ભારત ધર્મનિરપેક્ષ અસ્તિત્વમાં માને છે અને પાકિસ્તાન ઇસ્લામિક પહેચાનના બલબૂતા પર ઊભેલું છે. ખયાલોનો આ તફાવત બંને દેશોને પૂરા સંસારમાં સૌથી જોખમી સરહદો તરીકેનો તાજ પહેરાવે છે
કોઇપણ ઇતિહાસને જો સાચી અને સરખી રીતે સમજવો હોય તો એને ફિલ્મોના હીરો અને વિલનની પરિભાષાથી અલગ થઈને વાંચવો જોઇએ. ઇતિહાસને આપણે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓના કુલ સરવાળા રૂપે જોઇએ છીએ જેમાં કાં તો નફો અને નુકસાન છે અથવા હાર અને જીત છે. ઇતિહાસને જોવાનો બીજો (અને બહેતર) રસ્તો ભૂતકાળમાં થયેલા માનવીય વ્યવહારનો અભ્યાસ છે. કાર્લ માર્ક્સે એટલા માટે જ કહેલું કે, ‘ઇતિહાસ પોતાને દોહરાવે છે’ કારણ કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતા નથી અને ભૂતકાળના આચાર-વિચારને રિપીટ કરતા રહે છે. ગયા સપ્તાહે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પાછા ફરતી વખતે વચ્ચે લાહોરમાં ઊતરીને પાકિસ્તાની પીએમ શરીફની નવાજિશ માણી આવ્યા, એની દુનિયાભરમાં એક સરખી તારીફ એટલા માટે જ થઈ કારણ કે ભારત-પાકિસ્તાનના સતત દોહરાતા જતા ઇતિહાસમાં આવી રીતે ‘અધવચ્ચે’ કોઇક દેશમાં ઊતરી જવાનો બીજો કોઈ સમાંતર કિસ્સો નથી.
આ એ જ નરેન્દ્ર મોદી છે જેમણે અંકુશરેખા પર સતત ગોળીબાર, સીમા પર ઘૂસણખોરી, કાશ્મીરી ભાગલાવાદીઓને પાકિસ્તાનના સમર્થન અને આતંકવાદને પાકિસ્તાની પ્રોત્સાહન જેવી બાબતો પર કોંગ્રેસ(અને પાકિસ્તાન)ને ભાંડવામાં કશું બાકી રાખ્યું ન હતું. ફર્ક એટલો જ છે કે ત્યારે એ વિરોધ પક્ષના નેતા હતા, બીજી રીતે કહીએ તો, કોંગ્રેસ ત્યારે હીરો હતી અને ‘વિલન’ મોદીને હીરોનો રોલ કરવો હતો. હવે, એ જ્યારે ડ્રાઇવિંગ સીટમાં છે એટલે આચાર-વિચાર બદલાઈ ગયા છે. આ સારું પણ છે. એટલીસ્ટ, પાકિસ્તાનના મોરચે આપણને ભૂતકાળની જંજીરમાં ઝકડાયેલા રહેવું પરવડે તેવું નથી.
એમ તો બ્રિટિશરાજના ‘વફાદાર સૈનિક’ તરીકે ગાંધીજીને 1915માં લોર્ડ હાર્ડિંગે કૈસર-એ-હિન્દ એવોર્ડથી નવાજ્યા હતા, જે એમણે જલિયાંવાલાં બાગમાં બ્રિટિશરોએ આચરેલા હત્યાકાંડના વિરોધમાં 1920માં પાછો આપી દીધો હતો. એવી જ રીતે, સુભાષચંદ્ર બોઝ 1920 સુધી અહિંસક ગાંધીના ભક્ત હતા પણ ગાંધીની ‘નિષ્ફળતા’ જોઇને લશ્કરી યુનિફોર્મ પહેરી લીધો અને લોહિયાળ ક્રાંતિની ઘોષણા કરી. પાકિસ્તાનના અધિનાયક મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસી હતા અને ભારતની એકતા, અખંડતા અને સ્વતંત્રતાના પૂજારી હતા પણ ગાંધીજીના ‘હિન્દુ રવૈયા’થી પરેશાન થઈને 1920માં અલગ પડી ગયા અને 30 જ વર્ષમાં સ્વતંત્ર ઇસ્લામિક રાષ્ટ્ર લઈને ઝંપ્યા.
કોઈ પણ દેશનું જીવન હીરો અને વિલનની બ્લેક એન્ડ વ્હાઇટ કહાનીઓ કરતાં વધુ જટિલ હોય છે. એમાં હીરો અને વિલન સમય-સંજોગ પ્રમાણે રોલ બદલતા રહે છે. એવું કરવું પડતું હોય છે, કારણ કે એમાં વ્યક્તિગત પસંદગી ઓછી અને રાષ્ટ્રની સામૂહિક ચેતના વધુ સક્રિય હોય છે.
નરેન્દ્ર મોદી પાકિસ્તાનને ભાંડતા હતા ત્યારે જ (તેમના ભક્તોને બાદ કરતાં) બધાને ખબર હતી કે એમાં વ્યાવહારિકતા ઓછી અને ડ્રામાબાજી વધારે છે. ભારત-પાકિસ્તાન સંબંધોની જટિલતા એટલા માટે નથી કે બંને સમાન સંસ્કૃિત, સમાન ઇતિહાસ, સમાન જબાન અને સમાન જમીન પરથી અલગ પડેલાં બે રાષ્ટ્રો છે. એ સમાનતા તો સંબંધોને સરળતા બક્ષે છે. જટિલતા તો બંનેના પરસ્પર વિરોધી ખયાલાતમાં છે. ભારત ધર્મનિરપેક્ષ અસ્તિત્વમાં માને છે (જે પાકિસ્તાનની નજરમાં દંભ છે) જ્યારે પાકિસ્તાન એની ઇસ્લામિક પહેચાનના બલબૂતા પર ઊભેલું છે. ખયાલોનો આ તફાવત બંને દેશોને પૂરા સંસારમાં સૌથી જોખમી સરહદો તરીકેનો તાજ પહેરાવે છે. બંને દેશો વચ્ચે એકબીજા પ્રત્યેની નફરત અને પરસ્પર ઝનૂન એકબીજાના ખયાલાતમાં અવિશ્વાસને કારણે છે. છેલ્લા બે દાયકાથી ભારતમાં જે લડાયક હિન્દુત્વનો આવિષ્કાર થયો છે તે ભારતમાં રહેતા મુસ્લિમોને લઈને નહીં, પરંતુ એમને બહેકાવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાનને લઈને છે.
બે દેશો વચ્ચે એના ઇમાન-ધર્મના આધાર પર નફરત અને અવિશ્વાસનો ઇતિહાસ રચાય ત્યારે તમામ પ્રકારની હિંસાને ઔચિત્ય મળી જાય છે. વ્યાવહારિક વિવાદો અને મતભેદોની સરખામણીમાં ધાર્મિક તકરારમાં બંને પક્ષ એકબીજાના આચાર અને વિચારમાં અસંદિગ્ધ અને જક્કી હોય છે. ધર્મ હંમેશાંથી નૈતિક સત્તા (મોરલ ઑથોરિટી) રહ્યો છે. એની અનુમતિ કે અનુમોદનથી માણસ એ બધું જ કરી શકે છે જે સામાન્ય અને વ્યાવહારિક જગતમાં અનુચિત કે અશક્ય હોય છે. આસ્તિક વ્યક્તિને પોતાની સચ્ચાઈ વિશે કોઈ શંકા નથી હોતી કારણ કે એનું ‘સત્ય’ એના ઇશ્વર (કે ખુદા) તરફથી આવેલું છે. પોતાના ‘સત્ય’માં નિર્વિવાદિત, અતૂટ શ્રદ્ધા જ ધાર્મિક માણસને બીજા ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનાવે છે. સાચા શ્રદ્ધાળુને નૈતિક સાહસની કમી નથી હોતી. આપણા જેવા નાસ્તિકોને જે સંદિગ્ધતા કમજોર બનાવે છે તેવી મુશ્કેલી આસ્તિકોને નડતી નથી.
2001માં ન્યૂ યૉર્કના ટ્વિન ટાવર્સ પર આતંકવાદીઓએ તેમનાં વિમાન અથડાવ્યાં ત્યારે તેમના અંતિમ શબ્દો ‘અલ્લાહુ અકબર’ (ખુદા મહાન છે) હતા. તેમની ચટ્ટાન જેવી શ્રદ્ધા આ નૈતિક સત્તાના અનુમોદનમાંથી આવી હતી. આ આતંક સામે વૉર ઓન ટેરર જાહેર કરનાર બુશ પણ એક વાર કહી ચૂક્યા હતા કે જે લોકો જીસસમાં શ્રદ્ધા રાખે છે તે જ સ્વર્ગમાં જાય છે. એકબીજાના ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી જન્મેલા આતંક અને આતંકવિરોધી યુદ્ધમાં કોણ સાચું અને શું ઉચિત એ પ્રશ્ન જ અસ્થાને થઈ ગયો છે અને એના કારણે જ દુનિયા હતી તેના કરતાં વધુ અસલામત અને જોખમી બની ગઈ છે. પાકિસ્તાન અગાઉથી જ આ નૈતિક સાહસની છલનામાં ફસાયેલું છે. ભારતે પોતાનો પગ એમાં આવી ન જાય તે જોવાની જરૂર છે. પોતપોતાના ઇશ્વર અને ખુદાના આદેશની સચ્ચાઈમાં શ્રદ્ધા રાખતો એક હિન્દુ અને એક મુસલમાન કઈ હદ સુધી જઈ શકે છે તે સમજવું રોકેટ સાયન્સ નથી.
તકરારનો મતલબ મતભેદ થાય, પણ મોટા ભાગના લોકો માને છે તેમ, એનો મતલબ લડાઈ હરગિજ થતો નથી. વિવાદ સમાધાન(કોન્ફ્લિક્ટ રિસોલ્યુશન)નો પ્રથમ નિયમ સંવાદ છે, ખામોશી નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચે સન્નાટા, ચુપકીદી અને ઉદાસીનો એક ઇતિહાસ છે અને એવું એકથી વધુ વખત સાબિત થયું છે કે વાતચીત વગર બીજો કોઈ ઉપાય પણ નથી. એક ઓછા ડાહ્યા માણસે કહેલું, ‘જેને તમારા મૌનની ભાષા સમજાવી ન હોય એને તમારા શબ્દો ય નહીં સમજાય.’ આ સાંભળીને ડાહ્યા માણસે કહ્યું, ‘જેને સંવાદની ઇચ્છા ન હોય એ લાંબો વખત મૌનને માણી ન શકે.’
ઇંટનો જવાબ પથ્થરથી આપવાની ભાષામાં વાતો કરનારા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા પછી આ ડહાપણ સમજાયું છે. વિવાદ સમાધાનની દિશામાં સંવાદનો રસ્તો ખુલ્લો રાખ્યો છે તે નિશ્ચિતપણે ઉમદા પગલું છે. મોદી સંવાદના માણસ નથી એટલે એમના માટે આ કેટલું કઠિન હશે એ સમજી શકાય તેમ છે. પેલી જાણીતી કહાનીમાં એક બત્તી નીચે એક માણસ ચાવીઓ શોધતો હતો પણ મળતી ન હતી. એક બીજો માણસ આવ્યો અને પૂછ્યું, ‘ભાઈ, તને બરાબર ખબર છે કે ચાવીઓ અહીં જ ખોવાઈ ગઈ છે?’ પહેલાએ કહ્યું, ‘ના, ચાવીઓ તો હું એક માઈલ પાછળ ખોઈને આવ્યો.’ બીજા માણસે પૂછ્યું, ‘તો પછી અહીં કેમ શોધે છે?’ જવાબમાં પહેલો બોલ્યો, ‘કારણ અજવાળું તો અહીં જ છે.’
મુસીબતના સમયમાં આપણે સમાધાન ત્યાંથી શોધીએ છીએ જ્યાંથી એ સહેલાઈથી મળી જાય છે. નહીં કે એ સમાધાન વ્યાવહારિક રીતે જ્યાં છે ત્યાંથી. કોઈ પણ વિવાદના સમાપનમાં એનો ઉકેલ એ વિવાદમાં જ હોય છે, એની બહાર કે એનાથી દૂર નહીં. આપણે એની બહાર કે દૂર જતા રહીએ છીએ જેથી વિવાદની ગરમી આપણને અડતી નથી અને આપણને એવો અહેસાસ થાય છે કે મુસીબત દૂર થઈ રહી છે. અમેરિકાના (અને જગતના) તમામ મિલિટરી સમાધાનો નાકામ ગયાં છે (અને વધારાની મુસીબત લઈને આવ્યા છે) તેનું કારણ ચાવીને એની મૂળ જગ્યાએ નહીં પણ જ્યાં અજવાળું છે ત્યાં શોધવાની મૂર્ખામી છે. ભારત-પાકિસ્તાનની છ દાયકા જૂની તકરારમાં આપણે છ ઈંચ પણ સમાધાનની દિશામાં ચાલી શક્યા નથી, એનું કારણ એ છે કે બંને દેશ એના પરસ્પર વિરોધી ખયાલાતોમાં બંધક રહ્યા છે. આચાર અને વિચારોની વિક્ષિપ્તતાથી પાકિસ્તાન તો લડખડાતું રહ્યું જ છે, ભારત પણ એની નવી ‘આક્રમકતા’થી પેરાલિસિસમાં જકડાઈ રહ્યું છે.
કહાનીની આ સાતત્યતામાં જે હીરો છે તે સુપરહીરો અને વિલન છે તે પિશાચ સાબિત થશે, પણ એ ક્રોસ ફાયરમાં બંને સીમાઓની અંદર ‘ચરિત્ર કલાકારો’ કોઈ જિંદગી જીવવા સાબુત નહીં રહે. નરેન્દ્ર મોદી આ સ્ટ્રેટ જાકીટમાંથી બહાર નીકળીને અજવાળાને બદલે અંધારામાં ચાવી શોધી શકે તેમ છે. એમણે કશું ગુમાવવાનું નથી સિવાય કે હીરોગીરી (અથવા ખલનાયિકી).
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 04 જાન્યુઆરી 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-view-by-raj-goswami-in-sunday-bhaskar-5213915-NOR.html