પંજાબના ખૂણામાં આવેલું, આજે પણ પછાત રહી ગયેલું એવું ચાંદપુર ગામ. જુવાનિયાઓ ચરસ-ગાંજો પીવામાં દિવસો વિતાવે એવા ગામનો બલવીર બેરિસ્ટર બની ગયો એ સૌ કોઈ માટે નવાઈની વાત હતી. મા-બાપુ તો ખેતી અને ઢોર-ઢાંખરમાંથી ઊંચાં જ ન આવતાં. છોકરો નિશાળે જાય છે કે નહીં એવી ચિંતા કરવાનો એમની પાસે વખત જ ક્યાં હતો!
નાનો સુખબીર ખેતરમાં મદદ કરતો એટલે એ એમને સ્વાભાવિક રીતે જ ડાહ્યો દીકરો લાગતો. બલવીર ઊંધું ઘાલીને ચોપડીઓ વાંચ્યા કરતો એ બેઉને જરા ય પસંદ નહોતું. પણ એ જ બલવીર બેરિસ્ટર બનીને, કોટ પહેરીને શહેરની કોર્ટમાં જતો અને ચપરાસીથી માંડીને વકીલો એને સલામ ભરતા એ સાંભળીને ગર્વથી એમની છાતી ફૂલતી.
મા મહોલ્લાની સ્ત્રીઓને ભેગી કરીને કહેતી, “મારે બલવીરાને બોત બડી હવેલી બનાઈ હૈ, પતો હૈ? ચાર પહિયોં વાલી ગડ્ડીમેં ઘુમતા હૈ.”
આગળ ભણવા માટે બલવીરને રૂપિયાની ખૂબ જરૂર હતી ત્યારે અભ્યાસનું મહત્ત્વ ન જાણતા હોવા છતાં બંને મામાઓએ એને મદદ કરેલી. આજે સુખ-સાહ્યબી વચ્ચે પણ બલવીર એ ભૂલ્યો નહોતો. આમ પણ એનો સ્વભાવ બધાને મદદરૂપ થવાનો. સાજે-માંદે કોઈપણ ગામડેથી આવ્યું હોય તો બલવીરની હવેલીના દરવાજા હંમેશાં ખુલ્લા જ રહેતા. એની પત્ની જસપ્રીત પણ અત્યંત મિલનસાર સ્વભાવની.
મામાનો ફોન આવ્યો કે, પંદરેક દિવસથી કુલદીપનો તાવ ઊતરતો નથી. આ સાંભળીને બલવીરે તરત જ મામા, મામી અને કુલદીપને અહીં લાવવાની તથા ડૉક્ટરને બતાવવાની અને રહેવાની – બધી જ વ્યવસ્થા તાબડતોબ કરી દીધી. બધું કરવા છતાં એ અંદરથી અનુભવતો હતો કે, એ લોકો છૂટથી એની સાથે વાત-ચીત નહોતાં કરતાં. જેમનો ખોળો ખૂંદીને એ મોટો થયો હતો એ મામા હવે એની સાથે ‘જી, હાંજી’ કરીને વાત કરતા.
સવારે કોર્ટમાં જતાં પહેલાં એ કુલદીપના ઓરડામાં જતો ત્યારે ન ઇચ્છવા છતાં એનાથી કંઈ ને કંઈ સલાહ અપાઈ જતી.
“મામી, કુલદીપની આટલાં નજીક બેસશો તો તમે પણ માંદાં પડી જશો. સામે ખુરશી છે એની પર જ બેસવાનું.” “મામા, અડધા કલાક પહેલાં કાપેલું સફરજન તમે કુલદીપને ખવડાવો છો એ બરાબર નથી. એની પર માખી બેઠી હોય. હંમેશાં સમારીને તરત જ ખવડાવવાનું.”
મામીને કહેવાનું મન થાય કે, માંદો દીકરો બાજુમાં બેસવાનું કહે તો કઈ મા પોતે માંદી પડશે એવી ચિંતા કરે? મામાના મનમાં આવે કે, ભાણેજને કહે કે, દીકરા, અમે તો ગામડામાં આમ જ ખાવા-પીવા ટેવાયેલાં છીએ, પણ એ નીચી મૂંડી કરીને સાંભળી લેતા. બધા સાથે પ્રેમ અને લાગણીથી વર્તવા છતાં સૌને એની હાજરીનો, એના બેરિસ્ટર હોવાનો ભાર લાગતો અને કોઈ એની નજીક ન આવી શકતું એ બલવીર સમજતો અને પોતાની જાતને વધુ ને વધુ એકલવાયી અનુભવતો.
તે દિવસે એણે કોર્ટમાંથી આવીને ઘરમાં પગ મૂક્યો ત્યારે ખુલ્લા દરવાજામાંથી એ ક્યારે પ્રવેશ્યો એ કોઈને ખબર નહોતી. વરંડામાં બેસીને જસપ્રીત અચાનક ગામથી આવેલાં પોતાનાં નણંદ અને દિયરને કહી રહી હતી, “આજે તો મેં આપણને બધાંને ભાવતું બેંગનનું ભરતું બનાવ્યું છે. તમારા ભાઈને તો બેંગનની વાસથી જ સૂગ ચઢે એટલે ખાવાનું મન થાય તો ય મારાથી બનાવાય જ નહીં. આપણે બધાં રસોડામાં જમીશું ને એમની થાળી પીરસીને હું રૂમમાં મોકલી દઈશ.”
“પણ ભાભી, જમતી વખતે હસી-મજાક કરતાં જમીએ તો કેવી મજા આવે? મોટાભાઈને આમ એકલા જમવાનું થોડું ગમે?”
“અરે, દીદી, હસવાની ક્યાં વાત કરો છો? હવે અમારાં બે વચ્ચે તો ખપ પૂરતી જ વાત થાય.”
બલવીર ચૂપચાપ રૂમમાં કોટ ઉતારવા ચાલ્યો ગયો. એને જોઈને સૌના હસતા ચહેરા પર અચાનક ગંભીરતા ઊતરી આવી. બેને ઊભાં થઈને એની નજીક જવાનો પ્રયત્ન કર્યો પણ પછી દૂરથી જ કહ્યું, “વીરજી, તમને મારા હાથની ફિરની બહુ ભાવે છે ને, તે ખાસ લાવી છું.”
સુખબીરે જાણે વિવેક ખાતર પૂછ્યું, “મોટાભાઈ, તબિયત સારી છે ને? કેમ સુકાઈ ગયા છો?”
“ના,ના, સારું છે. ગામમાં બધાં કેમ છે?”
“બધાં મજામાં.”
બસ, ત્યાં વાતનો અંત આવી ગયો. આગળ શું બોલવું એ સમજ ન પડતાં નણંદ-ભોજાઈ જમવાની તૈયારી કરવા લાગ્યાં. સુખબીર વિચારવા લાગ્યો, હવે મોટાભાઈની દુનિયા બદલાઈ ગઈ છે. એમની દેશ-વિદેશની અને રાજકરણની વાતમાં મારી જેવાને કંઈ ગતાગમ પડે નહીં. એમની સાથે બોલું તો શું બોલું? એ જ વખતે બલવીરના મનમાં વિચારોનો વંટોળ ઊઠ્યો હતો, ‘મને કોણે બધાંથી જુદો પાડ્યો? મારા ભણતરે, મારા સ્વભાવે કે મારી શ્રીમંતાઈએ?’
બલવીર અને જસપ્રીત બંને ઘણા સમયથી માને બોલાવતાં હતાં.
આખરે આજે મા આવી હતી. જસપ્રીતે કહ્યું, “મા, તમારો દીકરો તમને કેટલું યાદ કરતો હતો! આજે તો તમે બંને એક રૂમમાં સૂજો ને પેટ ભરીને વાતો કરજો.” બલવીરના ચહેરા પર માને જોઈને ખુશી છવાઈ ગઈ.
“મા, મજામાં છે ને?”
દોડીને દીકરાને ગળે વળગાડવા જતી મા અચકાઈને ઊભી રહી ગઈ. ‘મારા મેલા-ઘેલા હાથથી એનાં કપડાં પર ડાઘ પડી જશે તો?’ એણે દુપટ્ટાથી હાથ લૂછ્યા ને પછી બલવીરને ગળે લગાડવા ગઈ પણ એને દીકરાની ઊંચાઈ વધી ગયેલી લાગી, એણે ભેટવાનો પ્રયત્ન તો કર્યો પણ એના હાથોમાં પહેલાં જેવી ઉષ્મા નહોતી એવું એને પોતાને જ લાગ્યું.
રાત્રે બલવીરે કહ્યું, “મા, માથું બહુ દુ:ખે છે, દાબી આપ ને!”
ખાટલામાં એની બાજુમાં બેઠેલી માને એનું માથું પોતાના ખોળામાં લેવાની તીવ્ર ઇચ્છા થઈ પણ પછી થયું કે, ‘એને નહીં ગમે તો?’
ધીમેથી માથું દબાવતી માને બલવીરે કહ્યું, “મા, પહેલાં કેવું જોરમાં દબાવતી હતી? આજે કેમ તારા હાથમાં જોર નથી?”
એ ન જુએ એમ દુપટ્ટાથી આંખો લૂછતાં માએ કહ્યું, “બધું કંઈ પહેલાં જેવું હંમેશાં થોડું રહે? એ તો બદલાયા કરે.”
બલવીર સમજી ગયો કે, બેરિસ્ટરીએ એને એકલતાની ભેટ આપી છે. એને કારણે બીજા બધાથી તો ઠીક, એ માથી પણ દૂર ચાલ્યો ગયો છે.
(કુલવંત સીંઘ વીર્કની પંજાબી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 મે 2025; પૃ. 24