ગ્રંથયાત્રા – 15
સાતેક વર્ષની એક બાલિકા. ત્યારે થયો એને ગરબાનો પહેલો પરિચય, મુંબઈમાં, નરસિંહરાવ દીવેટિયાના બંગલાના કમ્પાઉન્ડમાં. પછી નવ-દસની ઉંમરે અમદાવાદમાં આકાશેઠ કૂવાની પોળમાં થયો વધુ પરિચય. ક્યારે રાત પડે એની એ બાલિકા રાહ જોયા કરતી. રાતે પચાસેક બહેનો ગરબો ગાય : ‘કાળી કાળી વાદળીમાં વિજળી ઝબૂકે, મેઘ કરે ઘનઘોર, ડુંગરોમાં બોલે છે મોર.’ પછી મોટપણે એ જ વ્યક્તિ લખે છે : “તે વખતે તો એ ગમી ગયેલો, આજે પણ એટલો જ ગમે છે. તે વખતે ગમે એ જ પૂરતું હતું. પણ આજે પૃથ્થક્કરણ કરું છું ત્યારે મને સમજાય છે કે શબ્દો અને એના ઢાળને કારણે હું મંત્રમુગ્ધ થઈ હતી.” પણ આટલું લખીને અટકી નથી ગઈ એ વ્યક્તિ. ગરબાનો – કાવ્યગુણો ધરાવતા ગરબાનો એક સુંદર સંચય પણ એ આપે છે.

કલ્લોલિની હઝરત
સાતેક વર્ષની ઉંમરે જેને ગરબાનો પરિચય થયેલો, પછી ગરબાનો આ સંચય આપ્યો, એ વ્યક્તિ તે કલ્લોલિની હઝરત. અને એ સંગ્રહ તે ‘મારો ગરબો ગૂમ્યો.’ જિંદગીનાં ઘણાં વર્ષો ગરબા સાથે સંકળાવાનું થયું. માત્ર આયોજન જ નહિ, અભ્યાસ પણ કર્યો. પણ મુંબઈની ગરબા પ્રવૃત્તિ સાથે વર્ષો સુધી જોડાયેલાં રહ્યાં એટલે એમની ગરબાની પરખ પાકી થઈ. પરિણામે કુલ ૧૦૬ કવિના ગરબા આ પુસ્તકમાં એકઠા કર્યા. તેમાં નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના મધ્યકાલીન કવિઓના ગરબા છે, લોકગીતો છે, અને નર્મદથી માંડીને ઉદયન ઠક્કર સુધીના અર્વાચીન કવિઓના ગરબા છે. તેમાં ગરબાના રચયિતા તરીકે વધુ જાણીતાં હોય તેવાં નામ – અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, જિતુભાઈ મહેતા, વગેરે — તો છે જ, પણ જેમણે ગરબા લખ્યા હોય એવું ઝટ યાદ ન આવે તેવા કવિઓની કૃતિઓ પણ શોધી શોધીને અહીં મૂકી છે. જેમ કે, ગોવર્ધનરામ ત્રિપાઠી, અરદેશર ખબરદાર, રમણલાલ દેસાઈ, હરિશ્ચન્દ્ર ભટ્ટ, મુકુન્દરાય પારાશર્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉશનસ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, વગેરે.
અલબત્ત, અહીં સંગ્રહાયેલી દરેક કૃતિ ગરબા તરીકે એક સરખી સફળતાથી રજૂ થઈ શકે તેમ છે એવું માનવું મુશ્કેલ છે. પરંપરાની સાથોસાથ સંપાદકની નજર પ્રયોગશીલતા તરફ પણ રહી છે. નિવેદનમાં નિખાલસતાથી કહ્યું જ છે : “આ સંગ્રહમાં કેટલીક કૃતિઓ પ્રયોગ લેખે સામેલ કરી છે, જેમાં છંદોબદ્ધ કૃતિ, ગઝલ ઈત્યાદિ પણ છે … અહીં એવી કેટલીક વિવાદાસ્પદ કૃતિઓ પસંદ કરી છે કે જેને એના રચયિતાએ સ્વપ્ને પણ ગરબા તરીકે કલ્પી ન હોય.” ઉદાહરણ તરીકે ત્રણ કૃતિઓ લઈને તેમાં ગરબા તરીકે પ્રયોજાવાની ક્ષમતા કઈ રીતે છે તે પણ સમજાવ્યું છે. જો કે તેમની વાત ધ્યાનમાં રાખ્યા પછી પણ કેટલીક કૃતિઓની પસંદગી સાથે સહમત થવાનું થોડું મુશ્કેલ બને તેમ છે. પણ પછી વિચાર આવે છે કે આજે પશ્ચિમી સંગીતની નકલ જેવાં ફિલ્મી ગીતોને ગરબા તરીકે ખપાવવામાં આવે છે તેના કરતાં તો આવા થોડા પ્રયોગો થાય તો ખોટું નહિ.
સંપાદકે મુખ્ય અભિગમ કર્તાલક્ષી રાખ્યો છે. કોઈ પણ કવિની પાંચ કરતાં વધુ કૃતિ ન સમાવવી એવી મર્યાદા સ્વેચ્છાએ સ્વીકારી છે. કૃતિઓને તેના કર્તાના કાલક્રમે ગોઠવી છે. પણ આટલું કર્યા પછી પસંદ કરેલી કૃતિઓમાં વિષય, ભાવ, સ્વરૂપ, સંગીત વગેરેની દૃષ્ટિએ વૈવિધ્ય જળવાય એવો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિતાની તો તાસીર જ ભક્તિપ્રધાન, એટલે તેમાં વિષય વૈવિધ્યને અવકાશ ઓછો. પણ તે પછીની કૃતિઓમાં નારીના મનોભાવો, આશા-આકાંક્ષા, મૂંઝવણ, વગેરેનું વૈવિધ્ય જોવા મળે છે. પ્રકૃતિ અને પ્રેમને કેન્દ્રમાં રાખીને રચાયેલી કૃતિઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં અહીં જોવા મળે છે. સાધારણ રીતે જેના પર નજર ન પડે તેવી કેટલીક ગરબાને લાયક કૃતિઓ પણ અહીં જોવા મળે છે. જેમ કે :
વિશ્વ મેળામાં એક આ ગમેલો,
કે માનવીનો મેળો, સખી! (ઉશનસ)
ઊંડા પાતાળની હું માછલી રે લોલ,
આવી ચડી કો’ક દી’ કિનાર,
રંગ માલમજી લોલ,
હવે નઈં આવું તારા હાથમાં રે લોલ. (મકરંદ દવે)
પણ આ સંપાદન તેમાંની કાવ્ય કૃતિઓને કારણે જેટલું મહત્ત્વનું બન્યું છે તેટલું જ મહત્ત્વનું સંપાદકની વિસ્તૃત, વિશદ, અભ્યાસપૂર્ણ, પ્રસ્તાવનાને કારણે પણ બન્યું છે. આજ સુધીમાં ગરબાનાં ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જે કાંઈ ધ્યાનપાત્ર લખાયું છે તે બધાનો સંપાદકને પરિચય છે અને એ લખાણોમાંથી ઉચિત અવતરણો પણ તેમણે આપ્યાં છે. છતાં ગરબા અંગેની વિચારણામાં તેઓ બીજા કોઈને અનુસરવા કરતાં પોતાની કેડી પાડવાનું પસંદ કરે છે. ગરબો શબ્દની વ્યુત્પત્તિ શોધવાના આપણે ત્યાં જે જે પ્રયત્નો થયા છે તે બધાની અહીં નોંધ લીધી છે, પણ અંતે ડો. હરિવલ્લભ ભાયાણીના મત સાથે સંપાદક સહમત થાય છે કે આ અંગેના આજ સુધીમાં થયેલા પ્રયત્નોમાંથી કોઈ પ્રયત્ન સ્વીકાર્ય બને તેમ નથી. તો પ્રસ્તાવના ઉપરાંત બીજો એક લેખ પણ સંપાદકે અહીં મૂક્યો છે, ‘થોડુંક અંગત-બિનંગત.’ તેમાં ગરબા સાથે નાનપણથી થયેલા ઘનિષ્ઠ પરિચયનો ખ્યાલ આપ્યો છે. આ લખાણ આત્મકથન રૂપે તો મહત્ત્વનું છે જ, પણ સાથોસાથ ગરબાની વિકાસકથાના એક નકશા તરીકે પણ મહત્ત્વનું છે, કારણ ઘણા લાંબા સમયગાળા સુધી સંપાદક ગરબાની પ્રસ્તુતિ સાથે સંકળાયેલાં રહ્યાં છે. આપણે ત્યાં મહત્ત્વની સાંસ્કૃતિક બાબતો અંગેની આવી માહિતી ભાગ્યે જ સચવાયેલી જોવા મળે છે. આ લેખમાં તેમણે વાત પોતાના અનુભવોની કરી છે, પણ પોતાના ‘હું’ને બને તેટલો દૂર રાખ્યો છે, અને ગરબાને જ આગળ કર્યો છે. સંપાદન અંગેની કેટલીક ચોખવટો પણ તેમણે આ લખાણમાં કરી લીધી છે. કલ્લોલિનીબહેનનું ગરબા સાથેનું તાદાત્મ્ય અસાધારણ. વર્ષો સુધી પ્રયત્નો કરીને તેમણે ગરબાની પરંપરાને જતનપૂર્વક જાળવી, તો સાથોસાથ તેમાં નવા પ્રયોગો પણ કર્યા. પરંપરા હોય કે પ્રયોગ, તેમને મન મહત્ત્વ હંમેશાં ગરબાનું જ રહ્યું છે. સંપાદકના શબ્દો સાથે જ આ અત્યંત ઉપયોગી પુસ્તક અંગેની વાત પૂરી કરીએ : “તમે ગઈ કાલની કે આજની નારીનું ચિત્ર જરાક કલ્પી જુઓ. ચાર દીવાલની વચ્ચે એ અનેક જવાબદારીઓથી ઘેરાયેલી હોય છે, પણ એ ઘર છોડીને સમૂહમાં ગરબો ગાવા જાય છે ત્યારે અચાનક એને ગરબાની એ ક્ષણોમાં મુક્તિનો કોઈક અનોખો પ્રદેશ મળી રહે છે. એ તન્મય થઈને ગરબે ઘૂમતી હોય છે ત્યારે એ કોઈની પત્ની કે માતા હોવા છતાંયે એ કશું જ નથી. તમામ સંબંધોથી પર, એ તો છે કેવળ સ્ત્રી – પોતાના મુક્તિધામમાં મહાલતી.”
XXXXXX
26 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com