ગ્રંથયાત્રા : 3
ગુરુદેવ ટાગોરની સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુખ્યત્વે કવિ તરીકેની. પણ તેમણે છ જેટલી નવલકથા પણ લખી છે. તેમાંની ‘ગોરા’ની ગણના ભારતીય સાહિત્યની ઉત્તમ નવલકથાઓમાં થાય છે. તેમના જન્મ દિવસ નિમિત્તે આજે તેમની ‘ગોરા’ નવલકથાનો ટૂંકો પરિચય આપ્યો છે.
“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.
કથાને આરંભે બાબુ કૃષ્ણદયાલ અને આનંદમયીના પુત્ર તરીકે ઓળખાતો ગૌરમોહન આ દેશને અત્યંત ઉત્કટ રીતે ચાહે છે અને તેની ઉન્નતિ માટે ગમે તે ભોગ કે ત્યાગ માટે તે હંમેશાં તત્પર રહે છે. પણ તેને મન ભારત એટલે પરંપરાવાદી, રૂઢિચુસ્ત હિન્દુઓની ભૂમિ, હિન્દુસ્તાન. હિન્દુઓના પવિત્ર અને ઉજ્જવળ વારસાનું જતન અને સંવર્ધન થાય તો જ હિન્દુસ્તાન પોતાના ભૂતકાળના સુવર્ણયુગને ફરી પ્રાપ્ત કરી શકે તેમ ગોરા માને છે. આથી જ સુધારાવાદી બ્રહ્મોસમાજનો તે ઉગ્રપણે વિરોધ કરે છે. ગોરાનો નિકટનો મિત્ર વિનયભૂષણ એક વાર અકસ્માતને કારણે બ્રહમોસમાજી પરેશબાબુ અને તેમના મિત્રની પુત્રી સુચરિતાના પરિચયમાં આવે છે. થોડા અણગમા સાથે ગોરા પણ વિનયની સાથે એ બંનેને અવારનવાર મળતો થાય છે. પરેશબાબુ, તેમની પત્ની વરદાસુન્દરી અને પુત્રી લલિતા, ત્રણે વિનય પ્રત્યે આકર્ષાય છે.
ગળીના કારખાનાના અંગ્રેજ માલિકો અને દેશી મજૂરો વચ્ચેના ઝગડામાં દરમ્યાનગીરી કરવા જતાં ગોરા પોલીસને હાથે પકડાય છે અને તેને એક મહિનાની જેલની સજા થાય છે. ગરીબ મજૂરો અને ખેડૂતો પરના અંગ્રેજોના અત્યાચાર જોયા પછી અને જેલની સજા ભોગવ્યા પછી ગોરાને દેશની પરાધીનતા સવિશેષપણે ખૂંચવા લાગે છે. ન્યાતજાત અને છૂતાછૂત વિશેના તેના મનમાં રહેલા ખ્યાલો પણ સ્વાનુભવે થોડા હળવા થાય છે. પરિણામે જેલવાસ દરમિયાન ઘરેથી મોકલેલું ‘શુદ્ધ બ્રાહ્મણિયા’ ભોજન ખાવાને બદલે તે બીજા બધા કેદીઓને અપાતો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખે છે. જેલમાંથી છૂટ્યા પછી ઘરમાં તેને પ્રાયશ્ચિત કરાવવા માટેની તૈયારીઓ શરૂ થાય છે. પણ ચુસ્ત રૂઢિવાદી હિંદુ બાબુ કૃષ્ણદયાલ માટે ગોરા હિંદુ ધર્મવિધિથી પ્રાયશ્ચિત કરે એ વાત જ અસહ્ય બની જાય છે. જરા નવાઈ લાગે એવી વાત છે, નહીં? માત્ર કથાના વાચકો જ નહીં, બીજાં પાત્રો પણ નથી જાણતા તે રહસ્ય માત્ર કૃષ્ણદયાલ અને તેમની પત્ની આનંદમયી જાણે છે. એ રહસ્ય એ છે કે હકીકતમાં ગોરા તેમનો પુત્ર નથી, પણ ૧૯૫૭ના ‘સિપોય મ્યુટીની’ વખતે ભાગી છૂટેલા એક આયરિશ દંપતીનો દીકરો છે. કૃષ્ણદયાલ અને આનંદમયી તો તેના માત્ર પાલક માતાપિતા છે. જન્મે ખ્રિસ્તી એવો ગોરા ચુસ્ત હિંદુ ધર્મવિધિ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે એ ચુસ્ત હિંદુ કૃષ્ણદયાલ કઈ રીતે સહી શકે? તેઓ પ્રાયશ્ચિત્ત કરવાની મના ફરમાવે છે ત્યારે ગોરા તે માટેનું કારણ પૂછે છે. ત્યારે ગોરાના જન્મ અને જીવનનું રહસ્ય આનંદમયી તેને વ્યથાપૂર્વક જણાવે છે. એ સાંભળતા જ ગોરા ચિત્કાર કરે છે : ‘મા, તુ મારી મા નથી?’ મા કહે છે : ‘બાબા, ગોરા, હું પુત્રહીનનો તું જ પુત્ર. મારા પેટના સંતાન કરતાં તુ મને વધારે વહાલો છે.’ એક પળમાં ગોરાના આખા જીવનનો ભૂતકાળ સરી પડે છે. તે બંધનમુક્તિ અનુભવે છે. હવે સુચરિતાના પ્રેમનો સ્વીકાર કરવા આડે કોઈ અંતરાય રહેતો નથી. ગોરાના લંબાયેલા હાથમાં સુચરિતા પોતાનો હાથ મૂકે છે અને બંને પરેશબાબુને પ્રણામ કરે છે.
***
07 May 2025
e.mail : deepakbmehta@gmail.com