જન્મ : 4-9-1825 • મૃત્યુ : 30-6-1917
રાષ્ટ્રવાદ એક રુમાની અપીલે ન અટકતાં આર્થિક બુનિયાદ પર મુકાયો એમાં કંઈક ઈંધણ, કંઈક ઊંજણ આંતરરાષ્ટ્રીય ધોરણે વિચરી અને વિચારી શકતી આ પ્રતિભાને નામે તવારીખમાં નોંધાયેલ રહેશે

પ્રકાશ ન. શાહ
તે દિવસે હું ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ લેખનની પિતૃપ્રતિમાવત ડો. રતન રુસ્તમ માર્શલ પાસે જઈ ચડ્યો ત્યારે ડોસા મોટો ચશ્મો ચડાવી દાદાભાઈ નવરોજીનું બૃહદ્ ચરિત્ર વાંચી રહ્યા હતા. કંઈક ‘શર’માં આવ્યા હશે કે કેમ, મને સહસા એ 1893ની લાહોર કાઁગ્રેસનું એમનું અધ્યક્ષીય ભાષણ સંભળાવવા લાગ્યા:
‘હંમેશ એટલું યાદ રાખીએ આપણે કે આપણે સૌ એક જ માતૃભૂમિનાં સંતાન છીએ. ખરે જ, હું એક હિંદીજન છું અને મારા વતન ને સૌ હમવતનીઓ તરફે ફરજથી બંધાયેલ છું – પછી હું હિંદુ હોઉં કે મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તી કે અન્ય કોઈ ધરમ મજહબનો, એ બધાથી અધિક હું એક હિંદીજન છું; ને હિંદી હોવું એ સ્તો આપણી રાષ્ટ્રીયતા છે.’
ઇચ્છું કે દ્વિશતાબ્દીપુરુષ દાદાભાઈનું અસહ્ય અંગ્રેજી ગદ્ય રતન માર્શલની ઢબે જાણે બુઝુર્ગ સોરાબ મોદી બેતબાજીની તરજ પર ધ્રોપટ જતા હોય તેમ રજૂ કરી શકું?
વારુ, કાઁગ્રેસના પ્રમુખપદે તો દાદાભાઈ એ પહેલાં પણ ચૂંટાયા હતા, છેક 1886માં. એટલે કે સ્થાપનાના બીજે વરસે જ. પણ 1893નું એમનું પ્રમુખપદ એક જુદો જ ચમકારો લઈને આવ્યું હતું: હવે એ લંડનના ફિન્સબરી સેન્ટ્રલ મત વિસ્તારમાંથી નીચલા ગૃહ(હાઉસ ઓફ કોમન્સ)માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. લંડનથી હિંદ પહોંચ્યા, પ્રમુખપદ સંભાળવા ત્યારે મુંબઈ, પુણે, અમદાવાદ-વડોદરા, દિલ્હી, અમૃતસર થતે થતે એ લાહોર પહોંચ્યા ત્યાં સુધીમાં દેશ આખામાં એક ચૈતન્યનો સંચાર થઈ ગયો હતો.
પુણેના સ્વાગત સમારોહમાં લોકમાન્ય તિલકે વ્યક્ત કરેલ હૃદયભાવમાં એ ચૈતન્યની ઝલક ઝિલાયેલી છે : ‘હિંદના નવા રાજકીય ધર્મના તમે નેતા છો’, કહી તિલકે ઉમેર્યું હતું, ‘એક એવા જણ છો જે નાના-મોટા સઘળા ભેદભાગલાને ઓળાંડી ગયા છો.’
તિલકે આ દર્શન કર્યાં ત્યાં સુધી દાદાભાઈ જરી જુદે છેડેથી પહોંચ્યા હતા. વંદેમાતરમની રુમાની કુરબાનીની એમને કદર તો હશે, પણ એમણે પકડેલો છેડો આર્થિક રાષ્ટ્રવાદનો હતો – ‘ડ્રેઈન થિયરી’નો. અંગ્રેજ અમલ અને અમલદારો, અહીંથી કમાઈ અહીં નથી ખરચતા કે નથી રોકાણ કરતા, મહેસૂલી આવકનો નોંધપાત્ર હિસ્સો ઇંગ્લેન્ડભેગો થઈ જાય છે. એ મુદ્દો એમણે 1867ના અરસામાં લંડનમાં છેડ્યો હતો જ્યારે હજુ કાઁગ્રેસની સ્થાપના આડે પણ 18 વરસ હતાં.
લંડનની બ્રિટિશ મ્યુઝિયમ લાઈબ્રેરી જ્યાં આસન જમાવી કાર્લ માર્ક્સે ‘કેપિટલ’નો લેખનજગન માંડ્યો હતો, દાદાભાઈ ત્યાં જ પ્રાપ્ય સત્તાવાર સ્રોતોને આધારે ડ્રેઈન થિયરી પર કામ કરી રહ્યા હતા. (જો કે એમનું મીની ક્લાસિક, ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ તો મોડેથી આવ્યું, 1901માં; પણ ગૃહમાં ને ગૃહની બહાર તે પૂર્વે અઢી દાયકાથી એમણે ધૂણી ધખાવી હતી.
ઔદ્યોગિક ક્રાંતિ અને મૂડીવાદના સર્જનથી માંડી સર્વહારા વર્ગ થકી સંભવિત ક્રાંતિ સહિતની થિયરી માર્ક્સના નામે ઇતિહાસદર્જ છે. પણ કેવળ મૂડીવાદ નહીં, ખુદ રાજ્ય જ સંસ્થાનવાદને રસ્તે સાંસ્થાનિક પ્રજાની બેહાલી સર્જે છે એ આખી શોષણ યંત્રણાની નિરૂપણા તે દાદાભાઈનો વિશેષ છે. એમની ને માર્ક્સ વચ્ચે આછાપાતળા પરોક્ષ સંબંધના સંકેતો મળે છે, પણ વિગતબદ્ધ અભ્યાસઆપલેને સારુ અવકાશ મળ્યો જણાતો નથી.
માર્ક્સ અને દાદાભાઈ વચ્ચે સ્વલ્પ પણ પરિચયનિમિત્ત બેઉના સોશિયલ ડેમોક્રેટ મિત્ર હિંડનબર્ગ હોઈ શકે એવી ગણતરી છે. લિબરલ ઘરાણાના દાદાભાઈ આંતરરાષ્ટ્રીય સોશિયલિસ્ટ સંધાન પણ ધરાવતા એટલે સ્તો 1906માં વળી એક વાર કાઁગ્રેસ પ્રમુખ તરીકે તિલક-ગોખલે બેઉ છેડેથી એમના પર કળશ ઢળ્યો હતો. (જો કે 1907 આવતા સુધીમાં દાદાભાઈ અંગે મવાળ અભિપ્રાય વધુ પડતા જહાલ પ્રકારનો ને જહાલ અભિપ્રાય વધુ પડતા મવાળનો વરતાવા લાગ્યો હતો. પરિણામે તે વરસે સુરત કાઁગ્રેસ માટે એમનું નામ બાજુએ રહ્યું હતું. નવસારીનું સંતાન સુરતમાં વણપોંખાયું રહ્યું!)
હમણાં મેં આંતરરાષ્ટ્રીય સંપર્કોની જિકર કરી. સ્ટુટગાર્ટની પરિષદ જે માદામ કામાના ધ્વજપ્રાગટ્યે ઇતિહાસમંડિત છે તેની યોજક સંસ્થા સાથે દાદાભાઈ હતા. જેનું ધ્રુવગાન મેઘાણીની કલમે ઊતરી આવ્યું છે તે સેકન્ડ ઈન્ટરનેશનલના કોઈક કાર્યક્રમમાં રોઝા લકઝમબર્ગ અને કૉટ્સ્કી સાથેનો એમનો ફોટો પણ હમણેનાં વરસોમાં રમતો થયો છે. હાઉસ ઓફ કોમન્સના ચૂંટણી જંગમાં એમને મળી રહેલા સહયોગીઓમાં ફ્લોરનેસ નાઈટિંગેલ અને એમિલી પેન્કહર્સ્ટ જેવાંયે હતાં. પેન્કહર્સ્ટ સાથેના એમના પરિચયનું રહસ્ય સફેરજેટ મૂવમેન્ટ (મહિલા મતાધિકાર ચળવળ) સાથેના સંધાનનું હતું.
પેન્કહર્સ્ટ-દાદાભાઈના સંપર્કવશ વિકસેલી નાગરિક સમજ એ હતી કે મતાધિકારવંચિત સ્ત્રીઓની ‘ગુલામી’ જો ખોટી છે તો સંસ્થાન હેઠળની સ્ત્રી-પુરુષ સૌની ગુલામી પણ ખોટી છે. ઇંગ્લેન્ડમાં દાદાભાઈના ચૂંટણી પ્રચારમાં મુંબઈ બેઠે બહેરામજી મલબારીએ ચાપ ચડાવેલો તર્ક એ હતો કે મુંબઈ કોઈ ચડાઈથી જીતાયેલ મુલક નથી. એ સમજૂતીની (ચાર્ટરગત) વ્યવસ્થા છે એટલે ઇંગ્લેન્ડમાં નાગરિકને હોય એવા જ અધિકાર મુંબઈવાસીના હોમરુલ ઝુંબેશના પાયામાં આગળ ચાલતાં તમને આ તર્કનું અનુસંધાન જોવા મળે છે.
એલ્ફિન્સ્ટન કોલેજમાં એકાઉન્ટન્સીના અધ્યાપક રહેલા દાદાભાઈએ ગાયકવાડીમાં થોડોક વખત દીવાનપદું પણ કીધું’તું, પણ મુંબઈના જાહેર જીવનમાં એમના નામ સાથે ઇતિહાસજમે એક વિશેષ મુદ્દો છ-સાત કન્યાશાળાઓ મિત્રો સાથે શરૂ કરી તે છે. પારસી ધર્મ સંસ્કાર અને સમાજ સુધારને વરેલ ‘રાસ્તગોફતાર’ એ ગુજરાતી પત્ર પ્રકારની કામગીરી માટે પણ તે સંભારાશે. આગળ ચાલતાં કરસનદાસ મૂળજી સ્થાપિત ‘સત્યપ્રકાશ’ આ પત્ર સાથે જોડાઈ ગયું હતું.
ગોખલે-ગાંધી સહિત એક આખી ઝળહળતી યાદી દાદાભાઈને ઓછેવત્તે અંશે સેવનારાઓની છે. રાષ્ટ્રવાદ નકરી એક રુમાની અપીલે ન અટકતાં આર્થિક બુનિયાદ પર મુકાયો એમાં કંઈક ઈંધણ, કંઈક ઊંજણ આંતરરાષ્ટ્રીય ધોરણે વિચરી અને વિચારી શકતી આ પ્રતિભાને નામે તવારીખમાં નોંધાયેલ રહેશે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2025