Opinion Magazine
Number of visits: 9446983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંગાપોર ડાયરી

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Opinion|6 January 2016

ત્રણ દાયકા પછી આ ટાપુ રાજ્યની મુલાકાત પુત્રો-પુત્રી પરિવારના સથવારામાં થઈ રહી છે અને એ પણ એ મોકા પર જ્યારે સિંગાપોર હજુ એના 50 વર્ષ સ્વતંત્રતાના જલસાના મૂડમાં છે. 9 ઓગષ્ટ 1965ના દિવસે એ ટાપુ રાજ્યને મલેશિયા રાજતંત્રથી ધકેલી મૂકવામાં આવ્યું, કારણ કે સિંગાપોરની પ્રજા મોટે ભાગે – ટકાવારીમાં 75 – ચાઈનીઝ હતી અને મુસ્લિમ રાજ્યમાં એને સમાવવામાં એ વખતના મલેશિયાના પ્રધાન મંત્રી તૂન્કુ અબ્દુલ રહેમાન કબૂલ કરવામાં આનાકાની કરતા રહ્યા હતા.

સિંગાપુર ખાતે નાતાલની મિજબાની ટાંકણે મિસ્ત્રી પરિવારવૃંદ. હાલે પડાઈ આ છબિમાં, ડાબેથી, કિરણ નેવિલ, ઝારા નેવિલ, સારા મિસ્ત્રી, દલજિત મિસ્ત્રી, પ્રફુલ્લ મિસ્ત્રી, કિરણ મિસ્ત્રી, કેલર નેવિલ, દીપિકા નેવિલ, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, નીલા મિસ્ત્રી, બ્રાયસન નેવિલ, કૃષ્ણા મિસ્ત્રી તેમ જ કિયરન મિસ્ત્રી દૃષ્ટિમાન છે.

એક નાનો 640 સ્કવેર માઇલ વિસ્તાર ધરાવતો સિંગાપોર ટાપુ. લીક વાન ક્યુએ પ્રધાન મંત્રી તરીકે બાગદોર સંભાળી, ત્યારે એમ લાગતું રહ્યું હતું કે આ નાના નવા રાજ્યનું ભવિષ્ય કેવું હશે. પરંતુ, આ બાહોશ વકીલ પાસે નવા રાષ્ટ્રના રાહબર બનવા માટે મોટા ગુણો અને દીર્ઘ દૃષ્ટિ હતી અને એને એના 75 ટકા ચાઈનીઝ અને 10 ટકા ભારતીયવાસી અને બીજા અન્ય દેશબંધુઓ પર ભરોસો હતો કે એમની કામ કરવાની ધગશ અને ઈમાનદારી આ દેશને આબાદ બનાવશે. ખાસ તો લીક વાન ક્યુની પાસે રાષ્ટ્રને આબાદ કરવાનો એક મંત્ર હતો અને સ્વપ્ન હતું, “Of a more just and more equal society”.

આજે આર્થિક વિકાસના આંકડાઓ (GROSS NATIONAL PRODUCT) જોતા, સિંગાપોરના જન્મદાતા લીક વાન ક્યુની શ્રદ્ધા અને સ્વપ્ન સાકાર થતાં દેખાઈ રહ્યાં છે. બ્રિટિશ સામ્રાજયથી છૂટા પડ્યા તે વર્ષ 1959ના રોજ સિંગાપોર વતનવાસીની GDP 400 ડોલર હતી. ત્રણ દાયકા પછી 12,200 ડોલરની થઈ અને 1999માં બાવીસ હજાર ડોલર. છેલ્લા પંદર વર્ષમાં એની હરણફાળમાં મોટી ટકાવારી નોંધાઈ છે.

લીક વાન ક્યુ આ વર્ષના માર્ચ મહિનામાં મોટી ઉંમરે – 90 વર્ષની – શિવધામ સીધાવ્યા, ત્યારે આ ટાપુ રાજ્યની જાહોજલાલી અને આબાદી (10 લાખથી પચાસ લાખે) અને નામ અગ્નિ એશિયાના દેશોમાં મોખરે અને માનભરી રીતે લેવાઈ રહ્યું છે. આ દેશની અસ્મિતા અને ઓળખ લીક વાન ક્યુની દૂરંદેશી અને રાહબરીનું પરિણામ છે, આજે આ રાષ્ટ્રપિતાની ખોટ આવી છે. આજુબાજુના પાડોશી દેશો સાથે સારા સંબંધો બાંધવામાં સખત મહેનત કરતા હતા, ખાસ કરીને મલેશિયા અને ઇન્ડોનેશિયાને રીઝવવામાં મણા નથી રાખી. ભારત માટે લીક વાન ક્યુ ખાસ પ્રેમ અને લાગણી ધરાવતા. જવાહરલાલ નહેરુ સાથે એમનો અંતરંગ નાતો રહ્યા કર્યો. એમણે એમના સંસ્મરણોમાં લખ્યું છે કે, નહેરુજી એમના માટે એક પ્રેમાળ અને પારદર્શક મોટા ભાઈ જેવા રહ્યા હતા. એવો જ નજીકતાનો સંબંધ ઇન્દિરા ગાંધી સાથે ચાલુ રહ્યો. રાજ્યની એકતા માટે નહેરુજીની સલાહ રહી હતી કે અંગ્રેજી ભાષા સિંગાપોરની રાષ્ટ્રીય ભાષા બની રહે. એ સલાહ એમને ગમી ગઈ હતી કારણ કે એકતા લાવવામાં એ મજબૂત સાધન બની રહેવાની. આવા કારણોસર સિંગાપોરનું અસ્તિત્વ અને એકતા જોખમાઈ નથી પરંતુ મજબૂત બની રહી છે.

સિંગાપોરની મોટામાં મોટી સફળતા એટલે એ રાષ્ટ્રની એકતા અને ઓળખ. વતનવાસીઓ પોતાની ઓળખ ચાઈનીઝ કે ભારતીય કે બીજી કોઈ ધાર્મિક ઓળખ આપતા નથી. તેઓ પૂરેપૂરા સિંગાપોરીઅન બનવામાં અનહદ આનંદ અને ગૌરવ અનુભવે છે. તેઓ જોરશોથી કહેતા રહે છે કે દુનિયાના નકશામાં અમારું રાષ્ટ્ર – અમારો દેશ – એક ‘RED DOT’ લાગે પણ અમારી પહેચાન – ઓળખની મજબૂતાઈ બીજા કોઈ મોટા દેશથી ઓછી નથી.

આ સિંગાપોરની પ્રગતિની હરણફાળમાં રાષ્ટ્રની ઓળખ અને એકતા અને પ્રજાના ગૌરવનો મોટો ફાળો રહ્યો છે. સિંગાપોરની સરખામણીમાં હોન્ગકોન્ગ જે વિસ્તાર, ક્ષેત્રફળ અને વસ્તીમાં સમાન છે, છતાં હોન્ગકોન્ગની પ્રજા અને રાષ્ટ્ર પોતાની ઓળખ કેળવવામાં સખત મૂંઝવણ અનુભવતું રહ્યું છે. ચાઈના દેશની નજીકતાના દબાણમાં પોતાપણું ગુમાવે એ દ્વીધામાં રહ્યા કર્યું છે. ખેર, આર્થિક ક્ષેત્રે અને વિકાસમાં બન્ને ટાપુ રાજ્યો સરખા રહ્યા કર્યા છે. પૈસા અને વૈભવ, સુખ-સાહ્યબીઓ અને સુવિધાઓમાં સમાનતા રહ્યા કરી છે. એમના મોટા પહોળા રાજમાર્ગ, રસ્તાઓ, સડકો અને આજુબાજુમાં વસાવેલી હરિયાળી કુદરત અને કાચ-કોન્ક્રીટની ગગનચુંબી ઈમારતો અને રહેઠાણો આંખને ઠારે, પરંતુ આવા વાતાવરણમાં રહેતા વતનવાસીઓ ગૂંગળામણ અનુભવતા હશે એવો અહેસાસ રહ્યા કરે.

અગ્નિ એશિયાનો ત્રીજો ટાપુ દેશ તાઈવાનના સમાચાર વાંચતા લાગતું રહ્યું કે એ રાષ્ટ્ર પણ પ્રગતિની હરણફાળ – ચૂહા-દોડમાં સામેલ છે. એ ત્રણે ટાપુ રાજ્યો વિજ્ઞાનક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવામાં અને અમેરિકા, યુરોપ, ઈઝરાયેલ અને ભારત દેશોનું અનુકરણ કરવામાં પાછળ નથી. ડિસેમ્બરની 17 તારીખે સિંગાપોર રાષ્ટ્રે પોતાના છ અવકાશયાનોને મોકલવામાં ભારતની મદદ લીધી અને શ્રી હરિકોટાએ આંધ્રપ્રદેશથી સફળતાથી 200 માઇલની ઊંચાઈએ તેને અવકાશમાં રવાના કર્યા.

10 દિવસના અનુભવથી – વાંચનથી એટલું કહી શકાય કે એ ત્રણે ટાપુ રાષ્ટ્રોની પ્રજામાં બાહુબળ છે, સખત પરિશ્રમ, દીર્ઘ દૃષ્ટિ અને દેશાભિમાનથી પશ્ચિમી દેશોની પ્રગતિની સરખામણી કરી શકે એમ છે. એને માટે એક અહીંના પત્રકારના અભિપ્રાય પ્રમાણે,

‘They need not abandon, their basic and cultural values like thrift, hard work, emphasis on scholarship, loyalty to family, clear and the wider nation, always placing community interest above  individual interest.’

આ બધું છતાં લાગતું રહે કે સમય બળવાન છે, સમયના વહેણ બળવાન છે, અને પ્રગતિ માટેની  ચૂહા-દોડ અને પશ્ચિમી વિચારધારાના વાયરાઓ એનાથી બળવાન છે. આ બધું અટકવું અથવા અટકાવવું મુશ્કેલ છે. આ બધું નિહાળતા આપણા ગઝલકાર્, કવિમિત્ર દીપકભાઈ બારડોલીકર બોલી ઊઠે છે : 

શહેર સળગે છે, ગામ સળગે છે
સૃષ્ટિ કેરો સુહાગ સળગે છે.
રાજકારણની બાજે કરતાલો
માણસાઈની સાંજ સળગે છે.

22 ડિસેમ્બર 2015:

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીની સિંગાપુર લટાર : જૂના સંસદ ભવનમાંના 'આર્ટ હાઉસ'ની મુલાકાત

•••••••••••••••••••••••••••

ચીની ભય – બહાર અને અંદર

પેસિફીક સમુદ્રના દેશો – સિંગાપોરથી માંડીને મલેશિયા, ઈન્ડોનેશિયા, વિયેટનામ, કમ્બોડિયા, ફીલિપાઇન્સ અને કોરિયા વગેરે ચીન દેશના આક્રમક વલણથી અને વિચારધારાથી ગભરાઈ રહ્યા છે. જાપાન અને ભારત દેશો પણ ચીનની આ ભયની છાયા તળે સામેલ છે. સિંગાપોરથી પ્રકાશિત થતા ડિજિટલ અખબાર, “To-Day”માં ભારતીય પત્રકાર અને લેખક બ્રહ્મા છેલ્લાનીએ ચીનને Asian Juggernautની ઉપમા આપી; અને લખે છે કે ચીનનો South China Sea પરનો કબજો કરવાની નીતિરીતિ ખતરનાક છે. આ દરિયાઈ ધોરી માર્ગ પર અગ્નિ એશિયાના દેશોનો વેપાર-વાણિજ્યની 6 ટ્રીલિયન ડોલર કિંમતની આવન-જાવન રહે છે અને ખાસ તો આ દરિયાઈ વિભાગમાં એક મોટો ખનીજ તેલનો જથ્થો હોવાની શક્યતા છે.

ચીન આ સમુદ્ર તટમાં – જાપાન અને ફીલિપાઇન્સ દેશોની નજીકના વિસ્તારમાં – સાત નાના મોટા ટાપુઓ બનાવી રહ્યું છે. આ સમુદ્રના ધોરી માર્ગ પર ચીનની કબજો કરવાની આતુરતા અને આક્રમક નીતિ. બ્રહ્મા છલ્લાની કહે છે, ‘could easily fuel tensions and turn into all out conflict derailing Asia’s rise.’

ચીન દેશના આ ખતરનાક આક્રમતાના સમાચાર સિંગાપોરના માધ્યમોમાં અને આજુબાજુના દેશોના માધ્યમોમાં ખૂબ ચર્ચાઈ રહ્યા છે. અમેરિકા ચીનને અસરકારક રીતે પડકારી શકે નહીં એવી માન્યતા ઘેરી બનતી જાય છે. અમેરિકાની નીતિ આ દેશોને લશ્કરી તાકાત મજબૂત બનાવવાની રહ્યા કરે, એવું લાગે છે જેથી એ દેશોની પ્રજા સલામતી અનુભવે. બ્રહ્મા છલ્લાની એવા તારણ પર આવ્યા છે કે ચીન ધીરે ધીરે South China Sea પોતાના કબજામાં લઈ લેશે તો, ‘It will become more assertive in the Indian Ocean and the Western Pacific and flout maritime international rules and norms.’

ચીનનો આ જગન્નાથનો ભયંકર રથ નાના મોટા દેશોને પોતાના વિરાટ પૈડામાં કચડી નાંખશે ? ચીનની આ આક્રમકતા બહારના દેશો સાથે જ નહીં પરંતુ ચીનની અંદર પણ ફેલાઈ રહી છે.  

છેલ્લા 30 વર્ષમાં ચીનની ઉદાર વેપાર નીતિથી બનેલાં કરોડાધિપતિઓ, અમીરો અને ધનવાનોને ચીની સરકાર નાનામોટા પડકારો આપી રહી છે. એક યા બીજા બહાના શોધી, તેઓને શોધી અને પકડી જેલમાં ધકેલતી થઈ ગઈ છે. એ ધનવાનો અને ઉદ્યોગપતિઓ ભય અને ભયના ઓથારમાં જીવી રહ્યા છે. એક અનુભવી પત્રકાર લખે છે, ‘There is a brewing potential clash of power and money in China. Hundreds of recently minted billionaires feel the end of the easy relationship between them and power.’

ચીનનો એક બહુ જ જાણીતો અને અમેરિકન કરોડો-અબજોપતિ વોરન બીટી કક્ષાનો 48 વર્ષીય ગુઓ ગુઆનોચેન્ગ ઉદ્યોગપતિ આ ડિસેમ્બર મહિનામાં અચાનક ગુમ થવાના સમાચાર ઘણાં જ સનસનાટીભર્યા રહ્યા કારણ કે, ‘when the Warren Buffet of China disappears, that’s a big deal.’

કહેવાય છે કે 2003ની સાલમાં ચીનમાં આટલા મોટા પૈસાદાર ઉદ્યોગપતિઓ ન હતા. છેલ્લાં દશ-બાર વર્ષમાં 1900 અબજપતિઓ ઉત્પન્ન થયા છે અને એ બધાની કુલ આવક ભારત અને રુશ રાષ્ટ્રોને શરમાવે; બંન્ને રાષ્ટ્રોના GDP કરતાં પણ વધારે ! ચીન સરકારની કડક અને અણધારી નીતિ આ લોકોને સતાવે છે. શક્યતા વર્તાઈ રહી છે કે આ લોકો પોતાના પૈસા-ઘરબાર કુટુંબોને ખસેડી પરદેશ સિધાવે. એમાંના એક ઉદ્યોગપતિએ વિધાન કર્યું કે, ‘If entrepreneurs suffer, the entire nation will suffer.’

ચીનનું જૂના યુગનું MIDDLE KINGDOM, પોતાને સર્વોચ્ય સત્તા માનતું ગર્વીલું, રાષ્ટ્રની સવારી આવી રહી છે, બા હોંશિયાર !

23 ડિસેમ્બર 2015

°°°°°°°°°°°

ભારતીયવંશી સિંગાપોરિયન બુદ્ધિવિદો

અહીંની પ્રખ્યાત યુનિવર્સિટી THE NATIONAL UNIVERSITY OF SINGAPORE પર મને લગાવ રહ્યા કર્યો છે, કારણ કે એક ભારતીયવંશી પ્રોફેસર કિશોર મહેબૂબાની ભણાવે છે અને દુનિયાના બુદ્ધિજીવીઓમાં એમનું નામ આદરથી લેવાય છે. મોટા જાણીતા અખબારો જેવા કે THE GUARDIAN અને THE NEW YORK TIMESમાં એમના મનનીય, ચિંતનસભર લેખો, પુસ્તકોની સમીક્ષાઓ, વિવરણ વગેરે પ્રકાશિત થાય છે. થોડા વખત પર લખાયેલ એમના પુસ્તક THE GREAT CONVERGENCE પરની સમીક્ષા વાંચવા-મનન કરવા મળી હતી. પ્રોફેસર મહેબૂબાની સિંગાપોર દેશના UNITED NATIONS PERMANENT REPRESENTIVE રહી ચૂક્યાં છે. લીક ક્વાન ક્યુના એ એક વખતના રાજકારણીય સલાહકારનો હોદ્દો ય સંભાળતાં. આ યુનિવર્સિટી મારી પુત્રી દિપીકા અને જમાઈ કેલર રહે છે એની નજદીકમાં છે. પ્રોફેસર મહેબૂબાની જે વિભાગમાં ભણાવે અને સંભાળે છે એ વિભાગ LEE KWAN YEW SCHOOL OF PUBLIC POLICYની મુલાકાત અને આસપાસ કેમ્પસ જોઈને ચકિત થઈ જવાય; પ્રોફેસરની અંગત મુલાકાત મેળવવાની પેરવીમાં છું અને એ જો સફળ થાય તો માનનીય પ્રોફેસરની મુલાકાતની વિગતોનો અહેવાલ તૈયાર કરવા વિચાર કરી રાખ્યો છે.

એક બીજા વિભાગમાં THE INSTITUTE OF SOUTH ASIAN STUDIESમાં ભારતીયવંશી રિયાઝ હુસેન એ યુનિવર્સિટીના Visiting Research પ્રોફેસર છે. પ્રોફેસર રિયાઝ હુસેન આમ તો THE UNIVERSITY OF SOUTH AUSTRALIA માં DIRECTOR OF THE INTERNATIONAL CENTER FOR MUSLIM & NON-MUSLIM UNDERSTANDINGનો હોદ્દો ધરાવે છે.

સિંગાપોરથી પ્રકાશીત થતાં અખબાર “To-Day”માં પ્રોફેસર હુસેને એક ચિંતન – રસપ્રદ લેખ લખ્યો છે એની આછી ચર્ચા કરી લેવાનો વિચાર રહે છે.

પ્રોફેસર રિયાઝ હુસેનના લેખની કથા વસ્તુ છે CHANGING TRENDS IN THE DEMOGRAPHY OF WORLD RELIGIONS એમનું તારણ એવું રહે છે કે દુનિયામાં મુસ્લિમ ધર્મીઓની સંખ્યામાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે : 2010માં આંકડો હતો. 1.6 BILION; 2050માં એ વધીને 2.7 BILION થશે એનો અર્થ થશે : MUSLIMS will nearly equal Christians, until now the largest religious group in size. આની મોટી અને ઊંડી અસર મુસ્લિમ અને બીન મુસ્લિમ લોકોના સંબંધોમાં પડવાની, આ સંબંધોની જટિલતા અને નાજુકતા સમજવાનો સમય આવી રહ્યો છે. ભાઈચારો અને એકતા લાવવાના પ્રયત્નો કરવા બહુ જ જરૂરી છે અને એ કામ પ્રોફેસર રિયાઝ હુસેન જેવા બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે.

મુસ્લિમ ધર્મીઓની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે એની મોટી અસર દક્ષિણ એશિયાના દેશો જેવા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા પર પડવાની. પ્રોફેસરનું માનવું છે કે, ‘These changes will have repercussion for relationships between Muslims and Non-Muslims especially in South Asia, exacerbating existing tensions or giving rise to new challenges for promoting harmonious inter-religious group relations.’

આ ભારતીયવંશી પ્રોફેસર ભારતમાં વધતી જતી મુસ્લિમોની સંખ્યા અને હિન્દુ પ્રજા જે બહુમતિ ધરાવે છે એની સાથેનો નાતો કેવી રીતે મજબૂત રહે એનો અભ્યાસ કરી રહ્યા છે. ચેતવણીરૂપ પ્રોફેસર હુસેન કહે છે, ‘ભારતના બહુમતી સમાજે વધતી જતી મુસ્લિમ ધર્મીઓની સંખ્યાથી ગભરાઈ જવાની જરૂર નથી કે નથી ઊહાપોહ કરી વૈમનસ્ય પેદા કરવાની. હા, એટલું ચોક્કસ છે કે ભારત દુનિયામાં મુસ્લિમ આબાદી-વસ્તીની દૃષ્ટિએ મોખરે આવી જશે.’ ‘India will become the country with most Muslims in the world with 176 million in 2010 to 310 million in 2050.’

ભારતની રાષ્ટ્રીય સ્તરની સામાજિક, આર્થિક અને રાજકારણીય સંસ્થાઓ માટે આ એક મોટો પડકાર છે. ખાસ તો આજના રાજકારણીઓ માટે પ્રોફેસર રિયાઝ હુસેનનું માનવું છે કે ભારત આ પડકાર ઝીલવા સમર્થ અને શક્તિમાન છે. ‘India has the capacity and the ability to deal with the challenges of all the diversity in population.’

અને રાજકારણીઓને યાદ અપાવવાનું ન હોય કે ભારત દેશના ખૂનમાં વહે છે યુગો જૂની ભાવના : “વસુધૈવ કુટુંબકમ.”

••••••

સિંગાપોરની સ્વચ્છતા – ધાર્મિક સમાનતા

સિંગાપોર ટાપુનું રાજ્ય સ્વચ્છતા, ચોખ્ખાઈ માટે ખાસ જાણીતું છે. ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી કદાચ આ ટાપુની ખાસિયત જોઈને ભારતમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા હોય ! વર્ષો પહેલાં ટાપુ રાષ્ટ્રના પહેલા પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપિતા લીક વાન યુએ રસ્તાઓ પર ફેરિયાઓને ખાણી-પીણી અને બીજા અનેક જાતના માલની હેરાફેરી કરતા અને કચરો ગંદકી ફેલાવતા જોયા હશે અને રસ્તામાં ભીડ ઊભી કરતા જોયા હશે. ત્યારે એમને એક વિચાર આવેલો કે શહેરની ખાસ ખાસ જગ્યાઓ પર એ લોકો માટે સગવડોવાળા STALLS વીજળી-પાણી વગેરે સગવડોવાળી સ્થાનિક મ્યુિનસીપાલટી બાંધી આપીએ. આ વિચારનું બીજ એટલે ટાપુ પર ઠેર ઠેર HAWKERS CENTRES ! આ બધું જોઈ એક પશ્ચિમી કટાર લેખકે લખી નાંખ્યું : HAWKERS CENTRES ARE SO MUCH PART OF CITY STATE’S DNA AND RECOGNIZED AS EXTRA-ORDINARY COMONUAL SPACES FOR ITS CITIZENS.

રાજકારણમાં એક એવી જ ખાસિયત નિહાળવા મળે. જુદા જુદા ધર્મીઓ વચ્ચે વેર-ઝેર કટુતાનો અભાવ; આમ તો અહીંની 75 ટકા વસ્તી ચીની ધર્મીઓની અને પછી આવે મુસ્લિમો અને હિન્દુઓની વસ્તી. આમાં MAJORITARIAN ચીની ધર્મીઓનું વર્ચસ્વ જોવા ન મળે. આ ખાસિયત પર અહીંના એક કટાર લેખકે લખ્યું : Singapore’s founding father Lee Kuan Yew didn’t use religious as a tool for boosting majoritarianism, the political philosophy that suggest a majority group has a primary role in society’s decisions.

સિંગાપોરની આ અહમ ખાસિયતમાંથી ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી માટે એક પદાર્થ પાઠ રહે છે.

°°°°°°°°°°°°°

આશા-અરદાસ

સિંગાપોરમાં ઘરે ઘરે વંચાતું અને બહોળો વર્ગનું માનીતું અખબાર “સ્ટ્રેઇટસ ટાઇમ્સ”(Straits Times)માં એક સિંગાપોરિયન મહિલાની પ્રાર્થના પ્રકાશિત કરવામાં આવી છે. એ મનનીય છે, એનો ભાવાર્થ કંઈક આવો છે :

“મને ભૂલી જવા દો કે જે હવા હું શ્વસી રહી છું,
જ્યાં સુધી એ હવા તાજી છે, માદકતા ભરી છે,
મને ભૂલી જવા દો કે મારી કોઈ જાત-પાત છે
જ્યાં સુધી એક સિંગાપોરિયન, મેલેય, ભારતીય કે અન્યજાતિના તરીકે,
હું એક નાગરિક તરીકે ગૌરવ સભરને સારી રીતે જીવી શકું;
મને ભૂલી જવા દો કે કયા ભગવાનને હું ભજું છું,
જ્યાં સુધી જે જીવનદાતામાં મારી આસ્થા છે કે નહીં,
એ મને શાંતિમાં રાખે અને શાંતિમાં જીવી શકું હું.”

આ અખબારના તંત્રીએ એશિયાઈ નેતાઓમાં ત્રણને મોખરેના ગણાવી લખ્યું : મલેશિયાના મહારથી મોહમ્મદ, સિંગાપોરના લીક વાન ક્યુ, ચાઇનાના ડેન્ગશીઆ પીન્ગ પોતાના દેશોને ટોચ પર લાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી – એ ત્રણેમાં સામાન્ય ગુણ એ રહ્યો કે એમની વિચારધારામાં કોઈ જાતની જડતા ન આવી અને પૂરેપૂરા વ્યવહારિક રહ્યા. They were not ideologically rigid but typically primitive. આ વિચારધારા એમને ભારતના પહેલા પ્રધાન મંત્રી નહેરુની અનોખી વિચારધારા અને નીતિમાંથી મેળવી. Non-alignment કોઈ પશ્ચિમી કે પૂર્વ જૂથમાં કે એવી પક્ષપાતી રણનીતિ રાખવી નહીં.

સિંગાપોરના રાષ્ટ્રપિતા પહેલા પ્રધાનમંત્રી લીક વાન ક્યુ આ વિચાર દર્શનમાં અજબ નિષ્ઠા ધરાવતા હતા. ન તો આ રાહબરે ચીની દેશની પક્ષપાતી કરી કે ન તો પશ્ચિમી મહાસત્તાઓના જૂથમાં ભળ્યા. અને બન્ને પાસેથી મદદ મેળવવામાં અને સંબંધોનો સુમેળ સાધવામાં સફળ રહ્યા. સિંગાપોર પાસે ખેતી કરી શકાય એવી ફળદ્રુપતા ભરી જમીનનો અભાવ, પરંતુ પોતાના પડોશી રાજ્યો મલેશિયા અને ઇન્ડોનેશિયાને પોતાની Rural Hinterland બનાવી ખેતીવાડીનો ભરપૂર મોલ મેળવવામાં Non-alignment સફળ નીતિનો ઉપયોગ કર્યો. ચાઇનાનો પોતાનો એક નાનામાં નાનો ટાપુ 1948થી અલગથી અસ્તિત્વમાં રહ્યો છે અને સિંગાપોર જેટલી જ સમૃદ્ધતા અને જાહોજલાલીમાં જીવ્યો છે. પણ ચીન સાથે દુશ્મનાવટ રહ્યા કરી છે. એ બે દેશોના નેતાઓની મુલાકાત ગોઠવવામાં અને નજદીકતા લાવવાના પ્રયત્નોમાં સિંગાપોરના રાહબરો સફળ રહ્યા. તનાવમાં જીવતા પ્રજાજનોએ થોડી રાહત અનુભવી. એક કટાર લેખકે “Straits Times”માં લખ્યું, ‘using the non-aligned philosophy of Nehru Singapore can become a leading broker of trans-pacific détente.’

••••••••••••

ભારતીય અર્થશાસ્ત્રવિદ – રઘુરામ રાજન

ભારતીય અર્થશાસ્ત્રવિદ રઘુરામ રાજને સિંગાપોરના અખબાર “Straits Times”માં દુનિયાની કથળતી જતી આર્થિક દશા પર વિદ્વતાભર્યો લેખ આપ્યો છે. એમના આ લેખ પર અને એમનું પુસ્તક જે અહીંની અમેરિકન કલબ પુસ્તકાલયમાંથી લઈ આવ્યો છું અને જેનું વાંચન સિંગાપોરના લોકો ખાસ કરતા લાગે છે, એ પુસ્તક Fault Lines : How hidden fractures still threaten the world economy (2010) પરની આછી વાતો કરવાનો હેતુ રહે છે.

રઘુરામ રાજને અમેરિકાની યુનિવર્સિટી ઑફ શિકાગોમાં અભ્યાસ કર્યો હતો. આ યુનિવર્સિટી એટલે ખુલ્લા આર્થિક બજાર(Free Market Economy)ની પાઠશાળા; અને જેમાંથી અત્યાર સુધીમાં 28 જેટલા અર્થશાસ્ત્રના સ્નાતકોએ નોબેલ પારિતોષિક જીતવામાં સફળ થયા છે. આ પારિતોષિક જીતનારામાં ત્રણ મોટા અર્થશાસ્ત્રવિદોનો સમાવેશ થાય છે એ છે મીલટન ફ્રીડમેન, ફેડ્રીક્સ હાયેક અને જોન સ્ટીંગલર. પ્રમુખ રોનાલ્ડ રીગન અને બ્રિટનના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી માર્ગારેટ થેચરની આસ્થા અને વિચાર દર્શન મીલ્ટન ફ્રીડમેન અને ફેડ્રીક્સ હાયેક પાસેથી મેળવાયાં હતા.

આ મહાવિશ્વવિદ્યાલય જેની સ્થાપના 1890માં થઈ હતી અને જેના અભ્યાસક્રમમાં Free Market & Stricter Money Control Of State Spending જેવા વિષયો વણી લેવાતા હતા, એવા વિદ્યાલય-પાઠશાળામાં ભારતના રઘુરામ રાજને અભ્યાસ કર્યો અને એ વિદ્યાલયમાં પ્રોફેસરી પણ કરી. 2003થી 2006ના સમયગાળામાં તેઓ International Money Fundમાં એક આર્થિક સલાહકાર તરીકે કામગીરી બજાવી અને ત્યાર પછી ભારતના મનમોહનસિંઘ રઘુરામ રાજનને Indian Reserve Bank Governorના હોદ્દા પર લઈ આવ્યા. હજુ એ હોદ્દા પર કામ કરતા રહ્યા છે.

રઘુરામ રાજન પોતાના પુસ્તક Fault Linesની પ્રસ્તાવનામાં લખે છે, જે માણસનું વિચારદર્શન Chicagonomicsમાં હોય એમને આટલાં સરસ કામો કરવાની તકો શા કારણે પ્રાપ્ત થઈ. એમાં મારી આસ્થા Pragmatism રહ્યા કરી છે. ભલે આવા વિચાર દર્શનમાં રાચતો રહ્યો છું પણ આ સાચું છે કે રાજકીય ઉદારમતી ધરાવતા અર્થશાસ્ત્રવિદો આદમ સ્મિથ, જેરેમી બેન્કામ અને જોન સ્ટુઅર્ટ મીલ સાથે આ બાબત પર સહમત છું. દેશની સરકાર અમુક ક્ષેત્રોમાં પૈસો વાપરે અને ઉદાર નીતિ ધરાવે – જેવા કે પાયાના ભણતર પર, વિજ્ઞાન ક્ષેત્રના શિક્ષણ પર અને દેશની જાહેરસેવાઓમાં ‘The state should intervene in the economy at times such as the provision of infrastructure, education for the young and the funding of arts, culture and science.’

“ધ સ્ટ્રેઇટસ ટાઇમ્સ”ના લેખમાં એ જ વિચારધારાની વાતો લખી છે. એ લેખમાં એવો ધ્વનિ આવે છે કે અત્યાર સુધીમાં દુનિયાની કથળતી આર્થિક સ્થિતિ માટે સરકારી તંત્રનો મોટો હિસ્સો રહ્યો છે : Global monetary system non monetary બની રહી છે. હવે જરૂર છે free trade and responsible global citizenship sitting the stage for the sustainable growth the world desperately needs.

•••••••

સિંગાપોરની સ્વતંત્ર જ્યુબલી વર્ષ – સમાપ્તિવેળાએ

નેતાગીરીના લક્ષણો પર ઇશારો કરતા પ્રાચીન ચીની ફિલસૂફ લાઓ ત્ઝૂ કહી ગયા હતા : ‘રાષ્ટ્રના રાહબરોના અસ્તિત્વની જનતાને નહિવત જાન-પિછાન હોય એ લોકો ઉત્તમ પ્રકારના નેતા ગણાશે; બીજી અને નીચલી કક્ષાએ નેતાઓ રહે તેને પ્રજાજનો માન-પાનથી બોલાવે, પોંખતી રહે અને છેલ્લી કક્ષામાં આવે એવા રાહબરો જેને પ્રજા નફરતથી જુએ અને વખોડતી રહે.’

પહેલી કક્ષાના નેતાઓ બહુ ઓછું બોલે અને રાષ્ટ્રનાં ઉન્નતિ અને ધ્યેયો પૂરા પાડ્યાં પછી જનતાને બોલી ઊઠવા દો, ‘આ બધું તો અમે કર્યું?’

સિંગાપોરના નેતાઓ પહેલી કક્ષાની નેતાગીરી અજમાવવામાં માને છે અને સફળતાનો બધો યશ પોતાની પ્રજાને આપે છે. સિંગાપોરની 50મી સ્વતંત્રતાની જ્યુબિલી (SG50) અવસરની ઉજવણીઓ સમાપ્ત કરતાં સિંગાપોરના નાણામંત્રી જે જ્યુબિલી અવસરની સમિતિના અધ્યક્ષ હતા એમણે પ્રજાજનોને એક સંદેશ આપતા એમની ભારોભાર પ્રશંસા કરી અને એમને બિરદાવતા એમના છ ખાસ લક્ષણોની કદર કરી. રાષ્ટ્રની એકતા અને સફળતા માટે પ્રજાજનોએ અજબ-ગજબની હામ-હિંમત, ધગશ અને ઇમાનદારી દાખવી છે. કહ્યું ‘આપણામાં Resourcefulness Resilience Responsibility સાથે Harmony Integrity અને Empathyના લક્ષણો ભરપૂર પ્રમાણમાં જોવા મળ્યાં.’

વળી તેઓએ સિંગાપોરના ભૂતકાળના નેતાઓ, રાષ્ટ્રના સ્વતંત્રતા સેનાનીઓ અને ઘડવૈયાઓને પણ ખાસ યાદ કર્યા અને ભાવભીની અંજલિ આપી. લીકવાન યુ, ડૉ. ગોહ વિગેરે રાહબરોએ રાષ્ટ્રને તખ્તા પર લાવવા અને પ્રગતિના ટોચ પર લાવવા એમના પ્રત્યે ઋણ પ્રગટ કર્યું. ભારતીય જનતા પક્ષના નેતાઓએ અને ભારતના પ્રધાન મંત્રીએ સિંગાપોરનો દાખલો ધ્યાનમાં રાખવા જેવો છે. ભારતના ઘડવૈયાઓ, નહેરુ, ઇન્દિરા ગાંધી, નરસિંહરાવ, મનમોહનસિંઘ જેવાની સિદ્ધિઓ કે યોગદાન ભૂલવવામાં કે ઇતિહાસમાંથી ભૂંસી નાખવામાં ક્યાંયે ડહાપણ કે શાણપણ નથી.

હવે પછીના બીજા પાંચ દાયકામાં સિંગાપોરનું ભવિષ્ય નિર્માણ કરવા 30 પ્રતિનિધિઓની એક સમિતિ રચવામાં આવી છે. નાણા મંત્રી આ સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે જેમાં બે-ત્રણ સરકારના મંત્રીઓ સિવાય વેપાર-ઉદ્યોગ-ટેકનીકી બાબતના પ્રતિનિધિઓ હશે. પરંતુ મોટા ભાગના પ્રતિનિધિઓ સામાન્ય નાગરિકોમાંથી લેવામાં આવશે. આ સમિતિના ઉદ્દેશો નિર્દેશ કરતાં નાણા મંત્રીએ કહ્યું કે આપણી એકતા જાળવી (OF ONE PEOPLE) સિંગાપોરની આર્થિક સ્થિતિને હજુ વધારે મજબૂત બનાવવાની છે. Let us start another new phase of our nation building.

“The Straits Times”ના તંત્રી લેખનો સંદેશો રહ્યો કે દુનિયાના બીજા દેશો સિંગાપોરની સખત સ્પર્ધા – બરોબરી કરી રહ્યા છે એવે સમયે the city state has to be more than itself to retain its competitive edge.

પાછળ પડવામાં એક મોટો ખતરો રહેવાનો કારણ કે, the globalized map of land, labor, capital and information is being redrawn with rapidity that will down economy laggards.

•••••••••••••

સિંગાપોરના Shipyardsનો આથમતો સૂર્ય

સિંગાપોર દેશના ઘડવૈયાનું એક વિધાન છે કે Air Conditioning અમારું સારું હવામાન છે અને Air-conditioner વીસમી સદીની મોટામાં મોટી શોધ, જો એ ના હોત તો અમારા દેશવાસીઓ ઝાડની છાયા નીચે સમય પસાર કરતા હોત અને દેશ ગરીબ રહ્યો હોત.

આ કારણસર સિંગાપોરની છાપ ચોખ્ખી ચટાક, Air conditionerમાં સજ્જ-ધજ્જ ધમધમતી High-tech factories અને પ્રયોગશાળાઓ અને ઘરબારો અને વાત પણ સાચી. આ નાના ટાપુ દેશમાં તસુભર ખુલ્લી-ખાલી જગ્યાના અભાવમાં Heavy & Manufacturing Industries હોવી એ અશક્ય ગણાય.

પરંતુ અહીં ફરતા ફરતા એક વિરુદ્ધ અજાયબી જોવા મળી. 1970ના દશકામાં જ્યારે બ્રિટને આ ટાપુને સ્વતંત્રતા આપી ત્યારે અહીંની બેરોજગારી ટાળવા દેશના ઘડવૈયા – લીકવાન યુ, ડૉ. ગોહ કેન્ગ અને હોન સ્યુ સેને નક્કી કર્યું કે દરિયા કિનારાના પ્રદેશોને વાપરી જંગી જહાજો બાંધવા મોટા shipyards બનાવવામાં આવે. જાપાન અને બ્રિટનના સાથ-સહકારથી એ સ્થપાયા અને દેશને માટે ભારે મૂલ્યવાન રહ્યા. 2012 સુધીમાં એની પેદાશ અને નિકાસ 15 બિલિયન ડોલર રહી અને એક લાખ જેટલા દેશવાસીઓને રોજગારી આપી.

છેલ્લાં થોડાંક વર્ષોમાં Ship buildingમાં કટોકટી – ઓટ આવી છે. જાપાન, બ્રિટન, જર્મની વગેરે ધનાઢય દેશોમાં Shipyards બંધ થતા રહ્યા છે. સિંગાપોરના નેતાઓને લાગવા માંડ્યું છે કે હવેનાં વર્ષોમાં આ ધંધો ખોટનો છે અને Future ready અર્થતંત્રમાં માનનાર સિંગાપોર દેશે કંઈક નવા પગલાં ભરવાં જોઈએ. એક સિંગાપોરિયન અર્થશાસ્ત્રી પોતાનો અભિપ્રાય આપતાં લખે છે : It is time for Singapore to apply Schumpeter’s principles of creature destruction and put in place what they call the first integrated floating ship yard in the world.

આ વ્યવસ્થા કેવી હશે, ખર્ચાળ હશે એ કહેવું અઘરું છે પણ આ અર્થશાસ્ત્રી પોતાના અભિપ્રાયને સમેટતા લખે છે : In doing so one of Singapore’s icons may yet see another new decade more.

••••••••••••

સમાપન વેળાએ 

સિંગાપોરનું ત્રણ અઠવાડિયાનું રોકાણ શુક્રવાર 8 જાન્યુઆરીના દિવસે પૂરું કરી શનિવારે સટન પહોંચતા અહીંના ભીજું ઠંડું વાતાવરણની અસર યાદ અપાવી ગઈ કે ધરતીનો છેડો એટલે ઘર. દીકરી દીપિકા અને જમાઈ કેલરનું આગ્રહભર્યું આમંત્રણ છતાં રોકાણ લંબાવવાની ના પાડી કારણ એટલું જ કે આ શહેર – રાજ્ય એટલું મોટું MEGAPOLIS અને આજુબાજુનું વાતવરણ અને ખીચોખીચ બંધારણ એવું કે અમારા જેવા વડીલ અને નિવૃત્ત માણસો ગુંગળામણ અનુભવે અને બધું અળગું અળગું IMPERSONAL લાગ્યા કરે. અહીં બધું ટેમસર અને સ્માર્ટફોન પર ચાલતો જીવનવ્યવહાર. તમે બહાર લટાર મારવા નીકળો તો દીપકભાઈ બારડોલીકરની એક ગઝલના શબ્દો યાદ અપાવે : 

“હું અહીં છું એકલો

સાંજ હો કે સવાર

મન અજંપો ખળભળે”

આ તો રહ્યો અંગત અનુભવ; તટસ્થ અભિપ્રાય અને ગહનચિંતન માટે કોઈ સારા કવિ  દીપકભાઈ કે લેખક આનંદ ગિરિધરદાસ, ન્યુયોર્ક ટાઇમ્સના કટાર (અને) લેખક કે જેમણે ભારત પરની આર્થિક પ્રગતિ અને સામાજિક ફેરફારો પર એક ચિંતન સભર પુસ્તક INDIA CALLING (2011) લખ્યું છે, એમને પૂછવું રહ્યું. 

ખેર ! એટલું તો સાચું કે આ અગ્નિ એશિયાના દેશોમાં ભણેલા ધંધાકીય અને યુવાવર્ગોના માણસો માટે આવું સગવડતાભર્યું જીવન અને પૈસા કમાવવાની તકો અદ્દભુત. આ બધા દેશોમાં આર્થિક પ્રગતિની હરણફાળ એટલે ગગનચૂંબી ગ્લાસ કોન્ક્રીટના મકાનો, આંખને આંજી નાંખે અને ખીસામાં મોટા કાણાં પાડે એવા SHOPPING MALLS અને નવાનકોર મોટા મોટા રસ્તાઓ-સડકો, છોકરાંઓ પ્રફુલ્લ અને કિરણ ઇન્ડોનેશિયા, મલેશિયા અને કામ્બોડિયા ફરી આવ્યા અને ત્યાંથી પણ આવા આર્થિક વિકાસ અને વેપારની વાતો લઈ આવ્યા. ઇન્ડોનેશિયાનો ઐતિહાસિક ટાપુ બાલી; ત્યાં પણ આવા SHOPPING MALLS આવી ગયા છે. પૌત્રી કૃષ્ણા આવા મોટા શહેનશાહી SHOPPING MALLS આ ટાપુમાં જોઈ ચકીત-નવાઈ પામી, અહીં પણ MARKS & SPENCERની ઠાઠભરી દુકાન જોઈને ! આટલી જાહોજલાલી અને ખર્ચાળ જીવન પશ્ચિમી દેશોને પાછળ મૂકી દે અને આર્થિક પ્રગતિ ત્રણ ચાર ગણી વધારે; હજુ પણ વધતી જ રહેવાની એવાં ચિહ્નો જોવાં – વાંચવાં મળ્યાં. 

વાત પણ સાચી લાગે છે યુરોપીય જુથ EUROPAN UNIONની આર્થિક પ્રગતિ અને રાજકીય એકતાની સફળતા જોઈ 1969માં ચાર એશિયાઈ દેશો – ઇન્ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા અને ફિલીપાઇન્સના નેતાઓએ આવું જૂથ રચવા અને વેપાર-વાણિજ્ય અને માલ-માણસ અને પૈસા-મૂડી રોકાણની અવરજવર સહેલાઈથી થઈ શકે એવી નીતિ અજમાવી. એમાં સફળતા મળી. આ સફળતા જોઈને 1980માં થાઈલેન્ડના નેતાઓએ એ જૂથમાં જોડાવવાનું નક્કી કર્યું. ત્યારપછી બ્રુનઈ (1984), લીટનામ અને મ્યાનમાર (2010) અને છેલ્લે કમ્બોડિયા અને લાઓસ આ આર્થિક જૂથમાં જોડાયા. 31 ડિસેમ્બર 2015ના રોજ આ દશ દેશના નેતાઓ મલેશિયાના પાટનગર કુઆલાલામપુરમાં મળ્યા અને આર્થિક જૂથનું નામકરણ અને વિધવિધ જાહેરાત કરવામાં આવી. આ જૂથ ASSOCIATION OF SOUTH – EASTERN NATIONS ECONOMIC COMMUNITYની જાહેર સભામાં બોલતા સિંગાપોરના વેપાર-વાણિજ્યના પ્રધાને કહ્યું કે ભલે આપણે યુરોપિયન યુનિયની નકલ કરી પણ આપણે એની ભૂલો – નબળાઈઓ નહીં કરીએ. આપણા ASEAN ECONOMIC COMMUNITYમાં વધારે પડતી જડ નીતિ જેવી કે CENTRALISATION, BUREACRACY કે આપણી સ્વતંત્રતા(SOVEREIGN‌)ને એમાંથી બાકાત રાખીશું. ઇતિહાસ અને ભૂગોળે આપણને સારી તકો આપી છે. આપણા દેશોની વસ્તી આબાદી EUROPEAN UNIONથી વધારે છે. 620 MILLION અને આર્થિક સદ્ધરતા GROSS NATIONAL PRODUCTનો આંકડો 2.6 TRILLION DOLLAR છે. આટલી આટલી આપણી આર્થિક તાકાત છે. એથી વધારે આપણા દેશવાસીઓમાં સખત કામ કરવાની, આગળ વધવાની હામ-હિંમત છે. એનો સારો ઉપયોગ આપણે કર્યો છે અને હવે પછીનું ભવિષ્ય ઊજળું છે. સિંગાપોરના એક પત્રકારે લખ્યું : Asean Economic Community can help to maintain cohesion and our added advantage is our region is at the geo political location at the intersection of major powers interest.  

આ ત્રણ અઠવાડિયાની સફરમાં જે જોવામાં આવ્યું, વાંચવામાં આવ્યું અને સાંભળવામાં આવ્યું એથી સિંગાપોરના મંત્રી અને પત્રકારના શબ્દોમાં સચ્ચાઈ પડી છે એમ લાગ્યા કર્યું.

11 જાન્યુઆરી 2016

Kamal Kunj, 3 Buckingham Mews, SUTTON COLDFIELD, West Midlands, BD73 5PR, U.K. 

Loading

6 January 2016 admin
← ભારત-પાક.: ધાર્મિકતાના ‘અજવાળા’માં ખોવાયેલી ચાવી
ધાજો, ભેરુ ! →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved