સુભાષ બાબુનો જન્મદિન ૨૩ જાન્યુઆરી. તેઓ નજરકેદમાંથી ભાગી નીકળ્યા તે ૨૬ જાન્યુઆરીનો દિવસ હતો. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પણ છે. ઇતિહાસનાં વિસરાયેલાં પૃષ્ઠો નજર નાખવા જેવાં હોય છે ….
ભારતમાં બાયોપિક એટલે કે જીવનકથન ફિલ્મો ખાસ લોકપ્રિય નથી અને શ્યામ બેનેગલ કહે છે તેમ એ ચોક્કસ સમયના અનુસંધાનમાં બનાવવાની હોવાથી બહુ મુશ્કેલ પણ છે, ‘વિદેશમાં પિરિયડ મૂવીઝ માટે ખાસ સપોર્ટ ટીમ અવેલેબલ હોય છે. અહીં બધો ભાર ફિલ્મસર્જકના ખભે આવે છે.’ આમ છતાં તેમણે ‘ભૂમિકા’ (અભિનેત્રી હંસા વાડકર), ‘અંતરનાદ’ (પાંડુરંગ આઠવલે) અને ‘મેકિંગ ઓફ મહાત્મા’ (મહાત્મા ગાંધી) જેવાં બાયોપિક-પિરિયડ બનાવ્યાં.
૨૦૦૫માં શ્યામ બેનેગલે નેતાજી સુભાષચન્દ્ર બોઝ પર એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘બોઝ – ધ ફરગોટન હીરો’ બનાવી. સાડાત્રણ કલાકની આ ફિલ્મ, સુભાષબાબુએ કાઁગ્રેસ છોડી ત્યારથી શરૂ થઈ ત્રણ ભાગમાં તેમના જીવનના અંત સુધી વિસ્તરે છે. જર્મની, રશિયા, જાપાન, સબમરીન, ઓસ્ટ્રીઅન એમિલી સાથે લગ્ન, આઝાદ હિન્દ ફોજ – દિલધડક ઘટનાઓ, નીવડેલા કલાકારો, આબેહૂબ સુભાષબાબુ દેખાતા સચિન ખેડેકરનો ઉમદા અભિનય અને શ્યામ બેનેગલની ઉત્તમ માવજત. સુભાષબાબુના જ્વલંત દેશપ્રેમ અને અપ્રતિમ સાહસોને પડદા પર જોવાની ઘણી સારી તક હતી, છતાં ફિલ્મ બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ અને શ્યામ બેનેગલની છેલ્લી ફિલ્મ બની રહી.
૨૩ જાન્યુઆરી નેતાજીનો જન્મદિન અને ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન. ૨૦૦૫ના અનુભવ પછી પણ શ્યામ બેનેગલે જીવ રેડીને ૨૦૧૪માં ‘સંવિધાન’ સિરિયલ બનાવી. એ પણ ખૂબ સરસ હતી. બંધારણ વિષે ઇતિહાસમાં ભણવાનું થાય ત્યારે બધા નાના હોય, અણસમજુ હોય, પરીક્ષા માટે પાઠ વાંચી લેતા હોય. પણ શ્યામ બેનેગલ જેવો માણસ તેના વિષે સિરિયલ બનાવે ત્યારે એ જોવામાં પણ કેટલા લોકોને રસ પડ્યો હશે એ પ્રશ્ન છે. ‘બંધારણ’માં સચિન ખેડેકરે ડો. આંબેડકરની ભૂમિકા કરી હતી.
સુભાષબાબુના જીવનમાં અનેકવાર સિદ્ધિ આવી આવીને સરકી ગઈ. કાઁગ્રેસમાં પ્રમુખ બન્યા ત્યાં રાજીનામું આપવું પડ્યું. જર્મની અને જાપાને તેમને પોતાના સ્વાર્થે મદદ કરવાનો દેખાવ કરી છેતર્યા. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. મોટી, અણધારી ઘટનાઓ વચ્ચે તેઓ ગર્જતા રહ્યા ‘જય હિન્દ’. ‘તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા’ એવા એમના સિંહનાદે આઝાદ હિન્દ ફોજના પિસ્તાલીસ હજાર સૈનિકોને માથું હાથમાં લઈને લડવા તૈયાર કર્યાં. વીરાંગનાઓની રાણી ઝાંસી રેજિમેન્ટ ઊભી કરી. ૧૯૪૫માં અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો ને જાપાન શરણે થયું પછી સુભાષબાબુને આઝાદ હિન્દ ફોજ વિખેરી નાખવી પડી. 48 વર્ષના નેતાજી વિમાની દુર્ઘટનાના શિકાર બન્યા. બ્રિટિશ સરકારે આઝાદ હિન્દ ફોજના કમાન્ડરો પ્રેમ સહગલ, ગુરુબક્ષસિંહ ધિલોન અને શાહ નવાઝને પકડ્યા અને વિદ્રોહી ખૂનીઓ સાબિત કરવા લાલ કિલ્લામાં જાહેર ખટલો ચલાવ્યો પણ ત્રણેના દેશપ્રેમ, નિર્ભયતા અને બહાદુરીએ દેશને હલાવી નાખ્યો. હિંદુ-મુસ્લિમ-શીખ એકતાના પ્રતીક એવા આ આઝાદ વીરોને છોડાવવા કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ એક થઈ ગયા હતા.
ભારતનું બંધારણ ઘડનારી સભામાં ૩૮૯ સભ્યો હતા. આપણને એમાંથી એક જ નામ યાદ છે અને તે ડો. આંબેડકરનું. ખબર છે, આ સભામાં ૧૫ મહિલાઓ પણ હતી : અમ્મુ સ્વામીનાથન્ (સુભાષબાબુની રાની ઝાંસી રેજિમેન્ટનાં કમાન્ડર ડો. લક્ષ્મી સહગલ (અને વિખ્યાત નૃત્યાંગના મૃણાલિની સારાભાઈનાં મા), દાક્ષાણની બેલાયુધ (પ્રથમ અને એકમાત્ર દલિત મહિલા સભ્ય), બેગમ એજાઝ રસૂલ (એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય), દુર્ગાતાઈ દેશમુખ (સત્યાગ્રહી, શિક્ષણવિદ્દ), હંસા મહેતા (લેખિકા, સમાજસુધારક, નારીવાદી), કમલા ચૌધરી (સત્યાગ્રહી, લેખિકા), લીલા રોય (નેતાજીએ સ્થાપેલી મહિલા ઉપસમિતિનાં પ્રમુખ), માલતી ચૌધુરી (નમક સત્યાગ્રહી, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધી), પૂર્ણિમા બેનરજી (સત્યાગ્રહી, સોશ્યલીસ્ટ), રાજકુમારી અમૃતકોર (ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન, AIMSના સ્થાપક), રેણુકા રોય (રાજકારણી), સરોજિની નાયડુ (સત્યાગ્રહી, કવયિત્રી), સુચેતા કૃપલાણી (હિન્દ છોડો વખતે સક્રિય, યુ.પી.ના મુખ્ય પ્રધાન), વિજયાલક્ષ્મી પંડિત (પંડિત નહેરુના બહેન, યુ.એન.ના પ્રથમ મહિલા અને પ્રથમ એશિયન પ્રમુખ), એની મસ્કરાન (કેરળની પહેલી મહિલા સાંસદ).
બંધારણ-સંવિધાન-કોન્સ્ટિટ્યૂશન એ પ્રજાસત્તાક દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. સરકાર કોઈપણ હોય, દેશનો વહીવટ બંધારણ અનુસાર જ કરવાનો હોય છે. વડા પ્રધાન કે કાયદાઓ બંધારણની ઉપરવટ જઈ શકે નહીં.
બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સમાજવાદી ક્રાંતિકારી અને પોલિટીકલ થિયરિસ્ટ સર એમ.એન. રોયને આવ્યો હતો. તેમણે આપેલા પ્રસ્તાવ પર રાજગોપાલાચારીએ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની ખાસ બેઠક બોલાવી મત લીધા અને ૧૯૩૫માં કાઁગ્રેસે બંધારણસભા રચવાની માંગણી કરી. ૧૯૪૦માં બ્રિટિશ સરકારે તેનો સ્વીકાર કર્યો. એ વખતે લોર્ડ લિનલિથગો ભારતના વાઇસરોય હતા. દેશના અને દુનિયાના તખ્તા પર ઝડપથી પરિવર્તનો થઈ રહ્યાં હતાં.
પહેલી બેઠક ૧૯૪૬ના ડિસેમ્બરમાં મળી. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણસમિતિ રચાઈ. તેના કાર્યકારી અધ્યક્ષ ડો. સચ્ચિદાનંદ સિંહ, ખરડા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકર અને પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂરું થયું અને ૨૬ જાન્યુઆરીથી એ અમલમાં આવ્યું. ભારત પ્રજાસત્તાક સાર્વભૌમ લોકશાહી રાષ્ટ્ર બન્યું.
ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો અને ૪૪૬ અનુચ્છેદ છે. તેનું આમુખ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું. આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો. બ્રિટન, રશિયા અને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપના દેશોના બંધારણનો અભ્યાસ કરી સંસદની પ્રક્રિયા, વિશેષાધિકાર, જોગવાઈઓ, નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો વગેરે નક્કી કર્યાં છે. અને અત્યંત ચોકસાઈથી અને દરેક બાબતનો ગહન અને સૂક્ષ્મ વિચાર કર્યા પછી આપણા જેવા બહુસાંસ્કૃતિક અને બહુધર્મીય દેશને અનુરૂપ એવી તેની રચના થઈ છે. ભારતનું બંધારણ દુનિયાનાં ઉત્તમ બંધારણોમાંનું એક ગણાય છે. તેમાં સુધારો કરવાની પણ જોગવાઈ છે અને ૯૮ જેટલા સુધારા થયા પણ છે. કેવી કેવી ચર્ચાઓ થઇ હશે તેની રચના વખતે ?
આ બધું જાણવું ખૂબ રસભર્યું અને રોમાંચક છે, છતાં આપણને એનો એક જાતનો કંટાળો છે. આ કંટાળો અને ઉપેક્ષા નવી પેઢીમાં પણ ઊતર્યા છે. અલબત્ત ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણે સ્પર્ધા અને સર્વાઇવલના સંધર્ષમાં ખૂબ અટવાયેલા હોઈએ છીએ. પાછા બૌદ્ધિક શ્રમથી જરા દૂર જ રહેવાની માનસિકતાના શિકાર પણ છીએ. એક જમાનો ભવ્ય ભૂતકાળમાં રાચવાનો હતો. હવે હાઇ જમ્પ મારી આપણે ટેકનોસેવી બની ગયા. પણ દેશનો રાજકીય ઇતિહાસ સમજવાની પરવા પ્રજા તરીકે આપણામાં ઓછી જ રહી. ક્યારેક, જેમ કે પ્રજાસત્તાક દિને કે સ્વાતંત્ર્યદિને આપણે આપણા ઇતિહાસના થોડાં પાનાં ખોલીએ અને નવી પેઢી પાસે મૂકી શકીએ તો નાગરિક તરીકે એક સંતોષ લેવા જેવી ફરજ બજાવી ગણાય.
અંતે ફરી એક ફિલ્મને યાદ કરું : ૧૯૫૦માં ‘સમાધિ’ નામની ફિલ્મ આવેલી. સત્યઘટના પરથી બનેલી આ ફિલ્મનો નાયક આઝાદ હિન્દ ફોજનો એક અફસર (અશોકકુમાર) છે. અંગ્રેજ જાસૂસ લીલી (નલીની જયવંત) તેને પોતાની જાળમાં ફસાવે છે. બધું પકડાય છે ને સુભાષબાબુ પાસે જાય છે ત્યારે તેઓ અફસરને એક તક આપે છે અને જાસૂસને ભારત માટે કામ કરવા પ્રેરે છે. નેતાજીની ભૂમિકામાં કોણ હતું, ખબર છે? કે.એલ. સાયગલવાળા ‘તાનસેન’માં જે શહેનશાહ અકબર બન્યો હતો તે અભિનેતા મુબારક. એનું ગીત ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે’ કોને યાદ ન હોય ? ફિલ્મ સફળ હતી; પણ સંગીતમાં પિયાનો વપરાયો હતો, તેને ‘ઐતિહાસિક ક્ષતિ’ ગણી થોડી ટીકા થઈ હતી.
આપણે તો આરામથી આખા નેતાજીને જ ભૂલી ગયા ને બંધારણને ઘોળીને પી ગયા. આપણે એવા યુગમાં જીવીએ છીએ કે આવી બાબતોમાં ટીકા કરવાની કોઈને પડી નથી. બધાને જ ઊંઘવું હોય ત્યાં કોણ કોની ટીકા કરે? અવહેલના અને અજ્ઞાનમાં મસ્ત રહેવું ક્યારેક ભારે પડવાનું છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 જાન્યુઆરી 2025