તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા : આજે સુભાષજયંતીએ નેતાજીની આ વીરવાણી સ્વાભાવિક જ સાંભરી આવે છે, અને એ પ્રશ્ન પણ થઈ આવે છે કે સૌ સ્વાતંત્ર્યવીરોએ જેને સારુ જીવી જાણ્યું એ આઝાદી, પ્રજાસત્તાક સ્વરાજ તરીકેના એના નવ્ય અવતારમાં હવે (બરાબર સાઠે વરસે) કયાં ઊભી છે. બસ, આડા ત્રણ દિવસ માંડ છે- એકસઠમા પ્રજાસત્તાક પૂર્વે સુરેન્દ્રનગરમાં રાજયસ્તરના મહોત્સવ નિમિત્તે બંધારણના ગ્રંથની શોભાયાત્રા નીકળશે. અલબત્ત, બંધારણની આ પ્રતિષ્ઠા કોઈ એમઓયુ કક્ષાએ છે કે વાસ્તવિકપણે સંપન્ન થયેલ છે તે તો સમય નક્કી કરશે.
પ્રસ્તુત શોભાયાત્રા અંગેની સત્તાવાર અખબારી યાદીમાં એક રૂડો પેરેલલ પણ ચહીને સંભારી આપવામાં આવ્યો છે: સોલંકી કાળમાં સદ્ધિરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યના ‘મહાન ગ્રંથ’ની જે યાત્રા યોજી હતી તેના પછીનો આ બીજો અવસર છે. આવી સરખામણી અગર તો ચોક્કસ પરંપરા સાથેનું અનુસંધાન એક સાથે બે પ્રકારના પ્રતિભાવોને અવકાશ આપે છે. એક તો, એમાં તાદાત્મ્યદોષને સારુ સગવડ મળી રહે છે- અને, બીજી વાત એ કે નવા પ્રયાસને આગલા પ્રયાસના સંદર્ભમાં મૂલવવાનો ધક્કો પણ વાગી શકે છે.
ગમે તેમ પણ, આ મહાન ગ્રંથ કયો હતો વારુ? તે વ્યાકરણનો હતો, અને રાજા તેમજ રચયિતા બેઉનાં નામ સાંકળી એને ‘સદ્ધિહેમ’ તરીકે ઓળખવામાં આવે છે. પાટણપતિને એ વાતે ઓછું આવતું હતું કે ઉજેણી કને છે એવું વ્યાકરણ આપણી કને નથી. વ્યાકરણ, આમ તો, ભાષાવ્યાપારમાં એક વ્યવસ્થા આણવાનું કામ કરે છે એમ સાદી રીતે કહી શકાય. સોલંકી યુગ વ્યવસ્થા (અને તેથી વિકાસ)નો છે એ રીતે વ્યાકરણ માટેના આ વિનય અનુનયને જોઈ શકાય તેમજ પ્રજાકારણ અને રાજકારણના સાંસ્કતિક બુનિયાદને દ્દઢમૂળ કરવાની એક બળૂકી ચેષ્ટા પણ એમાં વાંચી શકાય.
જયાં સુધી ગુજરાતનો સવાલ છે, તાજેતરનાં વરસોમાં કોઈ એક યાત્રા તરત સાંભરતી હોય તો તે ‘ગૌરવયાત્રા’ છે. દેખીતી રીતે જ, છવ્વીસમી જાન્યુઆરીની પ્રસ્તાવિત બંધારણયાત્રા એનાથી સામા છેડાની બીના શી ભાસે છે. સોલંકી કાળ ગુજરાતમાં સુવર્ણયુગ રૂપ લેખાય છે, અને ગુજરાતના ગૌરવ કે અસ્મિતાના ગાન માટે એનો આધાર તેમજ ઓઠું લેવાતાં રહે છે. કનૈયાલાલ મુનશીની નવલત્રયી તેનું કદાચ સર્વોત્કષ્ટ ઉદાહરણ છે. (મહાગુજરાત જનતા પરિષદને ચૂંટણીચિહ્ન લેખે કૂકડો જડી રહ્યો હતો એનુંયે રહસ્ય તે સોલંકીઓની ધજામાં સ્થાપિત હતો એ છે.) મુનશીની ત્રયીમાં સદ્ધિરાજ ‘ગુજરાતનો નાથ’ કયારે બને છે? ગુજરાતી વાચકોની એક પછી એક પેઢી રસથી ‘ગુજરાતનો નાથ’ વાંચતી આવી છે. એટલે, ટૂંકમાં એટલું જ સંભારી આપવું બસ થશે કે ખતીબને ન્યાય મળે ત્યારે એટલે કે રાજદંડ જયારે ધર્મદંડ બની રહે ત્યારે શાસનનું શાસનપણું કોળી રહે છે. આ મુનશી, લખે છે તો આઠસો વરસ પરની વારતા, પણ પોતે વીસમી સદીનું સંતાન છે અને નવી કેળવણીમાં રમેલ છે એટલે જાણે છે કે ‘મોડર્ન સ્ટેટ’ શી વસ છે.
આ માણસ, હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કતિ માટેની એની સઘળી ચાહના સાથે આગળ ચાલતાં દેશનું બંધારણ ઘડનારાઓમાંનો એક હોવાનો છે. એટલે એની સોલંકી કથામાં ‘ખતીબને ન્યાય’ એક મહત્ત્વનો વિગતમુદ્દો બની રહે છે: અસ્મિતાના ઝંડાબરદારોને સારુ ગૌરવયાત્રાથી બંધારણયાત્રા લગીની યાત્રા જો અંતર્યાત્રા અને વિચારયાત્રા બની રહેવાની હશે તો જરૂર એ એક મોટી વાત હશે. આ ખતીબનો જ દાખલો લઈને થોડી વધુ ચર્ચા કરું? સોલંકીની રાજસભામાં ખતીબને લઈ આવનાર તો કાક છે.
કાકે ખંભાતમાં પ્રવેશતાં પૂર્વે ખતીબને જોયો છે અને આ વળી કયું પ્રાણી છે એવો સવાલ એને થયો છે. જનથી અવર કહેતાં જનાવર તો નથી ને? બિલકુલ, કાકને સારુ આ જાણે કે ‘ધ અધર’નો મામલો છે. પણ આ ‘ધ અધર’ પરત્વે એનો અભિગમ ધરાર તાડન અને પરબારા પીડનનો નથી. ઊલટું, કાકને થતો પ્રશ્ન એ છે કે ખતીબ ને બીજાઓ પર આમ વીતી રહ્યું હતું ત્યારે રાજના મંત્રી કયાં હતા- ‘ધ અધર’ સુઘ્ધાં માટે પણ શાસન કશીક ફરજથી બંધાયેલું છે એવો કશોક અસ્મિતાબોધ અહીં મુનશીમાં દેખાઈ આવે છે. સમાન અધિકાર અને ‘નાગરિક’ નામના સંકલ્પના અલબત્ત નવી વાત હશે, પણ જૂની રાજવટમાંયે છતે સામંતી લક્ષણે ‘ધ અધર’ને વાસ્તે ન્યાય અને કાળજીસંભાળ અપેક્ષિત છે.
વાત એમ છે કે જૂની પ્રથા અને પ્રણાલિકામાં આવાં મૂલ્યો કોઈ કાક, મુંજાલ કે સદ્ધિરાજ જેવા વ્યકિતવિશેષની સમજ પર અને પરિસ્થિતિના પેચ પર અવલંબતાં હતાં. એથી ઊલટું, નવા સમયમાં તે બંધારણીય સંસ્થાઓ અને જાહેર જીવનની પ્રથાઓ પર અવલંબે છે. બંધારણીય જોગવાઈઓ પછી પણ તેના ઉજાસમાં નવરચના તેમજ એ માટેની જનજાગૃતિ અને જદ્દોજહદ જરૂરી બની રહે છે.
આ પ્રક્રિયામાં જેમ સાતત્ય તેમ શોધન પણ અપેક્ષિત છે. જુઓને, ૧૯૭૫-૧૯૭૭માં કટોકટીરાજ સામેના જેપી જનતા સંઘર્ષમાંથી નાગરિક સ્વાધીનતા અને માનવ અધિકારનો મહિમા નવેસર નીખર્યો. પણ એમાંથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ લગી પહોંચાયું કોંગ્રેસ કાળમાં! ગુજરાતમાં જયારે પંચ સામે શાબ્દિક પ્રહારો થયા ત્યારે પ્રહારકર્તાઓને એ વાતનાં ઓસાણ નહોતાં કે આ પંચના મૂળમાં આપણે પણ છીએ. હાસ્તો, પ્રજાસત્તાકની આગેકૂચ અને બંધારણયાત્રા કંઈ ખાવાના ખેલ તો નથી સ્તો.