
હિતેશ રાઠોડ
ત્રિપાઈના ત્રણ પાયામાંથી ક્યો પાયો સૌથી અગત્યનો ગણાય? ક્યો પાયો ડગમગે કે તૂટી જાય તો ત્રિપાઈ સરખી રીતે ઊભી ના રહી શકે? ક્યા પાયા પર ત્રિપાઈનું વજન સૌથી વધારે હોય છે? તમને થશે કે આવા તે કાંઈ પ્રશ્નો હોય! આ બધા પ્રશ્નોનો જવાબ એક જ હોય અને તે એ કે ત્રિપાઈનો દરેક પાયો સરખું મહત્ત્વ ધરાવે છે, દરેક પાયા પર ત્રિપાઈનું વજન એકસરખું હોય છે અને ત્રણમાંથી એક પણ પાયો તૂટી જાય એટલે નિશ્ચિતપણે ત્રિપાઈનું સમતોલન બગડે અને ત્રિપાઈ સરખી રીતે ઊભી રહી શકે નહીં. ત્રિપાઈની સંરચના જેવી ભારતની લોકશાહી શાસનપ્રણાલિના ત્રણ પાયા કે આધાર સ્તંભ એટલે ન્યાયસભા (The Judiciary), ધારાસભા (The Legislature) અને કારોબારી સભા (The Executive) અને આ ત્રણેય સંસ્થાઓને એકસૂત્રમાં બાંધી રાખતી સર્વોચ્ચ વ્યવસ્થા એટલે ભારતનું બંધારણ. ભારતનું બંધારણ એ શાસનની ધરી છે. લોકશાહી શાસનની ત્રણેય પાંખો બંધારણે તેમના માટે આંકેલ લક્ષ્મણરેખાની અંદર રહી પોતપોતાનાં કાર્યો કરે છે. એટલે કે કાર્ય કરવાની બાબતે આ ત્રણેય સંસ્થાઓ પોતાની મનમાની કરી શકતી નથી કે બંધારણીય મર્યાદાની બહાર જઈ વર્તી શકતી નથી. બંધારણની જોગવાઈ વિરુદ્ધનું કોઈપણ કૃત્ય આ ત્રણે ય સંસ્થાઓ માટે વર્જિત છે.
ઉપરોક્ત સ્થિતિ જોતા એમ કહી શકાય કે આ ત્રણેય સંસ્થાના સુભગ સમન્વય વિના લોકશાહી શાસન વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી શકે નહીં કે કાર્ય કરી શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો વ્યવસ્થા રગશિયા ગાડાની જેમ અથવા ખોડંગાતી ગતિએ ચાલે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ પૈકીની ઉપલી બે સંસ્થાઓ ન્યાયસભા એટલે કે ન્યાયિક વ્યવસ્થા અને ધારાસભા એટલે કે સંસદ, આ બંનેમાં કોણ સર્વોપરિ અને કોણ તાબેદાર એ વિષય પર વિદ્વાનો અને રાજનીતિજ્ઞો વખતોવખત કુનેહપૂર્વક પોતાના મોઘમ વિચારો રજૂ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકશાહીની ત્રીજી પાંખ કારોબારી એટલે કે નોકરશાહી દેખીતી રીતે પ્રથમ બે સંસ્થાના નિર્દેશો મુજબ કામ કરતી હોવા છતાં બંધારણીય જોગવાઈઓ, પ્રશાસકીય કાર્યરીતિ, કાયદા-કાનૂન, નિયમો, નિયમનો વગેરેના પાલનની બાબતમાં તે સ્વાયત્તતા ભોગવે છે એમ કહેવામાં હરકત નથી.
મુખ્ય ચર્ચા ન્યાયસભા એટલે કે ન્યાયિક વ્યવસ્થા અને ધારાસભા એટલે કે સંસદ આ બંનેમાં સર્વોપરિ કોણ અને કોણ કોના પર આધિપત્ય ધરાવે છે એના પર કેન્દ્રિત છે. ભારતની ન્યાયિક વ્યવસ્થાની ટોચ પર બિરાજમાન સર્વોચ્ચ અદાલત એ ભારતના બંધારણની તેમ જ લોક-અધિકારોની રખેવાળ સંસ્થા ગણાય છે એટલે કે બંધારણીય જોગવાઈઓ મુજબ લોકોના જીવન, ન્યાય, હકો, અધિકારો, સ્વતંત્રતાઓ, વિશેષાધિકારો, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા, અભિવ્યક્તિ વગેરે સંબંધિત મૂળભૂત બંધારણીય જોગવાઈઓનું યથાયોગ્ય પાલન થાય છે કે નહિ તેમ જ બંધારણની મૂળભૂત વિભાવના અને હાર્દ જળવાઈ રહે એ રીતે કાયદા-કાનૂન ઘડતર અને ઉચિત અમલીકરણ કરવામાં આવે છે કે નહિ એ જોવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી ન્યાયિક વ્યવસ્થાની છે. સામાન્ય રીતે ન્યાયિક વ્યવસ્થા ધારાસભા અને કારોબારીના રોજિંદા કાર્યોમાં માથું મારતી નથી કે એમાં દરમિયાનગીરી કરતી નથી, સિવાય કે એ કાર્યોથી કોઈ બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય અથવા એમનાં કાર્યો બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ દિશાના હોય. ન્યાયિક વ્યવસ્થા એ બંધારણથી લોકોને પ્રદાન કરવામાં આવેલ હકો, અધિકારો, સ્વતંત્રતાઓ, વિશેષાધિકારો, ન્યાય, અભિવ્યક્તિ, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા વગેરે સંબંધિત સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આમ, વાત જ્યારે બંધારણીય જોગવાઈઓ તેમ જ કાયદાના અર્થઘટન અને અનુપાલનની હોય ત્યારે ન્યાયિક વ્યવસ્થા સર્વોપરિ છે એમાં કોઈ મીનમેખ હોઈ શકે નહીં. લોકોના બંધારણીય હક્કોની અવગણના કરતા કોઈપણ કાયદા કે યોજનાને રદ્દ કરવાના અધિકારો ન્યાયિક વ્યવસ્થાને છે. ચૂંટણી બોન્ડ એનું એક ઉદાહરણ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે એમ કહીને ચૂંટણી બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવી હતી કે આનાથી મતદાતાના માહિતી અધિકારનો ભંગ થાય છે.
ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓથી બનેલ સંસદ કે ધારાસભાનું કાર્ય બંધારણની મર્યાદામાં રહી લોકોના હિતો, અધિકારો, હકો, ન્યાયિક અધિકારો, વિશેષાધિકારો, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા, સ્વતંત્રતા, અભિવ્યક્તિ વગેરેની સુરક્ષા માટે કાયદા-કાનૂન ઘડવાનું, નીતિ-નિર્ધારણ કરવાનું અને એ માટે જરૂરી નાણાંકીય સંસાધનો ઉપલબ્ધ કરાવી આપવાનું છે. એટલે કે વ્યાપક જનહિત અને જનસુરક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી ધારાસભા પાસે કાયદા, નીતિ-નિયમો-કાનૂનો-વિનિયમો-નિયમનો ઘડવાની અને જરૂરી નાણાંકીય સંસાધનો ઉપલબ્ધ કરાવવાની અબાધિત સત્તા પ્રાપ્ય છે. સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદાઓ-નીતિ-નિયમો વગેરેનો અમલ સરકાર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે ધારાસભાની રૂટિન કાર્યવાહીમાં ન્યાયપ્રણાલિ કોઈ દરમિયાનગીરી કરતી નથી સિવાય કે એમાં કોઈ બંધારણીય વિસંગતતા જણાય.
લોકશાહી શાસનપ્રણાલિની ત્રણેય પાંખો સુચારુ રીતે પોતપોતાનાં કાર્યો કરી શકે એ માટે બંધારણ દ્વારા ત્રણેય પાંખો વચ્ચે સત્તાની વહેંચણી એવી ધારણા સાથે કરવામાં આવી છે કે પ્રત્યેક પાંખ પોતપોતાના બંધારણ નિર્દિષ્ટ સત્તાધિકારોની મર્યાદામાં રહીને પોતાની પૂર્ણ ક્ષમતા અને સદ્દભાવપૂર્વક કરશે, કોઈ પાંખ અન્ય પાંખની કામગીરીમાં અનાવશ્યક દખલગીરી કરશે નહીં. જેમ કે, સંસદ કાયદા ઘડે છે, ન્યાયસભા એ કાયદાનું અર્થઘટન કરે છે અને કારોબારી સભા એ કાયદાનો અમલ કરે છે. કાયદો ઘડવાની બાબતે સંસદ સર્વોપરિ છે, બંધારણીય દૃષ્ટિકોણથી કાયદાના અર્થઘટનની બાબતે ન્યાયસભા સર્વોપરિ છે તો અમલવારીની દૃષ્ટિએ કારોબારી સભા સર્વોપરિ છે.
જો સત્તાધિકાર સ્પષ્ટ છે તો પછી વિવાદ શા માટે?
છેલ્લા કેટલાક સમયથી શાસન વ્યવસ્થાની ચૂંટાયેલી પાંખ અને ન્યાયિક વ્યવસ્થા વચ્ચે અમુક મુદ્દે તણખા ઝરતા જોવા મળે છે. સંસદમાં અમુક વિવાદાસ્પદ નિર્ણયો થઈ રહ્યા છે જે બંધારણીય જોગવાઈથી વિપરીત હોવાના અને જેનાથી લોકહિત જોખમાશે એવા સંદેહ અને દહેશત સંબંધિત હિતધારક પક્ષો દ્વારા બંધારણની રખેવાળ સંસ્થા સમક્ષ વખતોવખત વ્યક્ત કરવામાં આવે છે. આવા સંજોગોમાં સરકારના નિર્ણયથી લોકહિત કે લોકોના અધિકારોને થનાર સંભવિત અસરો અંગે બંને પક્ષોની વાત સાંભળી કોઈ યથાર્થ નિર્ણય પર આવવા ન્યાયિક દરમિયાનગીરી આવશ્યક બને છે. આવે વખતે પ્રલંબ સુનાવણીઓ દરમિયાન બંને પક્ષો દ્વારા પોતપોતાનો પક્ષ યથાર્થ ઠેરવવા મહિનાઓ અને અમુક કિસ્સાઓમાં તો વર્ષો સુધી સામસામી દલીલબાજી અને સમીક્ષા ચાલ્યા કરે છે. સરકાર પક્ષે લોકહિતાર્થે નિમાયેલ પણ સરકારના કહ્યાગરા એવા સરકારી વકીલો પણ ઘણીવાર લોકહિતને નજરઅંદાજ કરી સરકારની નજરમાં ઠાવકા દેખાવા સરકારી નિર્ણયની યથાર્થતા ઠેરવવામાં અને મારીમચડીને બંધારણીય જોગવાઈઓ સાથે સરકારના નિર્ણયની સુસંગતતા સ્થાપિત કરવામાં પોતાના વાકચાતુર્ય અને બુદ્ધિનો ઉપયોગ વધુ કરે છે. આ તકે ન્યાયસભાની નિસબત સરકાર પક્ષની ધારદાર દલીલો અને તથ્યો સાથે નહિ પણ લોકોના અધિકારો કે લોકહિત જોખમાય નહિ એની સાથે વધુ હોય છે. લોકોની સામાન્ય સુખાકારી કે રોજિંદા જીવન પર વિપરીત અસર કરતી સાવ નજીવી બાબતને પણ ન્યાયપાલિકા નજર અંદાજ કરતી નથી અને એ કારણથી જ સરકાર પક્ષે લેવાયેલ નિર્ણયના દરેક પાસાની બંધારણીય દૃષ્ટિકોણથી સમીક્ષા કરવામાં આવે છે. અહીંથી જ બંને પક્ષો વચ્ચે સત્તાધિકાર બાબતે ગજગ્રાહ શરૂ થાય છે. સંસદના પક્ષે લોકહિતને રૂપાળા શબ્દોના વાઘા પહેરાવી ન્યાયિક વ્યવસ્થાને પોતાની વાત ગળે ઉતરાવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવે છે તો ન્યાયિક વ્યવસ્થા લોક-અધિકારના રક્ષકની ભૂમિકામાં આવી જઈ સામો પ્રતિકાર કરે છે. આ જદ્દોજહદમાં ખાસ કરીને ન્યાયિક વ્યવસ્થાને ઘણી વાર સરકારના કામગીરીમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડે છે. અહીં ન્યાયતંત્રની દલીલ એવી હોય છે કે સરકાર જો લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડે તો ન્યાયતંત્ર હાથ જોડીને બેસી રહી શકે નહીં. એકની નિષ્ક્રિયતા સામે બીજાએ સક્રિય થવું જ પડે અને તો જ સત્તાનું સમતોલન જળવાય. સંસદ અને ન્યાયસભા પોતપોતાના અધિકારક્ષેત્રમાં કાર્ય કરે ત્યાં સુધી વાંધો નથી આવતો પણ બંને એકબીજાના અધિકારક્ષેત્રમાં દખલ શરૂ કરે ત્યારે વિવાદની સ્થિતિ પેદા થાય છે. આ સંજોગોમાં બંને એકબીજા પર હાવી થવા પ્રયાસ કરે છે અને પછી એના પર ચર્ચાઓ શરૂ થઈ જાય છે કે કોણ સર્વોપરિ અને કોણ તાબેદાર.
અહીં તરફેણમાં અને વિરુદ્ધમાં અનેક દલીલો અને તર્ક-વિતર્કો થઈ શકે છે, પણ લોકશાહીના આધારસ્તંભ સમાન સંસ્થાઓએ આખરે તો લોકહિતને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, નહિ કે વ્યક્તિગત હિતો, પક્ષીય હિતો કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને. વિવાદની સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વ્યક્તિગતહિતો કે પક્ષીય હિતો કે પછી કોઈની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા એમાં આડે આવતી હોય. લોકશાહીમાં પ્રજાહિત માટે વાદ-વિવાદ થવા એ સારી બાબત છે, પણ પ્રજાહિતના ઓઠા હેઠળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ, વ્યક્તિગત કે પક્ષીય હિતોને પોષવા અવનવા પેંતરા અજમાવી લોકશાહીને જ જોખમમાં મૂકવામાં આવે એ સ્થિતિ સહેજેય હિતાવહ નથી. લોકશાહીમાં વ્યક્તિ કે પક્ષ નહિ પણ લોકો મહાન છે. પક્ષ અને વ્યક્તિને સત્તા સોંપનાર લોકો છે અને તેથી લોકોનો અવાજ સૌથી ઉપર હોવો જોઈએ. એક વ્યક્તિની બૌદ્ધિકતા ગમે તેટલી હોય તો પણ લોકવાચા કે લોકલાગણીથી ઉપર તો તે નથી જ નથી. અને તેથી જ લોકશાહી શાસનમાં સત્તાની પાંખોએ એક વાત સમજવી રહી કે તેમણે પોતાના કાર્યક્ષેત્રની અંદર રહીને પણ આખરે તો લોકહિતને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું છે જે તમામ મતભેદો અને વ્યક્તિગત વિચારસરણી અને પક્ષીય મૂલ્યોથી ઉપર છે. સત્તાની કોઈ એક પાંખ જ્યારે અનાવશ્યક રીતે બીજી પાંખ પર હાવી થવા પ્રયાસ કરે ત્યારે બીજી પાંખ પોતાને મળેલ સત્તાની રૂએ પોતાના અધિકારક્ષેત્રની અંદર રહીને બીજી પાંખને અંકુશમાં રાખી સત્તાની સ્થિતિને સમતોલ કરવા પ્રયાસ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકશાહી શાસન પ્રણાલિના મુખ્ય ત્રણેય આધારસ્તંભો નિયંત્રણ અને સંતુલન(Checks and Balances)ના સિદ્ધાંતથી કાર્ય કરે છે. એટલે કે આમાંનો કોઈ એક સ્તંભ સમય સંજોગો અનુસાર બીજા પર આધિપત્ય જમાવે છે અને તદ અંતર્ગત મળેલ સત્તાથી અન્ય સંસ્થાના કાર્યને નિયંત્રિત કરે છે. અને આમ થવાથી સત્તાનું સંતુલન જળવાઈ રહે છે.
ભારતીય શાસનપ્રણાલિમાં સામાન્ય રીતે બંધારણ સર્વોપરિ છે, અલબત્ત બંધારણમાં સુધારા-વધારા કે આવશ્યક સંશોધન કરવાનો અધિકાર સંસદને પ્રાપ્ય છે. તો વળી, સંસદ દ્વારા કરવામાં આવતા બંધારણીય સુધારા-વધારા મૂળભૂત બંધારણીય જોગવાઈઓ અને શાસનપ્રણાલિના મૂળભૂત ઢાંચાને નુકસાન તો પહોંચાડી રહ્યા નથી કે વ્યાપક જનહિતને કોઈ વિપરીત અસર તો કરતા નથી ને એ જોવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે. અહીં સર્વોચ્ચ અદાલત બંધારણના રખેવાળની ભૂમિકામાં આવી જાય છે. સંસદ દ્વારા પારિત બંધારણીય સુધારા કે અન્ય કોઈ કાયદાઓ પણ મૂળભૂત બંધારણીય જોગવાઈઓ, શાસનપ્રણાલિના મૂળભૂત ઢાંચા તેમ જ બંધારણની અન્ય કોઈ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા નથી એ જોવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. જો એમ હોય તો સર્વોચ્ચ અદાલત એવા સંશોધનો અથવા કાયદા રદબાતલ ઠેરવી શકે છે.
બીજી બાજુ સત્તાની દૃષ્ટિએ સંસદ શક્તિશાળી હોવા છતાં બંધારણથી ઉપરવટ જઈને વર્તી શકે નહીં. સંસદ પણ બંધારણીય જોગવાઈઓની મર્યાદામાં રહીને બંધારણીય સુધારાઓ અને કાયદાઓ સંસદમાં પસાર કરવા બંધાયેલ છે. સંસદ કે સાંસદો ગેરબંધારણીય રીતે વર્તી શકતા નથી. જો એમ થાય તો સર્વોચ્ચ અદાલત એમને એમ કરતા રોકી શકે છે.
આ બધું છતાં નિર્વિવાદિત હકીકત એ છે કે ભારતીય શાસનપ્રણાલિમાં બંધારણ હંમેશાં સર્વોપરિ છે. બંધારણને સર્વોપરિ ગણાવવા પાછળ બંધારણના ઘડવૈયાઓએ ખૂબ ઊંડો વિચાર કર્યો છે. વ્યક્તિ હંમેશાં ભૂલને પાત્ર હોય છે એ ન્યાયે વ્યક્તિથી ભૂલ થઈ શકે અથવા તો કહો કે પોતાના કોઈ ગર્ભિત હેતુઓ સાધવા વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરી શકે કે કોઈ ખોટું કૃત્ય કરી શકે છે, જો વ્યક્તિ એમ કરવા ઇચ્છે. બંધારણ સિવાયના ત્રણ સ્તંભો ન્યાયસભા, સંસદસભા અને કારોબારીસભા વ્યક્તિઓની બનેલી સંસ્થાઓ છે, અને તેથી એમાં વ્યક્તિની સીધી સામેલગીરી છે. વ્યક્તિથી બનેલ સંસ્થાઓમાં ભૂલ કે કંઈક ખોટું થવાને અવકાશ છે. જો સંસદ કે સુપ્રીમને સર્વોચ્ચ દરજ્જો પ્રાપ્ય હોત તો શક્ય છે કે આ સંસ્થાઓ અમુક વ્યક્તિ કે વ્યક્તિઓની આપખુદશાહીથી નિરંકુશ બની જાય તો રાષ્ટ્રહિતને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. બંધારણ એક નિષ્પ્રાણ અને રાષ્ટ્ર પ્રત્યે સંનિષ્ઠ સંસ્થા છે, અર્થાત બંધારણમાં કોઈ વ્યક્તિની સામેલગીરી નથી. એટલે તેની નિષ્ઠા પર ક્યારે ય શંકા કરી શકાય નહીં. વ્યક્તિની સામેલગીરીના અભાવે બંધારણ સ્વયં ક્યારે ય ખોટું કરી શકે નહીં. એમ કરવા માટે વ્યક્તિની સામેલગીરી અનિવાર્ય છે જે બંધારણમાં નથી. આમ ન થાય એટલા માટે જ કદાચ બંધારણને સર્વોપરિ ગણવામાં આવે છે, અને શાસનની ત્રણેય પાંખોએ બંધારણને જ સર્વોપરિ ગણી પોતપોતાના કાર્યો કરવાના છે.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com