
રાજ ગોસ્વામી
નવી પેઢીના ફિલ્મ રસિકો જ્યારે અંતાક્ષરી રમતા હોય અને તેમાં તેમના ભાગે ‘ય’ અક્ષર આવે, તો તેમના મોઢે એક જ ગીત આવતું : યા અલી રહમ અલી, યા અલી … યાર પે કુર્બાન હૈ સભી, યા અલી મદદ અલી. હિન્દી સિનેમામાં દર દાયકાઓમાં એક એવું ગીત આવે છે, જે સદાબહાર બની જાય છે. 2006માં આવેલી ‘ગેંગસ્ટર : અ લવ સ્ટોરી’ ફિલ્મનું આ ‘યા અલી’ ગીત એવું જ એક શાનદાર ગીત હતું.
તેને સ્વર આપનારો અસમિયા ગાયક જુબિન ગર્ગ રાતોરાત ભારતની યુવા પેઢીનો ગમતો સિંગર બની ગયો હતો. 19મી સપ્ટેમ્બરના રોજ, 52 વર્ષીય ગર્ગનું સિંગાપોરમાં અચાનક અવસાન થઇ ગયું. જુબિન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ માટે સિંગાપોર ગયો હતો. તે સ્વીમિંગ પૂલમાં તરવા ગયો હતો ત્યાં તેને શ્વાસની તકલીફ થઇ હતી. તેને સિંગાપોર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં સુધીમાં તેણે શ્વાસ છોડી દીધા હતા.
જુબિન આસામમાં સુપરસ્ટાર હતો. તે એક બહુમુખી કલાકાર હતો અને આસામી ઉપરાંત, હિન્દી અને અન્ય ઘણી ભાષાઓમાં ઉત્તમ ગીતો ગાયાં હતાં. તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને તેની ગાયકીના જોરે યુવાનીમાં તે પૂરા દેશમાં મશહૂર થઇ ગયો હતો. તેની લોકપ્રિયતા એ હકીકત પરથી જાણી શકાય છે કે તેના અવસાનથી વડા પ્રધાન મોદી, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અને અનેક રાજકીય આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો.
‘ગેંગસ્ટર’ ફિલ્મથી તેને બહુ નામના મળી હતી. મહેશ ભટ્ટ નિર્મિત અને અનુરાગ બસુ નિર્દેશિત ‘ગેંગસ્ટર’ ફિલ્મ તેની કહાની, કિરદાર અને સંગીત એમ ત્રણે બાબતો માટે જાણીતી છે. આ ફિલ્મે બોલીવુડને બે કલાકારોની ભેટ આપી; કંગના રાણાવત અને જુબિન ગર્ગ.
તે વખતે મુંબઈના ગેંગસ્ટર અબુ સાલેમ અને બોલીવુડ સ્ટાર મોનિકા બેદીની પ્રેમ કહાની બહુ ચર્ચામાં હતી. મોનિકાએ ‘ફિલ્મફેર’ સામાયિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં સાલેમ સાથે વિતાવેલા રોમેન્ટિક સમય, પોર્ટુગલમાં તેની ધરપકડ અને પછી ભારતમાં તેના પ્રત્યાર્પણ અંગે વિસ્તારથી વાતો કરી હતી.
મહેશ ભટ્ટે તેના પરથી એક એવી બાર ડાન્સર સિમરન(કંગના)ની કહાની લખી હતી, જે તેના જીવનમાં મસીહા બનીને આવેલા ડોન દયા (શાઈની આહુઝા) સાથે સંસાર વસાવાનાં સપનાં જુવે છે, પરંતુ દયાનો આપરાધિક ભૂતકાળ તેનો પીછો નથી છોડતો એટલે તે ભાગતો ફરે છે અને સિમરન સિઓલમાં શરણ લે છે.
સિમરન સિઓલમાં શરાબમાં ડૂબી જઈને દિવસો પસાર કરે છે અને અચાનક તેના જીવનમાં આકાશ (ઇમરાન હાશમી) નામનો બાર સિંગર આવે છે. આકાશ સિમરનની સંભાળ લે છે અને ધીમે ધીમે ધીમે તેનું દિલ જીતી લે છે. એ જ વખતે દયા પાછો સિમરનના જીવનમાં આવે છે અને બધું ખેદાનમેદાન કરી નાખે છે. દયા આકાશ સાથે લડાઈ કરે છે એટલું જ નહીં, સિમરન માટે થઈને અપરાધની દુનિયા છોડવા પણ તૈયાર થાય છે.
પણ બંનેના નસીબમાં બીજું જ લખાયેલું હતું : આકાશ વાસ્તવમાં ભારતીય સુરક્ષા એજન્સીનો એજન્ટ છે અને ઓળખ બદલીને સિમરનના જીવનમાં પ્રવેશ કરે છે જેથી ડોન દયા સુધી પહોંચી શકાય. તેના આ ઓપરેશનના પગલે દયાની ધરપકડ થાય છે. સિમરનને જ્યારે આ નાટકની ખબર પડે છે ત્યારે તે આકાશના ઘરમાં ઘુસીને તેને ગોળી મારે છે. બચાવમાં આકાશ પણ તેને ગોળી મારે છે. આકાશનું મોત થાય છે, જ્યારે સિમરનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અંતે, જે સમયે દયાને ફાંસી પર લટકાવામાં આવે છે, તે જ વખતે સિમરન હોસ્પિટલની છત પરથી કૂદીને જીવ આપી દે છે.
પ્રેમ અને પારિવારિક જીવન માટે તડપતી પણ સંજોગોની મારી વાઘણ બની ગયેલી સિમરનની ભૂમિકામાં કંગનાએ દિલ નીચોવી દીધું હતું. તે નવોદિત એક્ટ્રેસના મોટા ભાગમાં એવોડર્સ જીતી ગઈ હતી. સિમરનની ભૂમિકા માટે ચિત્રાંગદા સિંહનું નામ નક્કી હતું, પરંતુ કોઈ કારણસર તેને એમાં રસ નહોતો રહ્યો એટલે અનુરાગ બસુએ કંગનાને આ ભૂમિકા ઓફર કરી હતી.
જુબિન ગર્ગ સંગીતકાર પ્રીતમની શોધ હતો. ‘યા અલી રહમ અલી’ ગીત એ વખતે આવે છે જ્યારે સિમરન સાથે ભારત જતા રહેવા માટે દયા બનાવટી પાસપોર્ટ લેવા જાય છે અને ત્યાં તેના ક્રાઈમ બોસ ખાન(ગુલશન ગ્રોવર)નો સામનો થાય છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં દરગાહ પર જે યુવાન આ ગીત ગાય છે તે ખુદ જુબિન ગર્ગ જ છે.
ગર્ગ ત્યારે કંગનાની જેમ જ મુંબઈમાં કામ માટે સંઘર્ષ કરતો હતો. તે પ્રીતમને પણ ત્યારથી ઓળખતો હતો જ્યારથી તે પણ સંગીતના ક્ષેત્રે સંઘર્ષ કરતો હતો. ગર્ગે પ્રીતમ માટે જાહેરખબરો માટે અમુક જિંગલ્સ ગાયાં હતાં. એટલે પ્રીતમ જ્યારે ‘ગેંગસ્ટર’નું સંગીત તૈયાર કરતા હતા, ત્યારે તેમણે આ સૂફી ગીત માટે ગર્ગની પસંદગી કરી હતી. ફિલ્મમાં અન્ય બે ગીતો ‘ભીગી ભીગી’ અને ‘તું હી મેરી શબ હૈ’ પણ એટલાં જ સુંદર અને લોકપ્રિય થયાં હતાં.
ફિલ્મ રોમેન્ટિક થ્રિલર હતી, પરંતુ તેની વાર્તાનો મુખ્ય સાર એ હતો કે અપરાધથી કોઈનું કલ્યાણ થતું નથી. આ ફિલ્મના ત્રણે મુખ્ય પાત્રો, સિમરન, દયા અને આકાશ, તેમના સમય-સંજોગોનાં એવા શિકાર બની ગયા હતા કે અંતે જીવનથી હાથ ધોઈ બેસે છે. મહેશ ભટ્ટે બહુ રસપ્રદ રીતે વાર્તાના તાણાવાણા ગૂંથ્યા હતા અને અનુરાગ બસુએ પૂરી સંવેદના સાથે તેને પડદા પર ઉતારી હતી.
માણસનો અતીત તેને ક્યારે ય છોડતો નથી. જીવન એક ચક્ર છે અને તે પૂરું ફરે છે. જે માણસ, દયા, જીવનથી હાર્યો નહોતો તે એક સ્ત્રીના વિશ્વાસઘાતથી તૂટી ગયો હતો. એક સ્ત્રી, સિમરન, જેણે દયા માટે દુનિયા છોડી દીધી, પરંતુ તેની સાથે ઘર વસાવી શકી નહોતી અને એક વિશ્વાસઘાતી પુરુષ, આકાશનો શિકાર બની હતી.
આ ફિલ્મ પ્રેમ, વિશ્વાસઘાત અને મુક્તિમાં ગૂંચવાયેલા ત્રણ જીવનની વાર્તા કહે છે. મહેશ ભટ્ટમાં પ્રેમ અને બેવફાઈની વાર્તાઓ ખૂબ જ સુંદર રીતે કહેવાની આવડત છે. અને તેમાં ય સ્ત્રીઓની નજરે તે બંને ભાવને જોવાની તેમની ક્ષમતા એટલી વિશેષ છે કે પુરુષ દર્શકોને પણ એક નવો ભાવનાત્મક દૃષ્ટિકોણ મળે છે. અને કંગના તેની આ પહેલી હિન્દી ફિલ્મમાં અદ્ભુત રીતે આ જવાબદારી નિભાવી હતી.
જુબિન ગર્ગના પેલા ગીતમાં મયૂર પુરીએ ઉચિત રીતે જ લખ્યું હતું :
ઈશ્ક પે હાં, મિટા દૂં, લૂટા દૂં, મૈં અપની ખુદી
યાર પે હાં, લૂટા દૂં, મિટા દૂં, મૈં યે હસ્તી
મહેશ ભટ્ટે કંગનાને શોધવા બદલ અનુરાગ બસુની પ્રશંસા કરતાં એકવાર કહ્યું હતું, “ફિલ્મનો સૌથી મોટો ચમત્કાર કંગના હતી – તે પ્રકૃતિની જંગલી, અદમ્ય શક્તિ જેવી હતી. પહેલી જ ફિલ્મમાં તે ફીનિક્ષ પક્ષીની જેમ ઉભરી હતી અને ગેંગસ્ટરને ઉડવા માટે પાંખો આપી હતી.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 01 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર