છે.”
એક-બે દિવસ પછી ભદ્રંભદ્ર બહાર નીકળવાની હિંમત કરે છે. ત્યારે શું જુએ છે? “રસ્તામાં એક રેંકડાવાળો પોતાને બેસવાની જગાએ ઊભો રહી ‘બબ્બે દોઢયાં ભૂલેસર’ની જાહેર ખબર પ્રસિદ્ધ કરતો હતો. રેકડામાં એક આદમી બેઠેલો હતો. તપાસ કરતાં જણાયું કે બે પૈસામાં દરેક જણને ભૂલેસર સમીપ લઈ જવાને રેંકડાવાળો રાજી હતો અને ચાર આદમી થાય ત્યાં સુધી વાટ જોતો હતો.” મુંબઈમાં શેર-અ-ટેક્સી અને શેર-અ-રિક્ષા તો વીસમી સદીમાં પણ ઘણી મોડી શરૂ થઈ. પણ ૧૯મી સદીમાં લખાયેલી આ નવલકથા પરથી જણાય છે કે ૧૯મી એ વખતે મુંબઈમાં શેર-અ-રેંકડાની સગવડ હતી.
ભદ્રંભદ્ર લખવા પાછળનો રમણભાઈનો એક હેતુ ‘પ્રભુ જેવું હતું તેવું ફરી ભારત બનાવી દો’ માનતા સનાતનીઓની ઠઠ્ઠા કરવાનો હતો, તો બીજો હેતુ તેમના જમાનામાં કેટલાક લેખકો અત્યંત સંસ્કૃતપ્રચૂર ભાષા લખતા તેમની મશ્કરી કરી એવી ભાષાનું અનૌચિત્ય બતાવવાનો પણ હતો. એ જમાનામાં એક નડિયાદી નાગર લેખક હતા, જેમના પિતાનું નામ હતું સૂરજરામ. પણ તેના સાક્ષર દીકરા સંસ્કૃત શબ્દોના એટલા આગ્રહી કે તેઓ હંમેશાં પિતાનું નામ સૂરજરામને બદલે ‘સૂર્યરામ’ જ લખતા. અને એ પનોતા પુત્રનું નામ હતું મન:સુખરામ. એમને માટે કહેવાય છે કે રોજ જ્યારે ટપાલ આવે ત્યારે પોસ્ટ મેન(ક્ષમસ્વ, પત્રવાહક)ને ઊભો રાખી દરેક કાગળ (સોરી, પત્ર) પર લખેલું સરનામું જોઈ જતા. જે પત્રો પર મન:સુખરામ લખ્યું હોય તે સ્વીકારતા. જેટલા પત્ર પર ‘મનસુખરામ’ લખ્યું હોય તેટલા પત્ર ‘આ પત્રો મારા નથી’ એમ કહી પોસ્ટમેન, ઉર્ફે પત્રવાહકને, પાછા આપી દેતા. રમણભાઈએ આવું એક પાત્ર સર્જ્યું છે, પ્રસન્નમનશંકર. ભદ્રંભદ્રને સંબોધીને બોલાયેલું તેમનું આ વાક્ય જુઓ : “આપને હું સર્વ રીત્યા સંતુષ્ટ કરીશ. મેં પોતે તો પુસ્તક લખી રાખ્યાં છે. પણ મારા સદૃશ પવિત્ર પુરુષની પવિત્ર કૃતિને દુષ્ટ સુધારાવાળાઓની અપવિત્ર ટીકાનો સ્પર્શ ન થાય માટે આપ સદૃશ કોઈ વિદ્વાનના નામથી તે પ્રસિદ્ધ કરવાનો વિચાર છે. નહિ તો પછી મારાં બીજાં પુસ્તકપ્રસિદ્ધસાદૃશ્યેન એ પણ કલ્પિત નામ્ના પ્રસિદ્ધ કરત.”
મન:સુખરામ ત્રિપાઠી અને તેમનું પુસ્તક
મન:સુખરામના ૧૫ કરતાં વધુ પુસ્તક પ્રગટ થયાં હતાં. તેમાંનું એક હતું ‘અસ્તોદય.’ સરકારી કેળવણી ખાતાની માગણીથી લખાયેલું. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે. એ પુસ્તકમાંનું એક વાક્ય જુઓ : “આપણા દેશની યશ કિર્તીના જીર્ણોધ્ધારનો, આપણા દેશના ઉદયનો, અને તેથી થતા અનંત સુખનો આધાર જેના પર રહેલો છે એવી ભારે અલભ્ય, મહામાનદ અને સંતોષદાયક, પણ સૂક્ષ્મ સ્થિતિમાં આપણે છિયે, એવું આ કોમલ અવસ્થામાંથી જ મન ઉપર ઊંડું કોતરી રાખવું. જેથી જેમ વય વધે તેમ તે સર્વ પ્રકારે વધતું જાય અને સારાં ફળ આપે.” જો કે સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે પોતાનાં પત્નીની યાદમાં મન:સુખરામે વતન નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઈબ્રેરીની સ્થાપના કરેલી, જે આજે ગુજરાતની એક અગ્રગણ્ય લાઈબ્રેરી ગણાય છે.
ભદ્રંભદ્ર અને મુંબઈ વિશેની થોડી વધુ વાત હવે પછી.
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 11 ઑક્ટોબર 2025
XXXXXX
e.mail : deepakbmehta@gmail.com