
ચંદુ મહેરિયા
અમદાવાદ ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાનીનું પ્રબળ દાવેદાર છે. દેશની નેમ છે કે વૈશ્વિક મંચ પર રમત ક્ષેત્રે તે ઉત્કૃષ્ઠ દેખાવ કરે અને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરે. તે માટેના સરકારી પ્રયાસોની દિશામાં એક મહત્ત્વની પહેલ નેશનલ સ્પોર્ટસ પોલિસી ૨૦૨૫ છે. પચીસ વરસો પહેલાંની ૨૦૦૧ની રાષ્ટ્રીય ખેલકૂદ નીતિનું તે સ્થાન લેશે.
૨૦૨૫ની નવી ખેલકૂદ નીતિ અનેક બાબતોમાં નવીન છે. ખેલો ભારત નીતિ તરીકે ઓળખાવાયેલી નેશનલ સ્પોર્ટસ પોલિસીના પાંચ આધારસ્તંભ છે : ઉત્કૃષ્ટતા, સામાજિક આર્થિક વિકાસ, લોકભાગીદારી અને રમત તથા શિક્ષણનું એકીકરણ. ભારતને વિશ્વસ્તરે અગ્રણી રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ પોલિસી પરિવર્તનકારી પહેલ લાગે છે. તેનો ઉદ્દેશ માત્ર રમતવીરો તૈયાર કરવાનો જ નથી, પરંતુ અધિક સશક્ત, સ્વસ્થ અને સક્રિય નાગરિકો તૈયાર કરવાનો છે. તેનું એક લક્ષ ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાનીનું છે તો ૨૦૪૭માં દેશની સ્વતંત્રતાની શતાબ્દી વખતે ભારતને વિશ્વના પાંચ અગ્રણી રમત રાષ્ટ્રોમાં સ્થાન અપાવવાનું પણ છે. રમત પરિદૃશ્યને નવો આકાર આપવા તાકતી સ્પોર્ટસ પોલિસી રમતના માધ્યમથી લોકોને સશક્ત બનાવવા સાથે દેશને વૈશ્વિક ખેલ મહાશક્તિ તરીકે સ્થાપવાની ઉમેદ રાખે છે.
આંતરરાષ્ટ્રીય રમત હરીફાઈઓમાં સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે દેશમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધવા, તેમને ઉત્તમ તાલીમ આપી સ્થાનિકથી વૈશ્વિક રમતો માટે તૈયાર કરવા તે ખેલકૂદ નીતિની પ્રાથમિકતા અને પહેલું પગથિયું છે. આ માટે ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં રમતગમતના મૂળભૂત માળખા ઊભા કરાશે. વિશ્વસ્તરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. રમતવીરોના ઉત્કૃષ્ટ દેખાવ માટે વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સામાજિક અને આર્થિક વિકાસ સાથે રમતોને જોડવામાં આવશે. સ્પોર્ટસ ટુરિઝમમાં વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધાઓનું આયોજન, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કે સી.એસ.આર.ના માધ્યમથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને સહયોગ જેવાં આર્થિક પગલાં તો સામાજિક સમાવેશન થકી સમાજિક વિકાસ સધાશે. આદિવાસી, નબળાવર્ગો, દિવ્યાંગો અને મહિલાઓને રમતક્ષેત્રે આગળ આવવા ખાસ પ્રોત્સાહિત કરવામાં આવશે. દેશી અને પારંપરિક રમતોને ઉત્તેજન આપવામાં આવશે. ખેલકૂદને લોકઆંદોલન બનાવવામાં આવશે. તે માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશો અને સમુદાય આધારિત કાર્યક્રમો કરવામાં આવશે. ૨૦૨૦ની શિક્ષણ નીતિને અનુરૂપ શાલેય પાઠ્યપુસ્તકોમાં રમતગમતને સામેલ કરવામાં આવશે.
નવી ખેલકૂદ નીતિના અસરકારક અમલ માટે તબક્કાવાર વિચારણા થવી જરૂરી છે. પોલિસીમાં કાયદાકીય માળખા સહ રમતગમતના વહીવટ માટે મજબૂત નિયામક તંત્ર સ્થાપિત કરવાની દરખાસ્ત છે. તે પ્રમાણે સંસદના વર્ષાસત્રમાં નેશનલ સ્પોર્ટસ ગવર્નન્સ બિલ ૨૦૨૫ રજૂ થયું હતું. આ બિલમાં રમતોના વિકાસ અર્થે નેશનલ સ્પોર્ટસ બોર્ડ, નેશનલ સ્પોર્ટસ ઈલેકશન પેનલ અને નેશનલ સ્પોર્ટસ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવાની જોગવાઈ છે. સરકારના વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકારો, નેશનલ સ્પોર્ટસ ફેડરેશન, એથ્લિટ્સ, સ્પોર્ટસ એકસપર્ટ્સ અને લોકો સાથેના પરામર્શથી તૈયાર થયેલી રાષ્ટ્રીય ખેલકૂદ નીતિની સફળતા માટે જરૂરી નાણાકીય જોગવાઈ થવી જોઈએ. ભારત સરકારનું ચાલુ નાણાકીય વરસનું સ્પોર્ટસ બજેટ રૂ. ૩,૭૯૪ કરોડનું છે. તેમાંથી વિપક્ષી રાજ્યોને પણ ન્યાયી ફાળવણી થવી ઘટે. એ જ રીતે મોટા ભાગના રમત સંઘો પર રાજકારણીઓનો કબજો છે. તે દૂર થાય અને ખેલાડીઓની પસંદગીમાં રાજકીય દખલ ન રહે તો જ સારુ પરિણામ મળી શકે.
રમતના ક્ષેત્રે સરકાર અને સમાજનું યોગદાન એકંદરે સંતોષજનક છે. ૧૯૫૧માં ભારતમાં પહેલી એશિયન ગેમ્સનું આયોજન થયું હતુ. ૧૯૫૪માં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોર્ટ્સની રચના થઈ હતી. ભારત સરકારનું યુવા અને રમત મંત્રાલય ૧૯૮૨માં શરૂ થયું હતું. ૨૦૦૦ના વરસમાં તેને પૂર્ણ મંત્રાલય મળ્યું હતું. ૧૯૮૪માં પહેલી ખેલકૂદ નીતિ ઘડાઈ તે પછી ૧૯૯૭ અને ૨૦૦૧માં ઘડાઈ હતી અને હવે ૨૦૨૫માં નવી નીતિ બની છે. ૧૯૮૬માં સ્પોર્ટસ આથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. વૈશ્વિક આર્થિક પ્રવાહોની પણ રમતોને અસર થાય છે. ૧૯૯૧ની નવી આર્થિક નીતિ અને કેબલ ટેલિવિઝનના આગમન પછી રમતોમાં ક્રિકેટ ઉપરાંત બીજી રમતો તરફ લોકોનું ધ્યાન ગયું છે. સરકારના વિવિધ અભિયાનો(ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ, ૨૦૧૪, ખેલો ઇન્ડિયા, ૨૦૧૭ અને ફિટ ઇન્ડિયા, ૨૦૧૯ )એ પણ લોકોની રમતરૂચિ અને ભાગીદારી વધારી છે.
પ્રાથમિક માધ્યમિક શાળા કક્ષાએથી જ પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તો સફળતાની તક વધુ રહે છે. પરંતુ માતા-પિતા અને શાળાઓ કે એકંદર સમાજ શિક્ષણની તુલનાએ સ્પોર્ટ્સને કેરિયર માનતા નથી. શાળા-કોલેજોમાં પણ રમત કોઈ મુખ્ય નહીં પણ વધારાની પ્રવૃતિ છે. તેને લીધે પાકા ઘડે કાંઠા ચડાવવા અઘરા બને છે. વળી બધાને વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જ બનવું છે. બીજી રમતો પ્રત્યે ઝોક ઓછો રહે છે. ભારતના સ્પોર્ટસ માર્કેટમાં ક્રિકેટનો હિસ્સો ૮૭ ટકા છે અને બાકીની સઘળી રમતો ૧૩ ટકામાં આવે છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને અન્ય રમતોને પ્રાથમિકતા આપવી બહુ અઘરી છે.
અનેક વિવિધતા અને અસમાનતા ધરાવતા આપણા આ વિશાળ દેશમાં સમાવેશન પણ બહુ મુશ્કેલ બને છે. સમાજના નબળા વર્ગો, પૂર્વોત્તર ભારત, આદિવાસીઓ અને મહિલાઓને સમાવવાની નીતિમાં ઘોષણા છે. પરંતુ તે માટેનો કોટા પર્યાપ્ત છે ખરો? ૨૦૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વાર ૧૧૭ એથલિટ્સ મોકલ્યા હતા. આઝાદી પછીની આ સૌથી મોટી સંખ્યા હતી. પરંતુ એ જ ઓલિમ્પિકમાં અમેરિકાના ૫૯૪, ફ્રાન્સના ૫૭૨, ઓસ્ટ્રેલિયાના ૪૬૦ એથ્લિટ્સ હતા. એટલે ૧૪૦ કરોડની આબાદીના આપણા દેશમાંથી પ્રતિભાઓની ઓળખ, તાલીમ અને તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સુધી પહોંચાડવાની વહીવટી અને રાજકીય ઇચ્છાશક્તિ મહત્ત્વની છે.
નવી રમત નીતિ દેશમાં રમતો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા અને તેને વ્યાપક જન આંદોલન બનાવવાનું ધ્યેય રાખે છે. આ માટે દેશમાં સગવડો કેટલી છે તે પણ લાખેણો સવાલ છે. અમદાવાદને ઓલિમ્પિક રમતોનો આયોજન કરવાનું મળે તેનાથી હરેક ભારતીય ગદગદ હશે. પરંતુ અમદાવાદની ૮૫ ટકા શાળાઓ પાસે રમતના મેદાનો જ નથી. તેનું શું? નવી શાળા શરૂ કરવા માટે શાળાના કુલ વિસ્તારનો ૩૦ થી ૪૦ ટકા ભાગ રમતના મેદાનનો હોવો જોઈએ તેવું સરકારી કાયદો કહે છે. પરંતુ કેટલી બધી શાળા-કોલેજો તો શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચાલે છે નહીં ? જો શાળા-કોલેજને પૂરતા વર્ગખંડો જ ન હોય તો મેદાનની તો વાત જ ક્યાંથી ભલા? વળી માત્ર ખાનગી કે અનુદાનિત શાળાઓને જ નહીં સરકારી શાળાઓને પણ રમતના મેદાનો નથી. રમતના મેદાનો વિના ક્યાં રમશું? બિહાર સરકારે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પોતાનું રમતનું મેદાન હોય તેની યોજના ઘડી છે. બિહારની ૩,૩૮૪ ગ્રામ પંચાયતોમાં રમતના મેદાનોનું કામ પૂરું થયું છે. આ મોડેલ આખા દેશે અપનાવવ જેવું નથી શું?
ભારતના લોકો રમતોના અઠંગ ચાહકો છે તે વિશે કોઈ બેમત નથી. આપણે આ સ્પોર્ટ્સ લવિંગ ઇન્ડિયાને સ્પોર્ટસ પ્લેઈંગ ઇન્ડિયા બનાવવાનું છે. તે કામ એકલી સરકારનું નથી. સૌનો સહયોગ હશે તો રમતપ્રેમી ભારત રમતું ભારત બની શકશે.
e.mail : maheriyachandu@gmail.com