ભક્તિ જ્યારે અંધભક્તિ બની જાય ત્યારે ધર્મક્ષેત્રમાં પાખંડ, શોષણ અને રાજકારણ પ્રવેશે છે. સમાજ અને રાષ્ટ્ર એની બહુ ભારે કિંમત ચૂકવે છે. એવે વખતે કોઈ સુધારક, કોઈ બહાદુર સત્યપ્રેમી જાગે છે, અનાચારને પડકારે છે અને સમાજની આંખો ખોલે છે. ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજી આવા હતા …
આ મહિનાની 27 તારીખે એક મહાપુરુષની ચિરવિદાયને 150 ઉપરાંત વર્ષ થાય છે. એમનું નામ કરસનદાસ મૂળજી. ‘એ કોણ?’ એવો સવાલ વાચકમિત્રોના મનમાં ન ઊઠે એમ ઈચ્છું, પણ કદાચ ઊઠતો હોય તો 2023માં પ્રગટ થયેલી સૌરભ શાહ લિખિત નવલકથા ‘મહારાજ’ અને એના પરથી બનેલી ‘મહારાજ’ ફિલ્મની યાદ અપાવું. એ બંને જેના પર આધારિત છે એ હતો મહારાજ લાયબલ કેસ. બ્રિટિશશાસિત મુંબઇમાં 1862માં જાન્યુઆરીથી એપ્રિલ ચાલેલા આ કેસના ફરિયાદી હતા વૈષ્ણવ હવેલીના જાદુનાથજી મહારાજ. આરોપી હતા નીડર પત્રકાર કરસનદાસ મૂળજી. કેસ ત્રણ મહિના ચાલ્યો હતો. ચુકાદો આપતા જજ આર્નોલ્ડે કહ્યું હતું કે ‘અમારી સામે મુકાયેલો સવાલ કોઈ ધર્મ અંગેનો નહીં, પણ નીતિમત્તા અંગેનો છે. નીતિમત્તાની દૃષ્ટિએ જે ખોટું કે ખરાબ હોય તે ધર્મની દૃષ્ટિએ સાચું કે સારું હોઈ શકે નહીં.’
ભક્તિ જ્યારે અંધભક્તિ બની જાય ત્યારે ધર્મક્ષેત્રમાં પાખંડ, શોષણ અને રાજકારણ પ્રવેશે છે. સમાજ અને રાષ્ટ્ર એની બહુ ભારે કિંમત ચૂકવે છે. એવે વખતે કોઈ સુધારક, કોઈ બહાદુર સત્યપ્રેમી જાગે છે, અનાચારને પડકારે છે અને સમાજની આંખો ખોલે છે. ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજી આવા હતા.
કરસનદાસ મૂળજી 1832માં મહુવા પાસેના વડાળ ગામે જન્મ્યા, મોસાળમાં ઊછર્યા અને મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા. 1854માં કવિ નર્મદાશંકર – જેમનો આજે જન્મદિન છે – તે કૉલેજના પ્રથમ વર્ષમાં, કરસનદાસ બીજા વર્ષમાં તથા મહીપતરામ રૂપરામ ત્રીજા વર્ષમાં ભણતા હતા. આ ત્રણે અને સ્વામી દયાનંદ, દુર્ગારામ મહેતા, અને નવલરામ જેવા સામાજિક સુધારણાના મશાલધારીઓ એક જ દાયકામાં જન્મેલા.
કરસનદાસ 1851માં સ્થપાયેલી ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ના આરંભથી સભ્ય હતા. ઑગસ્ટ 1852માં તેમણે આ સભા સમક્ષ ‘દેશાટણ વિશે નિબંધ’ વાંચ્યો. બીજે વરસે તે પ્રસિદ્ધ થયો. તેમાં તેમણે હિંદુ જ્ઞાતિઓના આગેવાનોને વિલાયત જનારાઓને નાત બહાર ન મૂકવા વિનંતી કરી હતી. પણ લેખનનો ખરો આરંભ દાદાભાઈ નવરોજીના ‘રાસ્ત ગોફતાર’થી થયો હતો; જેના તેઓ 1860થી 1862 દરમિયાન અધિપતિ પણ રહ્યા હતા. ‘રાસ્ત ગોફ્તાર’માં કરસનદાસનો પહેલો લેખ ‘બાપદાદાઓની ચાલ’ (એટલે કે, જૂના વખતથી ચાલ્યા આવતા રિવાજ) વિશેનો હતો. તેમાં વીસ વર્ષના કરસનદાસે ‘મારા પ્યારા દેશીઓ’ને ઉલ્લેખીને કહ્યું છે કે ‘આપણી ખરાબ રૂઢિ કાઢીએ અને અંગ્રેજોની સારી રૂઢિ દાખલ કરીએ તો તેમાં અંગ્રેજોની નકલ કરી છે, એવું ન ગણાય.’ ‘વિધવાપુનર્લગ્ન’ વિષય પર યોજાયેલી નિબંધ હરીફાઈમાં જોડાવાને કારણે કરસનદાસને ઘરમાંથી નીકળી જવું પડ્યું. 1855માં કરસનદાસે પોતાનું સામયિક ‘સત્યપ્રકાશ’ શરૂ કર્યું. 1857માં કેખુશરૂ કાબરાજીએ ગુજરાતી ભાષામાં પહેલું સ્ત્રીઓનું સામયિક ‘સ્ત્રીબોધ’ શરૂ કર્યું. કરસનદાસ તેના સહસ્થાપક અને બે વર્ષ સુધી તંત્રી પણ હતા.
અંગ્રેજ સરકારનો સૂર્ય ત્યારે મધ્યાહ્ને અને દેશ સાંસ્કૃતિક પતનની ધારે. નિરક્ષરતા, જાતિપ્રથા, ભેદભાવ આભડછેટ, બાળલગ્ન, વિધવાવિવાહ નિષેધ, જ્ઞાતિ બહિષ્કૃતિ, સ્ત્રીઓ પર અત્યાચાર, ધર્મના નામે થતા પાખંડ, શોષણ, અંધશ્રદ્ધા, વહેમ ટોચ પર હતાં. જો કે દરેક સમાજમાં થોડા બૌદ્ધિકો આ બધા સામે વિરોધનો સૂર ઉઠાવતા રહેતા. ‘રાસ્ત ગોફ્તાર’ તથા ‘સત્યપ્રકાશ’ના લેખો દ્વારા કરસનદાસ મૂળજીએ જનજાગૃતિની જે ઝુંબેશ આદરી અને ચારેબાજુ વ્યાપેલાં દૂષણો સામે જે રીતે રીતસરનું રણશિંગું ફૂંક્યું એ જોતાં એમને ‘વીર યોદ્ધા’ કહેવા પડે.
એ વખતે વલ્લભ સંપ્રદાયના મહારાજોની નીતિમત્તા ઘટવા માંડી હતી. પોતાના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓ અને અંધશ્રદ્ધાનો લાભ લઈને ધર્મગુરુઓ ખૂબ સંપત્તિ ભેગી કરતા. ભક્તો મહારાજોની ત્યાં સુધી ગુલામી કરતા કે પોતાની દીકરીઓ, બહેનો, પત્નીઓ મહારાજોને અર્પણ કરતા. કરસનદાસ આ બધા વિરુદ્ધ લખતા રહેતા. મહારાજો પહેલા તો પોતાની સત્તા, સંપત્તિ અને સર્વાધિકાર પર મુસ્તાક રહ્યા, પણ કરસનદાસના લેખોની અસર ભક્તો પર પડતી જોઈ તેઓ અકળાયા અને જુદી જુદી રીતે કરસનદાસને પાછો પાડવા, ડરાવવા-ધમકાવવા અને લાલચ આપવા પ્રયત્ન કરવા લાગ્યા. કરસનદાસ ગભરાય તેવો ન હતો. કેટલાક મિત્રો તેને જાહેર અને ગુપ્ત ટેકો આપતા. કેટલાક ભાટિયાઓએ પોતાના ઘરની સ્ત્રીઓ મહારાજોથી દૂર રહે તેવો ‘બંદોબસ્ત’ કર્યો હતો.
1860માં કરસનદાસનો જાણીતો લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ પ્રગટ થયો અને જદુનાથજી મહારાજે કરસનદાસ પર રૂપિયા 50,000નો બદનક્ષીનો દાવો માંડ્યો (ત્યારે સોનાનો ભાવ 18 રૂપિયે તોલો હતો.) તેનો અહેવાલ ‘મહારાજ લાયબલ કેસ’ નામે પ્રગટ થયો છે. આ કેસમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા. કોર્ટે તેમને ખર્ચ પેટે જદુનાથજી પાસેથી રૂપિયા 11,500 અપાવ્યા. ‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ અંગે મુંબઈની ‘દી. લખમીદાસ કંપની’એ પુસ્તક બહાર પાડ્યું હતું.
મહારાજ લાયબલ કેસ જીત્યા પછી કરસનદાસે કેટલોક સમય ‘મુંબઈ બજાર’ નામનું સાપ્તાહિક ચલાવ્યું. શૅર-સટ્ટામાં પડ્યા, ખુવાર થયા, ફરી ઊભા થયા. થોડો વખત તેમની જ્ઞાતિના સુધારક શેઠ કરસનદાસ માધવદાસની ભાગીદારીમાં ચિનાઈ કાપડનો વેપાર કર્યો. કરસનદાસ માધવદાસે ઇંગ્લૅન્ડમાં પોતાની પેઢી ખોલી હતી, તેનો વહીવટ સંભાળવા તેમણે કરસનદાસ મૂળજીને 1863માં ઇંગ્લૅન્ડ મોકલ્યા. ત્યાં દાદાભાઈ નવરોજી તેમને ઇંગ્લૅન્ડના વડા પ્રધાનની મુલાકાતે લઈ ગયા હતા. મુંબઈ પાછા ફર્યા કે તરત કપોળ વાણિયાની નાતે તેમને નાતબહાર મૂક્યા. કરસનદાસ અણનમ રહ્યા. આજીવન પ્રાયશ્ચિત્ત ન કર્યું.
1867માં કરસનદાસ રાજકોટમાં કાઠિયાવાડ પૉલિટિકલ એજન્ટના મદદનીશ નિયુક્ત થયા. સૌરાષ્ટ્રનાં શહેરોમાં ફરીને સુધારા પર ભાષણો આપ્યાં, રાજકોટમાં ‘વિજ્ઞાનવિલાસ’ નામનું વિજ્ઞાન તથા હુન્નરનું માસિક શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી તેમની બદલી લીંબડી થઈ. તે સમયે તેમને અર્પણ થયેલાં માનપત્રો ઉપરથી જાણવા મળે છે કે રાજકોટમાં પુસ્તકાલય, શાકમાર્કેટ તથા અનાજ માર્કેટ બંધાવવામાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. 1870માં તેમણે પોતાના 1852થી 1860 સુધીના લેખોમાંથી પસંદ કરીને ‘નિબંધમાળા’નો પ્રથમ ભાગ પ્રગટ કર્યો. આ ગ્રંથ ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્ત્વનો દસ્તાવેજ છે.
1871માં તેમણે ગુજરાતની ઉચ્ચ જ્ઞાતિની વિધવા ધનકોરબાઈ અને માધવદાસનું લગ્ન કરાવ્યું. તેમણે આશરે 10,000 શબ્દો ધરાવતો શાળોપયોગી લઘુકોશ ‘ધ પૉકેટ ગુજરાતી-ઇંગ્લિશ ડિક્ષનરી’, ‘નીતિસંગ્રહ’, ‘નીતિવચન’, ‘સંસારસુખ’, ‘મહારાજોનો ઇતિહાસ’, ‘વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકો’, ‘કુટુંબમિત્ર’, ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’ વગેરે ગ્રંથો આપ્યા છે. 28મી ઑગસ્ટ 1871માં માત્ર 39 વર્ષની ઉંમરે તેમણે ચિરવિદાય લીધી.
કરસનદાસ વિશેનું સૌથી પહેલું ચરિત્ર, તેમના અવસાનનાં છ વર્ષ પછી, સમકાલીન સુધારક મહીપતરામ નીલકંઠે લખ્યું : ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’. કરસનદાસનું બીજું અને વિગતવાર ચરિત્ર અંગ્રેજીમાં બી.એન. મોતીવાલાએ 1932માં આવેલી કરસનદાસની જન્મશતાબ્દી નિમિત્તે લખ્યું – ‘કરસનદાસ મૂળજી : એ બાયોગ્રાફિકલ સ્ટડી’. આ બંને ચરિત્રોમાં કરસનદાસ ત્રણ વાર પરણ્યા હતા એ ઉલ્લેખ છે પણ નામ માત્ર પહેલાં પત્ની વાલીબાઈનું જ મળે છે. મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે કરસનદાસ મૂળજીની સાર્ધ શતાબ્દિ નિમિત્તે તેમના જીવન વિશે એક પુસ્તિકા તૈયાર કરી છે. ઉર્વીશ કોઠારી અને દીપક સોલિયાએ કરસનદાસ મૂળજીના પરિવારની ભાળ મેળવી છે, રસ ધરાવનારાઓ ઈન્ટરનેટ પરથી જાણી શકશે.
1926માં ‘પોલ કેસ’ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. તેમાં વૈષ્ણવ ધર્મગુરુઓની અનીતિ સામે સંઘર્ષ કરનાર હીરાલાલ મંગળદાસ ‘પ્રવાસી પાગલ’ની વિગતો છે. તેમણે પુષ્ટિ પંથ વિરુદ્ધ ‘પોલ’ નામનું છાપું કાઢ્યું. હતું. તેમની સામે કુલ 14 કેસો થયા હતા.
શ્રદ્ધા જ્યારે અંધ બને છે ત્યારે માણસની વિવેકશક્તિ છીનવાઈ જાય છે. ‘મહારાજ’ ફિલ્મમાં એક સમજદાર વડીલ કરસનદાસ સાથેના એક સરસ સંવાદમાં કહે છે કે ‘સવાલ ન પૂછી શકે એ ભક્ત અધૂરો અને જવાબ ન આપી શકે એ ધર્મ!’ અને ઉમેરે છે, ‘સવાલ પૂછશે એને ભોગવવું તો પડશે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 ઑગસ્ટ 2025