
હિતેશ રાઠોડ
એક સમય હતો જ્યારે સંસદીય પ્રણાલિમાં સત્તાના સિંહાસને બિરાજમાન શાસકપક્ષ અને સત્તાપક્ષની વિપરીત બાજુએ બિરાજમાન વિપક્ષ વચ્ચે મતભેદો રહેતા હતા, પરંતું મનભેદ કે વાણી-વ્યવહારમાં કટુતા કે દ્વેષ ન હતા. સત્તામાં બેઠેલા લોકો વિપક્ષનો અવાજ કાન દઈને સાંભળતા અને એમાંથી સારા મુદ્દાઓને તારવી લેતા હતા અથવા કહો કે સેરવી લેતા હતા અને અમલ કરવા જેવી બાબતોનો અમલ પણ કરતા હતા. ચર્ચા માટે સદનના પટલ પર લાવવામાં આવતી કોઈપણ બાબતના સઘળાં પાસાઓ અંગે વ્યાપક વિચારવિમર્શ કરવામાં આવતો હતો અને લોક-કલ્યાણની પાયાની વિભાવનાને કેન્દ્રમાં રાખી લોકહિતાર્થે આખરી નિર્ણયો કરવામાં આવતા હતા. વ્યક્તિગત મતભેદો, મનભેદો, અહંકાર કે હું-પણાને બાજુ પર રાખી, સંસદીય ચર્ચાના મૂળમાં લોક-કલ્યાણ, લોકહિત, લોકસમસ્યાઓ અને પાયાના પ્રશ્નોનું નિવારણ રહેતા હતા. લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને સંસદભવનમાં પ્રવેશતા લોકોની પહેલી જવાબદારી લોકો પ્રત્યે રહેતી. પક્ષ, પાર્ટી, પક્ષાધ્યક્ષ, વ્હીપ કે પક્ષાદેશ એ સઘળું પછીના ક્રમે રહેતું. લોક હિતાર્થે પદ જતું કરતા અથવા પદ કે પક્ષ ત્યાગ કરતા લોકપ્રતિનિધિઓ જરા ય ખચકાતા નહોતા. એક સમયે ચર્ચામાં ગરમાગરમી આવી જતી તો પણ પછીથી સાથે બેસી લોકહિતાર્થે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું હતું અને એ રીતે ઘીના ઠામમાં ઘી પડી જતું અને લોકશાહીના પ્રાણ સમાન લોકહિત જળવાઈ રહેતું. આ બધાનું કારણ એ હતું કે ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ ભલે ઓછા ભણેલા હોય પણ એક વાતે બહુ સ્પષ્ટ હતા કે લોકોએ તેમને સંસદમાં બેસાડ્યા છે અને એટલે જ લોક-ફરજ એ તેમની સૌ પહેલી જવાબદારી રહેતી. પક્ષીય હિત કે વ્યક્તિગત હિતને પછીથી જોવાતું. લોકહિતમાં ન હોય એવી બાબત પર કોઈ કાળે સમાધાન કરવામાં આવતું નહિ, પછી ભલે એ માટે સત્તા કે પદ છોડવું પડે. લોક-હિત અને લોક-કલ્યાણની વાત ગમે તેવા ચમરબંધીની સામે પણ નિ:સંકોચ અને બેબાક રીતે કહેવામાં આવતી હતી. જનહિતમાં અને પદની ગરિમા જાળવવા પદનો ત્યાગ કર્યો હોય એવા દાખલા ભૂતકાળમાં જોવા મળતા હતા.
સંસદ ભવન એ લોકશાહીનું મંદિર છે જ્યાં લોકવાચા કે લોકલાગણીને પ્રાર્થનાની જેમ વિવેકી શબ્દો અને ભાષામાં રજૂ કરવામાં આવે છે. જે રીતે મંદિરમાં પ્રવેશતી વખતે વ્યક્તિ સહજ શિસ્ત, સૌમ્યતા અને શીલતા ધારણ કરી લેતી હોય છે એવી રીતે લોકશાહીના મંદિર સમા સંસદભવનમાં પ્રવેશતી વખતે પ્રજાએ ચૂંટીને મોકલેલા લોકપ્રતિનિધિ પાસેથી લોકોને એટલી અપેક્ષા હોય કે તેઓ લોકહિતાર્થે સ્વયંશિસ્તમાં રહી લોકોનો અવાજ, લોકોની સમસ્યાઓ, લોકોની વેદના, લોકોની પીડા, લોકોની વ્યથા, લોકોની હાડમારી, જીવન જીવવા માટે લોકોએ વેઠવા પડતા સંઘર્ષ અને મથામણોને વાચા આપી વિનમ્ર કે ક્યારેક આક્રંદના સૂરે લોકશાહીના મંદિરમાં રજૂ કરે, જ્યારે અન્ય જનપ્રતિનિધિઓ પણ એ લોકવાચાને એટલા જ ધ્યાનથી સાંભળતા અને એમાં છુપાયેલી લોકોની વેદના કે વ્યથાઓને સમજવા પ્રયાસ કરતા.
પરિસ્થિતિ આજે ક્યાં જઈને ઊભી છે! પ્રજાએ ચૂંટીને મોકલેલા આપણા કહેવા પૂરતા જનપ્રતિનિધિઓ પ્રજાના સેવક તરીકે નહિ પણ પ્રજાના હાકેમ બની સત્તાના મદમાં ચૂર થઈને મહાલતા હોય છે. લોકહિતના ઓઠા હેઠળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા અને ‘સ્વ-અર્થ’માં સતત રચ્યાપચ્યા રહેતા આ નામના લોકપ્રતિનિધિઓને પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓ દૂર કરવાનું ભાગ્યે જ સૂઝે છે એમ કહો કે એ લોકહિતની વાતને સાવ વિસરી ગયા છે. લોકોની સમસ્યાઓ, લોકોની વેદના, લોકોની પીડા, લોકોની વ્યથા, લોકોની હાડમારીને લગતા પ્રશ્નો અને સમસ્યાઓ સદનના પટલ પર લાવવાને બદલે લોકકલ્યાણ સાથે નહાવા-નિચોવવાનો સંબંધ ન હોય એવી સાવ વાહિયાત અને ફાલતુ બાબતો પર અર્થહીન ચર્ચા કરી પ્રજાના પૈસાની બરબાદી કરવાની સાથે સાથે દેશની આમજનતાનું ધ્યાન મૂળ સમસ્યાઓથી ભટકાવી અન્યત્ર વાળવાના સહેતુક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રજાહિતના નામે મુઠ્ઠીભર માલેતુજારોના અંગત હિતો સચવાતા હોય એવી પરિયોજનાઓ પાછળ પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. લોકોના પ્રાણપ્રશ્નો માટે નિર્મિત લોકશાહીના મંદિર એવા સંસદભવનમાં પ્રજાના પ્રાણપ્રશ્નોનો અવાજ હવે ગુંગળાઈ રહ્યો હોય એમ લાગે છે. પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ લાવવાની જાણે કે કોઈનામાં ઇચ્છાશક્તિ જ બચી નથી. સંસદમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના આસમાને જતા ભાવો, જાહેર આરોગ્ય પ્રત્યે સેવવામાં આવતું દુર્લક્ષ્ય, ખેતી છોડી રહેલ ખેડૂતો અને ખેતીની પાયમાલી, આર્થિક સંકડામણને કારણે થતી આત્મહત્યાઓ, સારવારને અભાવે મોતને શરણ થતા લોકો, સરકારી બેદરકારીને કારણે વારેવારે થતી મોટી દુર્ઘટનાઓ અને એમાં હોમાતા અનેક લોકો, કુપોષણ, ઘરવિહોણા માનવીઓનાં ટોળાં, કૃત્રિમ સંગ્રહખોરી, ખાદ્યપદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળ, ચીજવસ્તુઓની અછત, ખેત પેદાશોની રક્ષા કરવા સામે બેદરકારી, આઝાદીનાં ૭૫ વર્ષો પછી પણ ગામડાઓની બદથી બદતર હાલત, લોકશાહીના પાયારૂપ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસેથી છીનવાતી જતી સત્તાઓ અને અધિકારો, દેશની સૌથી અગત્યની પુંજી એવા યુવાધનની શક્તિઓના ઉપયોગ સામે સેવવામાં આવતું દુર્લક્ષ, ……., આવા તો અનેક મુદ્દાઓ છે જેના પર છેલ્લાં કેટલાં ય વર્ષોથી સંસદભવનમાં ના તો કોઈ ચર્ચા છેડાઈ છે કે ના એના પર ચર્ચા કરવા કોઈ જનપ્રતિનિધિ રાજી છે, ના સરકારોને એ બધું સાંભળવા માટે રસ કે સમય છે. લોકશાહીના કહેવાતા સેવકો પ્રજાની સામે રાજાની જેમ વર્તી રહ્યા છે, અતિશયોક્તિનો દોષ વહોરીને પણ કહી શકાય કે રાજાઓને પણ સારા કહેવડાવે એ રીતે આપણા જનસેવકો વર્તી રહ્યા છે.
સત્તાના સિંહાસને બિરાજતા લોકોમાં હોવી જોઈતી સમભાવી, નિષ્પક્ષ અને સાત્ત્વિક વિચારસરણી પર જાણે કે કુંઠિત વિચારોનો લુણો લાગી ગયો હોય એમ સર્વત્ર વિચ્છેદ, વિભાજન, વિઘટન, વિખવાદ, વિવાદ, વિરોધ, વિદ્વેષનું વિકરાળ વાવાઝોડું દેશને ચારેકોરથી અજગર ભરડો લઈ રહ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે. પાયાના પ્રશ્નોની સતત અવગણના કરી વિકાસના નામે મહામૂલી ખેતભૂમિ પર પાકી સડકોના લિસોટા અને ઊંચી તોતિંગ બિલ્ડિંગોની કતારો ખડી કરી દેવામાં આવી છે. આઝાદીનાં ૭૫ વર્ષે ય જમીન પરની મૂળ સમસ્યાઓ તો ઉકેલી શકાઈ નથી ને ચાંદ પર વસવાના સપના દેખાડવામાં આવે છે! લોકશાહીના નામે પક્ષ અને સત્તાના ધણીઓને વફાદાર આ સત્તાલક્ષી રાજકારણમાં સત્તા જ એક માત્ર કારણ અને પરિણામ બની ગયું છે. લોકશાહીમાં લોકલાજ તો હવે કોઈને રહી નથી. યેનકેન પ્રકારેણ સત્તા હાંસલ કરવા આંબા-આંબલી દેખાડી મતદાર પાસેથી તેનો ‘અમૂલ્ય’ મત છીનવી લઈ ચૂંટાઈ આવતા આ કહેવાતા જનપ્રતિનિધિઓ સત્તા પ્રાપ્ત કરી લીધા પછી મતદારને ‘બાપડો’ કે ‘બિચારો’ બનાવી દેતા જરીકે ય અચકાતા નથી. પ્રજાની અરજ સાંભળવા રચાયેલા સંસદ અને વિધાનસભાના મંદિરોમાં પ્રજાનાં કામો પાછળ ફક્ત ‘ટોકન” સમય ફાળવવામાં આવે છે જ્યારે પ્રજાના પૈસાની બરબાદી કરતી ચૂંટણીઓ અને ચૂંટણી પ્રચાર પાછળ દિવસોના દિવસો વેડફી નાખવામાં આવે છે. પ્રજાના પૈસાનો બરાબર ધુમાડો થાય એ માટે ચૂંટણીઓને હવે ‘પર્વ’ બનાવી દેવામાં આવ્યું છે. મહિનાઓ સુધી ચાલતા રહેતા ચૂંટણી પ્રચારમાં પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓ પર સમ ખાવા પૂરતી પણ કોઈ વાત થતી નથી. કહેવાતા ધુરંધર નેતાઓ પણ બીજાની લીટી કાપી પોતાની લીટી મોટી દેખાડવા કોઈપણ હદે જતા અચકાતા નથી. ચૂંટણી પ્રચારના નામે ગલીચ ભાષામાં એકબીજા પર કાદવ-ઉછાળની રમતો ચાલ્યા કરે અને આચારસંહિતા પાલનના નામે સરકારમાં પ્રજાનાં કામો અટવાયાં કરે અને તો પણ એને ‘પર્વ’ તરીકે ઉજવવામાં આવે! વાહ રે લોકશાહી વાહ!
સત્તાકેન્દ્રિત એવા આ રાજકારણમાં નેતાઓનું વૈચારિક દળદર નહિ ફિટે ત્યાં સુધી પ્રજાએ આમ જ સહન કરતા રહેવાની હેરાન-પરેશાન થતા રહેવાની તૈયારી રાખવી પડશે. કૂવામાં હોય તો અવેડામાં આવે એ ન્યાયે જે પ્રજા પોતાની ખુદની મૌલિક વિચારસરણી પર વિશ્વાસ કરવાને બદલે બીજાની ધડમાથા વિનાની વાતો અને વચનોમાં આવી જતી હોય ત્યાં વળી નેતાઓ પાસેથી વૈચારિક સમૃદ્ધિની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. આખરે તો નેતાઓ પણ પ્રજામાંથી જ આવતા હોય છે.
ઉપાય રૂપે મતદારોએ હવે ખરા અર્થમાં શાણા બનવું પડશે અને બુડથલ, અડબંગ, અબૂધ, પોતાની આગવી વિચારસરણીનો અભાવ ધરાવતા, કોઠાસૂઝ વગરના, સમસ્યાનું સમાધાન કરવાની સૂઝ વિનાના, લોકહિતની અવગણના કરનારા, આત્મશ્લાઘામાં રચ્યાપચ્યા રહેનારા, છીછરા વિચારો અને છીછરી માનસિકતા ધરાવતા, લોકોને ગેરમાર્ગે દોરનારા, દૂરંદેશીતા વિનાના તેમ જ ગુનાહિત ઇતિહાસ અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોને જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલવાનું બંધ કરવાનું પડશે. માત્ર ઉમેદવારને જ નહિ તેની સાથે સંકળાયેલ રાજકીય પક્ષો અને એની ગતિવિધિઓને પણ સારી પેઠે પિછાણવી પડશે. કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપતા પહેલા કોઈના દોરવાયા દોરાઈ જવાને બદલે ખુદની બુદ્ધિ, સ્વવિવેક અને સમજણનો ઉપયોગ કરતા શીખવું પડશે. સૂફિયાણી વાતો, ખોખલા વચનો અને દિવા-સ્વપ્નોથી લોકોના પેટ ભરાતા નથી કે પાયાની સમસ્યાઓ હલ થતી નથી. મત માગવા આવનાર નેતાઓને જનહિતને લગતા પ્રશ્નો કરી સાણસામાં લેવાની અને “પ્રજાહિતના નક્કર કામ કરનારને જ મત” એ નીતિ હવે લોકોએ અપનાવવી પડશે.
ભાવિ પરિસ્થિતિ વિકટ થઈ રહી હોવાના અણસાર આવે ત્યારે મતદારોએ પણ સજાગ, સચેત અને સમજદાર થઈ પોતાના બહુમૂલ્ય મતનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો રહ્યો.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com