
રવીન્દ્ર પારેખ
ગુજરાત સરકારે ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025’ વિધાનસભા ગૃહમાં મંજૂર કરાવી લીધું. આ કાયદા હેઠળ હવે મહિલાઓની સંમતિથી અને સલામતીની શરતોએ, તેમની પાસેથી રાતપાળીમાં પણ કામ લઈ શકાશે. આમ તો ‘કારખાના કાયદો’ કેન્દ્ર સરકારનો છે. તેમાં રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો જરૂરી સુધારા કરી શકે છે. સરકારનું માનવું છે કે ફેક્ટરી એક્ટમાં થયેલ આ સુધારાથી મહિલાઓને સમાનતાની અને આર્થિક ઉપાર્જનની તકો મળી રહેશે. નવા સુધારાઓ મુજબ કામના કલાકો અને ઓવરટાઈમમાં પણ મહત્ત્વના ફેરફારો થયા છે અને તેનો હેતુ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ વિધેયકનો હેતુ રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી વધારવાનો છે. અગાઉ આ કાયદા મુજબ મહિલાઓ રાતપાળીમાં નોકરી કરી શકે એવી જોગવાઈ ન હતી, પણ હવે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાને લઈને અને મહિલાઓના બંધારણીય અધિકારોનું સન્માન કરતાં રાતપાળીની જોગવાઈ ઉમેરવામાં આવી છે. એને લીધે મહિલાઓ રાત્રે સલામત વાતાવરણમાં કામ કરીને આર્થિક રીતે સક્ષમ બની શકશે અને પરિવાર માટે પણ દિવસ દરમિયાન વધુ સમય ફાળવી શકશે એવું સરકારને લાગે છે.
આમ તો કારખાના ધારા-1948 મુજબ સવારે 6થી સાંજે 7 સિવાયના સમયમાં મહિલાઓ પાસેથી કામ લઈ શકાતું નથી. મતલબ કે રાતપાળી કરાવી શકાતી નથી, પણ હવે એ જ કાયદાની જોગવાઈઓમાં ફેરફાર થતા મહિલાઓ પાસેથી રાતપાળીમાં કામ લઈ શકાશે. સરકાર વાંચવા-સાંભળવાથી પણ ડાયાબિટીસ થઈ જાય એવી મીઠી વાતો ભલે કરે, પણ સીધી વાત એ છે કે તે મહિલાઓને આર્થિક ઉપાર્જનની તકો પૂરી પાડવાને નામે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવા માંગે છે. બીજું, મહિલાઓ દિવસની સાથે જ રાત્રે પણ વધારે કલાકો કામ કરવાની હોય, તો દિવસ દરમિયાન તે પરિવાર માટે વધુ સમય ફાળવી શકશે એવું સરકારને કઈ રીતે લાગે છે, તેનો ખુલાસો થવો જોઈએ.
કારખાના ધારા, 1948માં 6 કલમો સુધારવામાં આવી છે. નવા સુધારા મુજબ કામદારો વિરામ સાથે 12 કલાક કામ કરી શકશે, પણ એ કલાકો અઠવાડિયાના કુલ 48 કલાકથી વધે નહીં તે જોવાનું રહેશે. આ 12 કલાકમાં 6 કલાકે અડધા કલાકની રિસેસની જોગવાઈ પણ હશે. એ સાથે જ જે કામદારો 12 કલાક કામ કરે છે, તેમને ચાર દિવસના 48 કલાક પૂરા થયેથી પાંચમાં અને છઠ્ઠા દિવસે પગાર સાથે રજા આપવાની રહેશે. એ ઉપરાંત ત્રણ મહિનામાં પૂર્વ મંજૂરી સાથે 125 કલાકની મર્યાદામાં ઓવરટાઈમ પણ કરી શકાશે. આમ કરવા પાછળ સરકારનો હેતુ નવા ઉદ્યોગોને આકર્ષવાનો અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જ્યાં જરૂર છે, ત્યાં આ જોગવાઈઓનો અમલ કરવામાં આવશે. એવું નથી કે 12 કલાકનો નિયમ આખા ગુજરાતને એક સાથે લાગુ પડશે. કોઈ વર્ગ કે જૂથ (કંપની) 12 કલાક કામની માંગણી કરે તો સરકાર મંજૂરી આપવાનું વિચારશે. સરકારને આવી મંજૂરી આપવાનું ઠીક ન લાગે તો તે પાછી પણ ખેંચી શકે છે.
આમ તો આ કાયદા દ્વારા જડતાપૂર્વક પાલન કરાવવાનો આગ્રહ નથી એ સારું છે, બીજું, મહિલાઓની રાતપાળીમાં કામ કરવાની વાતમાં સંમતિ વગર કામ ન કરાવવાની વાત પણ છે. એ બધું છતાં વ્યવહારમાં શ્રમિક મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે, તે સરકાર પણ જાણે છે ને લોકો તો જાણે જ છે. એ ઉપરાંત મહિલાઓ સાથે થતા દુર્વ્યવહારના બનાવો અને અસુરક્ષાની સ્થિતિ જોતાં રાતના ત્રણ કલાક વધારે કામ કરાવવાનું સલાહ ભરેલું કેટલું તે પ્રશ્ન જ છે. શ્રમિક મહિલાનું અનેક સ્તરે શોષણ થતું હોય, ત્યાં રાતના પણ તેમની પાસેથી કામ લેવાનું શોષણને ઉત્તેજન આપવા જેવું તો નથી ને તે વિચારવાનું રહે.
એ સાથે જ બાર કલાકની નોકરી માટે ઘરેથી નીકળવા ને પરત આવવાનો સમય પણ જોડવાનો રહે. એ સમય કલાકનો હોઈ શકે કે તેથી વધુ પણ હોઈ શકે. ધારો કે ઘરેથી લાવવા-લઈ જવાનું સરકાર કે કંપની દ્વારા ગોઠવાય તો પણ ઘરથી નોકરીએ જવા-આવવામાં સમય તો લાગે જ ! વિધેયકમાં તો શ્રમિક મહિલાને વાહનમાં ઘરેથી લાવવા-લઈ જવાની વાત છે જ, પણ જરા વિચારીએ કે શ્રમિક મહિલાને એવી સગવડ પૂરી પાડવાનું વ્યવહારુ છે ખરું? 9 કલાકની નોકરીમાં એ સગવડ આપવાનું આજ સુધી વિચારાયું નથી તો અત્યારની આ જીવદયા લાંબો ટાઈમ ટકે એમ લાગે છે? એ સગવડ બંધ થઈ તો શ્રમિક મહિલાની શી સ્થિતિ થાય તે કહેવાની જરૂર છે?
દેખીતું છે કે વિપક્ષો એનો વિરોધ કરે જ, પણ તે વિપક્ષનો વિરોધ છે એટલે તેને નજરઅંદાજ કરવાનું ઠીક નથી. વિપક્ષનો મુદ્દો એ છે કે બાર કલાકની નોકરી અને આવવા જવાનો સમય ગણતા, મહિલા પરિવારનું ધ્યાન ન રાખી શકે. બાર કલાકની નોકરીને લીધે શ્રમિકો પણ આઠ કલાકની ઊંઘ પૂરી ન કરી શકે ને એ કોઈ ગંભીર બીમારી નોતરે એમ બને. એ સ્થિતિમાં 12 કલાક કામ લેવાનો આખો સુધારો જ રદ્દ થવાને પાત્ર છે. કાઁગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ તો ત્યાં સુધી કહ્યું કે બાર કલાક કામ લેવાની વાતે ફેક્ટરી માલિકોને ફાવતું આવી જશે અને જે કામદારો બાર કલાક કામ કરવાની ના પાડશે, એમને કાઢી મૂકતા પણ માલિકો અચકાશે નહીં. મેવાણીની એ વાત પણ સાચી છે કે મહિલાઓને ઘરે પણ કામ પહોંચતું હોય છે ને તે કરવા કોઈ નોકર-ચાકર હોતા નથી. એ કામ શ્રમિક મહિલાએ જ કરવાનું રહે છે. એવામાં કામના કલાકો 12 થાય તો ઘરકામ, બાળઉછેર અને આરામની બાબતે તેણે નાહી લેવાનું જ રહે કે બીજું કંઇ?
‘આપ’ના ગોપાલ ઇટાલિયાએ પણ વાજબી વાંધો એ વાતે પાડ્યો કે તંત્રો 8 કલાક કામ કરતાં હોય, તો મજૂરોના કામના 12 ક્લાક કરવાનું શોષણને ઉત્તેજન આપવા જેવું જ થશે. જો વધારે કલાક કામ કરવાથી જ રાજ્યનો વિકાસ થવાનો હોય, તો તલાટી, મામલતદાર, સચિવોએ પણ બાર કલાક કામ કરવું જોઈએ. તંત્રો 8 કલાક કામ કરતાં હોય તો મજૂરો પાસેથી 12 કલાક કામ લેવાનું યોગ્ય ખરું? એમ લાગે છે, ગુજરાત સરકારે કારખાના કાયદામાં સુધારો કરીને વેચાતી લીધી છે.
ખરેખર તો ફેક્ટરી એક્ટ કેન્દ્રનો કાયદો છે, એમાં ગુજરાત સરકાર 12 કલાકનું રોડું નાખીને ઉપદ્રવ કરી રહી છે. ભારતનું જે હવામાન છે તે પણ 8 કલાકથી વધુ કામ લેવાની અનુકૂળતા આપે એમ નથી. 8 કલાકથી વધુ કામ કરવા જતાં 7.44 લાખ મજૂરો છેલ્લાં પાંચ વર્ષમાં મૃત્યુ પામ્યાં છે. એક તરફ સ્ત્રી સશક્તીકરણની વાત થતી હોય ને બીજી તરફ 12 કલાક કામ લેવાની વાત મોડો વહેલો શોષણનો જ મહિમા કરશે એ સમજી લેવાનું રહે. એ ખરું કે વધારાના કલાક કામ કરવામાં ડબલ મજૂરીનો લાભ મજૂરોને મળે ને આ બધા મજૂરો છે, એમને ડબલ મજૂરી મળે તો પૈસાની લાલચે, જીવ પર આવીને પણ કામ કરે, પણ એમ કામ કરાવવા જેવું ખરું? ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘરકામ ને બાળઉછેર લમણે લખાયેલાં હોય ત્યારે, રાતપાળી કરાવવાનું કોઈ રીતે હિતાવહ નથી. 7થી 10 રાતપાળીમાં ૩ કલાક વધારે કામ કરાવવાને બદલે એટલા વધુ કામદારો કામ પર રખાય ને તેમને પગાર ચૂકવાય તો બીજા એક ગરીબને રોજી મળે એ વધારે સારું નહીં?
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે અઠવાડિયામાં કામના કલાકો 48થી વધે નહીં એ નક્કી હોય તો 8 કલાકને હિસાબે 6 દિવસે 48 કલાક કામ થાય તો શી મુશ્કેલી આવે એ સ્પષ્ટ નથી. ચાર દિવસમાં 12 કલાક સખત કામ કરાવીને પછી ત્રણ દિવસ કામ વગરનાં રાખીને કયો વિશેષ હેતુ સિદ્ધ થાય તે પણ અકળ છે. કામના કલાકો સરખા જ હોય તો ચાર દિવસ રોજના 12 કલાક કે 6 દિવસ રોજના 8 કલાક કામથી ઉત્પાદનમાં કેટલો ફરક પડે? કોણ જાણે કેમ પણ ઔદ્યોગિક વિકાસને નામે સરકાર ઉદ્યોગપતિઓની સગવડ સાચવવા જ આ બિલ લાવી હોય એમ લાગે છે. આમ તો આ અખતરો જ છે, પણ ખતરાથી વધારે નથી ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 સપ્ટેમ્બર 2025