
રવીન્દ્ર પારેખ
કોણ જાણે કેમ પણ ભારત સ્વતંત્ર થયાને 75થી વધુ વર્ષ થવા છતાં દેશમાં આભડછેટ, અસ્પૃશ્યતા, ભેદભાવનો છેડો નથી આવતો. આ અસ્પૃશ્યતા હવે જાતિ-જ્ઞાતિ પૂરતી સીમિત નથી, તેનું નોખું-અનોખું સ્વરૂપ સામે આવ્યું છે અને તે છે શિક્ષિત આભડછેટ કે શિક્ષિત અસ્પૃશ્યતા કે શિક્ષિત ભેદભાવ ! આ વરદાન શિક્ષિતોએ આપેલું છે. સાચું તો એ છે કે આ દેશને શિક્ષિતોએ કર્યું છે, એટલું નુકસાન અભણોએ નથી કર્યું. આ ચલણ ને વલણ સરકારથી માંડીને સરકારી કે અર્ધ સરકારી કે સરકારી ગ્રામીણ સંસ્થાઓ સુધી વિસ્તરેલું ને વકરેલું છે, તેમાં ય નિવૃત્ત કર્મચારીઓ માટે તો વધુ ભેદભાવ જોવા મળે છે. આમ નિવૃત્તોને માન-સન્માન આપવાની ઉપલક વાતો તો ઘણી થાય છે, પણ મોટે ભાગના નિવૃત્તો તરફ ઘરમાં કે બહાર અમુક પ્રકારની સૂગ ફેલાયેલી જોવા મળે છે. આ સૂગ સરકારથી માંડીને જાહેર સંસ્થાઓ સુધી વ્યાપેલી છે.
આમ તો હેલ્થ ઇન્સ્યોરન્સ પર જી.એસ.ટી. પહેલેથી જ ખોટો હતો, પણ સરકારે વર્ષો સુધી જી.એસ.ટી. લૂંટ્યા પછી તાજેતરમાં તે નાબૂદ કર્યો. આ ઉપકાર પછી પણ પેન્શનર્સને જી.એસ.ટી.માંથી મુક્તિ નથી મળી. સાધારણ રીતે તો પેન્શનર્સનો વીમો ઉતારવા કોઈ તૈયાર થતું નથી, એટલે તેણે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં જવું પડે એ લાચારી છે. એની ખૂબી એ છે કે આ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ દર વર્ષે વધતું જ આવે છે ને લગભગ દોઢ કે બે મહિનાનું પેન્શન, પેન્શનરે એમાં હોમી દેવાનું થાય છે. નામ પૂરતું તો પેન્શન બાર મહિનાનું જમા થાય છે, પણ દોઢથી બે મહિનાનું પેન્શન પ્રીમિયમમાં નીકળી જાય છે ને બાકીનું પેન્શન જ ભાગે આવે છે. ઓક્ટોબર-નવેમ્બરના મહિનાઓ તહેવારોના ખર્ચાળ મહિનાઓ છે ને ઉપરથી દોઢ-બે મહિનાનું પેન્શન હેલ્થ ઇન્સ્યોરન્સમાં જી.એસ.ટી. સાથે નીકળી જતાં હાલત એવી થાય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે. ઘણાં તે લે છે. આ સ્થિતિ પડતાં પર પાટું પડવા જેવી જ છે.
વારુ, જે કલેઈમ કરે છે, તેને તો પ્રીમિયમ ભરવાનો કૈંકે લાભ થતો હશે, પણ જે કલેઈમ નથી કરતા તેમને તો વર્ષોવર્ષ દોઢ બે મહિનાનું પેન્શન એમ જ જા ખાતે આપવાનું થાય છે. એવા ઘણાં હશે, જેમણે વર્ષો સુધી રૂપિયો ય કલેઈમ કર્યા વિના લાખો રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીને ખટાવ્યા હશે. કંપનીએ એવા વીમેદારને કન્સેશન આપવું જોઈએ કે તેણે ઈમાનદારીથી કલેઈમ નથી કર્યો, પણ બધા જ નફો રળતા હોય તો વીમા કંપની પણ એટલી રાહત આપવા શું કામ તૈયાર થશે, એ પ્રશ્ન જ છે.
એમાં વળી હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જી.એસ.ટી. નીકળી જતાં એમ લાગ્યું કે થોડી રાહત થશે, પણ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમના આંકડા આવ્યા તો એમાં આઘાતજનક રીતે 18 ટકા જી.એસ.ટી. લાગેલો જ હતો. આવું કેમ, તેનો જવાબ એવો આવ્યો કે જી.એસ.ટી. વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જ ગયો છે, ગ્રૂપ ઇન્સ્યોરન્સ પર તે લાગુ જ છે. પેન્શનર્સને આ ભારોભાર અન્યાય છે ! એક જ હેલ્થ ઇન્સ્યોરન્સ વ્યક્તિગત ધોરણે લેવાય તો જી.એસ.ટી. માફ ને એ જ હેલ્થ ઇન્સ્યોરન્સ ગ્રૂપમાં લેવાય તો 18 ટકા જી.એસ.ટી. લાગે. આનો સખત વિરોધ થવો જ જોઈએ. ગમ્મત તો એ છે કે ગ્રૂપમાં લેવાતા ઇન્સ્યોરન્સમાં પણ પ્રીમિયમ તો વ્યક્તિગત રીતે જ જે તે ખાતામાંથી કપાય છે, છતાં 18 ટકા જી.એસ.ટી. બીજા કોઈને નહીં, પણ વૃદ્ધોને લાગે છે, એ શરમજનક છે.
ઓલ ઇન્ડિયા બેંક પેન્શનર્સ એન્ડ રિટાયરિઝ કોન્ફેડરેશન (AIBPARC) તરફથી 8 ઓક્ટોબર, 2025ને રોજ 93-25 નંબરનો સર્ક્યુલર આવ્યો છે, જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી જી.એસ.ટી. બાદ કરવાનો ઇસ્યુ કેરાલા હાઈકોર્ટની જ્યુડિશિયલ સ્ક્રુટિનીમાં પહોંચ્યાની વાત છે. તે યુનિટ પૂરતો સ્ટે આવ્યો પણ છે, તો તમામ યુનિટોને અસર કરે તે રીતના પ્રયત્નો તમામ યુનિયનોએ કરવા જોઈએ. જો કે, ઓલ ઇન્ડિયા બેંક રિટાયરિઝ ફેડરેશન (AIBRF) પણ બધી બેંકો વતી પિટિશન ફાઈલ કરશે એમ લાગે છે. સૌથી દુખદ વાત તો એ છે કે દેખીતા અન્યાય બાબતે પણ કોર્ટ સુધી જવું પડે ને સ્ટે મેળવવો પડે છે. પેન્શનર્સને બને ત્યાં સુધી સરકાર લેખામાં જ લેતી નથી. એવું ન હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી નાબૂદ થયેલો જી.એસ.ટી. વૃદ્ધોને જ કરમે શું કામ ચોંટે?
વર્ષે લગભગ દશેક મહિના જેટલું જ પેન્શન મળતું હોય એવા પેન્શનર્સનું પેન્શન પણ ત્રીસેક વર્ષથી, એટલે કે શરૂઆતથી જ અપડેટ નથી થયું. પેન્શનર્સનું જે બેઝિક પેન્શન ત્રીસેક વર્ષ પર નક્કી થયેલું, તેના પર જ મોંઘવારી ભથ્થું (ડી.એ.) વધઘટ સાથે લાગુ કરીને દર મહિને પેન્શન જમા થતું રહે છે. અન્ય સ્ટાફના પગાર, એલાઉન્સિસમાં અમુક વર્ષે નવું પગાર ધોરણ લાગુ થાય છે, પણ પેન્શનર્સનું પેન્શન વર્ષોથી અપડેટ થતું નથી, થયું નથી, તે એટલે કે પેન્શનર્સ બીજી કોઈ રીતે ઉપયોગી નથી, તેમની પાસેથી કંઇ લેવાનું નથી, એટલે સરકાર તેમની ચિંતા શું કામ કરે? એ કમનસીબી છે કે દેશના લાખો બેંક પેન્શનર્સનું પેન્શન અપડેટ નથી થયું. નથી જ થયું –
આમાં પણ બેંકો-બેંકો વચ્ચે ભેદભાવ છે. સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ પેન્શનર્સનું પેન્શન આપોઅપ અપડેટ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેન્શનર્સને એકથી વધુ વખત પેન્શન અપડેશનનો લાભ મળી ચૂક્યો છે, પણ બીજી બેન્કોને રિવિઝનનો લાભ, કારણ ગમે તે હોય, પણ વર્ષોથી અપાયો નથી. રિઝર્વ બેંકની ગાઈડલાઈન્સ પ્રમાણે બધી બેંકો રિઝર્વ બેંક સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલી છે, પણ પગાર અને પેન્શનને મામલે રિઝર્વ બેંક અને અન્ય રાષ્ટ્રીય બેંકો વચ્ચે એકસૂત્રતા નથી. આવો ભેદભાવ રાખીને સરકાર લાખો પેન્શનર્સને અન્યાય કરે છે. આ બધા ભણેલા-ગણેલા છે, પણ એકને ગોળ ને એકને ખોળ-ની નીતિ અહીં પૂરી બેશરમીથી ચાલે છે. બેન્કોની નીતિઓમાં ભેદભાવ રાજરોગની હદે સક્રિય છે.
એવું નથી કે ફંડ નથી. બેંક કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ જમા થતું હતું ને એના પર જે વ્યાજ મળ્યું, એને લીધે લગભગ સાડાચાર લાખ કરોડ જેટલું ફંડ ઓલરેડી જમા છે. એમાંથી સરળતાથી પેન્શન અપડેશન શક્ય છે, પણ 1994-‘95થી પેન્શન રેગ્યુલેશન લાગુ થયું, ત્યારથી એક પણ વખત પેન્શન રિવિઝનનો લાભ રિટાયરિઝને મળ્યો નથી તે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે રિટાયરમેન્ટની તારીખના આધાર પર પેન્શનરો વચ્ચે ભેદભાવ ઠીક નથી. એ તો ઠીક, મોંઘવારી રાહત (DR) આપવામાં પણ એકરૂપતા નથી. યુનિયનોએ કેટલીક માંગ પણ ઘણાં વખતથી મૂકી છે. જેમ કે, રિઝર્વ બેંકના સ્તર પર બીજી બેન્કોનાં પેન્શનર્સનું પેન્શન અપડેટ થાય. બીજું, યુનિફોર્મ ડીઅરનેસ એલાઉન્સ (DA) લાગુ કરવામાં આવે. ત્રીજી માંગ છે એક કોમ્પ્રિહેન્સિવ ગુડ હેલ્થ પોલિસીની. કેટલાંક મોટાં સંગઠનોએ વિરોધની જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે, કારણ પ્રખર વિરોધ વગર તો સરકાર વાજબી માંગ પણ સ્વીકારતી નથી. તો, સરકારને સોંસરું પૂછવાનું થાય કે કેટલા પેન્શનર્સ ગુજરી જશે, પછી સરકાર પેન્શન અપડેશન તરફ જશે?
પેન્શન અપડેશન એ ભીખ નથી કે નથી કોઈ દાન ! એ દરેક પેન્શનરનો કાનૂની અધિકાર છે. બેન્કોમાં પેન્શનરોએ પોતાની જિંદગીનાં મહત્ત્વનાં વર્ષો બેન્કની સેવામાં અર્પિત કર્યાં છે. બેંકો પોતે અનેક ક્ષેત્રોમાં વિકસી છે. મોંઘવારી ત્રીસ વર્ષ પહેલાંની નથી, તો પેન્શનરનું પેન્શન 30 વર્ષ જૂનું કઈ રીતે હોય? બધું જ અપડેટ થાય છે, સિવાય બેંક પેન્શનરોનું પેન્શન ! એમાં પણ રિઝર્વ બેંક બે વખત પેન્શન અપડેટ કરી ચૂકી છે, તો એ જ રીતે અન્ય બેંક પેન્શનર્સનું પેન્શન માનવતાને ધોરણે અપડેટ કેમ ન થાય? બધી જ બેન્કોના કર્મચારીઓએ બેન્કોના વિકાસમાં સરખી રીતે યોગદાન આપ્યું હોય ને એ આધારે બેન્કોએ પ્રગતિ કરી હોય તો રિઝર્વ બેંક અને અન્ય બેંકો વચ્ચે પગાર અને પેન્શન વચ્ચે અસમાન ધારાધોરણો લાગુ કરવા પાછળ કયો તર્ક કામ કરે છે તેનો ખુલાસો થવો જોઈએ. કંઇ નહીં તો બેંક પેન્શનર્સ નિવૃત્તિ કાળમાં સ્વમાન અને સન્માનપૂર્વક જીવી શકે ને એને માટે કાયદેસર મળવા પાત્ર લાભોથી વંચિત ન રહે એટલું તો થવું જ જોઈએ. એને માટે તેમણે જતી ઉંમરે સંઘર્ષ કરવો પડે તે ઠીક નથી. આશા રાખીએ કે સરકાર ઘટતું કરે અને ઝડપથી કરે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑક્ટોબર 2025