હજી મીનળને સત્તરમું બેઠું ત્યાં તો એના પિતાએ મૂરતિયા જોવાનું શરૂ કરી દીધું. મીનળને આટલાં વહેલાં લગ્ન નહોતાં કરવાં. એ ભણવામાં ખૂબ હોશિયાર હતી. એણે માને ફરિયાદ કરી, “મા, બાપુને કહેને, મારા લગ્નની આટલી ઉતાવળ ન કરે. મારે હજી ભણવું છે.”
“બેટા, આપણે રહ્યાં ગામડાંનાં ખેડૂત. તને વધારે ભણાવીએ તો એટલું ભણેલો વર ક્યાંથી લાવશું? ને અત્યારથી જોવાનું શરૂ કરશું તો તું અઢારની થશે ત્યારે માંડ પત્તો લાગશે.”
મીનળની આનાકાની કંઈ કામ ન લાગી ને શહેરમાં રહીને નોકરી કરતા પ્રદીપ સાથે પરણીને એ નાસિક જેવા ભીડભાડવાળા શહેરમાં આવી પહોંચી. ગામડામાં ઊછરેલી મીનળને શરૂઆતમાં તો અહીં ખૂબ ગૂંગળામણ થઈ પણ પહેલેથી જ કંઈક નવું શીખવાની ધગશ હોવાથી અહીંના જીવનમાં ગોઠવાવામાં બહુ મુશ્કેલી ન પડી. એમાં વળી પાડોશમાં રહેતી મંજુ સાથે બહેનપણાં થઈ ગયાં એટલે ધીમે ધીમે એની સામે નવું વિશ્વ ખૂલવા લાગ્યું.
“અલી મંજુ, તું કામ કરવા જાય છે ત્યાં મને કામ મળે કે નહીં?”
“હું તો રહી સાવ અભણ, એટલે વાસણ-કપડાં કરવા સિવાય બીજું કંઈ ન આવડે, પણ તું તો દસમા સુધી ભણેલી છે. તારે લાયક કામ દેખાશે તો તને જરૂર કહીશ.”
નોકરી કરવાનો વિચાર કરતા પહેલાં મીનળને થયું, ‘કોણ જાણે, પ્રદીપ નોકરી કરવાની હા કહેશે કે નહીં. આજે જ પૂછી જોઉં.’ “સાંભળો છો? મંજુ કહેતી હતી કે, આપણા ઘરની નજીકમાં જે મોલ છે ત્યાં સ્ત્રીઓને નોકરીમાં રાખવા માટે ઈંટરવ્યૂ લેવાના છે. તમે કહેતા હો તો હું કોશિશ કરી જોઉં.”
આટલી મોંઘવારીમાં એક જણની કમાણીથી નિર્વાહ ચલાવવો અઘરો છે એ તો પ્રદીપ પણ સમજતો હતો. એણે વગર આનાકાનીએ હા પાડી. મીનળની ચપળતા અને હાજરજવાબીને કારણે એને નોકરી મળી ગઈ. પણ પહેલે જ દિવસે મીનળ સામે એક મોટી સમસ્યા આવીને ઊભી.
“જવા દો મારે આ નોકરી નથી કરવી. એણે ઘરે પહોંચતાંની સાથે પ્રદીપને કહ્યું.”
“કેમ, શું થયું?”
“હું તો સાડી પહેરીને કામે ગઈ પણ મને ઑફિસમાં બોલાવીને મેનેજરે કહી દીધું કે, કાલથી યુનિફોર્મ પહેરીને આવવાનું. ખાખી ઈજાર, ખાખી શર્ટ અને એપ્રન. હાય હાય, આવાં કપડાં પહેરીને હું ઘરની બહાર કેવી રીતે નીકળું?”
ગામડિયણ પત્નીની વાત સાંભળીને પ્રદીપને હસવું આવ્યું. “બસ, આટલી જ વાત? એમાં કંઈ હાથમાં આવેલી નોકરી થોડી જતી કરાય? જો, તારે ઘરેથી સાડી પહેરીને જવાનું. ત્યાં પહોંચીને યુનિફોર્મ પહેરી લેવાનો અને વળી પાછાં ઘરે આવતી વખતે સાડી પહેરી લેવાની. બરાબર?”
પતિની બુદ્ધિ પર ખુશ થઈને મીનળ એને ભેટી પડી. જે કામ હાથમાં લે એ જીવ રેડીને કરવાની આદત તો હતી જ તેથી જોતજોતાંમાં એ નોકરીમાં બરાબર ગોઠવાઈ ગઈ. સાથેસાથે સુપરવાઈઝરની નજરમાં પણ એણે માનભર્યું સ્થાન મેળવ્યું. મોલમાં કામ કરતી બીજી સ્ત્રીઓ કામમાંથી છટકવાનાં બહાનાં શોધતી, જ્યારે મીનળ પોતાની ફરજમાં ન આવતાં હોય એવાં કામ પણ રસ લઈને કરતી.
બંનેની જિંદગી સુખરૂપ ચાલતી હતી. બેઉના પગારમાંથી ઘરખર્ચ તો નીકળી જ જતો હતો, એ ઉપરાંત ભવિષ્ય માટે થોડી બચત પણ થઈ શકતી હતી. એક દિવસ સુપરવાઈઝર અને મેનેજરે એને કેબીનમાં બોલાવી. એને થયું કે, મારાથી ક્યાં ભૂલ થઈ? મને નોકરીમાંથી પાણીચું તો નહીં પકડાવી દે ને? ત્યાં તો મેનેજરે હસતાં મુખે એને કહ્યું, “મીનળ, તારા કામથી ખુશ થઈને સુપરવાઈઝરે પોતાના સહાયકની નોકરી માટે ખાસ તારી ભલામણ કરી છે. આવતા મહિનાથી તારો પગાર પણ વધશે અને તારે હવેથી સ્ટોક લેવાનું જવાબદારીભર્યું કામ કરવાનું રહેશે. ફાવશે ને?”
તે દિવસે ઘરે જતી વખતે મીનળને લાગ્યું કે, જાણે એ હવામાં ઊડતી હતી. ઘરે પહોંચીને ખબર આપવાના ઉત્સાહમાં પતિના ચહેરા સામે જોયા વિના એણે કહેવા માંડ્યું, “આજે તો મારે તમને પાર્ટી આપવી છે. મારા કામથી ખુશ થઈને સુપરવાઈઝરે મારી ભલામણ કરી અને મેનેજરે મને બઢતી આપી. બોલો, છે ને, પાર્ટી આપવા જેવી વાત?”
“હાસ્તો, પાર્ટી આપવા જેવું તો ખરું જ. પછી ભલેને એ તારા કામથી ખુશ થયો હોય કે પછી …”
“એટલે? તમે કહેવા શું માગો છો? ”
“છોડ બધી વાત. પહેલાં એક કપ ચા બનાવી આપ. માથું ફાટફાટ થાય છે. એક નાની એવી ભૂલને લીધે મારી ઉપરી બાઈએ મારો એક દિવસનો પગાર કાપી લીધો ને તને પાર્ટી સૂઝે છે!”
મીનળની આંખોમાં આંસુ ધસી આવ્યાં. પ્રદીપની વાત ફાંસની જેમ એના હૃદયમાં ઘૂસી ગઈ હતી. થોડા દિવસ પતિ-પત્ની વચ્ચે મૌન છવાયેલું રહ્યું. વિના કારણે થયેલા અપમાનનો ડંખ મીનળને રાત-દિવસ કનડતો હતો. પ્રદીપના મૂડ પર ધ્યાન આપ્યા વિના હવે એ સડસડાટ ઘરમાંથી નીકળી જતી. પ્રદીપને પોતાની ભૂલ સમજાતી તો હતી, પણ કબૂલ કરતા અહમ્ આડે આવતો હતો.
થોડા દિવસ આમ જ વીત્યા પછી એક દિવસ મીનળ કામ પરથી આવી ત્યારે પ્રદીપ આવી ગયો હતો. એણે પત્નીના ગાલ પર ટપલી મારતાં કહ્યું, “આજે હું બહુ ખુશ છું. આજે મારી બોસે મારા કામનાં વખાણ કરતાં સૌની સામે કહ્યું, જુઓ, એક વખતનો ઠપકો સાંભળીને પ્રદીપે પોતાના કામમાં કેટલો સુધારો કરી દીધો! જેણે મારો પગાર કાપી લીધો હતો એ જ મારા કામથી ખુશ થઈ, એ મને બહુ સારું લાગ્યું.”
મીનળ બોલવા ગઈ કે, ‘તારા કામથી ખુશ થઈ કે, તારાથી ખુશ થઈ?’ પણ એ ગળી ગઈ. જમતી વખતે એણે ઠંડકથી કહ્યું, “મને આજે સુપરવાઈઝરે કહ્યું કે, તું હોશિયાર છે. સુરક્ષાકર્મી બનવાની તારામાં પૂરી લાયકાત છે. એક પરીક્ષા આપવી પડે, એ આપી દે તો તને બહુ સારું કામ મળી શકે અને પગાર તો ડબલ. મારે એ પરીક્ષા આપવી છે. કાલથી જ હું તૈયારી ચાલુ કરવાની છું.” તે દિવસથી એણે નક્કી કર્યું કે, હવે એ પરીક્ષા આપું કે નહીં એમ પૂછવાની નથી, ફક્ત જણાવવાની જ છે.
(ભારતી પાંડેની મરાઠી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 મે 2025; પૃ. 24