દર વર્ષની જેમ જ નટવર ગાંધીનો જન્મદિવસ હોય અને હું સોનેટ લખવાનું સાહસ ન કરું એમ કેમ બને? આ મારે માટે પડકાર છે! કેવું લખાયું છે એ ગાંધી જાણે અને સંવેદનશીલ ભાવકો જાણે.
હવે હું તો ચાલી, વય વરસ નેવુથી વધુ છું.
થયુ જે મારાથી બધું જ બધું તે ચોક્કસ કર્યું,
પરંતુ જાણું છું નથી થયું ઘણું, ઊણું અરધું,
હવે જે કૈં બાકી, ફરજ ચૂક, તે માફ કરજે.
મને ચિંતા મોટી મુજ વિરહમાં શું કરીશ તું?
કહે કોની સાથે કરીશ અમથી આડીઅવળી
બધી વાતો? ઘેલાં કહીશ સપનાં શેખચલીનાં?
અને કોની સાથે અઢળક ઢળી પ્રેમ કરશે?
કહે કોની સાથે ખડખડ હસી આખું ય ઘર
ભરી ઉલ્લાસે તું સૂરસભર સંવાદ રચશે?
અને કોની પાસે મૃદુ હૃદયના હાસ્ય હળવા,
હિલોળા હૈયાના, ઉર અભરખા ઠાલી કરશે?
થતું: થોભું થોડા વરસ પછી સાથે જ જઈએ,
પરંતુ એ તો છે વિધિવશ બધું, હું વિવશ છું.
ઓક્ટોબર 4, 2025.