
રમેશ સવાણી
RSSની ગોડસેવાદી ગેંગ દ્વારા એક લાંબો મેસેજ વાયરલ થયો છે. સ્વાભાવિક છે તેમાં ગાંધીજીની હત્યા કરનાર ગોડસેનું મહિમામંડન હોય. ગાંધીજીની હત્યાનો કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી તેનાં કારણો અને દલીલો 92 પેજમાં રજૂ કરી હતી. ગોડસેનું કહેવું હતું કે મેં દેશને બચાવવા ગાંધીજીની હત્યા કરી હતી.
કોઈ પણ હત્યારો (સ્વબચાવ કરેલી હત્યા સિવાય) હત્યા કર્યા બાદ, હત્યાનું જસ્ટિફિકેશ આપે તે રાક્ષસ કરતાં હલકો હોય છે. ગોડસે આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હતો. ગોડસેને સેશન્સ કોર્ટ / હાઇકોર્ટ / સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસી આપવામાં આવી તે સૂચવે છે કે તેણે કરેલ હત્યા માફ થઈ શકે તેમ ન હતી. ગોડસેનું મહિમામંડન કરવું તે ફાંસી આપનાર કોર્ટનું અને ફાંસીની આખરી મંજૂરી આપનાર રાષ્ટ્રપતિનું અપમાન છે.
ગોડસેએ કોર્ટ સમક્ષ જે નિવેદન આપેલ તે આધારે નાટક ભજવાયું છે. ફિલ્મ બની છે. પણ તેમાં સત્ય નથી. ગોડસેનું નિવેદન કેટલું ખોટું અને ભ્રમ ફેલાવનારું હતું તે અંગે વિખ્યાત ઇતિહાસકાર અશોકકુમાર પાંડેયએ પુસ્તક લખ્યું છે : ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ હેમંતકુમાર શાહે કર્યો છે. આ પુસ્તક દરેકે વાંચવું જોઈએ.
ગાંધીજીની હત્યા ગોડસેએ શા માટે કરી હતી? પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા ગાંધીએ આગ્રહ કર્યો હતો, એટલે? ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા, એટલે? ગાંધીજી હિન્દુઓને અહિંસક બનાવી રહ્યા હતા, એટલે? બધાં મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, તેવી કટ્ટરપંથીઓની માંગણીનો ગાંધીજી વિરોધ કરતા હતા, એટલે? આ બધા પ્રશ્નોની ચર્ચા આ પુસ્તકમાં કરી છે. મોટાભાગના લોકો ગોડસેએ કોર્ટ સમક્ષ આપેલ નિવેદન સાચું માને છે ! ગોડસેનું નિવેદન પ્રથમ દૃષ્ટિએ તર્કબધ્ધ લાગે છે, આ નિવેદન સહઆરોપી સાવરકરે લખ્યું હોવાની શક્યતા છે. પરંતુ ગોડસેના આ નિવેદનમાં જૂઠના ગપગોળા છે, તેનો પર્દાફાશ લેખક અશોકકુમાર પાંડેયએ 216 પેજમાં 479 દસ્તાવેજી સંદર્ભો સાથે કર્યો છે. ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ શીર્ષકમાં ‘ઉસને’ શબ્દનો ઉપયોગ કર્યો છે, ‘ગોડસે’ શબ્દનો નહીં. મતલબ કે માત્ર ગોડસે હત્યા કરવામાં ન હતો, પરંતુ ‘સાવરકર ગેંગ’નું કાવતરું હતું ! આખી ગેંગ સામેલ હતી ! ગાંધીજીની હત્યા કોઈ એક વ્યક્તિએ નહીં પરંતુ નફરત અને હિંસામાં માનનાર ‘વિકૃત વિચારધારા’ના વાહકોએ કરી હતી. ગાંધી હત્યાની તપાસ માટે 22 માર્ચ 1965ના રોજ કપૂર કમિશનની રચના થઈ હતી. આ કમિશને 30 સપ્ટેમ્બર 1969ના રોજ 770 પેજનો રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવેલ છે કે હત્યારાઓ સાવરકરના અંધભક્તો હતા. આ રિપોર્ટ આવ્યો તેના ત્રણ વરસ પહેલા સાવરકરનું અવસાન થયેલ. ગાંધી હત્યા પાછળ હિન્દુ મહાસભા / સાવરકરની ભૂમિકા હતી. કટ્ટરપંથીઓ ‘હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન’માં ગાંધીજીને બાધારૂપ માનતા હતા. ગાંધીજીની હત્યા લાંબા સમયથી વ્યવસ્થિત બ્રેઈનવોશિંગનું પરિણામ હતી. ગાંધીજી કટ્ટરપંથીઓના રસ્તામાં કાંટો બની ગયા હતા.
માન્યતા એવી છે કે દેશનું વિભાજન ગાંધીજીના કારણે થયું ! પરંતુ ગાંધીજી છેવટ સુધી દેશના વિભાજનના વિરોધી હતા. ‘દ્વિરાષ્ટ્ર’ના સિદ્ધાંતની એટલે કે હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની વકીલાત સાવરકર અને જિન્ના કરતા હતા, ગાંધીજી નહીં. ડો. આંબેડકરે કહ્યું હતું કે ‘દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અંગે જિન્ના અને સાવરકરમાં કોઈ ફરક નથી !’ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરી હતી. વિભાજન માટે જવાબદાર હતા સાંપ્રદાયિક હિંસા ફેલાવનારા ! ગોડસે ‘અગ્રણી’ મેગેઝિન ચલાવતો હતો, તેમાં ગાંધી / સરદાર / નેહરુ / સુભાષ બોઝ / આંબેડકર / સી. રીજગોપાલાચારી વિરુદ્ધ લખતો હતો અને તેમને રાવણ માનતો હતો ! ‘અગ્રણી’ને 20,000 રૂપિયાનું (તે સમયે આ રકમ બહુ મોટી કહેવાય, ત્યારે 100 રૂપિયે એક તોલું સોનું મળતું હતું.) ફાઈનાન્સ કરનાર સાવરકર હતા ! ગોડસે આંબેડકરનો એટલે વિરોધ કરતો હતો કે તેઓ દલિતો અને મહિલાઓના અધિકારની વાત કરતા હતા. જેઓ સામાજિક સદ્દભાવની વાત કરતા હતા તે તમામને ગોડસે દુ:શ્મન માનતો હતો ! કટ્ટરપંથીઓ પાસે કોઈ નાયક ન હતો, એટલે તેમણે સરદાર / ભગતસિંહ / સુભાષ બોઝ / આંબેડકર / વિવેકાનંદનું ચાલાકીપૂર્વક અપહરણ કરી લીધું ! અને ગાંધીજી અને નેહરુનું ચરિત્રહનન કરવાનું શરૂ કર્યું. હિન્દુ મહાસભા / RSSનું મુખ્ય કામ માત્ર ‘અપર કાસ્ટ’ના અધિકારોનું સંરક્ષણ કરવાનું છે !
માન્યતા એવી છે કે ગાંધીજીએ પાકિસ્તાનને 55 કરોડ રુપિયા આપવાનો આગ્રહ કરેલ તેથી તેમની હત્યા થઈ ! પરંતુ 25 જૂન 1934ના રોજ જ્યારે ગાંધીજી કસ્તૂરબા સાથે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન માટે પૂના નગરપાલિકા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર બોમ્બ ફેંકવામાં આવેલ. તેમાં ગોડસે અને તેની ગેંગ હતી. 1934માં વિભાજનનો સવાલ ન હતો કે 55 કરોડનો પણ સવાલ ન હતો ! સત્ય એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના અસ્પૃશ્યતા વિરોધી આંદોલનથી નારાજ થઈ ગયા હતા ! હિન્દુ કટ્ટરપંથીઓ માનતા હતા કે પાકિસ્તાન જુદું બની ગયું છે તો બધાં મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ ! વિભાજનની શરત એ હતી કે હિન્દુ બહુસંખ્યક ક્ષેત્ર ભારતમાં રહેશે અને મુસ્લિમ બહુસંખ્યક ક્ષેત્ર પાકિસ્તાનમાં રહેશે. વસ્તીની ફેરબદલી કરવાની શરત ન હતી કે તેની ચર્ચા-વિચારણા પણ થઈ ન હતી. પરંતુ દંગાઓ થતાં હિન્દુઓ ભારત તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ ભાગ્યા. દંગાઓ પાછળ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગનો હાથ હતો. સવાલ એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના વિચારો સાથે સહમત ન હોય તો તેમને હત્યા કરવાનો અધિકાર હતો?
વાયરલ મેસેજમાં કહ્યું છે : “જેમ બ્રિટિશ સરકારે ભગતસિંહ અને ઉધમસિંહને હત્યાના દોષી ઠેરવ્યા પછી ફાંસી આપી હતી, તેવી જ રીતે ભારત સરકારે પણ નાથુરામ ગોડસેને ફાંસી આપી હતી. ત્રણેયના કાર્યો, લાગણીઓ અને જીવન મૂળભૂત રીતે સમાન છે. આ સત્ય છુપાવવું જોઈએ નહીં.” મતલબ કે ગોડસેની ભગતસિંહ અને ઉધમસિંહ સાથે તુલના કરી છે. આ તો ભગતસિંહ અને ઉધમસિંહનું અપમાન છે !
વાયરલ મેસેજમાં ગાંધીજીની હત્યા માટે ‘થેંક્યું, મિસ્ટર ગોડસે‘ કહીને ડો. આંબેડકરને ટાંકીને ભ્રમ ફેલાવ્યો છે કે “કાનૂન મંત્રી ડૉ. આંબેડકરે ગોડસેના વકીલ મારફતે ગોડસેને સંદેશ મોકલેલ કે જો ગોડસે સંમત થાય તો હું ગાંધીજીની અહિંસાનાં નામે ગોડસેની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવી દઈ શકું છું.” ત્યારે જેલમાંથી ગોડસેએ ડૉ. આંબેડકરને સંદેશ મોકલેલ કે, “ના હો. મહેરબાની કરીને મારી ઉપર કોઈ દયા કરવામાં ન આવે. હું એ સાબિત કરવા માંગુ છું કે, ગાંધીની અહિંસાને ફાંસી પર લટકાવવામાં આવે છે.” ડો. આંબેડકરના નામે સાવ ઉપજાવી કાઢેલી વાત ફેલાવવી તે ડો. આંબેડકરનું અપમાન છે. દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલે 23 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “આવા જૂઠાણાથી ડૉ. આંબેડકરની પ્રતિષ્ઠાને મોટી હાનિ પહોચાડી છે. બધા જ આંબેડકરવાદીઓની લાગણી દુભાવી છે. શું આપણે માત્ર જોઈ જ રહીશું?”
24 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર