
રમેશ સવાણી
લદ્દાખ પોલીસે, સોનમ વાંગચૂકને 26 સપ્ટેમ્બર 2025ના રોજ NSA-National Security Act હેઠળ એરેસ્ટ કરી; સ્થાનિક સંપર્ક તૂટી જાય તે માટે રાજસ્થાનની જોધપુર જેલમાં પૂરી દીધા છે. એટલું જ નહીં, તેમને આર્થિક રીતે પંગુ બનાવવા તેમણે સ્થાપેલ SECMOL – Students’ Educational and Cultural Movement of Ladakhનું FCRA – Foreign Contribution (Regulation) Act હેઠળનું લાયસન્સ રદ્દ કરી દીધું છે. તેથી દેશ-વિદેશમાં ભારે ઊહાપોહ થયો છે.
Sonam Wangchuk-સોનમ વાંગચૂક (59) કોણ છે? લદ્દાખના વિચારક, પર્યાવરણવાદી, ગાંધીવાદી, એક્ટિવિસ્ટ, લોકનેતા, engineer, innovator અને education reformist છે. 2018માં Ramon Magsaysay Awardથી સન્માનિત છે. જેમણે લદ્દાખને પાણી પૂરું પાડ્યું / આર્મી માટે તંબુ બનાવ્યા / પોતાના જીવનની કમાણી બાળકોને શિક્ષણ આપવામાં ખર્ચી નાખી. જેણે આમિર ખાનને ‘3 ઇડિયટ્સ’ બનાવવા માટે પ્રેરણા આપી.
NSA હેઠળ ધરપકડ થાય એટલે પોલીસ પાકિસ્તાન સાથે કનેક્શન પણ શોધી કાઢશે ! પોલીસ કહે છે કે સોનમ વાંગચૂકે પાકિસ્તાનમાં પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બાંગ્લાદેશની મુલાકાત પણ લીધી હતી. પણ પાસપોર્ટ તો સરકારે જ આપ્યો હશે ને ! મોદીજી વગર આમંત્રણે પાકિસ્તાન ગયા હતા. ‘ખૂન ઔર પાની એક સાથ નહીં બહ સકતે’ એમ કહ્યા પછી મોદીજી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમાડી શકે છે !
24 સપ્ટેમ્બર 2025ના રોજ, લદ્દાખના લેહમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, પછી વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. લોકોએ ભા.જ.પ. કાર્યાલયને આગ ચાંપી દીધી. જો કે સોનમ વાંગચૂકે હિંસાનો માર્ગ નહીં લેવા લોકોને અપીલ કરી હતી.
મોદી-સરકારની એક મોડસ ઓપરેન્ડી એ જોવા મળે છે કે સરકાર કોઈ પણ અહિંસક / શાંતિપૂર્ણ આંદોલનને તોડી નાખવા ઈચ્છતી હોય ત્યારે પોતાના પક્ષના માણસો મારફતે હિંસા કરાવે છે અને દોષનો ટોપલો આંદોલનના નેતા પર ઢોળી તેમને જેલમાં પૂરી દે છે !
જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કર્યું ત્યારે સોનમ વાંગચૂકે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. હવે મોદીજી સામે મોરચો માંડ્યો એટલે મોદીજીએ તેમને જેલમાં મોકલી આપ્યા છે !
સોનમ વાંગચૂકની માંગણીઓ શું છે?
[1] પર્યાવરણના રક્ષણ માટે લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ લદ્દાખને આદિવાસી રાજ્યનો દરજ્જો આપવો.
[2] લદ્દાખને પૂર્ણ-સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવો.
[3] કારગીલ અને લેહ માટે અલગ સંસદીય બેઠક આપવી. એકના બદલે બે બેઠકો આપવી.[4] જાહેર સેવા આયોગની સ્થાપના કરવી.
આ ચાર માંગણીઓ બિલકુલ વ્યાજબી છે છતાં મોદીજી ઈન્કાર કરે છે, શા માટે? તે સમજવાની જરૂર છે. લદ્દાખ હાલ કેન્દ્રશાસિત રાજ્ય છે. વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને 31 ઓક્ટોબર 2019ના રોજ, અલગ કર્યું ત્યારે વચન આપેલ કે લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેને 6 વરસ થયા છતાં લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવા વડા પ્રધાન તૈયાર થતાં નથી ! વડા પ્રધાન લદ્દાખ પર નિયંત્રણ કોર્પોરેટ કંપનીઓના હિતો માટે ઇચ્છે છે ! વડા પ્રધાનને લદ્દાખના લોકોની ચિંતા નથી, કોર્પોરેટ મિત્રોની ચિંતા છે ! લદ્દાખમાં ખનિજોના ભંડાર છે. તેની પર અદાણી વગેરે કોર્પોરેટ લોબીની નજર છે. જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપે તથા બંધારણના છઠ્ઠી અનુસૂચિ હેઠળ લદ્દાખને સામેલ કરે તો સ્થાનિક આદિવાસીઓને પોતાનાં જળ, જમીન, જંગલના અધિકારો મળે. તેમની પાસેથી મંજૂરી લેવી પડે. દિલ્હીથી મંજૂરી આપે તો પણ સ્થાનિક મંજૂરી લેવી પડે. કોર્પોરેટ લોબી બન્ને જગ્યાએથી મંજૂરી લેવા ઇચ્છતી નથી તેથી મોદીજી પણ લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો તથા લદ્દાખને બંધારણના છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવરી લેવા ઇચ્છતા નથી ! મોદી સરકાર લોકો માટે કામ કરે છે એ ભ્રમમાંથી નીકળી જવાની જરૂર નથી?
સમજો, એટલે સોનમ વાંગચૂકને દેશદ્રોહી ચીતરી જેલમાં પૂરવાની જરૂર પડી છે. તેમની સંસ્થાનું એકાઉન્ટ સ્થગિત કરી દીધું છે. મોદી-ભક્તો સોનમ વાંગચૂકને દેશદ્રોહી / ગદ્દાર કહી રહ્યા છે. મોદીભક્તિનું જોર એટલું પ્રબળ છે કે ખુદ ભગવાન આવી મોદીજીનો વિરોધ કરે તો મોદીભક્તો ભગવાનને પણ દેશદ્રોહી ઠરાવી દે !
પોતાની માંગણી માટે અહિંસક / શાંતિપૂર્ણ આંદોલન કરે / ઉપવાસ કરે તે લોકશાહીમાં સહજ છે. લોકોને સત્યની જાણ ન થાય તે માટે રોકવાનું કામ કોઈ સરકાર કરે તો તેને લોકશાહી વ્યવસ્થા કહી શકાય નહીં.
જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવો જ નથી તો તેનું વચન શા માટે આપેલ? વચન આપીને ફરી જવાનું? આ કઈ રીતનું ચરિત્ર છે? જે વ્યક્તિ દેશમાં પુરસ્કારો લાવે છે, શિક્ષણમાં ક્રાંતિ લાવે છે, અને સરહદ પર ચીન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે; તેને હવે જેલમાં પૂરી દીધેલ છે ! કેવી વિડંબના ! જો સોનમ વાંગચુક જેવા શિક્ષિત અને પ્રામાણિક લોકોને ‘દેશદ્રોહી’ તરીકે ચીતરવામાં આવે અને દબાવવામાં આવે, તો સમજો કે વાસ્તવિક સમસ્યા તેમની સાથે નથી, પરંતુ સત્તાના ઘમંડમાં છે. આ કાયરતાપૂર્ણ પગલું સાબિત કરે છે કે મોદી સરકાર સરમુખત્યાર અને નિરંકુશ બની ગઈ છે. પોતાની જમીન, રોજગાર અને ઓળખ માટે લડવું તે ક્યારથી રાજદ્રોહ બની ગયું? સરકારના આ તાનાશાહી પગલાં સામે ગોદી પત્રકાર / લેખકો / સાહિત્યકારો / કોર્પોરેટ કથાકારો / કોર્પોરેટ ધર્મગુરુઓ / ફિલ્મ કલાકારો / ડાયરા કલાકારોએ મૌન સેવ્યું છે. પરંતુ દેશના લોકો અને વિપક્ષો સોનમ વાંગચૂક, લદ્દાખના લોકો અને તેમની માંગણીઓ સાથે ઊભા છે. હવે લદ્દાખની લડાઈ રાષ્ટ્રની લડાઈ બની છે ! સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !
દેશની હાલત તો જૂઓ : પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને Ramon Magsaysay Award વિજેતાને જેલમાં જવું પડે છે; અને જેલમાં મોકલનાર છે – ડિગ્રી વગરના / તડિપાર નેતાઓ ! લોકો પોતાની આંખો ‘ધર્મ અને રાષ્ટ્રવાદના હાલરડાં’ સાંભળી ક્યાં સુધી બંધ રાખશે? વિચિત્રતા તો જૂઓ : ગાંધીવાદી દેશદ્રોહી અને ગોડસેવાદી દેશભક્ત !
28 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર