Opinion Magazine
Number of visits: 9446987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યા જન્માવર યા જગણ્યાવર શતદા પ્રેમ કરાવે

મેહુલ મંગુબહેન|Opinion - Literature|11 January 2016

આત્મહત્યાનો વિચાર કરનારા ખેડૂતોને જીવનની પ્રેરણા માટે જેમનું ગીત મોબાઈલ કોલર – રીંગ ટોન તરીકે પ્રચલિત થાય અને લોકો એમની કવિતા માટે પાપડની જાહેરાતની પણ રાહ જુવે એવી પ્રચંડ લોકપ્રિયતાનાં શિખરે પહોંચ્યા બાદ પર માણસ બદલાઈ ન જાય એવું કેવી રીતે બની શકે ? એવું બને જો એ કવિ મંગેશ પાડગાંવકર હોય તો.

સાહિત્યનાં ક્ષેત્રમાં પ્રતિભા અને પોપ્યુલારિટી બે શબ્દો બહુ જ ગોટાળા કરનારા છે. ઘણીવાર એમ બનતું હોય છે કે જે પ્રતિભા હોય છે એ પોપ્પુલર નથી હોતી અને ક્યારેક એમ બનતું હોય છે કે જે પોપ્યુલર હોય છે એનામાં પ્રતિભાનો લોચો હોય છે. પ્રતિભા અને પોપ્યુલારિટી વિશેની શંકા કાયમ મનમાં રહેતી હોય છે. પ્રતિભા અને પોપ્યુલારિટીનો સમન્વય હોય અને એકેયમાં શંકા ન જાગે એવું બનવું એક વિરલ ઘટના છે. ગત અઠવાડિયે જેમનું અવસાન થયું તે મરાઠી ભાષાના કવિ મંગેશ પાડગાંવકર ઉચ્ચતમ પ્રતિભા અને તેના થકી જ પ્રચંડ લોકપ્રિયતા મેળવનાર વિરલ વ્યક્તિત્વ હતા. દેશની કોઈપણ ભાષામાં કોઈ અખબારે કોઈ કવિના અવસાન નિમિત્તે નવ પાનાનું કવરેજ કર્યું હોય એવું આ લખનારે કદી વાંચ્યું-સાંભળ્યું નથી. ૧૦ માર્ચ ૧૯૨૯માં મહારાષ્ટ્રના સિન્ધદુર્ગ જિલ્લાના વેનગુરલા ગામમાં જન્મેલા મંગેશ પાડગાંવકરે ૧૪ વર્ષની ઉંમરે એમની શબ્દસફરની શરૂઆત કરી હતી. ૨૦૧૫માં અવસાન થયું ત્યાં સુધીમાં તેમનાં નામે ચાલીસેક પુસ્તકો બોલે છે અને એમાં આઠ-દસને બાદ કરતા તમામ કવિતાના. એ સિવાયના તેમાં કબીર-સુરદાસ-મીરાંબાઈની કવિતાનો મરાઠી અનુવાદ, રોમિયો જુલિયેટ, જુલિયસ સિઝર તેમ જ બાઈબલનો અનુવાદ અને પોતાની કવિતા સફર પરનું પુસ્તક "શોધ કવિતાચે" અને ઉમદા બાળગીતો પણ ખરા.

વાચકમિત્રો આ લેખનું જે મથાળું છે એ મંગેશ પાડગાંવકરરચિત ગીતનું મુખડું છે. એના શબ્દો છે "યા જન્માવર યા જગણ્યાવર શતદા પ્રેમ કરાવે" મતલબ, આ જન્મને અને આ જગતને સો વાર પ્રેમ કરવો જોઈએ. આ ગીતમાં મંગેશ પાડગાંવકર કાળી માટી, વરસાદ અને અંધકારના દરવાજે નક્ષત્ર-તારાઓની વેલની વાત કરીને જીવનને ચાહવા માટે આહ્વાન કરે છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાઓ અત્યંત ક્રૂર અને પેચીદો સવાલ છે ત્યારે આ ગીત ખેડૂતોને જીવનપ્રેરણા આપવા મોબાઇલ ફોનની કોલરટયૂન – રિંગટયૂન તરીકે પ્રચલિત થયું હતું, આથી વધુ એક કવિતા શું હાંસલ કરી શકે ? મંગેશ પાડગાંવકરની જ અન્ય એક કવિતાની પંક્તિ "પ્રેમ માઝા પ્રેમ આસ્તે, તુમચા આમચા સેમ આસ્તે" ( મતલબ પ્રેમ એ પ્રેમ છે, તારો અને મારો એકસરખો છે.) એક ગે છોકરાની મમ્મીએ તેનો સામાજિક સ્વીકાર કરતી વખતે ઉચ્ચારી હતી. ૮૬ વર્ષનું ભરપૂર આયુષ માણનાર મંગેશ પાડગાંવકરે એમની કવિતાઓમાં જેટલી ત્વરાથી માનવસહજ સંવેદનાઓ પ્રેમ, આનંદ, કરુણા, કુદરતને ઝીલી છે એટલી જ તીવ્રતાથી એમને અસમાનતા, ભય અને શોષણને પણ ઝીલ્યા છે. એમના "ઉદાસબોધ" અને "વિદુષક" સંગ્રહોમાં વ્યવસ્થા અને પરંપરા સામે જબરદસ્ત આક્રોશ અને રાજકીય ચાબખાઓ જોવા મળે છે. જો કે, એ સંગ્રહ સિવાય "સલામ" સંગ્રહની નામી કવિતા "સલામ" એ શિરમોર અને ખૂબ પ્રચલિત છે. ગુજરાતમાં આજે પણ એ કોઈને કોઈ મંચ પર દર વર્ષે સંભળાતી-ભજવાતી રહે છે. સલામ કવિતાનો ગુજરાતી અનુવાદ સુરેશ દલાલે કરેલો અને આ લખનારે ૧૯૯૯માં એના કોલેજકાળમાં પહેલીવાર હાલના કવિ-નાટ્યકાર અને એ વખતે અધ્યાપક સૌમ્ય જોષીનાં મુખે સાંભળી હતી. સલામ કવિતા મૂળ મરાઠીમાં કવિ મંગેશ પાડગાંવકરનાં સ્વમુખે યુટ્યુબ પર ઉપલબ્ધ છે અને ચૂકવા જેવી નથી.

સલામ કવિતાનું પઠન કરતી વખતે મંગેશ પાડગાંવકર બોલેલા કે, હું જન્મ્યો ત્યારથી જ ડરતો આવું છું. મા કહે લે દૂધ પી નહીં તો પોલીસ પકડી જશે, ભય. દેવોને પગે લાગ નહીં તો દેવ તને શિક્ષા કરશે, ભય. જેમ જેમ હું મોટો થતો ગયો એમ એમ ઊંચા ઊંચા શબ્દો જેમ કે પ્રેમ, વિશ્વશાંતિ, દયા, કરુણા, અહિંસા એવા તોતિંગ શબ્દો મારા કાને અફળાવા લાગ્યા પણ નાનપણથી જોતો હતો અને જાણતો હતો તે એક જ ભય અને શોષણ. આ ભય અને શોષણમાંથી સલામ કવિતા સર્જાઈ છે. આ કટાક્ષ-વ્યંગ કવિતામાં દરેકને સલામ ઠોકનારા ગરીબડા માણસની વાત છે. શરૂઆત કંઈક આવી છે

સલામ સબકો સલામ
જેના હાથમાં દંડો તેને સલામ
લાતના ભયથી ડાબો હાથ કૂલા પર રાખીને જમણે હાથે સલામ
જોનારને સલામ, ન જોનારને સલામ
વેચાતું લેનારને સલામ, વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ
સલામ ભાઈ સબકો સલામ
ડોળા કાઢેલી દરેક આંખને સલામ
સિંદૂર થાપેલા દગડને સલામ
લાખો ખર્ચીને બાંધેલાં દેવાલયને સલામ
દેવાલયનાં દેવની ધાકને સલામ
દેવ અને ધર્મનો કોન્ટ્રાક્ટ લેનારને સલામ
ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર ભૂવાને સલામ
હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ
શનિને સલામ, મંગળને સલામ
ભીતિના પ્રત્યેક ઠેકેદારને સલામ

કટોકટી કાળનાં ઓછાયામાં લખાયેલી આ કવિતામાં મંગેશ પાડગાંવકર ભય અને શોષણને લીધે સર્જાયેલી સમાજની દયનિયતા, અસહાયતાને એટલી સલુકાઈથી રજૂ કરે છે કે કવિતા ગળામાં રોકાઈ ગયેલા શ્વાસ જેવી બની જાય છે. એક પણ બુંદ લોહી વહાવ્યા વગર દ્રોણના કૂતરાને ભસતો બંધ કરી દેનારા એકલવ્યનાં તીરની જેમ આ કવિતા આપણી બધી ફાંકાફોજદારીની બોલતી બંધ કરી દે છે. દેશની સુદાત્ત-સુમંગલ પરંપરાઓ પર કરપીણ કટાક્ષ સાથે કવિ પોતાની નપુંસકતાને પણ સલામ બજાવી દે છે. આ કવિતા વાંચતી વેળાએ મંગેશ પાડગાંવકરે એક વાર કહ્યું હતું કે, ભય અને શોષણના પાયા પર ઊભેલી અને ખોટા શબ્દોથી હિલોળતી આપણી જે સંસ્કૃિત છે એને રોકવા માટે મારી પાસે શસ્ત્રો નથી, હું નબળો માણસ છું અને મારી પાસે આ એક ટાંકણી જ છે. મંગેશ પાડગાંવકરની નમ્રતા જુઓ કે પોતાની માસ્ટરપીસ સમાન આ કવિતાને એ એક ટાંકણી સાથે સરખાવે છે.

અનેક કવિતાઓ ઉપરાંત ગત અઠવાડિયે જેની નોંધ લીધી હતી તે સાવિત્રીબાઈ ફુલે વિશ્વવિદ્યાલયનું જ્ઞાન અને કર્મની વાત કરતું ગીત પણ મંગેશ પાડગાંવકરે લખ્યું છે. એ ઉપરાંત નાસિક વિશ્વવિદ્યાલય અને કોલ્હાપુરના શિવાજી વિશ્વવિદ્યાલયનાં ગાન પણ એમણે જ લખ્યા છે. એક રસપ્રદ વાત એ પણ કે થોડાં વર્ષ એમણે પાપડ બનાવતી એક કંપનીની જાહેરખબર માટે પણ લખ્યું. આવું ઘણા કવિઓ પોતાનું નામ ન આવે એ રીતે લખતા હોય છે પણ મંગેશ પાડગાંવકર નામ સાથે કવિતા લખતા. અલબત, એ જાહેરખબર નહીં પણ કવિતા જ લખતા. એમની કવિતા અને પાપડને કંઈ લેવાદેવા ન હોય તો પણ મંગેશ પાડગાંવકરની કવિતા માટે લોકો જાહેરખબરની પણ વાટ જોતાં. મંગેશ પાડગાંવકરની થોડી ચૂંટેલી કવિતાઓનો એક ગુજરાતી અનુવાદિત સંગ્રહ થયેલો છે. ગુજરાતી સાહિત્યને મંગેશ પાડગાંવકરથી પરિચિત કરાવવાનો યશ સુરેશ દલાલને જાય છે. સુરેશ દલાલ અનુવાદિત એમની બીજી એક કવિતાની થોડી પંકિતઓ જોઈએ તો …

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે આપણાં ખમીસને ખીસું નથી હોતું,
તે પેલીનો હોય છે
પેલી તેની હોય છે
કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં
જેવો સુંદર દેખાય
તેવા આપણે સુંદર હોઈએ છીએ.

મંગેશ પાડગાંવકર અહીં પ્રેમને ગજવાં અને શરીરની સુંદરતાની બહાર કાઢી આપે છે. એ કદાચ મુંબઈના કોઈ સામાન્ય માણસના પ્રેમની વાત કરે છે. કવિ કહે છે કે પ્રેમ કરનાર માણસ અનોખો જાદુગર બની જાય છે, આગળ વાંચો,

દુબળી પાંસળીમાં
ગંધે ઊભરાઈ જતા ફૂલબાગ ખીલવનાર
ક્યારેક પણ કદીક પણ કોઈએ એક કાળે
પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ
તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.
તેનો હોય પંચોતેર બેઝિક તો પણ
તેણે તેને સાદ કરવો રાજા કહીને.
તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને
પાણી છાંટેલો જુઈનો ગજરો છ પૈસાનો,
(અચ્છી વસતીમાં તે રાતના સસ્તો મળે છે.)
છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,
લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને
તે બંનેએ કહેવાનો "શયનમહલ"
આ બધું સોગંદ ખાઈને કહું છું કે, સાચુ હોય છે
કારણ કે જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે જ આપણે સાચા હોઈએ છીએ…

આશા રાખીએ કે મોજીલાં બાળગીતો અને વીંધતી-વહાલ કરતી કવિતાઓવાળા મંગેશ પાડગાંવકર કયારેક સમગ્ર કવિતાઓ સાથે ગુજરાત લગી પહોંચશે અને મરાઠી ભાષાના વાચકોની જેમ એ આપણને પણ જિંદગીને શતદા પ્રેમ કરવાનું શીખવશે.

સલામ મંગેશ પાડગાંવકર, બેઉ હાથે શત શત સલામ!

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘સાદ સંવાદ’નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 જાન્યુઆરી 2016

http://www.sandesh.com/article.aspx?newsid=3217584

Loading

11 January 2016 admin
← ધાજો, ભેરુ !
गांधी के आख़िरी सालों की वो अनदेखी तस्वीरें →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved