શાસકીય – રાજકીય ઊહાપોહ
સત્તાપક્ષે બહુ વરવી રીતે સલવા જૂડેમવાળા ચુકાદાનો મુદ્દો ઉછાળ્યો છે : વસ્તુત: એ એક બંધારણબાહ્ય રચના હતી અને જે કટોકટી સામે તે પોતે લડયાનું કહે છે, તે કટોકટીનું જ એક અનુસંધાન એમાં હતું.

પ્રકાશ ન. શાહ
ઉપરાષ્ટ્રપતિપદનું ચૂંટણીપરિણામ અલબત્ત નવમી સપ્ટેમ્બરે આવશે, પણ ભા.જ.પ. અને સાથીઓ તેમ જ ‘ઇન્ડિયા’ બેઉની વાસ્તવિક મતસંખ્યા જોતાં ભા.જ.પ. ઉમેદવાર રાધાક્રિષ્ણનનું ચૂંટાઈ આવવું સ્વાભાવિક છે – સિવાય કે સાંસદો સ્વતંત્રપણે મતદાનનો માર્ગ લે, અને કંઈક જુદું જ બની આવે. ‘ઇન્ડિયા’ ઉમેદાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મતદારમાત્રને સીધી અપીલ કરવાની કોશિશ એ જ આશાએ કરી રહ્યા હશે. પણ અણધાર્યું પરિણામ સામાન્યપણે અશક્ય માનીને જ ચાલવું જોઈએ.
તેમ છતાં, આ ચૂંટણીમાં રસ કેમ જાગ્રત થયો છે? કદાચ, (પૂર્વ) ઉપરાષ્ટ્રપતિ ધનખડનું અચાનક રાજીનામું આપવું એમાં કંઈક કારણ રૂપ ચોક્કસ જ હોઈ શકે. પણ આ ટિપ્પણી લખાઈ રહી છે એ ગાળામાં સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના વફાદાર કાર્યકર કહી શકાય તેવા ઉમેદવાર રાધાક્રિષ્ણન અને પૂર્વ ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડીની સામસામી ઉમેદવારીએ કંઈક નવતર ચર્ચા જગવી છે. એક પક્ષીય કાર્યકર અને બીજી ન્યાયિક પરંપરામાં ઉછરેલી બિનપક્ષીય પ્રતિભા, આ બે વચ્ચેનો ભેદ અલબત્ત તરત સામે આવે છે. ઉપરાંત રાજકીય બલાબલની ચર્ચાથી નિરપેક્ષપણે બેઉ ઉમેદવારીએ જે, ચુસ્ત અર્થમાં વિચારધારાકીય નહીં તો પણ પ્રજાકીય વલણોવાળી શાસકીય-રાજકીય ઊહાપોહ જગવ્યો છે તે ય નોંધપાત્ર છે.
જસ્ટિસ રેડ્ડીની કોઈ રાજકીય પક્ષીય પૃષ્ઠભૂ નથી. એ બંધારણમાં ખોડાયેલા છે. 2024ની લોકસભાની ચૂંટણીના વારાથી રાહુલ ગાંધી ‘બંધારણ’ને લોકશાહી સ્વરાજમાં અપેક્ષિત ધારાધોરણ સંદર્ભે આગળ કરી રહ્યા છે, અને તે લોક માનસને ઠીક ઠીક પકડાવા લાગેલો મુદ્દો છે. જોવાનું એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દો લઈ લોકમોઝાર ઘૂમી રહ્યા છે. મતાધિકારનો જે મુદ્દો એમણે ઉછાળ્યો છે તેનું સમર્થન એ બેશક બંધારણ સાથે સાંકળે છે.
આ સાથે, આશ્ચર્યકારક રીતે જસ્ટિસ રેડ્ડી બંધારણની ફરતે એક ગતિશીલ વિચારધારાના વધૈયા લેખે ઉપસી રહ્યા છે. ‘ઇન્ડિયા’ સાંસદોને સંબોધતાં એમણે લોહિયાને ભરીબંદૂક સંભાર્યા હતા કે જ્યારે સડકો સૂની પડી જાય છે ત્યારે સંસદ ભટકી જાય છે. (જબ, સડકેં ખામોશ હો જાતી હૈં, સંસદ આવારા હોય જાતી હૈ.) ‘પાવડો’ એટલે કે રચનાત્મક કાર્ય, ‘જેલ ભરો’ એટલે કે અન્યાય પ્રતિકાર અને મતદાન – આ ત્રણ વાનાં દેશના સમાજવાદી આંદોલને એના તારુણ્યમાં દેશજનતા સમક્ષ મૂક્યા હતા. દેશનું સમાજવાદી આંદોલન નેવું વરસે પહોંચ્યું છે ત્યારે જીવંત લોકશાહી સારું રુધિરાભિસરણ અને ચયાપચય પ્રક્રિયા સુનિશ્ચિત કરી આપતો આ ત્રિસૂત્રી નુસખો સ્વીકારાતો થાય તો એથી રૂડું શું.
સત્તાપક્ષે જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીના મુદ્દે જે મુદ્દો ઉછાળવાની મરોડમાસ્તરીનો રાહ લીધો છે તે મુદ્દો રેડ્ડીને નક્સવાદના સમર્થક ને સંરક્ષક તરીકે ચીતરવાનો છે. આ મરોડમાસ્તરી વાસ્તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક સંનિષ્ઠ ન્યાયમૂર્તિની કારકિર્દી ને કામગીરી પર એમ કહીને કૂચડો ફેરવવા જેવું કર્યું છે કે જસ્ટિસ રેડ્ડીએ અમુક ચુકાદો ન આપ્યો હોત તો 2020 સુધીમાં નક્સવાદ ખતમ થઈ ગયો હોત.
વાત સાચી કે જસ્ટિસ રેડ્ડીએ 2011માં ચુકાદો આપ્યો હતો કે સલવા જુડૂમ ગેરકાયદે છે. એને કોઈ બંધારણીય સમર્થન નથી. આ સલવા જુડૂમ એ છત્તીસગઢ ભા.જ.પ. મુખ્ય મંત્રી રમણસિંહે અશિક્ષિત આદિવાસી યુવાનોને શસ્ત્રસજ્જ કરી કથિત નક્સલ તત્ત્વોનો નાશ કરવા માટે ઊભી કરેલી જોગવાઈ હતી. એકબાજુ, જળ, જમીન, જંગલના અધિકારોથી આમ આદમી વંચિત થતો જાય તો બીજી બાજુએથી સરકાર પોતે કરવાની કામગીરી બાબતે આદિવાસી યુવાનોની સશસ્ત્ર ટુકડી મારફતે ધરાર આઉટસોર્સિંગ કરે, એ તો એક અનવસ્થા હતી જ. તે સાથે, નક્સલવાદને નાથવાને નામે સ્થાનિક વસ્તીને માટે રંજાડભરી પરિસ્થિતિ પણ એ હતી. જસ્ટિસ રેડ્ડી અને અન્ય ન્યાયમૂર્તિએ સલવા જુડૂમ જેવી ગેરબંધારણીય વ્યવસ્થાને બહાલ રાખતા નીચલી અદાલતના ચુકાદા સુપ્રીમ સ્તરે અમાન્ય કરાવ્યા હતા. 2011થી આ ચુકાદો પડકારાતો રહ્યો છે, અને હજુ હમણાં મેં 2025માં પણ સુપ્રીમ કોર્ટે તે સતત વળતી સરકારી રજૂઆત છતાં બહાલ રાખેલ છે. છત્તીસગઢની રમણસિંહ સરકારનો રેકર્ડ તો આદિવાસી ભૂખમરા સામે નોંધપાત્ર કામગીરી કરનાર વિનાયક સેન સરખી વિશ્વપ્રતિષ્ઠ પ્રતિભાને પણ નક્સલતરફી લેબલ સાથે ગોંધી રાખવાની છે … કેટલે વરસે નીચલી અદાલતોની ચુડમાંથી સુપ્રીમ સ્તરે પહોંચી એમને જામીન મળી શક્યા હતા તે ઇતિહાસદર્જ છે.
સત્તાપક્ષ જ્યારે સલવા જુડૂમ ચુકાદાને ઉછાળી રહ્યો છે અને એને નક્સલવાદ વકરાવવાનો યશ આપવા મથી રહેલ છે, ત્યારે કોઈકે તો એને પૂછવું રહે છે કે 2007થી 2025 લગી સતત સર્વોચ્ચ અદાલતે સલવા જુડૂમ ગેરબંધારણીય અને પ્રજાદ્રોહી હોવાનું જે વલણ લીધું છે એ જોતાં તમે સર્વોચ્ચ અદાલતે પણ નક્સલવાદીની સંરક્ષક-સંવર્ધક કહેશો?
ચૂંટણીપરિણામથી નિરપેક્ષપણે પણ જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીએ જે મૂળભૂત મંથનસામગ્રી સંપડાવી છે તે અવશ્ય સ્વાગતાર્હ છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2025