
રમજાન હસણિયા
ગામની સૌથી છેલ્લી શેરી ને એ શેરીમાં સૌથી છેલ્લું ઘર અમારું ! પ્રેમજીબાપાએ ભરચોમાસે માને આપેલ એ આશરો સત્તર વર્ષ સુધી અકબંધ રહ્યો. એ શેરીમાં વાણિયાના ઘર વધારે, પણ સાથોસાથ બે ઘર દરબારના એકાદ ઘર પટેલનું અને એક અમારું પણ ખરું. એ નાનકડી શેરી અમારી આનંદભૂમિ.
કેટકેટલાં અભાવો વચ્ચે ખૂબ મજા કરી, એની વાત તો ક્યારેક નિરાંતે પણ અત્યારે તો હૈયે સાંભરી આવ્યા નબુમા. અમારી પડખે રહેતાં એક પટલાણી. બહુ ઓછું બોલે, એમને સંતાન નહિ, ચહેરા પર ઝાઝા ભાવ પણ ન દેખાય એટલું તટસ્થ એમનું મોં. તેઓ કાંઈ ઉત્સાહી ને એવા નહિ પણ એક વરસ એમણે નવરાત્રિમાં ગરબાની સ્થાપના કરેલી. પાંચ કે સાત વર્ષની માનતા લીધેલી. સ્થાપના કરેલી એટલે માત્ર ઘરની એક દીવાલે પાટલો માંડીને ગરબામાં અડધા સુધી ઘઉં ભરી દીવડો પેટાવી એમાં મુક્યો એટલું જ. આખી શેરીના છોકરાઓને એમણે એ ક્ષણે ઘરમાં તેડાવેલાં. એમાં સૌથી આગળ તો હું જ હોઉં. મને આરતી આવડે, સ્તુતિ આવડે ને ગરબા પણ આવડે. ક્યાંથી શીખ્યો એનો કોઈ જવાબ નથી. ઘરમાં તો લાઈટ પણ નહિ, રેડિયો પણ નહિ ને છતાં બધું કડકડાટ મોઢે. આરતી નબુમા ઉતારે પણ ગાયક તો અમારું બાળવૃંદ. એમાં થોડાક ‘ઓમ જયોમ જયોમ મા જગદંબે’ વાળા જ. એક એક કડીએ તાન ચડે ને ‘ત્રમ્બાવટી નગરી’વાળી પંક્તિઓ, ‘સવંત સોળે પ્રગટ્યા ગંગાને તીરે, મા રેવાને તીરે ઓમ … ‘આદિ પંક્તિઓમાં તો રુંવાળા ઊભા થઈ જાય. તાળીઓના આવર્તનમાં એ ઉત્સાહ અભિવ્યક્ત થાય. એ પછી વિશ્વંભરી સ્તુતિ ગાઈએ. ત્યારે વસંતતિલકા છંદની કાંઈ ખબર નહિ પણ ભાવ બહુ આવે. ‘ખોટો ખરો ભગવતી પણ હું તમારો’ કહેતા અમે માતાજી સાથે પોતાનો અનુબંધ બાંધી લઈએ. કોઈને વાંસો તો નથી આવી ગયો ને એ પણ વચ્ચે વચ્ચે આંખ ખોલી જોઈ લઈએ. ઘરેથી કહી રાખ્યું હોય કે કોઈને વાંસો આવે તો વાળ ખોલી નાખવા. માએ કરેલી ભોઈમાની કેવી કેવી અદ્દભુત વાતો અત્યારે યાદ આવે છે. ખેર બાળકોને તો સૌથી વધુ રસ પ્રસાદમાં હોય. થાળ પણ અમે જ ગાઈએ ને પ્રસાદ પણ અમે જ વહેંચીએ. કોઈ ટેપ કે કેસેટ તો હોય નહીં , ગરબા અમારે જ ગાવાના. કેટલા ગરબા યાદ હતા એની યાદી બહુ લાંબી થાય. અમે બે ત્રણ જણ ગાઈએ ને બાકીના ઝીલાવે. ડોસીમાઓ સાથે બેઠા ગરબા ગાઈએ ને પછી વગર ઢોલે કેવળ તાળીઓના તાલે ગરબા પણ રમીએ. ‘અંબા અભય પદદાયિની રે ..’ મારો પ્રિયમાં પ્રિય ગરબો. બાલમંદિરના એક બહેન બહુ મધુર કંઠે ગરબા ગાતાં. એમની પાસેથી એ ગરબો સાંભળી સાંભળીને હું શીખેલો. એમાં ‘અંબા હિંડોળેથી ઉતર્યા રે, સિંહે થયા અસવાર ભીડભંજની, ‘હેમ હિંડોળે હિંચકે રે,’ ‘ભક્ત કરે છે પોકાર’, આ બધું આંખ સામે દેખાય. માતાજી જે રીતે ભક્તને ઉગારે એ સાંભળી, જોઈ આંખ ભીંની થાય. પીરાનપીરની વાર્તામાં પણ તેઓ વહાણ ઉગારી કિનારે લાવતા. માતાજી ને પીરાનપીર કોઈ જુદા તત્ત્વો છે એવું ક્યારે ય યાદે નહોતું આવતું, આજે ય નથી આવતું.
‘રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે’ એ ગરબો એટલે ગમતો કેમ કે એમાં આવતા દેવો સાથે એમની પત્નીઓનાંનામ પણ આવતાં. ‘તું કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા’ ગરબામાં દરેક યુગમાં કયા કયા નામે માતાજી ઓળખાયા એ યાદ રાખવાની મજા પડતી. સુધામાસી, હેમલતા મા, કુસુમકાકી, લાડુબા,આજુબાજુની શેરીમાંથી આવતાં બહેનો ભાવથી ગરબા ગાય. કોઈને આવડે તો ગવડાવે પણ ખરા. ક્યારેક ગામની ગરબી જોવા પણ જઈએ. નુમાકાકા એટલે કે નૂરમામદ શેરમામદ નવરાત્રિમાં નરસિંહ મહેતાની હૂંડી ગાય, એ સાંભળવાની ને વચ્ચે વચ્ચે બેસી જઈ ફરી ઊભા થઈ ગરબા લેતા ભાઈઓને જોવાની બહુ મજા પડતી. ગામની એક ગરબી ભાઈઓની દેરાસરના ચોકમાં થતી ને અંબેમાના મંદિરે બહેનોની ગરબી જુદી થતી. દરબાર સમાજના બહેનો ત્યાં વિશેષ હોય. ઢોલના તાલે ગામના જ ભાવિકો રમતાં રમતાં ગરબા ગાય ને પાછળ સૌ ઝીલે. ભાવસભર રીતે આખી પ્રક્રિયા ચાલે. ગરબે ઘુમતાં બધા ભેદ ભૂંસાઈ જાય !
એક બાળકની આંખોએ જોયેલી ને હૈયે કોતરાઈ ગયેલી આ નવરાત્રિ હવે ક્યાં શોધું ? નબુમાને ક્યાં જઈને કહું કે, ‘નબુમા ગરબો સ્થાપવા આવોને’ !
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર