
રવીન્દ્ર પારેખ
મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયેલું એ વાતને ૩ વર્ષ થઈ ગયાં, પણ એ પછી ઈરાનમાં ઘણો બદલાવ આવ્યો. ઈરાન સરકારનાં કઠોર અત્યાચારમાં ઘણાં મોત થયાં ને ઘણી ધરપકડો થઈ, તે એટલે કે કટ્ટરપંથી સરકાર હિજાબને મામલે બહુ જડ હતી, પણ ત્રણેક વર્ષે હવે એ સ્થિતિ છે કે એરપોર્ટ, કાફે કે હોટેલ જેવી જગ્યાએ છોકરીઓ મોઢું ઢાંક્યા વિના આવ-જા કરી શકે છે. મહિલાઓ હવે જિન્સ-ટી શર્ટમાં જોવા મળે છે. GEN-Zની હિંમતને લીધે ઈરાન સરકારે પીછેહઠ કરવી પડી ને હિજાબનો આગ્રહ પડતો મૂકવો પડ્યો. GEN-Zમાં સામાન્ય રીતે યુવાનો વધુ સક્રિય હોય છે, પણ ઈરાનમાં યુવતીઓની સક્રિયતા કેન્દ્રમાં હતી. GEN-Z જનરેશન-ઝેડ કે જનરલ-ઝી, જનરલ-ઝેડ કે જેન-ઝી તરીકે ઓળખાય છે. તેણે ઈરાનમાં એવો ચમત્કાર કર્યો કે ઈરાન જેવી કટ્ટર સરકારે હિજાબમાં ભીનું સંકેલવું પડ્યું.
બીજી તરફ એક જેન-ઝીએ નેપાળને ભડકે બાળ્યું. કારણ શું, તો કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો. બીજાં કારણો હતાં જ, પણ બહાનું સોશિયલ મીડિયા પરનાં પ્રતિબંધે આપ્યું. આજે સ્થિતિ એવી છે કે સોશિયલ મીડિયા પર જો કોઈ દેશ પ્રતિબંધ મૂકે તો ત્યાં પણ ભડકો થઈ શકે. કહેવાનો મતલબ એ છે કે સોશિયલ મીડિયાએ વિશ્વને એવું ભરડામાં લીધું છે કે સોશિયલ કનેક્શન્સ છિન્નભિન્ન થઈ ગયાં છે. એક તરફ જ્ઞાતિ, જાતિનો આગ્રહ વધતો આવે છે ને બીજી તરફ સમાજ જેવું ખાસ રહ્યું નથી. જે સમાજ બચ્યો છે તે અસામાજિકની ગરજ સારે એવો છે. નેપાળે એ વાત પ્રમાણી અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો તો જેન-ઝી એવું ઉશ્કેરાયું કે આખું નેપાળ ભસ્મીભૂત થયું, એટલું જ નહીં, સત્તાપલટો પણ થઈને રહ્યો. આ સારું થયું કે ખરાબ તેમાં ન પડીએ, તો પણ જેન-ઝી નામે એવી પેઢી અસ્તિત્વમાં આવી છે, જે પોતાના સિવાય અન્ય કોઈને જોતી નથી. તેને કેવળ વર્તમાનમાં જ રસ છે. તેને ભવિષ્ય નથી ને ભૂલોમાંથી શીખવા માટે ભૂતકાળની જરૂર નથી. તે એકલી ને એકલપેટી છે. પોતાનું થોડું પણ અહિત થતું લાગે તો તે સર્વનાશ કરવા સુધી જઈ શકે એમ છે.
જેન-ઝીએ નેપાળમાં સંસદ, શેરી, દુકાન, મકાન, હોટેલ બાળ્યાં. રાજનેતાઓને દોડાવ્યા, માર્યા. એ પણ ન વિચાર્યું કે રાખ કર્યા પછી, એ જ નેપાળમાં એણે પણ રહેવાનું છે. એને રાખ મંજૂર છે, પણ રાજ મંજૂર નથી. એટલે મંજૂર નથી, કારણ તેણે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો. એ પ્રતિબંધ તેને સ્વતંત્રતા પર તરાપ મારવા જેવો લાગ્યો, એટલે એણે સ્વતંત્રતાના અધિકારને અબાધિત રાખવા નેપાળની રાખ કરી. એ રાખ કરવાની એને સ્વતંત્રતા હતી, તે ભોગવી. એટલું સારું છે કે કોઈ પણ GEN-Zને ફરજ જેવું ખાસ નથી. તેની બીજાને થાય છે એટલી ચિંતા પણ પોતાની થતી નથી. તેને પોતાના ઉત્કર્ષની પણ બહુ પડેલી નથી. તેને રીલ્સ બનાવવામાં, જોવામાં છે એટલો રસ વાંચવામાં નથી. તેને જલસો એ જ જીવન છે. સોશિયલ મીડિયાની બહાર તેનું જગત જ નથી. તેનું ખાવું-પીવું તેનાથી જ પ્રેરિત છે. વધારે આઘાતજનક તો એ છે કે તેનાં માબાપ કે કહોને આખું કુટુંબ પણ, એ જ સોશિયલ મીડિયાનો શિકાર છે. આ બધું નેપાળ પૂરતું સીમિત નથી. નેપાળમાં થાય તે બીજે ન થાય એવું નથી. આપણે ચેતવાની જરૂર છે, ચેતાવવાની નહીં !
સાદી વાત એટલી છે કે આ પેઢી માહિતીથી સજ્જ છે, પણ આ સજ્જતા રેડીમેઈડ છે. એને મહેનતની જરૂર નથી. એમાં વિચાર કે ચિંતનને એટલું સ્થાન નથી, જેટલું ચિંતાને છે. હકીકત એ છે કે જે ઉછેરનાર છે એ પણ સોશિયલ મીડિયાનો શિકાર છે, એટલે તેમણે સ્ક્રીન જોયા, એટલાં સંતાન ન જોયાં. મોબાઈલનું રાખ્યું એટલું ધ્યાન ઉછરતી પેઢીનું ન રાખ્યું. એક આખી પેઢી લાગણી અને દેખરેખ વગર જ સામે આવી. એ સંવેદનશીલ, સાત્ત્વિક કે સહનશીલ ક્યાંથી હોય? તેને સંવેદનાનો તો ઠીક, વેદનાનો પણ સ્પર્શ નથી. તે જે જુએ છે, તેમાં આક્રમણ અને હિંસા કેન્દ્રમાં છે, તો તે આક્રમક કે હિંસક ન બને તો જ નવાઈ ! સાચું તો એ છે કે GEN-Z કોઈ એક દેશ કે નગર પૂરતું સીમિત નથી, તે વૈશ્વિક છે, કારણ સોશિયલ મીડિયા વૈશ્વિક છે. તેનો ઘરમાં સંપર્ક નથી, પણ વિશ્વ સાથે સંપર્ક છે. તે પણ કામ થાય કે રસ જળવાઈ રહે એટલો જ ! તેનું મહત્ત્વ એડ કરવા કે ડિલિટ કરવા જેટલું જ બચ્યું છે. આ બધાંથી તેને બચાવી શકાય, પણ બચાવે કોણ? બચાવનાર જ શિકાર હોય, ત્યાં?
હકીકત એ છે કે GEN-Z ઇતિહાસ, સમાજ, સંસ્કૃતિ, સાહિત્યથી વંચિત છે. બાળક રડે તો મોબાઈલ, તે ખાતું નથી તો મોબાઈલ, તે કામ નથી કરવા દેતું તો મોબાઈલ દીધે રાખ્યો આપણે. તેને મોબાઈલ ચલાવતાં આવડી ગયું તો આપણે હરખાયાં, તેણે કેમેરા ચલાવ્યો તો આપણે ખુશ થયાં, તેણે રીલ બનાવી તો આપણને શેર લોહી ચડ્યું. પછી એ બાળક લોહી પીએ કે રેડે તો આઘાત શું કામ લાગવો જોઈએ? આ બધું આપણે જ તો વાવ્યું છે.
એવું નથી કે GEN-Z બધે જ જોખમી છે, શરુઆતમાં જ ઈરાનનો દાખલો આપ્યો કે તે ધારે તો કટ્ટરવાદી સરકાર પાસેથી પણ હિજાબનો ઉપયોગ મર્યાદિત કરાવી શકે છે, તે એટલે કે એ GEN-Zને વેઠવાનું થયું છે. આપણે એવું વેઠવાનું આવ્યું છે? ટૂંકમાં, આ GEN-Z જલસા માટે જ છે. એક સમય હતો જયારે માણસ પોતાની શક્તિ પુરવાર કરવા મરી પડતો, હવેની પેઢીને ખબર છે કે મોજ કરવા માટે મહેનતની જરૂર નથી, તેને માટે સાધનસંપન્ન કુટુંબ હોય તો પૂરતું છે. આપણે સ્કૂલો વગર, શિક્ષકો વગર શિક્ષણ આપતાં થયાં, શિક્ષકોનાં પાન-માવા લાવી આપતા વિદ્યાર્થીઓ થયા. વિદ્યાર્થિનીઓ અને ગુરુ વચ્ચે કોઈ મર્યાદાઓ ન રહી. માબાપ જ પરીક્ષામાં ચોરી કરવાની કાપલીઓ પહોંચાડતાં હોય, તો આદર્શ જ કયો બચે છે? સામે કોઈ સારા મોડેલ જ ન હોય તો પેઢી વંઠે નહીં તો શું થાય?
GEN-Zનો પ્રભાવ એટલો વ્યાપક છે કે તેને અવગણી શકાય એમ જ નથી. તેણે દૃષ્ટિકોણ અને મૂલ્યો બદલી કાઢ્યાં છે. તેને ટકવામાં અને ટકાવવામાં રસ નથી. તે મતલબી છે. તેને માટે લાઈફ જ ડિસ્પોઝેબલ છે. તે વગર વિચાર્યે મરવામાં ને મારવામાં માને છે. તેને પરાવલંબનમાં છે, એટલો રસ સ્વાવલંબનમાં નથી. કરુણતા એ છે કે જવાબદારી બધાંની જ છે ને જવાબદાર કોઈ નથી. લોભ, લાંચ, લાલચ, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ, હિંસા, હત્યા, આત્મહત્યાનું વધેલું પ્રમાણ એ વિશ્વાસની ચાડી ખાય છે કે પૈસાથી બધું જ શક્ય છે, એટલે કોઈ પણ રીતે હરામનો પૈસો કેવી રીતે મળે, એના પર જ ધ્યાન કેન્દ્રિત થયેલું છે. પૈસો હશે તો ખૂન પણ માફ થશે, એવી સમજ ઘર કરી ગઈ છે જે સૌથી વધારે હત્યા ને હિંસાને જન્મ આપે છે.
શિક્ષણ કથળ્યું છે એટલે વિદ્યાર્થીઓ તામસી થયા છે. થોડા વખત પર અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને એટલી ખરાબ રીતે ઘાયલ કર્યો કે તે ગુજરી ગયો. કાલના જ સમાચાર સુરતના છે, જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના માથામાં સળિયો મારી મૂક્યો. વિદ્યાર્થી બચી તો ગયો, પણ વર્ગખંડોમાં હવે મૈત્રી ઓછી ને શત્રુતા વધી છે, તે ચિંત્ય છે. આ સમય જતાં વધવાનું છે. તે એટલે પણ કે એક સારો વિદ્યાર્થી બનાવવામાં સ્કૂલો તો ઠીક, માબાપ પણ ચૂક્યાં છે.
એકલતા સર્વવ્યાપી છે. દુનિયા સાથે પરિચય વધ્યો, પણ ઘરમાં માણસ એકલો પડ્યો. આમ નવરું કોઈ નથી, પણ કલાકો સોશિયલ મીડિયામાં વીતાવવા માટે સમય બધાં પાસે છે. માબાપ એટલાં વ્યસ્ત છે કે સંતાનો માટે તેમની પાસે સમય નથી. સંતાનો સાથે માબાપની વાતો જ બંધ થઇ ગઈ છે, પરિણામે તે એકલાં પડ્યાં છે. તેમનો સમય પણ તો મોબાઈલ જ ખાઈ રહ્યો છે. ખરેખર તો દુનિયા છોડીને બધાંએ ઘરમાં પાછાં ફરવાની જરૂર છે, એવાં ઘરમાં જ્યાં માબાપ અને સંતાનો વચ્ચે સંવાદ હોય. કોઈ પણ ટેકનોલોજી આમ તો માણસની મદદ માટે જ આવી છે. માબાપને મોબાઈલ છોડીને પોતાની તરફ જોવાનું બાળકો કહે છે તે પણ મોબાઈલમાં જ ! સૌ જાણે છે કે એ સંદેશ પણ મોબાઈલ દ્વારા જ શક્ય છે. એટલે વાંક ટેકનોલોજીનો નથી ….
ખરેખર તો જરૂર છે વિવેકની ને અત્યારે એ જગત આખામાં ખૂટે છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 સપ્ટેમ્બર 2025