
પ્રકાશ ન. શાહ
સંઘ શતાબ્દી નિમિત્તે એક કરતાં વધુ છેડેથી વાત કરી શકું, પણ મારી કોશિશ કેવળ વિચાર મુદ્દે બલકે વિચાર મોરચે કંઈક કેન્દ્રિત રહીને વાત કરવાની છે.
લગરીક છૂટ લઈને આ બાબતે શરૂઆત જો કે વ્યક્તિગત વૈચારિક જીવનની રીતે કરવા ધારું છું, સહેજે સાતેક દાયકા પાછળ જઈને. હું મણિનગરની સરસ્વતી મંદિર શાળામાં ભણતો માધ્યમિકનાં એ વર્ષોમાં હરિશ્ચંદ્ર પટેલ અમારા વર્ગ શિક્ષક (એ પાછળથી ભા.જ.પ. શાસનમાં વિધાનસભાના સ્પીકર બનવાના હતા.) સંઘના કાર્યકર ને ખાસા મિલનસાર ‘કેચ ધેમ યંગ’ની સંગઠન ટૅક્નિકમાં સ્વાભાવિક જ સજ્જ ને માહેર. એ રીતે માધ્યમિકનાં વરસોમાં હું શાખામાં જતો થયો અને સક્રિયતામાં હોંશે હોંશે ખૂંપતો પણ થયો. આઠમા – નવમામાં હોઈશ ને અમારી શાખામાં ગોષ્ઠી સારુ પ્રો. વણીકર આવ્યા. અહીં તમે શું શીખ્યા, એવી પ્રશ્નોત્તરીમાં એ ગાળામાં સંઘસ્થાન પરની વ્યાયામેતર વાતોમાં ‘હિન્દુ રાષ્ટ્ર’નો ઉલ્લેખ વારંવાર અને વખતોવખત આવતો હશે, એટલે સ્વતંત્ર વિચારથી નિરપેક્ષપણે કન્ડિશનિંગવશ આપણા રામે ફટકાર્યું કે, હિન્દુ રાષ્ટ્રની કલ્પના આવી. સંઘ વર્તુળમાં આમ કેવળ વાચાગત પણ હું નાની વયે કંઈક પ્રિય, કંઈક સન્માન્ય થવા લાગ્યો હોઈશ … અભિસંધાનથી સધાયેલ સંધાન સ્તો!
મેં સરસ્વતી મંદિર શાળાનો ઉલ્લેખ કર્યો એનો મારા તત્કાલીન વિચારવિકાસને સમજવાની દૃષ્ટિએ અહીં ફોડ પાડવો જરૂરી લાગે છે. આ શાળા રામકૃષ્ણ સેવા સમિતિ ચલાવતી, એને કારણે પરમહંસદેવ અને વિવેકાનંદના સાહિત્ય અને વિચારોનો સહજ સંપર્ક થયો, એને કારણે હિન્દુ ધર્મની વ્યાપકતાનું એક ચિત્ર તેમ સર્વધર્મ સાધનાની અર્ધસમજી પણ અપીલ થવી સહજ હતી.
અને શાલેય વર્ષોની વૈચારિક જીવનની રીતે ત્રીજા વિગતમુદ્દો – તે ગાંધી-નહેરુ-પટેલની સ્વરાજત્રિપુટીની સ્વરાજનાં પ્રારંભિક વર્ષોની અતોનાત મોહની. ગાંધીહત્યા વખતે તો હું પ્રાથમિકનો વિદ્યાર્થી – અમે ત્યારે વડોદરામાં. મને યાદ છે, બાપુ ગયાના સમાચાર આવ્યા ત્યારે અમારી અડોશપડોશનાં ઘરોમાં, ઘરનું માણસ ગયું હોય તેમ સૌએ સ્નાન કરેલું.
ખેર, કાલેજમાં પહોંચ્યો, વિવિધ વિષયો અને નાનાવિધ પ્રવૃત્તિઓનો પરિચય થયો, એ એક નવઉઘાડ હતો અને એમાં સક્રિય સંઘસંધાને દિલભર જીવનલહાવ પૂર્વવત્ શક્ય નહોતો. વાંચનની ક્ષિતિજો વિસ્તરતી જતી હતી અને વિધિવત્ સ્નાતક (બી.એ.) થતે થતે હું જે ત્રણ લલિતેતર પુસ્તકોમાં કેમ જાણે કંઈક ઠરવા કરતો હતો, તે હતાં ‘સ્વદેશી સમાજ’ (રવીન્દ્રનાથ) ‘હિન્દ સ્વરાજ’ (મો.ક. ગાંધી) અને ‘હિન્દુ જીવન દર્શન’ (સર્વપલ્લી રાધાકૃષ્ણન્).
ઇતર પ્રવૃત્તિ ખેંચાણવશ સંઘસંપર્ક હવે નિયમિત મટી નૈમિત્તિક થવા લાગ્યો હતો, પણ સંઘ વર્તુળોમાં, અધિકારી ગણમાં, ‘સાધના’ના લેખકોમાં સહજ મળવાનું, વાર્તાવિનોદનું તો થતું હતું. એવામાં એક વાર વકીલસાહેબે (લક્ષ્મણરાવ ઇનામદારે) વાતવાતમાં પૂછ્યું હશે કે, હમણાં શું વાંચું છું? મેં ‘હિન્દુ જીવન દર્શન’નો ઉલ્લેખ કર્યો કે તરત એમની ટિપ્પણી આવી પડી : ‘એમાં બધું જ છે – સિવાય કે હિન્દુ રાષ્ટ્ર!’
મને એકદમ અજવાળું-અજવાળું થઈ ગયું. સંઘવિચાર બાબતે મને જે અમૂંઝવણ ને ગડમથલ થયાં કરતી’તી એનો જવાબ જડી ગયો. વ્યાપક હોઈ શકતા હિન્દુ ધર્મને એક જડબેસલાક રાષ્ટ્રના સાંચામાં ઢાળવાની કોશિશ વિવેકાનંદ-ગાંધી આદિના મારા પરિચયવશ ભલે કંઈક અવ્યાખ્યાયિત, અર્ધસ્ફુટ, પણ મૂંઝવતી હતી, પજવતી હતી … કારણ, વ્યાપક હિન્દુ ધર્મ – જેની મર્યાદાઓ પણ મને કંઈક સમજાવા લાગી હશે – એને એક દેખીતી સાંસ્કૃતિક પણ સરવાળે સાંકડી રાજકીય સમજમાં જડબેસલાક ચાપડાબદ્ધ કરવાની એક ચેષ્ટા ૧૯૨૫થી અહોરાત્ર કાર્યરત હતી.
એક ઊછરતા સ્વયંસેવક તરીકે આંખો મીંચીને જે સંઘ સાહિત્યનું આકંઠ સેવન કર્યું હશે, સાવરકરનું અને ગોળવલકરનું, એ બધું હવે નવેસર સમજાવા લાગ્યું, પુનર્વિચાર ને નકારતી હદે પજવવા લાગ્યું. સાવરકરની હિન્દુત્વ માંડણી અને ગોળવલકર કૃત ‘વી આૅર અવર નેશનહુડ ડિફાઇન્ડ’, એમાં પણ આ બીજું તો ક્યાં ય એટલે કે ક્યાં ય સુધી સંઘી બાઇબલ જેવું પૂજાતું ને પંકાતું. સાવરકરવિચાર સાથે નિકટતા છતાં સલામત અંતરનું એક વ્યૂહાત્મક વલણ સંઘશ્રેષ્ઠીઓમાં સતત રહ્યું – ગાંધીહત્યા પછી કદાચ સવિશેષ. ગમે તેમ પણ હિન્દુત્વ થિસિસ તે તો સાવરકરનો ને સાવરકરનો જ.

વિનાયક દા. સાવરકર
વકીલસાહેબે દીધેલ વિચારધક્કાવશ મેં સાવરકરનું ફરી વાંચન શરૂ કર્યું – એમનો ‘હિન્દુ’ તો ગજબનો ફાંટાબાજ નીકળ્યો. આપણી ઓળખ ‘સિંધુ’ની અને ‘સ’નો ‘હ’ થતાં ‘હિન્દુ’ની. આર્યો આવ્યા તે પૂર્વેથી આ સિંધુ પ્રદેશ હતો જ એટલે કે અહીં આર્યપૂર્વ અસલથી રહેતા તે બધા જ હિન્દુ હતા. આ પિતૃભૂમિ છે, પુણ્યભૂમિ છે. આ સિન્ધુસિન્ધુપર્યંત રહેતા, અહીં જેમની પુણ્યભૂ ને પિતૃભૂ છે તે સૌ હિન્દુ … પત્યું, એક જ ઝાટકે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ નોન-પર્સન; કેમ કે મક્કામદીના હો કે જેરુસલેમ, એ કંઈ હિન્દુસ્તાનમાં તો નથી. જેમ-જેમ સાવરકરનું પુનર્વાચન કરતો ગયો તેમ-તેમ સમજમાં ઝમતું ગયું કે એમની હિન્દુની વ્યાખ્યા પશ્ચિમમાં જે ‘રેસ’નો ખયાલ છે એવી જ હૂબહૂ છે.
સાવરકરે પોતાની વ્યાખ્યા શ્લોકબદ્ધ કરી છે.
आसिंधुसिंधुपर्यन्ता यस्य भारत भूमिका ।
पितृभू: पुण्यभूश्चैव स वै हिन्दुरिति स्मृत:।।
આ આખો વિપર્યાસ બરાબર સમજવા જેવો છે. ‘રાષ્ટ્રીય’ હોવું એ એક રાજકીય ધોરણ છે, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ એ અલગ-અલગ વાત છે, એ રીતે આખો વિમર્શ શરૂ કર્યા પછી ઠરે છે તો પાછા ત્યાંના ત્યાં આવીને કે રાષ્ટ્રીયતાની આખરી ને અફર ઓળખ વગર વ્યાખ્યા તો ધાર્મિક ને ધાર્મિક જ છે. તમે ધર્મે શીખ છો, જૈન છો, બૌદ્ધ છો – ભલે, પણ તમારી પુણ્યભૂ તો હિન્દુસ્તાન જ છે, એટલે તમે રાષ્ટ્રીય કહેતાં હિન્દરાષ્ટ્રી જ છો.
આ અભિગમનું અર્થઘટન અને અનુસંધાન ક્યાં લગી જઈ શકે, બલકે ગયું જ છે તે મને ‘વી’ના પુનર્વાચનથી સમૂળું પકડાયું. ગોળવલકરને જ ટાંકું : ‘હિન્દુસ્તાનમાં જે વિદેશી નસલના લોકો વસે છે એમણે હિન્દુ સંસ્કૃતિ અને ભાષા અપનાવી લેવી જાઈએ. હિન્દુ ધર્મનો આદર અને સમ્માન કરવાનું શીખી લેવું જાઈએ. હિન્દુ નસલ અને સંસ્કૃતિના ગૌરવ સિવાયનો કોઈ વિચાર એમણે સેવવો ન જાઈએ. અન્યથા, રહેવું જ હોય આ દેશમાં તો હિન્દુ રાષ્ટ્રને પૂર્ણ આધીન થઈને રહેવું જોઈએ. કોઈ વિશેષ અધિકાર માટેનો દાવો તો દૂર રહ્યો, એમણે નાગરિક અધિકારો સુદ્ધાંની ઉમેદ રાખવાનોયે સવાલ જ નથી.’
આ વ્યાખ્યાગત સમજમાં રહેલી હિંસ્ર, અમાનુષી સંભાવનાઓ ‘વી’ના વાચકના ખયાલ બહાર ન જ જઈ શકે. કન્ડિશન્ડ માનસથી વાંચતાં જે ચૂક્યો હોઈશ તે વકીલસાહેબે દીધેલ વિચારધક્કાવશ પુનર્વાચન સાથે બરાબરનું પકડાયું. ગોળવલકરે લખ્યું છે કે હિટલરે રાષ્ટ્ર કઈ રીતે બેઠું કર્યું તે નેત્રદીપક છે. શુદ્ધ આર્ય લોહીનું વંશીય ગાંડપણ અને યહૂદી નિકંદન સત્રનો મહિમા એમાંથી ક્યારેક સરસ સોડાતો હશે, એ મારી વિકસિત સમજ સાથેના પુનર્વાચને કેવળ ગંધાતું ને ચીતરી ચડતું અનુભવાયું હતું, તે આ લખતાં સાંભરે છે. ઇચ્છું કે એને વાચા આપી શકું, ખરેખરની ને ખરાખરીની.

બી.એસ. મૂન્જે
૧૯૩૯માં, એક રાતમાં લખાઈ ગયાની વાયકાસોતું આ પુસ્તક પ્રગટ થયું અને વિસ્તરતા સંઘકાર્યમાં એ કેવું તો ઊંચકાયું હશે કે ૧૯૪૦માં તે ચાર – ચાર વાર છપાયાની નોંધ મળે છે. સહેજે ૧૯૬૪-૬૫ લગી એની ગુજરાતી, હિન્દી નકલો અને મૂળ અંગ્રેજી સંસ્કરણ મેં જાયાનું સાંભરે છે. ધીમે-ધીમે એ ચલણમાંથી કાળજીપૂર્વક દેખીતી હટાવાઈ હશે એમ લાગે છે.
હિટલરની પ્રશંસા ને અનુમોદના ધારો કે પળવાર બાજુએ રાખીએ તો પણ ગેરહિન્દુને નાગરિક અધિકાર સુદ્ધાં નહીં, એવી દાંડીપીટ બલકે જંઘાઠોક રોકડી રજૂઆત બાબતે લોકશાહી પ્રજાસત્તાકમાં કંઈક શરમસંકોચ કે મૌન સલાહભર્યું લાગ્યું હશે કે કેમ, પણ દાયકાઓના ઘોર સેવન પછી તે એકાએક, દેખીતી તો, અલોપ જ થઈ ગઈ.
આ પ્રક્રિયાનો વિલક્ષણ ખુલાસો અને મને મોડેથી છેક ૨૦૦૬માં જાહેર જીવન અને રાજનીતિના એક આજીવન છાત્રને નાતે નાગરિક હેસિયતથી ‘શ્રી ગુરુજી સમગ્ર’ના બાર ખંડમાંથી પસાર થતાં મળ્યો, તે હું અહીં સાભિપ્રાય સંભારું છું. ‘સમગ્ર’માં ‘વી’નો સમાવેશ કેમ નથી એની સ્પષ્ટતા કરતાં કહેવાયું છે કે, “ ‘વી (We)’ પુસ્તકનો ઉલ્લેખ કરતાં તેમણે (ગોળવલકરે) પોતે જ કહ્યું છે કે જ્યાં સુધી તેમના નામે છપાયેલ ‘વી આૅર અવર નેશનહુડ ડિફાઇન્ડ’નો પ્રશ્ન છે, તે પણ શ્રી ગણેશ દામોદર ઉપાખ્ય બાબારાવ સાવરકરના મરાઠી પુસ્તક ‘રાષ્ટ્રમીમાંસા’નો સંક્ષિપ્ત સ્વૈર અંગ્રેજી અનુવાદ છે. આ સંદર્ભમાં મુંબઈમાં હિન્દુ મહાસભા દ્વારા આયોજિત ‘સૈનિકીકરણ સપ્તાહ’ના કાર્યક્રમમાં દિનાંક ૧૫ મે, ૧૯૬૩માં અપાયેલા ભાષણમાં શ્રી ગુરુજીએ પોતે કહ્યું, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’માં ‘We’ અર્થાત્ ‘આમ્હી કોણ’ નામક પુસ્તકનું નિયમિત વાંચન કરવામાં આવે છે. બાબારાવ સાવરકર દ્વારા લિખિત ‘રાષ્ટ્રમીમાંસા’ પુસ્તક પરથી ‘We’ અથવા ‘આમ્હી કોણ’ પુસ્તક મેં લખ્યું. બાબારાવની આજ્ઞા અનુસાર મેં તેમના આ પુસ્તકનું હિન્દી ભાષાંતર પણ કર્યું. બાબારાવના આ ઋણનો સ્વીકાર જાહેરમાં કૃતજ્ઞતાપૂર્વક કરવો એ મને યોગ્ય લાગે છે.”
શું, કેમ કે, ‘વી’ તે અનુવાદ છે, એટલામાત્રથી (અને તે પણ પ્રગટ થયાના ખાસા ચોવીસ-ચોવીસ વરસ પછીના ખુલાસા માત્રથી) ઓઝલ રખાયેલ છે? સંઘમાં પેઢાનપેઢી જેવું સેવન થતું રહ્યું, તે પુસ્તકની પોતાની જવાબદારી બાબતે અનુવાદની આડશે હાથ ઊંચા કરવામાં પ્રામાણિકતા કેટલી ને વ્યૂહાત્મકતા કેટલી તે તપાસ મુદ્દો છે. મેં ‘રાષ્ટ્રમીમાંસા’ (બાબારાવ સાવરકર) જોયું કે વાંચ્યું નથી; પણ જે અભ્યાસીઓ આ મૂળ ગ્રંથમાંથી પસાર થયા એમણે નોંધ્યું છે કે, ગેરહિન્દુ નાગરિક નિર્મૂલન એમાં નથી. મતલબ, આ ‘નિર્મૂલન’ એ અનુવાદક અર્થાત્ ગોળવલકર ગુરુજીનું પોતાનું ઉમેરણ અર્પણ છે અને પ્રથમ સરસંઘચાલક હેડગેવારથી ગોળવલકરની ટર્મ પૂરી થયા સુધી (૧૯૭૩) સુધી અને સંભવતઃ તે પછી પણ ઓછુંવત્તું સેવાતું રહ્યું છે.
વિસ્તારભયે હવે એક જ મુદ્દો ઓછોવત્તો લઈ સમેટવાની કોશિશ કરું. ૧૯૬૫માં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની પ્રગટ જિકર કરી. એ પૂર્વે એમનાં લખાણોમાં શંકરાચાર્ય કે ચંદ્રગુપ્ત જેવા સંઘસ્થાન પરના ચરિત્રકથન – વાર્તાકથન ઢબનાં જોવાં મળે છે. અપવાદરૂપ એમની ‘આૅર્ગેનાઇઝર’માંની ‘પોલિટિકલ ડાયરી’ એનું સંપાદન સંપૂર્ણાનંદની પ્રસ્તાવના સાથેનું મેં જોયાનું સાંભરે છે, પણ લેખક ચિંતક તરીકે દીનદયાલનો બ્રેક થ્રૂ નિઃશંક એકાત્મ માનવ દર્શનનો છે, જે ૧૯૬૫નાં મુંબઈ વ્યાખ્યાનો સાથે થયો. હાલ ગ્રંથનિર્માણ બોર્ડના પ્રકાશન રૂપે સુલભ ‘એકાત્મ માનવ દર્શન’ ૧૯૬૭માં વિષ્ણુ પંડ્યાના ગુજરાતી અનુવાદમાં જનસંઘ શિબિર માટે સુલભ થયું હતું, તે હમણાં જ મુખપોથી પર વાંચવા મળ્યું. ભારતીય જનતા પક્ષે પણ એકાત્મ માનવવાદની પોતાના બંધારણમાં પ્રતિષ્ઠા કરી છે.
દીનદયાલ ઉપાધ્યાય એક વરિષ્ઠ સંઘ પ્રચારક હતા અને મારી પાસે વધારે દીનદયાલ હોત તો ટૂંકા ગાળામાં જનસંઘને હું ક્યાં ય આગળ લઈ ગયો હોત, એવી શ્યામાપ્રસાદ મુખર્જીની જાહેર શાહેદી છે. ઉપાધ્યાયના સમગ્ર ચિંતનમાં ઊંડે નહીં જતાં ઉતાવળે એટલું જ નોંધીશું કે રાષ્ટ્રમાત્રથી કોઈક ‘ચિતિ’ હોય છે. ભારતની ચિતિ તે ધર્મ છે. શાંતિથી સમજીએ, આ ધર્મ એ હિન્દુ ધર્મ જેની સાવરકર – ગોળવલકરે વંશીય રાષ્ટ્રીય દરજ્જે પ્રાણપ્રતિષ્ઠા કરી તે નથી. તે ‘ધર્મ’ છે, જેને અંગ્રેજીમાં શ્રી અરવિંદ ‘કોડ આૅફ કન્ડક્ટ’ કહે છે, તે ‘રિલિજિયન’ નથી. સંઘ પરિવાર એમ તો કહી શકે છે, કહે છે કે અમે ‘ધર્મ’ની વાત કરીએ છીએ; પશ્ચિમી – સેમિટિક અર્થમાં ‘રિલિજિયન’ની નથી કરતા, પણ આ પરિવારની ૧૯૨૫થી જે રાષ્ટ્રની વ્યાખ્યા છે એમાં પુણ્યભૂ – પિતૃભૂની શરતે જે મૂળ તત્ત્વ છે એ તો ધરાર સેમિટિક અને સેમિટિક જ છે. વિવેકાનંદ, અરવિંદ, ગાંધી પોતપોતાની રીતે ભાતે ‘ધર્મ’ની વ્યાખ્યારૂપ, જીવન જીવ્યા – ગાંધીના કિસ્સામાં તો જાહેર જીવન આખું એની વ્યાખ્યારૂપ ચાલ્યું. તિલકના નિધન પછી કાઁગ્રેસ નેતૃત્વ, સાફ દેખાતી ગાંધી પ્રતિષ્ઠાને બદલે, ‘સલામત હાથ’માં જાય તે માટે અરવિંદને પોંડિચેરીથી પાછા ફરવાનું સમજાવવા હેડગેવાર (અને મુંજે) ગયા હતા, પણ અરવિંદે ઇનકાર કર્યો હતો. એમાં પોતે સાધી રહેલ યોગનો મુદ્દો મુખ્ય અને મહત્ત્વનો હશે, પણ સનાતન ધર્મ (નિતાન્ત ‘હિન્દુ’ ધર્મ નહીં) એ પણ એક મુદ્દો હોવાનું સમજાય છે.
ગમે તેમ પણ, ધર્મ એ જો રિલિજિયન નથી તો તે ‘હિન્દુત્વ’ની જેમ સેમિટિક રાષ્ટ્રવાદ પણ નથી. દીનદયાલે છેડેલ અને એમના અકાલમૃત્યુથી છૂટી ગયેલ ચર્ચા જો ચાલે અને એ ધોરણે ‘વી’ને તળેઉપર તપાસવામાં આવે તો … ૨૦૧૮માં અને હજુ હમણાં આૅગસ્ટ ૨૦૨૫માં સંઘ શતાબ્દીની નાંદી રૂપ વિજ્ઞાન ભવન વ્યાખ્યાનોમાં વર્તમાન સરસંઘચાલક ભાગવતે ‘સ્વદેશી સમાજ’ (રવીન્દ્રનાથ) અને ‘હિન્દ સ્વરાજ’ (ગાંધીજી) તરેહના ઉલ્લેખો જરૂર કર્યા છે, પણ વરખ જેવા છે, એમાં અંતઃ તત્ત્વની તપાસ અગર આત્મનિરીક્ષા નથી.
સૈકાની સિદ્ધિ તમે એને જરૂર કહી શકો કે ભા.જ.પ. આજે સત્તાસુખભોગી છે અને સંઘને પણ એની આસપાસ તામઝામ નસીબ છે, પણ ધર્મ કહેતાં પેલી ચિતિ ક્યાં ય છૂટી ગઈ અને રાજાપાઠમાં છે એ તો રિલિજિયન છે. ભલા ભાઈ, સૈકાની સલામ સહ સવાલ એક દિલી કે જે ભારતનું ‘સ્વ’ હોઈ શકે એને અને સત્તાસિદ્ધિને શું લાગેવળગે.
પ્રગટ : “અભિયાન”; 11 ઑક્ટોબર 2025; પૃ. 21-23
સહાય સૌજન્ય : હિદાયતભાઈ પરમાર
Editor: nireekshak@gmail.com