આજે ગોકુળ ગામ હજી પણ નિંદ્રામાં પોઢેલું હતું. ક્યાં ય ચહલ-પહલ નહોતી, નહોતાં ગોપીઓનાં ઘમરવલોણાં શરૂ થયાં. આવું આ પહેલાં ગોકુળમાં ક્યારે ય બન્યું નહોતું કે સૂરજદાદા કોર કાઢી લે તો પણ ગોકુળ ગામ નિરવ અને નિસ્તબ્ધ થઈ સૂતું હોય. રાધા વિચારમાં પડી ગઈ કે આજે આ શું બની રહ્યું છે. કાનો આજે કેમ રિસાયો છે? તેની બાંસુરીનો અવાજ પણ નથી સંભળાતો. રાધાને એકાએક યાદ આવ્યું, કાનાની બાંસુરી તો મારી પાસે છે, એ, કેવી રીતે વગાડે! રાધા દોડીને કાના પાસે ગઈ, “લે કાના, તારી બાંસુરી વગાડીને ચૌદ ભુવનને જગાડ, ગોકુળ ગામને જગાડ, ગોપીઓના મનને જગાડ, ગાય અને ગોંદરાને જગાડ, કાના મારો ભ્રમ ભાંગી ગયો છે. આ સર્વ જગત તારી બાંસુરીના સૂરે તો જાગે છે, દોડે છે, આ આખું ય જગત તારા મય છે. મને માફ કરમ કાના.”
“રાધા, મારી બાંસુરીમાં સાત સૂર સિવાય કંઈ નથી પણ સૌ પોતપોતાનો સૂર પકડી મારી સાથે તાદામ્ય સાધે છે, તારી અને બીજી ગોપીઓ જેમ.”
“હા, કાના તારી બાંસુરીના સૂર અમને ઘેલા કરી દે છે. અમે અદ્દભુત આકર્ષણથી તારી પાસે દોડી આવીએ છીએ. આજે મને તારી બાંસુરીના સૂરનું રહસ્ય સમજાયું.”
“કાના, એક વાત પૂછું? તું ગોકુળ છોડીને, અમને છોડીને તો નહીં જાય ને? તારી વગર બાંસુરી વગાડીને બધાને કોણ જગાડશે. અમે તારી વગર નહીં રહી શકીએ, હું તો નહીં જ રહી શકું. કાના અમને તારું વ્યસન થઈ ગયું છે. બધાં અમને, ગોપીઓને ઘેલી માને છે. પણ, કાના, સાચું કહું એ લોકો પણ ખોટા નથી. તારી વાંસળીના સૂરે અમે સુધબુધ ખોઈને તારી પાસે દોડી આવીએ છીએ. આખું ય ગોકુલ તારા મય બની જાય છે. તું, રિસાઈ જાય એ અમને ગમે છે, કારણ કે તને મનાવવા માટે અમે, ગોપીઓ પડા પડી કરીએ છીએ. કાના, હું તારી પ્રિય ગોપી છું. મારી વાત માનીશ ને? જો તું, મારી વાત નહીં માને તો, આ ગોપીઓ મારી ઠેકડી કરશે કે તું, તો, કાનો મારો, કાનો મારો કરતી ને કાનો જ તને છોડીને જતો રહ્યો. આ તને ગમશે?”
“જો, રાધા, હું અત્યારે તો તારી સાથે છું. અહીંનું કામ પૂરું કરી મારે જવું પડશે.”
“પણ, કાના તને અમારી વગર ગમશે? તને રાધા ને બીજી ગોપીઓ યાદ નહીં આવે?”
“તમે મને જરૂર યાદ આવશો. રાધા, તું, તો મારી પ્રિય સખી છો, તને તો કેમ ભૂલાય. હું ગોકુળને ક્યારે ય નહીં ભૂલી શકું.”
“તો પછી કાના તારે ગોકુળ શું કામ છોડવું પડે? હું સદા તારી સાથે જ રહીશ.”
“રાધા, હું તને વચન આપું છું કે ગોકુળમાં રહું કે ન રહું તું સદા મારી સાથે જ રહેવાની છો.”
“ના, એવું નહીં, કાના, તું તારી વાતમાં મને ભ્રમિત કર મા.”
‘જો રાધા, આ બાંસુરી છે, ને, તેને હું તારા માટે જ વગાડું છું. હું ગોકુળ છોડીશ તો પણ બાંસુરી તારી પાસે જ રહેશે. લે વગાડ બાંસુરી.”
“મને ક્યાં વગાડતા આવડે છે. હું, તો તું બાંસુરી વગાડ અને તેના સૂરમાં ઝૂમીશ.”
રાધાને ખબર પડી અક્રુરજી કાનાને મથુરા લઈ જવા લેવા આવ્યા છે. રાધા વિહવળ થઈ ગઈ, બાવરી થઈ ગઈ. હવે હું કાના વગર કેમ રહી શકીશ, કેવી રીતે જીવી શકીશ. મારે કોઈ પણ ભોગે કાનાને જતો રોકવો જોઈએ.
“કાના, તું અમને છોડીને ન જા. મને બીજી ગોપીની ખબર નથી પણ હું તો તારી વગર નહીં રહી શકું.”
“લે રાધા, આ બાંસુરી, તારી અમાનત. હવે કાનો ક્યારે ય આ બાંસુરી નહીં વગાડે, એ રાધા માટે જ હતી અને રાધા પાસે જ રહેશે. રાધા, બાંસુરી વગાડીને મને વિદાય આપ.”
“કાના, મને નહીં આવડે.”
“રાધા, તારી બાંસુરી ભલે બેસૂરી વાગે, મને એ પણ ગમશે. તારી બેસૂરી વાંસળીના સૂરમાં હું, મારો સૂર ભેળવી દઈશ.”
રાધાએ સજળ આંખે હાથમાં બાંસુરી પકડી, કાનો આંખોથી ઓઝલ ન થયો ત્યાં સુધી હાથ હલાવી વિદાય આપતી રહી. આજે રાધાનું મન અને ગોકુળ ગામ સુનું સુનું થઈ ગયું હતું.
(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com