
નેહા શાહ
૨૦૧૯માં ૩૭૦મી કલમ દૂર કરવામાં આવી. એ સાથે લડાખ ને કાશ્મીરથી અલગ થયું. ત્યારથી લડાખનાં લોકો રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણ માંગી રહ્યા છે. બંધારણની આ જોગવાઈ અનુસૂચિત જનજાતિ બહુમતી ધરાવતા પ્રદેશોને અમુક અંશે સ્વ-શાસનની મંજૂરી આપે છે. આ પાંચ વર્ષોમાં અનેકવાર ઉપવાસ પર ઉતરીને સરકારનું ધ્યાન તેમની માંગ તરફ દોરવાનો પ્રયત્ન કરતા સોનમ વાંગચુક લદ્દાખમાં વધતા જતા આંદોલનનો સૌથી અગ્રણી ચહેરો બની ગયા છે. લડાખની કાતિલ ઠંડીમાં અનેક ટેકેદારોની સાથે જાહેરમાં ધારણા કરતા વાંગચુક સોશ્યલ મીડિયા થકી અન્ય દેશવાસીઓ સુધી લડાખી નાગરિકોના બંધારણીય હક, તેમની આજીવિકા તેમ જ પર્યાવરણ અંગેની ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે.
આજે, સમગ્ર હિમાલયના પર્યાવરણ સામે અભૂતપૂર્વ પડકાર ઊભા થયા છે. હિમાલય આખો જ ખતરામાં છે એવું વૈજ્ઞાનિકો તો ઘણા સમયથી કહે છે જે વાતની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટકોર કરી. આપણે આ વર્ષે સમગ્ર હિમાલય વિસ્તારમાં અભૂતપૂર્વ વરસાદ પડ્યો એ જોયું. લડાખમાં પણ ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ૯૩૦% વધારે વરસાદ પડ્યો જેને કારણે સમગ્ર લડાખમાં અચાનક પૂર આવ્યું, જમીનનું ધોવાણ થયું અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું. ગ્લેશિઅર પીગળી રહ્યા છે, બરફનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. જૈવ વિવિધતા સામે પણ ખતરો ઊભો થયો છે. પર્યાવરણવિદોના મત અનુસાર ગ્લોબલ વોર્મિંગને કારણે આવનારાં વર્ષોમાં આવી ઘટનાની સંભાવના વધશે. ‘વિકાસ’નું વર્તમાન મોડેલ ટકાઉ નથી, એ વાત હવે સમગ્ર વિશ્વ ચીસો પાડીને કહી રહ્યું છે. જો વિકાસની ગાડી નફાખોરીના સ્ટિયરીંગ દ્વારા ચાલશે તો પ્રકૃતિનું સંતુલન સામે જોખમ છે. લડાખમાં મેગા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અંગે સક્રિય નીતિગત નિર્ણય લેવાઈ રહ્યા છે અને આ માટે જમીન અને સંસાધનો ‘વિકાસ’ માટે સોંપાઈ રહ્યા છે, ત્યારે લડાખના લોકોની ચિંતા વાજબી છે. એટલે જ તેઓ છઠ્ઠી અનુસૂચિની માંગ કરી રહ્યા છે જેના અંતર્ગત સ્થાનિક જમીન, ખનીજ અને અન્ય સંસાધનોના ઉપયોગનો નિર્ણય જિલ્લા પરિષદના હાથમાં રહે.
બંધારણની જોગવાઈ પ્રમાણે આદિવાસી બહુમત વિસ્તારને તેમની સંસ્કૃતિ અને સંસાધનોને જાળવવા માટે છઠ્ઠી અનુસૂચિમાં સમાવવામાં આવે છે. 2019માં અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ એ લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સામેલ કરવાનું સૂચન કર્યું હતું, કારણ કે લદ્દાખની 97%થી વધુ વસ્તી આદિવાસી છે તેમ જ આ પ્રદેશની અનન્ય સંસ્કૃતિ અને પર્યાવરણને ખાસ સલામતીની જરૂર છે. આના વિરોધમાં એવી દલીલ કરવામાં આવી રહી છે કે જે વિસ્તાર છઠ્ઠા શિડ્યુલમાં હોય ત્યાં રસ્તા બાંધવા માટે પણ સ્થાનિક કાઉન્સિલની મંજૂરી લેવી પડે છે. લડાખ ચીનને અડીને આવેલું હોવાથી ત્યાં સંરક્ષણનો ખતરો વધારે છે એટલે છઠ્ઠા શિડ્યુલની માંગ યોગ્ય નથી. આ દલીલ એક મુદ્દો ચાતરી જાય છે કે લશ્કરી બાબત સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારના હાથમાં છે, એટલે લશ્કર માટે રસ્તો બનવવાનો હોય તો એ નિર્ણય કેન્દ્રમાં લેવાય છે; અલબત્ત લોકોને વિશ્વાસમાં લઈને. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા ઇશાન ખૂણાના રાજ્યોને છઠ્ઠી અનુસૂચિમાં સ્થાન મળેલું છે. આ બધા જ સરહદી રાજ્યો છે, અને સરક્ષણ મંત્રાલય લશ્કર માટે જરૂરી સગવડો ઊભી કરે છે.
૨૦૧૯માં કેન્દ્રીય આદિવાસી મંત્રીએ લડાખને છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની વાત કેન્દ્ર સરકાર વતી કરી હતી. આ વાતને છ વર્ષ થઇ ગયા. સોનમ વાંગચુકે અનેક વાર ઉપવાસ કર્યા, લડાખી લોકોએ લેહથી દિલ્લીની પદયાત્રા કરી, જંતરમંતર પર પણ ધારણા કર્યા. પણ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી શકી. ૧૦ સપ્ટેમ્બરથી ફરી ઉપવાસ શરૂ થયા. લેહ અપેક્સ બોડી અને કારગીલ ડેમોક્રેટિક અલાયન્સના ટેકા સાથે સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે દબાણ ઊભું કર્યું. ઉપવાસ પર બેઠેલી બે વ્યક્તિની તબિયત લથડતા, લડાખી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન હિંસક બન્યા. શાંતિપૂર્ણ જીવન માટે જાણીતા સમુદાય ટોળું બની આગ ચાંપી જાહેર માલ મિલકતને નુકસાન પહોંચાડ્યું. પોલીસના ગોળીબારમાં ચાર લોકો મૃત્યુ પામ્યા. આ સઘળી ઘટના માટે સોનમ વાંગચુકને જવાબદાર ગણી રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ એમની ધરપકડ થઇ, જ્યારે તેમણે હિંસાની સ્પષ્ટપણે નિંદા કરી હતી અને 15મા દિવસે ઉપવાસ પાછો ખેંચી લીધો હતો, કોઈપણ પ્રકારની હિંસા સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો
વાંગચુક ટેકનોલોજીના નવીન પ્રયોગો દ્વારા લડાખની આબોહવાને માફક આવે એવા ઘર, લશ્કર માટે ટેન્ટ, આઈસ સ્તૂપ દ્વારા પાણીનો સંગ્રહ, નવીનતા દ્વારા રોજગારલક્ષી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટે જાણીતા છે. આ આપણા દેશની લોકશાહીની બદનસીબી છે – પોતાના નાગરિકી હક માટે અવાજ ઉઠાવનાર લોકોને રાષ્ટ્ર સુરક્ષા સામે ખતરો માની તેમનો અવાજ કચડવાની નીતિ અપનાવાય છે. આ આજનું નથી. સત્તામાં રહેલી દરેક સરકારે આ જ કર્યું છે. હાલમાં લડાખની સ્થિતિ તનાવપૂર્ણ છે ત્યારે વાંગચુક જેવા અગ્રણી નાગરિક (એમને હજુ સુધી રાજકીય નેતા ગણી ન શકાય) સામે મન ઘડન આક્ષેપો કરી તેમની ધરપકડ કરી સરકાર લોકોમાં રહેલા આક્રોશને વધુ ઉત્તેજન આપી રહી છે અને ગોદી મીડિયા બળતામાં ઘી હોમી રહી છે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર