ખાલી કપ …
એક સફળ ડોકટર તેની વ્યસ્તતાથી થાકી ગયો. તે સતત દબાવ અને સ્ટ્રેસમાં કામ કરતો હતો. તેની ઊર્જા ઓછી થઇ રહી હતી. લાંબા કલાકો કામ કરીને તેનું ઊંઘવાનું અને ખાવા-પીવાનું અનિયમિત થઇ ગયું હતું. થાકી હારીને તે એક ઝેન ગુરુ પાસે ગયો.
તેણે ગુરુને તેની સિદ્ધિઓ અને જવાબદારીઓ વિશે વાત કરી અને કહ્યું કે તેની રાહત મહેસૂસ નથી કરતો.
ગુરુએ શાંતિથી તેની વાતો સાંભળી અને પૂછ્યું કે ચા પીશો? ડોકટરે હા પાડી એટલે ગુરુએ જાતે ચા તૈયાર કરીને કપમાં રેડવાની શરૂ કરી. ડોકટર તાજ્જુબ બનીને ગુરુની હરકત જોતો રહ્યો. તેણે જોયું કે કપ ભરાઈ ગયો હતો, પણ ગુરુનું એમાં ધ્યાન નહોતું.
‘અરે! ઊભા રહો, કપ છલકાઈ ગયો,’ તેણે કહ્યું.
ગુરુએ શાંતિથી તેની સામે જોયું અને કહ્યું, ‘એ જ તો વાત છે. તું પણ આ કપ જેવો છે. એકદમ ભરાઈ ગયેલો – સતત કામમાં, વિચારોમાં, આયોજનોમાં વ્યસ્ત … આરામ, આનંદ કે જીવન માટે જગ્યા જ નથી. તારા કપને ખાલી કર.’
—————————————————

રાજ ગોસ્વામી
થોડા દિવસ પહેલાં, મોનિકા ચૌધરી નામની એક 29 વર્ષીય આંત્રપ્રિન્યોરે ઇન્સ્ટાગ્રામ પર તેની કેફિયત બયાન કરીને તહેલકો મચાવી દીધો હતો કે કામના લાંબા કલાકો, સ્ટ્રેસ અને બર્નઆઉટના પગલે તેની તંદુરસ્ત જીવનશૈલી ખરાબે ચઢી ગઈ હતી અને અંતત: તે ચોથા સ્ટેજના કોલોન (આંતરડાના) કેન્સરનો ભોગ બની હતી.
સંશોધન કહે છે કે નિયમિત સ્ટ્રેસ અને બર્નઆઉટથી શરીરમાં હોર્મોનલ સંતુલન ખોરવાય છે અને ઇન્ફલેમેશન વધે છે, જેનાથી હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ અને હવે કેન્સરની સંભાવનાઓ વધી જાય છે.
‘મારા સ્વાસ્થ્યનો સવાલ છે ત્યાં સુધી,’ મોનિકાએ લખ્યું હતું, ‘હું બહુ ચીવટવાળી હતી. હું તંદુરસ્ત આહાર લેતી હતી અને ડાયટનું ધ્યાન રાખતી હતી. હું તળેલું કે તેલવાળું ખાતી નહોતી. મેં જ્યારે મારી વેબસાઈટ માટે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને ખ્યાલ નહીં આવ્યો કે તેમાં કેટલી બધી બાબતોનો ભોગ લેવાશે. એમાં નસીબનો વાંક નહોતો. એ લાંબા સમય સુધીના સ્ટ્રેસ, બર્નઆઉટ અને શરીરની સંપૂર્ણ ઉપેક્ષાનું પરિણામ હતું.’
મોનિકાએ એક શબ્દ વાપર્યો હતો; બર્ન-આઉટ. ઓક્સફર્ડ શબ્દકોશ અનુસાર, બર્નઆઉટ એટલે કામ કરીને શારીરિક અને માનસિક રીતે થાકી જવું. આવું દરેક વ્યક્તિ સાથે કોઈને કોઈ તબક્કે થાય છે. અમુક લોકોને એક અથવા થોડા દિવસ માટે આવો અનુભવ થાય છે, બીજા લોકોને વર્ષો સુધી થાય છે.
આપણે કામ કરવાની, લોકોને મદદ કરવાની, પરિવારની સંભાળ રાખવાની, સંબંધો ટકાવી રાખવાની, પોતાની અને બીજાઓની લાગણીઓનો સામનો કરવાની રોજિંદી જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આરામ, રાહત કે જાતનું ધ્યાન રાખવાનું નકારતા જઈએ છીએ. ત્યારે જ “બર્નઆઉટ” થવાનું શરૂ થાય છે.
મોનિકાના કિસ્સામાં બન્યું હતું તેમ બર્નઆઉટની સ્થિતિ સ્ટ્રેસના કારણે આવી શકે, પરંતુ એ બંને એક નથી. સ્ટ્રેસ વધુ પડતા માનસિક અને શારીરિક દબાણ અને તમારા સમય અને શક્તિના વધુ પડતા વ્યયના પરિણામે થાય છે. બર્નઆઉટ વાસ્તવમાં અભાવનું પરિણામ છે; લાગણીનો અભાવ, મોટિવેશનનો અભાવ, દરકારનો અભાવ વગરે. સ્ટ્રેસ તમને વ્યાકુળ કરી નાખે, બર્નઆઉટ તમને ખાલી કરી નાખે.
બર્નઆઉટ મોટાભાગે ધંધા-રોજગાર-વ્યવસાય સંબંધી હોય છે, પરંતુ તેની અસર અંગત જીવન, જેમ કે પરિવાર સાથેના સંબંધો પર પણ પડે છે. ઘણીવાર અંગત જીવનની મુશ્કેલીઓ પણ કામમાં બર્નઆઉટની સ્થિતિને જન્મ આપે છે. આ બધું ભેગું થઈને વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તીને અસર કરે છે.
સામાન્ય રીતે, માણસ શારીરિક અને માનસિક રીતે ઘણો દૃઢ હોય છે. તે સંઘર્ષોથી પાછો નથી પડતો. ભારતમાં એવા લાખો લોકો છે જે બે ટંક ભેગી કરવા માટે રાતદિવસ કાળી મજદૂરી કરે છે. તેમને ન તો સ્ટ્રેસ નડે છે કે ન તો ડિપ્રેશન. તેનું કારણ એ છે કે તેમના સંઘર્ષમાં એક હેતુ છે, પ્રયોજન છે, અર્થ છે. તમારી મહેનતમાં તમને કોઈ અર્થ નજર આવે ત્યારે તે તમારા માટે ‘રમત’ બની જાય છે.
જેમ કે બાળકને જન્મ આપવો અને તેને મોટું કરવું તે એક સ્ત્રી માટે શારીરિક અને માનસિક રીતે થકવી નાખે તેવી જવાબદારી છે, પરંતુ તેમાં તેને એક સાર્થકતાનો અહેસાસ થાય છે, અને એટલે જ તે સ્ટ્રેસ કે બર્નઆઉટ મહેસૂસ નથી કરતી.
કોઇપણ કામ અથવા જવાબદારીમાં બર્નઆઉટ ત્યારે શરૂ થાય જ્યારે તે નિરર્થક લાગવા માંડે. વર્ષોથી સરકારી નોકરી કરતા એક મિત્રએ એકવાર પૂછ્યું હતું, ‘કેરિયર, નોકરી, ધંધો એક તબક્કે આવીને નિરર્થક કેમ લાગે? સફળતા કે પ્રમોશન માટેનો સંઘર્ષ અર્થહીન કેમ લાગે? કશું મળી ગયા પછી કેમ એવું લાગે કે એ ખાસ અગત્યનું નહોતું?’
આ બર્નઆઉટનાં લક્ષણ છે. કામકાજમાં દીર્ઘકાલીન સ્ટ્રેસના પગલે ત્રણ ચીજો ઘટે છે : થકાવટ (કામ કરવાનો ઉત્સાહ ન હોય), ભાવશૂન્યતા (કામ સાથે લગાવ ન હોય) અને અક્ષમતા (વ્યવસાયિક ક્ષમતામાં ઘટાડાનો અહેસાસ).
તેના માટે જોબ બર્નઆઉટ શબ્દ છે. 1974માં, હર્બટ ફ્રોડેનબર્ગર નામના જર્મન-અમેરિકન મનોવિજ્ઞાનીએ, Burnout: The High Cost of High Achievement નામના પુસ્તકમાં પહેલીવાર આ શબ્દ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કામ કર્યા પછી મળતા વળતર, સન્માન અને વિશ્રામની સરખામણીમાં કામનું ભારણ, ડેડલાઈન, કામના કલાકો અને સ્ટ્રેસ વધી જાય ત્યારે બર્નઆઉટ થવાય.
તમને કોઈ વ્યક્તિને જાણતા હોવ પણ નામ યાદ આવતું ન હોય તેવું બન્યું છે? અથવા તમને કોઈ ફિલ્મના જાણીતા ગીતના શબ્દો સૂઝતા ન હોય? અથવા કોઈ જગ્યાએ તમે ગયેલા હોવ પણ એનું નામ જીભ પર આવતું ન હોય? તેને હૈયે છે પણ હોઠે ન આવવું કહે છે.
ફ્રોડેનબર્ગર તેમની પાસે આવતા લોકોની સમસ્યાને આ રીતે સમજતા હતા. એ લોકો તેમના જીવનમાં ‘કશું’ શોધી રહ્યા હતા. ‘શું’ તે ખબર નહોતી. તેમને લાગતું હતું કે તેઓ એક ઔર સિદ્ધિ કે સફળતા હાંસલ કરશે, તો તેઓ જે શોધી રહ્યા છે તે મળી જશે. પરંતુ સિદ્ધિનું દરેક પગથિયું સર કર્યા પછી પણ એ ‘કશાક’ની ખોટ સાલતી રહેતી હતી.
આધુનિક વર્ક કલ્ચરની સમસ્યા એ છે કે એ તમને કશું હાંસલ કર્યાંનો ક્ષણિક સંતોષ આપે છે, પરંતુ લાંબા ગાળે તમને થકવી નાખે છે. 1936માં, ચાર્લી ચેપ્લિનની એક ફિલ્મ, મોડર્ન ટાઈમ્સ, આવી હતી. ઔધોગિક ક્રાંતિએ પ્રોડકશનની એક એવી તોતિંગ ચક્કી ઊભી કરી હતી કે તેમાં કામ કરતા માણસો મશીનનો જ એક હિસ્સો બની ગયા હતા. ફિલ્મમાં ચેપ્લિને એક એવા કામદારનો કિરદાર કર્યો હતો, જે રાક્ષસી મશીનમાં કામ કરીને પાગલ થઈ જાય છે. મશીન યુગ પર આ ફિલ્મ એક સટિક વ્યંગ્યાત્મક કૉમેન્ટ હતી.
એ સાચું કે શોખ જ વ્યવસાય બની જાય તેનાથી ઉત્તમ જીવન બીજું ન હોય, પરંતુ મોટાભાગના લોકો બોરિંગ કામમાં વ્યસ્ત હોય છે, કારણ કે ભૌતિક સુખ-સુવિધા આપણો નંબર વન હેતુ છે. આપણે દેખાદેખીથી જીવીએ છીએ. આપણે સરખામણીમાં જીવીએ છીએ. ખૂબ બધા પૈસા કમાવાના પ્રેશરમાં આપણે, ચેપ્લિનની જેમ, રોજ એક મશીન જેવા રૂટિનમાં જીવીએ છે.
ભારતની ખબર નથી, પણ 43 ટકા અમેરિકનો અને 87 ટકા ઓસ્ટ્રેલિયન મેનેજરો ફરિયાદ કરે છે કે તેમના કર્મચારીઓ કામથી કંટાળેલા છે. 63 ટકા અમેરિકનો તેમના અંગત જીવનમાં બોરડમનો અનુભવ કરે છે. યુનિવર્સિટી ઓફ લેંકેશાયરનો સર્વે કહે છે કે ઇંગ્લેન્ડમાં વર્કપ્લેસ પર બોરડમ બીજા નંબરની સોથી વધુ વ્યક્ત થતી લાગણી છે. પહેલા નંબરે ગુસ્સો છે.
દરેક વ્યક્તિ સમય-સમય પર કંટાળી જતી હોય છે. એવું કેમ થાય છે તે સમજવા માટે વ્યક્તિએ ખુદની અંદર ઝાંખવું જોઈએ. અલગ-અલગ કારણોસર વ્યક્તિ ગમતા કામમાં મગ્ન ન થઈ શકે અથવા કામને ગમતું ન કરી શકે.
1. સ્ટ્રેસ અને એન્ગઝાઈટીને હેન્ડલ કરતાં ન આવડે તો કામ પર અસર પડે. વ્યક્તિની પારિવારિક, આર્થિક, ભાવનાત્મક પરિસ્થિતિ સ્ટ્રેસ અને એન્ગઝાઈટી માટે કારણભૂત હોય શકે. સ્ટ્રેસ-ફ્રી જીવન વધુ પ્રોડક્ટિવ અને ક્રિએટિવ હોય છે.
2. આત્મ-સન્માનની સમસ્યા હોય. ઘણીવાર વ્યક્તિ આજુબાજુના લોકોમાં ફિટ-ઇન ન થઈ શકતી હોય તો તેના આત્મવિશ્વાસ પર અસર પડે અને તે વળતામાં કામને અસર કરે. કામ આત્મસન્માનનો સોર્સ બનવું જોઈએ.
3. બોરિંગ રૂટિન હોય. માણસોને ઉત્તેજનાની બહુ જરૂર હોય છે. એનું જીવન જો ઘાંચીના બળદની જેમ એકધાર્યું થઈ ગયું હોય, નોવેલ્ટીનો અભાવ હોય, પડકારની ગેરહાજરી હોય તો પણ ઝડપથી કંટાળો આવે.
4. ઘણીવાર જે કામ કરતા હોઈએ તે ક્ષમતા, સ્કિલ અને ઇન્ટરેસ્ટ કરતાં ઉતરતું હોય. આપણું કામ અને આપણું લક્ષ્ય આપણા કરતાં મોટું હોવું જોઈએ.
5. વધારે પડતો ફ્રી ટાઈમ હોય. માણસે પ્રોડક્ટિવ રહેવા માટે વ્યસ્ત રહેવું પડે, ડેડલાઈનમાં કામ કરવું પડે, કામની ગુણવત્તાને લઈને અસલામતી અને ડર હોવો જોઈએ. બધું જ જો સરળતાથી મળતું હોય તો માણસ તેનું બેસ્ટ ન આપી શકે.
6. ફિઝિકલ ફિટનેસનો પ્રભાવ આપણા વિચારો, લાગણીઓ અને મનોભાવો પર પડે છે. ઘણા લોકોને ખબર નથી કે ફિઝિકલ ફિટનેસ અને મૂડસને ઘેરો સંબંધ છે. શરીરમાં સ્ફૂર્તિ ન હોય, શરીરમાં પરેશાનીઓઓ હોય તો મન પણ તેજ ન રહી શકે.
(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 29 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર