
રાજ ગોસ્વામી
ભારતીય સિનેમા જગત પર કોઈ એક લેખકની સૌથી વધુ અસર પડી હોય, તો તે છે બંગાળી બાબુ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની. તેમની નવલકથાઓ પરથી વિવિધ ભાષાઓમાં 40થી વધુ ફિલ્મો બની છે. એકલી હિન્દીમાં 10 જેટલી ફિલ્મો બની છે. ઓફકોર્સ, એ બધામાં તેમની વાર્તા ‘દેવદાસ’ સૌથી વધુવાર ફિલ્મોનો વિષય બની છે. તે સિવાય, બિરાજ બહુ, પરિણીતા, મજલી દીદી, છોટી બહુ અને ખુશ્બૂ જાણીતી ફિલ્મો છે.
શરદબાબુની એવી જ એક ઓછી જાણીતી નવલાકથા ‘સ્વામી’ પરથી, 1977માં એ જ નામની એક શાનદાર હિન્દી ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન ‘છોટી સી બાત’ અને ‘ચિત્તચોર’વાળા બાસુ ચેટરજીએ કર્યું હતું. બાસુ’દા મધ્યમ વર્ગીય પરિવારોને લગતી ફિલ્મો માટે જાણીતા છે. તેઓ લગ્ન અને પ્રેમ સંબંધો પર વધુ ફોકસ રાખતા હતા. એ ઉપરાંત તેમની ફિલ્મો સામાજિક અને નૈતિક મુદ્દાઓની પણ વાતચીત કરતી હતી.
‘સ્વામી’ પણ તેનાથી અછૂતી નથી. માણસોનું જીવન અનેક દ્વંદ્વથી ભરેલું હોય છે. આપણા ઘણા નિર્ણયો અને વ્યવહાર તેવી પરિસ્થિતિઓ આધારિત હોય છે. તે નિર્ણય એક સ્થિતિમાં સાચો હોય છે અને બીજી સ્થિતિમાં ખોટો, કારણ કે માણસો હંમેશાં સાચા અને ખોટા વચ્ચે પસંદગી નથી કરતા, ક્યારેક તેમને બે ‘સાચા’માંથી એકની પસંદગી કરવાની હોય છે.
‘સ્વામી’ આવી જ રીતે દ્વંદ્વની વાર્તા હતી. ફિલ્મના શીર્ષક પરથી જ સ્પષ્ટ છે તેમ, તે એક પરિણીતાની વૈવાહિક નિયતિની વાત માંડે છે. આમ તો આ ફિલ્મનું શીર્ષક તેની મુખ્ય નાયિકા સૌદામિની (શબાના આઝમી) પરથી રાખવામાં આવ્યું હોત તો પણ ઉચિત જ હોત કારણ કે તેમાં એક એવી સ્ત્રીનો પ્રેમ અને લગ્નની તલાશનો દ્વંદ્વ હતો, જે એમ માને છે કે તેના માટે બંને એક જગ્યાએ સંભવ નથી.
સૌદામિનીને નાનપણથી જ એવું શીખવવામાં આવ્યું હતું કે એક સ્ત્રીનો સ્વામી તેનો પતિ હોય છે અને એકવાર તે કોઈને સ્વામી તરીકે માની લે, તે પછી તે બીજા કોઈને પ્રેમ કરવાનો અધિકાર ગુમાવી દે છે. આવી માન્યતામાં બંધાયેલી સૌદામિની, ગામડામાં જન્મી હોવા છતાં, તેના મામા(ઉત્પલ દત્ત)ની છત્રછાયામાં સાહિત્યની પ્રેમી તરીકે મોટી થાય છે અને તેના પુસ્તક પ્રેમને પોષતા જમીનદારના દીકરા નરેન્દ્ર(વિક્રમ મકાનદાર)ને ચાહવા લાગે છે.
સંજોગો એવા નિર્માણ થાય છે કે તેના મામા અને માતા(સુધા શિવપુરી)ની ઇચ્છાથી દોરાવાયેલી સૌદામિની, બાજુમાં ગામમાં ઘઉંના વેપારી ઘનશ્યામ (ગિરીશ કર્નાડ) સાથે લગ્નની ગાંઠે બંધાઈ જાય છે. પહેલી નજરે એવું લાગે કે આ નિર્ણય તેનો જ છે, પણ વાસ્તવમાં તે પિતૃસત્તાક સમાજની ઉછીની માન્યતાઓમાં બંધાયેલી છે. બીજી રીતે કહેવું હોય તો, તેનું દિલ નરેન્દ્ર પાસે છે પણ તેનું દિમાગ ઘનશ્યામને સ્વામી માને છે. સૌદામિનીનું દિમાગ તેના દિલને કહે છે કે તને હવે બીજા પાસે રહેવાનો અધિકાર નથી!
પરંતુ દિલનો પોતાનો આગવો અખત્યાર હોય છે. એ થોડું દિમાગની વાતો માને! સૌદામિની ઘનશ્યામ પાસે રહીને પણ ખુશ નથી. તે તેને મનથી સ્વામી તરીકે સ્વીકારે છે, પણ એક શારીરિક અંતર રાખીને. ઘનશ્યામ એટલો ઉદાર છે કે તેની પત્નીની ભાવનાઓનું પૂરતું સન્માન રાખે છે. ઘનશ્યામ નામ પ્રમાણે જ ભગવાનનો માણસ છે. તેનો ખુદનો પરિવાર તેની ઉપેક્ષા કરે છે અને તે ફરિયાદ સુદ્ધાં નથી કરતો. ઘરનો નોકર પણ તેને ગણતો નથી. તે પૂરી નિષ્ઠાથી તેનું કામ કરે રાખે છે અને બદલામાં કોઈ ઇચ્છા રાખતો નથી. તે નિષ્કપટ છે અને સાદગીથી જીવન જીવે છે.
એક બાજુ પ્રેમીથી છુટા પડ્યાનો વિયોગ અને બીજી બાજુ સૌના હાથે હડધૂત થતા પતિ માટેની દયા, સૌદામિની અંદરોઅંદર પોતાની આ જિંદગીને કોસ્યા કરે છે અને એક દિવસ તેની સાસુ (શશીકલા) સાથે બોલાચાલી થઇ જાય છે. ઘનશ્યામ તેને માતાની માફી માંગવા કહે છે, સૌદામિની ઇનકાર કરે છે. એવામાં નરેન્દ્રની આકસ્મિક મુલાકાતના પગલે મામલો જટિલ બની જાય છે. ઘણા દિવસોથી ધૂંધવાયેલી સૌદામિની, ઘનશ્યામની ગેરહાજરીમાં અને નરેન્દ્રની હાજરીમાં, ઘર છોડી દે છે અને રેલવે સ્ટેશન જતી રહે છે.
ફિલ્મનો આ નાટ્યાત્મક હિસ્સો છે. જેમ જેમ ટ્રેન આવવાનો સમય થાય છે તેમ તેમ સૌદામિનીનો દ્વંદ્વ વધતો જાય છે. તેને લાગે છે કે તે કંઇક ખોટું કરી રહી છે. ઘનશ્યામનો માસૂમ ચહેરો તેની આંખો સામે તરવા લાગે છે. પતિનું નિસ્વાર્થ સમર્પણ તેના જીવને કચવે છે. ટ્રેન આવે છે અને નરેન્દ્ર તેને ઊભી થવા કહે છે.
સૌદામિની પોતાની દ્વિધા જાહેર કરે છે, પરંતુ નરેન્દ્ર કહે છે કે ઘનશ્યામ હવે તેને સ્વીકારશે નહીં. જ્યારે નરેન્દ્ર ટ્રેનમાં સામાન રાખવા જાય છે, જ્યારે સૌદામણી દ્વિધાથી ભરેલી આંખો ખોલે છે, ત્યારે સામે ઘનશ્યામ ઊભો હોય છે. તે તેની રિસાયેલી પત્નીને ઘરે લઈ જવા આવ્યો છે. સૌદામિની ભાવુક થઈ જાય છે અને તેના પગમાં ઝુકી જાય છે. તેને ભાન થાય છે કે તે જ તેનો સ્વામી છે. ઘનશ્યામ ફરી એકવાર તેની ઉદારતાનો પરિચય આપે છે : તે કહે છે કે તેને લગ્ન પહેલાંથી જ સૌદામિનીના પ્રેમ વિશે ખબર હતી. ઘનશ્યામ તેના ખભે હાથ મૂકીને કહે છે. “ઘર ચલો, મિની.”
સૌદામિની તરીકે શબાના આઝમીનો આ એક સુંદર કિરદાર છે. તે વર્ષે તે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ લઇ ગઈ હતી (બાસુ ચેટરજીને શ્રેષ્ઠ નિર્દેશકનો અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર પણ મળ્યો હતો).
આ ફિલ્મની નિર્માતા હેમા માલિનીની માતા જયા ચક્રવર્તી હતી. ફિલ્મમાં એક ગીત ‘ભાગ જાઉંગી, અપને રાજા કે સાથ ભાગ જાઉંગી’ વખતે હેમા અને ધર્મેન્દ્ર દેખા પણ દે છે. ઇન ફેક્ટ, આ ફિલ્મનું યેસુદાસના અવાજમાં એક ગીત બેહદ મશહૂર થયું હતું : કા કરું સજની, આયે ના બાલમ. જયા ચક્રવર્તીની બહુ ઇચ્છા હતી કે હેમા ગિરીશ કર્નાડ સાથે લગ્ન કરે, પરંતુ હેમા ધર્મેદ્રના પ્રેમમાં ગળાડૂબ હતી.
હેમા સાથે લગ્ન કરવા માટે સંજીવ કુમાર પણ ઉત્સુક હતા (પણ લગ્ન પછી હેમાએ કામ નહીં કરવાનું એવી શરત મૂકી એટલે જયા ચક્રવર્તીએ એ માગું ઠુકરાવી દીધું હતું). ઘણા લોકોએ બાસુ ચેટરજીને ‘સ્વામી’ ફિલ્મમાં હીરો તરીકે કર્નાડની જગ્યાએ હરિભાઈને લેવાની સલાહ આપી હતી. બસુ’દાનો તર્ક બહુ સરસ હતો : સંજીવ જો હીરો હોય તો દર્શકો પહેલા જ સીનથી એવું ધારી લે કે ફિલ્મના અંતે સૌદામિની ઘનશ્યામ પાસે જ જશે. કર્નાડ ત્યારે એટલા જાણીતા નહોતા અને લોકોને ગમતા પણ નહોતા. એ જો હીરો હોય તો લોકોમાં એ સંદેહ બરકરાર રહે કે સૌદામિની અંતે તેને સ્વીકારશે કે નહીં.
એક ઇન્ટરવ્યુમાં શબાના આઝમી કહે છે, “મિનીનો કિરદાર સરસ રીતે લખાયો હતો. તે સ્વતંત્ર દિમાગવાળી છે, પુસ્તકો વાંચે છે, તેની માતાની અકળામણ વચ્ચે પણ મામા સાથે બૌદ્ધિક ચર્ચાઓ કરે છે. તે પરણીને સાસરે જાય છે ત્યારે, તે વખતની બાકી ફિલ્મોમાં બનતું હતું તેમ, ગાય જેવી નથી બની જતી. એક દૃશ્યમાં ઘનશ્યામ કહે છે – હમ વૈશ્નવ હૈ, હમારે યહાં સ્વામી કે સામને કભી જૂઠ નહીં બોલતે.’ તે વખતે મિની કહે છે – હમારે યહાં તો કિસી કે ભી સામને જૂઠ નહીં બોલતે.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 03 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર