દીકરો અને વહુ બંને જોબ કરતાં હોવાથી નાનકડી ચીંકીની જવાબદારી મારે માથે હતી, પણ ચીંકી હતી એવી મીઠડી કે, મને મારું એકલવાયું જીવન એને કારણે હર્યુંભર્યું લાગતું. વળી ઘરનાં તમામ કામ અને ચીંકીની દેખરેખ રાખવા માટે શોભા જેવી કામગરી અને વિશ્વાસુ બાઈ હતી એટલે મારા દિવસો તો આનંદથી પસાર થતા હતા.
બાજુમાં રહેતાં મંજુબહેનને મળીને પાછી આવી ત્યારે જે દૃશ્ય જોયું એનાથી હું ગભરાઈ ગઈ. ડ્રોઈંગરૂમમાં ચીંકી તાળીઓ પાડતી ગોળ ગોળ ઘૂમતી હતી અને એને માથે ગૂં ગૂં કરતી એક મોટી મધમાખી ચક્કર મારતી હતી. મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ,
“ચીંકી, આ શું કરે છે? બેસી જા સોફા પર. એ તને કરડી જશે તો?”
ચીંકી તો મારી વાત સાંભળીને હસી પડી અને જાણે હું સાવ નાસમજ હોઉં એમ કહેવા લાગી, “આજ્જી, આપણે એને હેરાન ન કરીએ તો એ બિચારી આપણને કંઈ ન કરે. હું તો ક્યારની એની સાથે રમું છું. જુઓ, એ મને કરડી છે? તમે નક્કામા ગભરાવ છો!”
ચીંકીએ ભલે કહ્યું પણ હું તો બાલ્કનીના દરવાજા ખોલીને હાથમાં ઝાડુ લઈને મધમાખીની પાછળ પડી ગઈ. જો કે, ચીંકીને આ ગમ્યું નહીં. એ મને કહેતી રહી,
“આજ્જી, એની પાંખો કેવી સરસ સોનેરી રંગની છે! તમારું ઝાડુ વાગશે તો એની પાંખ તૂટી જશે. પછી એ કેવી રીતે ઊડશે?”
મેં મધમાખીને જ્યારે ઘરમાંથી હાંકી કાઢી ત્યારે મારા જીવને શાંતિ થઈ. ચીંકી ઠપકાભરી આંખે મારી સામે તાકી રહી. થોડી વાર પછી શાક લેવા ગયેલી શોભા પાછી આવી એટલે ચીંકીને ફરિયાદ કરવાનું ઠેકાણું મળી ગયું, “તાઈ, આજ્જીએ મારી ફ્રેંડને ઝાડુ મારીને ઘરમાંથી કાઢી મૂકી. હવે એ બિચારી ક્યાં ગઈ હશે?”
શોભા એની સાથે એની જેવડી બનીને એના સવાલોના જવાબ આપતી. એણે કહ્યું,
“બેબી, ફિકર નૈ કરનેકા. ઉસકી મમ્મી ઈદર જ કઈ પે હોગા.” પછી ચીંકીને વાતમાં રોકી રાખતાં કહેવા લાગી કે, આ સોસાયટી છે ને, ત્યાં તો પહેલાં જંગલ હતું. એમાં મોટાં મોટાં ઝાડ હતાં. કેટલાં ય પશુ-પંખી અહીં રહેતાં. ચોમાસામાં તો સાપ પણ નીકળતા. મધમાખી ને ભમરા તો આખા જંગલમાં મન ફાવે ત્યાં ફર્યાં કરતાં.
ચીંકી રસપૂર્વક એની વાત સાંભળી રહી હતી. એણે પૂછ્યું, “તો હવે એ બધાં ક્યાં ગયાં?”
“યે બિલ્ડર લોગ ઈદર આયા ઓર બડા બડા મકાન બનાયા ન, તો વો સબ લોગ કો ભાગના પડા. અપના પુરાના ઘર સમજકે કબી ભૂલેસે નીકલ આતે હૈ તો આદમી લોગ ઉનકો માર ડાલતે હૈ.”
અત્યંત સંવેદનશીલ ચીંકી આ બધું સાંભળીને ઉદાસ થઈ ગઈ હતી, એ જોઈને મેં શોભાને કહ્યું,
“જા હવે, બેબી સાથે વાતો કરવાને બદલે સાંજની રસોઈની તૈયારી કરવા માંડ.”
થોડી વાર પછી દરવાજાની બેલ વાગી. વોચમેન કહેવા આવ્યો હતો કે, તમારા ઉપલા માળ પર મધમાખીએ મધપૂડો બનાવ્યો છે એ કાઢવાવાળા આવ્યા છે. બધાં બારી-બારણાં બરાબર બંધ કરી લેજો.
મેં રચનાને ફોન કર્યો, “રચના, તારા ફ્લેટની દીવાલ પર મધમાખીએ મધપૂડો બનાવ્યો છે?”
“હા આંટી, મને તો ટેન્શન થઈ ગયું છે. મેં એજંસીમાં ફોન કરીને માણસોને બોલાવ્યા ને કહ્યું કે, એવી રીતે મધપૂડો કાઢો કે, પછી એકપણ મધમાખી ન દેખાય.”
“પણ મધપૂડો આટલો મોટો થયો ત્યાં સુધી તમને ખબર ન પડી?”
“કેવી રીતે પડે, આંટી? એ મારા યશનો રૂમ છે. એને ચોવીસ કલાક એ.સી. જોઈએ એટલે બારી તો કદાચ એક વરસથી નહીં ખોલી હોય. આ તો બારીના કાચ સુધી મધપૂડો આવી ગયો ત્યારે મને દેખાયો.”
એ પછી કેટલી ય વાર સુધી કંઈક ઠોકાવાના અને મશીન ચાલવાના ઘર્ર..ઘર્ર અવાજો આવતા રહ્યા. એકાદ કલાક પછી શોભા કહેવા આવી,
“વો આદમી મધ બેચનેકો આયા. લેનેકા ક્યા?”
મને થયું લાવ, જોઉં તો ખરી! મારી નજર મધ ભરેલી બાલદી પર ગઈ તો મેલીઘેલી બાલદીમાં ભરેલા મધ પર મરેલી મધમાખીઓ તરતી હતી. આ જોઈને મને બેચેની થવા માંડી. મેં કહ્યું, “મુજે નહીં ચાહિયે. ઈસમેં તો મરી હુઈ મખ્ખી હૈ.” “મખ્ખી તો છાનનેસે નીકલ જાયેગી. તુમ્હારે મુંહમાં થોડે હી ઘૂસેગી?”
આમ પણ મારે આવી ગંદકી વાળું મધ લેવું ય નહોતું અને મને એની વાત કરવાની ઉદ્ધતાઈભરી રીત ગમી પણ નહીં. દરવાજો બંધ કરીને હું અંદર આવી. મેં સવારથી ચીંકી સાથે નક્કી કર્યું હતું કે, સાંજે આપણે નીચે ગાર્ડનમાં જઈશું. એ તૈયાર થઈને આવી ને કહેવા લાગી, “ચાલો આજ્જી, સાંજ પડી ગઈ. મારાં ફ્રેંડ્સ ગાર્ડનમાં આવી ગયાં હશે.”
અમે બંને લીફ્ટમાં નીચે આવ્યાં. પેસેજમાંથી જ એણે ગુડ્ડુ અને રીમાને જોયાં અને મારો હાથ છોડાવીને દોડીને એ લોકો પાસે પહોંચવા ગઈ ત્યાં તો ચીસ પાડીને બોલી ઊઠી, “આજ્જી, જુઓ તો આ શું થઈ ગયું?”
એને આટલી બધી વિહ્વળ થતાં મેં કોઈ દિવસ નહોતી જોઈ. નજીક જઈને જોવા ગઈ તો મને જાણે ચક્કર આવવા લાગ્યા. હજારો મધમાખીઓના મૃતદેહો પેસેજ અને ગાર્ડનની વચ્ચેના રસ્તામાં ઢગલો થઈને પડ્યા હતા. એમની જે સોનેરી પાંખોને અત્યાર સુધી મુક્તતાથી પ્રસરેલી જોઈ હતી એ બિડાઈને નિર્જીવ થઈને ઢળી પડી હતી. મને ખ્યાલ આવ્યો કે, પેલા મશીનમાં ઝેરીલી દવા ભરીને આ નિર્દોષ જીવોનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો.
માળી મોટો સાવરણો લઈને માખીઓ ભેગી કરીને લીલા રંગની કચરાની બાસ્કેટમાં ઠાલવી રહ્યો હતો. કાલે અમે જ્યારે મોર્નિંગ વોક માટે નીકળશું ત્યારે આ રસ્તો ચોખ્ખોચટાક હશે.
ચીંકીની આંખો આંસુથી છલોછલ હતી. એ માત્ર એટલું જ બોલી શકી, “આજ્જી, આપણને કોઈ આવી રીતે આપણા ઘરમાંથી કાઢી મૂકે તો?”
મારી પાસે ક્યાં એના સવાલનો જવાબ હતો? ચૂપચાપ એનો હાથ પકડીને હું ઘરે પાછી ફરી.
(સુધા અરોરાની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જૂન 2025; પૃ. 24