પ્લેગના રોગ અને ગુલામીના શાપ સામે લડનાર એક પારસી મહિલા
શનિવાર, ૧૮ સપ્ટેમ્બર, ૧૮૯૬નો દિવસ. વડગાદી વિસ્તારના એક ઘરમાં ડો. વિગાસે બુબોનિક પ્લેગનો પહેલો દરદી જોયો. પછી તો ચીલ ઝડપે એ રોગ મુંબઈમાં ફેલાવા લાગ્યો. ડોકટરે તરત સરકારને જાણ કરી. પણ સરકાર ગમે તે હોય, પહેલાં તો આવી વાત સામે આંખ આડા કાન જ કરે. પણ પછી છેવટે ૨૯મી સપ્ટેમ્બરે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહર્સ્ટે ગવર્નર જનરલને તાર મોકલ્યો : “મુંબઈ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો છે.” પછી કલકત્તા (એ વખતે દેશની રાજધાની) અને લંડન વચ્ચે લખાપટ્ટી ચાલી. છેવટે ૧૮૯૭ના ફેબ્રુઆરીની ચોથી તારીખે ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટે ‘એપડેમિક ડિઝીઝ એક્ટ’ પસાર કર્યો. આ કાયદા હેઠળ બોમ્બે પ્રેસિડન્સીની સરકારને અસાધારણ સત્તા આપવામાં આવી. દાયકાઓ પછી જ્યારે કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે થાળી-દીવા નિષ્ફળ ગયા પછી આપણી સરકારે આ જ બ્રિટિશ કાયદાનો આશરો લીધો હતો.
મેડમ ભીકાઈજી કામા
પણ સરકાર જાગે ત્યાં સુધી કાંઈ લોકો હાથ જોડીને બેસી ન રહે – મુંબઈના લોકો તો નહિ જ. નાગરિકોની નાની-મોટી ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાય અને સારવાર કે મદદ કરે. આવી ટુકડીઓમાં એક પારસી બાનુ પણ કામ કરતી હતી. નામ ભિકાઈજી. ૧૮૬૧ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખે નવસારી શહેરમાં જન્મ. પણ કુટુંબ મુંબઈનું વતની. પિતા સોરાબજી ફરામજી પટેલ અભ્યાસી કાયદાના, પણ વ્યવસાય વેપારીનો. માતાનું નામ જાઈજીબાઈ. મુંબઈનાં આગળ પડતાં અને તવંગર કુટુંબોમાં આ પટેલ કુટુંબની ગણના થાય. એલેકઝાન્ડ્રા ગર્લ્સ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂશન એ વખતની એક આગળ પડતી સ્કૂલ. તેમાં ભીકાઈજીનો અભ્યાસ. જુદી જુદી ભાષાઓ શીખવાનો શોખ. ક્રિકેટ રમવામાં પાવરધા.
૧૮૮૫ના ઓગસ્ટની ત્રીજી તારીખે મુંબઈમાં રૂસ્તમજી કામા સાથે અદરાયાં. આ રૂસ્તમજી એટલે મોટ્ટા ગજાના સ્કોલર અને જાણીતા વેપારી ખરશેદજી કામાના નબીરા. ભિકાઈજી એ કુટુંબની વહુઆરુ બન્યાં અને થોડા વખતમાં જ પતિ-પત્ની વચ્ચે પહેલાં મતભેદ, પછી અણબનાવ. કારણ? કારણ એ કે કામા કુટુંબ તાજના રાજની તરફેણમાં. જ્યારે ભીકાઈજી એની વિરુદ્ધ.
મુંબઈમાં રોગચાળો વધતો ચાલ્યો. મુંબઈના ગવર્નરે ડો. વાલ્ડેમર હાફકિન(૧૮૬૦-૧૯૩૦)ને પ્લેગની રસી બનાવવા જણાવ્યું. ગ્રાન્ટ મેડિકલ કોલેજની એક કોરીડોરમાં પ્રયોગશાળા શરૂ કરી અને ૧૮૯૭ના જૂનની ૧૦મી તારીખે પ્લેગ માટેની રસી તૈયાર કરી. તેનો પહેલવહેલો પ્રયોગ પોતાની જાત પર કર્યો. પછી આર્થર રોડ જેલના કેટલાક કેદીઓ પર કર્યો. અને પછી સરકારે આ રસી વાપરવાનું શરૂ કર્યું. સરકારી કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સ્ત્રી-પુરુષો સાજા લોકોને રસી આપવાનું કામ કરવા લાગ્યા. ભીકાઈજી પણ આ કામમાં જોડાયાં.
અને ન બનવાનું બન્યું. ભિકાઈજીને ચેપ લાગ્યો અને પ્લેગનો ભોગ બન્યાં. સારવારથી સાજાં તો થયાં, પણ પૂરેપૂરાં નહિ. એટલે વધુ સારવાર માટે ૧૯૦૨માં તેમને મોકલ્યાં ગ્રેટ બ્રિટન. સારવાર તો છ-બાર મહીનામાં પૂરી થઈ ગઈ. પણ ભિકાઈજી હિન્દુસ્તાન પાછાં આવ્યાં છેક ૧૯૩૫ના નવેમ્બરમાં! એમ કેમ?
૨૦૧૭માં દાદાભાઈ નવરોજીના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ
વાત જાણે એમ છે કે …
લંડનમાં હતાં એ દરમ્યાન ભીકાઈજીને દાદાભાઈ નવરોજીને મળવાનું થયું. ભીકાઈજીના સસરા ખરશેદજી કામા અને દાદાભાઈ નવરોજીએ સાથે મળીને ગ્રેટ બ્રિટનમાં લંડન અને લિવરપુલ ખાતે વેપારી કંપની કાઢી હતી. ગ્રેટ બ્રિટનમાં શરૂ થયેલી આ પહેવાહેલી હિન્દી વેપારી કંપની. એટલે કામા કુટુંબની વહુઆરુ તરીકે દાદાભાઈ ભિકાઈજીને ઓળખે. એ વખતે દાદાભાઈને એક કુશળ સેક્રેટરીની જરૂર હતી. તેમણે ભીકાઈજીને ઓફર કરી અને તેઓ જોડાયાં. ૧૮૬૫માં દાદાભાઈએ લંડન ઇન્ડિયન સોસાયટીની શરૂઆત કરેલી. હિન્દુસ્તાનના રાજકીય, સામાજિક, અને સાહિત્યિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરવી એ આ સંસ્થાનો મુખ્ય હેતુ હતો. તો ૧૮૬૭માં દાદાભાઈએ ‘ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન’ની શરૂઆત કરી. દાદાભાઈના સેક્રેટરી તરીકે ભિકાઈજીને શામજી કૃષ્ણ વર્મા, બિપિનચંદ્ર પાલ, લાલા હરદયાલ, વીર સાવરકર વગેરે ઘણા દેશપ્રેમીઓને મળવાનું થતું. પરિણામે ધીમે ધીમે ભીકાઈજી હિન્દુસ્તાનની આઝાદી માટેની ચળવળમાં ભાગ લેતાં થયાં. ૧૯૦૫ના ફેબ્રુઆરીમાં શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કરેલ ઇન્ડિયન હોમરૂલ સોસાયટીને ભિકાઈજીએ ટેકો આપ્યો. આ જોઇને બ્રિટિશ સરકાર ચોંકી. તેણે ભિકાઈજીને કહ્યું કે આવી પ્રવૃત્તિઓ બંધ નહિ કરો તો તમને હિન્દુસ્તાન પાછા જવાની પરવાનગી નહિ મળે. આ હુકમને તાબે થવાની ભિકાઈજીએ ઘસીને ના પાડી દીધી. પણ પછી બ્રિટન છોડીને ફ્રાંસ જતાં રહ્યાં. રેવાભાઈ રાણા અને મંચેરશાહ બરજોરજી ગોદરેજ સાથે મળીને ભિકાઈજીએ પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. તેના નેજા નીચે ‘બંદે માતરમ્’ અને ‘મદન્સ તલવાર’ નામનાં સામયિકો શરૂ કર્યાં. હિન્દુસ્તાનની બ્રિટિશ સરકારે આ બંને સામયિકો પર પ્રતિબંધ મૂક્યો. એટલે ભિકાઈજીએ તેના અંકો નિયમિત રીતે પોન્ડીચરી (એ વખતે ફ્રેંચ હકૂમત હેઠળ હતું) મોકલવાનું શરૂ કર્યું. ત્યાંથી ચોરીછૂપીથી અંકો બ્રિટિશ હિન્દુસ્તાનમાં મોકલાતા.
ભીકાઈજી કામાએ ફરકાવેલો ઝંડો જે આજે પૂણેના એક સંગ્રહસ્થાનમાં સચવાયો છે
અને પછી આવ્યો એક ઐતિહાસિક દિવસ. ૨૨ ઓગસ્ટ, ૧૯૦૭. જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં સોશિયાલિસ્ટ કાઁગ્રેસનું બીજું અધિવેશન મળ્યું. ભિકાઈજી ત્યાં પહોંચી ગયાં. પરંપરાગત સફેદ સાડી પારસી ઢબે પહેરીને. દુકાળ, પ્લેગ જેવા રોગો, બ્રિટિશ સરકારની ચૂસણનીતિ, વગેરેને કારણે હિન્દીઓની જે અવદશા થતી હતી તેનો હૃદયદ્રાવક ચિતાર તેમણે પોતાના ભાષણમાં આપ્યો. અધિવેશનમાં ભાગ લેનારા દેશોના રાષ્ટ્રધ્વજ એક પછી એક ફરકાવાઈ રહ્યા હતા. હિન્દુસ્તાનના ધ્વજ તરીકે યુનિયન જેક ફરકાવવામાં આવે એ પહેલાં ભીકાઈજીએ પોતાની પર્સ ખોલી, એમાંથી એક ઝંડો કાઢ્યો, હાથ વડે હવામાં લહેરાવ્યો, અને કહ્યું કે “આ છે આઝાદ હિન્દુસ્તાનનો ઝંડો. જુઓ, જુઓ. આજે તમારી નજર સામે એનો જન્મ થઈ રહ્યો છે. હિન્દુસ્તાનની આઝાદી માટે જે અનેક નવજવાનોએ પોતાનું લોહી વહેવડાવ્યું છે એ નવજવાનોની ભલી દુઆઓ આ ઝંડા સાથે છે. માનવંતા સભ્યો, મારી આપ સૌને વિનંતી છે કે આપ ઊભા થઈને આઝાદ હિન્દુસ્તાનના આ ઝંડાને સલામ કરો. આખી દુનિયાના સ્વાતંત્ર્ય-ચાહકોને આ ઝંડાના શપથ સાથે મારી વિનંતી છે કે માણસજાતનો જે પાંચમો ભાગ આજે ગુલામીમાં સબડી રહ્યો છે તેને આઝાદ કરવાના કામમાં તમારો સાથ આપો, સહકાર આપો.” વખત જતાં આઝાદી માટેની લડતના એક સેનાની ઇન્દુલાલ યાજ્ઞિક (૧૮૯૨-૧૯૭૨) ચોરીછૂપીથી પરદેશવાસી ક્રાન્તિવાદી દેશપ્રેમીઓને લગતા અનેક દસ્તાવેજો સાથે એ ઝંડો હિન્દુસ્તાન લઈ આવ્યા. અને આ બધું વરસો સુધી છુપાવીને રાખ્યું. ૧૯૩૯માં ઇન્દુલાલને યરવડા જેલમાં રાખવામાં આવેલા ત્યારે લોકમાન્ય તિલકના વંશજ જી.વી. કેતકરને એક નાનકડી ચિઠ્ઠી સરકાવી દીધી. એ ચિઠ્ઠીના પ્રતાપે ક્રાન્તિવાદીઓના બધા પત્રો, અહેવાલો, દસ્તાવેજ, વગેરેની સાથે ભિકાઈજીએ ફરકાવેલો ઝંડો પણ કેતકરના હાથમાં આવ્યો. ૧૯૩૭ના ઓગસ્ટની ૧૮મી તારીખે વીર સાવરકરે એ ઝંડો ફરકાવ્યા પછી તેને ફ્રેમમાં મઢીને સરઘસમાં આખા પુણે શહેરમાં ફેરવવામાં આવ્યો. આજે એ અસલ ઝંડો પૂણેની ‘મરાઠા અને કેસરી લાઈબ્રેરી’ના હોલમાં એક દીવાલને શોભાવી રહ્યો છે.
વડોદરામાં આવેલું ભીકાઈજી કામાનું પૂતળું
૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું તે સાથે રાજકીય સમીકરણો બદલાયાં. હવે બ્રિટન અને ફ્રાંસ મિત્ર દેશો બન્યા. ૧૯૧૪ના ઓક્ટોબરમાં ફ્રાન્સે ભીકાઈજીની થોડા વખત માટે ધરપકડ કરી અને પછી ૧૯૧૫ના જાન્યુઆરીમાં બીજા કેટલાક ક્રાંતિકારીઓ સાથે તેમને ફ્રાન્સથી હદપાર કરી બંદી બનાવ્યા. પણ ભીકાઇજીની તબિયત વધુ ને વધુ બગડતી ગઈ. હવે તેમની એક જ ઈચ્છા હતી : છેલ્લા શ્વાસ માતૃભૂમિ હિન્દુસ્તાનમાં લેવાની. સર કાવસજી જહાંગીરની દરમ્યાનગીરીથી બ્રિટિશ સરકારે પ્રતિબંધ ઊઠાવી લીધો અને છેવટે ૧૯૩૫ના નવેમ્બરમાં ભિકાઈજી મુંબઈ પાછાં ફર્યાં. ૭૪ વરસની ઉંમરે, મુંબઈની પારસી જનરલ હોસ્પિટલમાં ભિકાઈજીએ છેલ્લા શ્વાસ લીધા. ૧૯૬૨માં ભારત સરકારે તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. દિલ્હીના એક વ્યાપારી વિસ્તાર સાથે પણ ભિકાઈજી કામાનું નામ જોડવામાં આવ્યું છે. તો વડોદરાના ‘ક્રાંતિવન’ ખાતે ભિકાઈજીનું પૂતળું જોવા મળે છે.
કમનસીબે છેલ્લાં કેટલાંક વરસથી ભિકાઈજીનાં નામ અને કામને, તથા તેમના ઝંડાને પડદા પાછળ ધકેલવાના પ્રયાસ થયા છે. પણ કેમ? કારણ એની ડિઝાઈન. સૌથી ઉપર લીલા રંગનો પટ્ટો છે, અને કેસરી રંગનો વચ્ચે છે. નીચના લાલ પટ્ટામાં સૂર્યની સાથોસાથ ક્રેસન્ટ મૂન પણ છે, જે આપણા એક પડોશી દેશના ધ્વજમાં પણ જોવા મળે છે. પણ આપણે આજે એ ભૂલી ગયાં છીએ કે જે સમયમાં ભિકાઈજી કામા અને બીજા અનેક દેશભક્તો જીવી ગયા તે સમયમાં તો તેમના મનમાં આ શબ્દો પડઘાતા હતા :
મજહબ નહિ સિખાતા, આપસ મેં બૈર રખના,
હિન્દી હૈ હમ, વતન હૈ હિન્દોસ્તાં હમારા.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 ફેબ્રુઆરી 2025