બિહાર પર યુ.પી.નાં રમખાણોનું નિયંત્રણ હશે ખરું? કદાચ નહીં પણ છતાં ય તેની બારીકીને નકારવી ન જોઇએ. સાંપ્રદાયિક તણાવ પૃષ્ઠભૂમિ બનશે એ ચોક્કસ પણ બિહારના ખેલમાં જાતિ, કલ્યાણ અને નેતૃત્વની વિશ્વસનિયતા જ મહત્ત્વનાં પાસા રહેશે તે નક્કી છે.

ચિરંતના ભટ્ટ
બિહાર ફરી એક વાર એવા ચૂંટણીઅભિયાન માટે તૈયાર થઈ રહ્યું છે જે આકરું પણ હશે અને નિર્ણાયક પણ. પરંતુ આ વખતે મેદાન ફક્ત રાજ્ય પૂરતું નથી. પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં ફાટી નીકળેલા સાંપ્રદાયિક રમખાણોનો પડછાયો પણ લાંબો છે અને રાજકીય વ્યૂહકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરની વાપસીના કારણે, આ લડતના દાવ ખૂબ મોટા છે. પ્રશાંત કિશોર બિહારના રાજકીય અંકગણિતને ફરી ગોઠવવાની મથામણમાં છે. અગત્યનો સવાલ એ છે— શું બિહાર પ્રાથમિકતાઓ પર મતદાન આપશે કે પછી પડોશી રાજ્યના ધ્રુવીકરણના રાજકારણથી પ્રભાવિત થશે?
પડોશી યુ.પી.નાં રમખાણો : ગુંજ બિહાર સુધી
બિહાર અને યુ.પી. ફક્ત સરહદ જ નહીં, પણ અહીં બ્લડલાઇન્સ પણ એક થાય છે તો, આવન-જાવન એટલે કે સ્થળાંતરના રસ્તાઓ, જાતિના બંધારણો અને હવે વધતી રાજકીય વાર્તાઓ બન્ને રાજ્યો વચ્ચે એક લઘુત્તમ સામાન્ય અવયવ બનાવે છે. યુ.પી.માં રમખાણ થાય ત્યારે બિહાર તેનાથી દૂર રહે તે શક્ય નથી. વોટ્સએપ ફોરવર્ડ, પ્રાદેશિક મીડિયા અને ભાવનાઓ ઉશ્કેરતાં રાજકીય ભાષણો મારફતે સમાચાર પળોમાં ફેલાઈ જાય છે.
2024માં યુ.પી.માં બહરાઈચ જેવા રમખાણોમાં થયેલી હિંસા અને તેના પછીના ધ્રુવીકરણની ચર્ચાઓ બિહારની રાજકીય વાતાવરણમાં ઘૂસી ગયી છે. ભા.જ.પ. માટે 2029માં રાષ્ટ્રીય બહુમતી માટે બિહાર બહુ જ જરૂરી ગઢ છે, ચૂંટણીને “હિન્દુત્વ નેતૃત્વ હેઠળના કાયદો-વ્યવસ્થા”ની નજરથી પ્રસ્તુત કરવાની કોશિશ કરશે. યુ.પી.નાં રમખાણો પક્ષ માટે એક બીજા ખતરાની સણસણતી થપ્પડ જેવી યાદગીરી છે— આ ખતરો કે જોખમ છે જેમાં “બીજું” કોણનો ભય, જે હિન્દી હાર્ટલેન્ડમાં ચૂંટણીલક્ષી રીતે કારગર સાબિત થયો છે.
પરંતુ બિહાર એ યુ.પી. નથી. બન્ને રાજ્ય સાવ નજીક હોવા છતાં ય બન્નેમાં ફેર છે. બિહારમાં સાંપ્રદાયિક ધ્રુવિકરણ હોવા છતાં અહીંનું રાજકીય વ્યાકરણ હંમેશાં જાતિ, ગરીબી અને વિકાસની શાહીથી લખાયું છે – મુદ્દાઓની હાજરી અને ગેરહાજરી બિહારમાં રાજકારણનો રસ્તો નક્કી કરનારી રહી છે. લાલુપ્રસાદ યાદવ, નીતીશકુમાર અને રામવિલાસ પાસવાન જેવા નેતાઓએ ધાર્મિક વિભાજન નહીં, પણ જાતિના ચોકઠા અને સશક્તિકરણના વાયદાઓથી રાજનીતિ ગઢી છે. સવાલ એ છે કે યુ.પી.નું ધ્રુવીકરણ બિહારની “જાતિ-પ્રથમ” રાજનીતિમાં ગુંજે છે કે પછી આ ધ્રુવીકરણ બિહારમાં ટકાવી રાખવા માટે કૃત્રિમ આયાત સાબિત થશે?
બિહારની ખામીઓ : અહીં આજે પણ જાતીવાદનું શાસન ચાલે છે
યુ.પી.માં વિવિધ જાતિના હિંદુઓને એક છત હેઠળ લાવવાની ભા.જ.પા.ની કલા સફળ રહી છે. પરંતુ બિહારમાં પરિસ્થિતિ જુદી છે. બિહાર અને યુ.પી. સરખા નથી. બિહારમાં અહીં યાદવ-મુસ્લિમ (આર.જે.ડી.), કુર્મી-કોઈરી (જે.ડી.-યુ.) અને વિખરાયેલા દલિત મતો (એલ.જે.પી., હમ, વગેરે) હજી પણ નિર્ણાયક મતદારો છે. રમખાણો મુસ્લિમ મતદારોમાં ચિંતા જરૂર જગાવે, પરંતુ તેઓ તૂટવાને બદલે વધુ સંયુક્ત થઈ તેજસ્વી યાદવ પાછળ, તેમને ટેકો આપતા ઊભા રહેશે.
બીજી બાજુ, ઉચ્ચ જાતિઓ અને ઓ.બી.સી.ના કેટલાક વર્ગો ભા.જ.પા.ની તરફેણમાં વધુ ઝૂકી શકે છે, તેમને માટે “હિન્દુત્વ” એક રક્ષા કવચ કે ઢાલ હશે. પરંતુ નિર્ણાયક “ઈ.બી.સી.” (અતિપછાત જાતિઓ) અને મહાદલિતો વ્યવહારિક મતદારો છે— તેઓ સાંપ્રદાયિક ભાષણ કરતા રોજગારી, કલ્યાણયોજનાઓ અને સ્થાનિક નેતાઓના કાર્યથી વધુ પ્રભાવિત થાય છે. તેમને તર્ક ખપે છે, વાતોના વડા નહીં. એટલે યુ.પી.નાં રમખાણો બિહારના રાજકારણમાં સામ્પ્રદાયિક રંગ લાવશે, પરંતુ જાતિ આધારિત સમીકરણોને બદલી શકાવાની તેમનામાં તાકાત નથી.
નીતીશકુમાર : બચી ગયેલા રાજકારણી દ્વિધા

લાલુપ્રસાદ યાદવ અને નીતીશ કુમાર
બિહારની સ્થિતિનું કોઈ વિશ્લેષણ “સર્વાઈવર” નીતીશકુમાર વિના સંપૂર્ણ ન ગણાય. તેમણે અનેકવાર ગઠબંધન બદલ્યાં છે— એટલી બધી વાર તેમણે પાટલી બદલી છે કે તેમના કાર્યકરો પણ એ ગણતરીમાં ખોવાઈ જાય. નીતીશ કુમારની પકડ નબળી ચોક્કસ પડી છે પણ તે હજી પણ એટલા જ પ્રાસંગિક છે. તે ધારે તો ડઝનેક મત વિસ્તારોમાં પરિણામો ફેરવી શકવાની ક્ષમતા ધરાવે છે.
નીતીશ કુમાર માટે યુ.પી.નાં રમખાણો બમણા પડકાર ખડા કરનારા છે. ભા.જ.પા. સાથે રહે તો મુસ્લિમો તેમનાથી દૂર જશે. જો ભગવા છાવણીનો વિરોધ કરશે તો રાજકીય એકલતા ભોગવવાની આવશે. લાંબા સમયથી નીતીશ કુમારે પોતાને માટે ખડી કરેલી “સુશાસન બાબુ” બ્રાન્ડ હવે પહેલા જેવી ચમક નથી ધરાવતી. “સુશાસન બાબુ” નીતીશ કુમાર હવે ઝાંખા પડ્યા છે અને એટલે તે હવે માત્ર એક “ઓછા ખરાબ વિકલ્પ” તરીકે બચી શકે તેમ છે. બિહારના મતદારો તેમને એક વ્યવહારવાદી રાજકારણી તરીકે જુએ છે જે પવનની દિશા પ્રમાણે ઝૂકી જાય છે, તેમને કદાચ એ પ્રતિષ્ઠા ટકી રહેવામાં મદદ કરી શકે છે. પણ માત્ર ટકી જવામાં તેમને કદાચ ધાર્યું પ્રભુત્વ ન મળે તેમ બની જ શકે છે.
પ્રશાંત કિશોર : રાજકીય વ્યૂહકારથી નેતા સુધીની સફર

પ્રશાંત કિશોર
આ ફિલ્મી રાજકારણના કથાનકમાં પ્રવેશ કરે છે પ્રશાંત કિશોર— જેમણે એક સમય નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર અને મમતા બેનર્જીની જીત માટે રણનીતિ ઘડી હતી. પ્રશાંત કિશોર હવે ચૂંટણીના મેદાનમાં છે જે હવે પોતાના ‘જન સુરાજ’ અભિયાનથી પોતાના નેતૃત્વની કસોટી કરીને પોતાનું સ્થાન બનાવવાની ભાંજગડમાં છે. એક સમયે વ્યૂહરચના બનાવનારા પ્રશાંત કિશોર પોતે એ વાર્તાનો હિસ્સો બની શકશે?
પ્રશાંત કિશોર પાસે આંકડા, ડેટા અને પેકેજિંગની કુશળતા છે. પરંતુ બિહારની રાજનીતિ ધીરજ, નેટવર્ક, જાતિની ગાંઠ અને પાયાના મહેનતથી ચાલે છે. પ્રશાંત કિશોરનું ગ્રાઉન્ડ વર્ક ગજબ છે, તેમણે 5,000 કિલોમીટરથી વધુની પદયાત્રા કરી છે, 5,500થી વધુ ગામોની મુલાકાત લીધી છે અને પોતે નાના જૂથો સાથે જોડાઇ પણ રહ્યા છે. તેમણે નવા બિહારનું વચન આપ્યું છે. તાજેતરના C-Voters સર્વેમાં 23% મતદારો પ્રશાંત કિશોરને મુખ્ય મંત્રી તરીકે જોવા માંગે છે— નીતીશ કુમારના 16%થી વધુ. છતાં તેમની અસર 2025માં મર્યાદિત રહે તેમ બની શકે છે.
છતાં તેમની અસર 2025માં મર્યાદિત રહે તેમ બની શકે છે. તેમના જન સુરાજમાં આર.જે.ડી., ભા.જ.પ. કે જે.ડી.-યુ. જેટલું સંગઠનાત્મક ઊંડાણ નથી. જો કે પ્રશાંત કિશોર ધારે તો પરંતુ 3-5% મતો પણ ત્રિકોણીય લડતમાં પાસા પલટી શકે છે. યુવાનો, પહેલીવારના મતદારો અને શહેરી સુધારાવાદીઓ તેમને મત આપે તો તેઓ આ ચૂંટણી માટે – ખાસ કરીને ભા.જ.પા. અને આર.જી.ડી. માટે “સ્પોઈલર” બની શકે છે. પ્રશાંત કિશોર આ માર્જીનનો લાભ મેળવી શકે છે પણ તેનાથી વધુ વિચારવું કદાચ અત્યારે તાર્કિક નથી લાગતું. પ્રશાંત કિશોરની વાસ્તવિક કસોટી એ છે કે શું તેઓ તેમની વ્યૂહાત્મક કુશળતા માટે અત્યાર સુધી જે પ્રશંસા એકઠી કરી છે તેને વાસ્તવિક મતોમાં ફેરવી શકે તેમ છે ખરા? – આ એ જ ભારતીય રાજકારણ છે જેમાં ભલભલા અનુભવી ટેક્નોક્રેટ્સ પણ નિષ્ફળ ગયા છે.
આગળ શું થશે?: બિહાર લખશે પોતાનું રાજકીય નસીબ
બિહાર પર યુ.પી.નાં રમખાણોનું નિયંત્રણ હશે ખરું? કદાચ નહીં પણ છતાં ય તેની બારીકીને નકારવી ન જોઇએ. સાંપ્રદાયિક તણાવ પૃષ્ઠભૂમિ બનશે એ ચોક્કસ પણ બિહારના ખેલમાં જાતિ, કલ્યાણ અને નેતૃત્વની વિશ્વસનિયતા જ મહત્ત્વનાં પાસા રહેશે તે નક્કી છે. ભા.જ.પા. કાયમની માફક હિન્દુત્વ કાર્ડ આગળ કરશે, આર.જે.ડી. સામાજિક ન્યાયની વાતો કરીને તેનો સામનો કરશે અને નીતીશ કુમાર સ્થિરતાની બ્રાન્ડનું માર્કેટિંગ કરશે – પ્રશાંત કિશોરની પોતાની નવી વાર્તા રજૂ કરવાનો પ્રયાસ રહેશે.
જો યુ.પી.નાં રમખાણો ધ્રુવીકરણની લહેર ઊભી કરે, તો ભા.જ.પ.ને સૌથી વધુ ફાયદો થશે. જો ચૂંટણીમાં થનારી ચર્ચા નોકરીઓ, સ્થળાંતર અને મોંઘવારી તરફ વળશે તો તેજસ્વી યાદવનો આર.જે.ડી. પક્ષ મજબૂત બનશે. જો પ્રશાંત કિશોર સત્તા વિરોધી મતોને એકીકૃત કર્યા વિના તેમાં કાપ મૂકે છે, તો તે ભા.જ.પ.નો અનાયાસે ફાયદો કરાવી શકે છે. બરાબર એ જ કારસો અહીં ઘડાશે જે 2022માં ગુજરાતમાં ઘડાયો, જ્યારે આમ આદમી પાર્ટીનો ગુજરાતની ચૂંટણીમાં છાનો ભાગ હતો તેવો આક્ષેપ મૂકાયો હતો. ચૂંટણીમાં કોનો ચમત્કાર ચાલે છે એ રાજકારણીઓ જાણે છે, મતદારો મૂડી હોય છે અને તેમના મિજાજને પારખવાની ગેરંટી લેનારા ભલભલા નિષ્ફળ ગયા છે ત્યારે આગે આગે દેખીએ હોતા હૈ ક્યાનું ગાણું ગાઈને ખેલ જોવા સિવાય આપણે કંઇ કરી શકીએ તેમ નથી.
બાય ધી વેઃ
આખરે બિહાર પોતાની રાજકીય સ્ક્રિપ્ટ પોતે જ લખશે. બિહારમાં હંમેશાંથી એમ જ થતું આવ્યું છે. આ ખેલ થશે અને બિહાર બાકીના ભારતને ટકોર કરશે કે પાડોશી રાજ્યની વાર્તાઓ અને ઘટનાઓ સરહદ પાર કરી શકે છે પણ મત તો સ્થાનિક વાસ્તવિકતાઓને આધારે જ આપવામાં આવે છે. પરંતુ 2025 એક નિર્ણાયક સવાલો છોડી જશે: શું ભા.જ.પ. યુ.પી.ના ફોર્મ્યુલા બિહારમાં ચાલવી શકશે? શું આર.જે.ડી. લાલુ-યુગના જાદુ વિના જીતી શકશે? શું નીતીશ કુમાર ગઠબંધન બદલ્યા પછી પણ પ્રાસંગિક રહી શકશે? અને સૌથી મહત્ત્વપૂર્ણ— શું પ્રશાંત કિશોર ચૂંટણી જીતતા શીખ્યા વિના જીતનાર બની શકશે?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઑક્ટોબર 2025