ટ્રમ્પનો ઇરાદો સ્પષ્ટ છે કે જે દેશો તેમના આ પગલાંને ટેકો નહીં આપે તેમની પર ટેરિફનો બોજ અને પ્રતિબંધો લાદવામાં તે કોઇ કચાશ નહીં છોડે.

ચિરંતના ભટ્ટ
ભૂખરા રંગનું મિલિટરી જેટ અમૃતસરમાં લેન્ડ થાય, તેમાંથી હેબતાઇ ગયેલા, જેમના હાથ બંધાયેલા હોય એવા ભારતીયો બહાર આવે જેમને યુ.એસ.એ.થી પાછા મોકલવામાં આવ્યા છે કારણ કે તેઓ ત્યાં કોઇપણ પ્રકારના દસ્તાવેજ વગર, ગેરકાયદે ગયા હતા. આ આખું દૃશ્ય ફિલ્મી છે પણ કમનસીબે સાવ સાચું છે.
ટ્રમ્પે પોતાનું આગવું સફાઇ અભિયાન શરૂ કરી દીધું છે અને તે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને ચૂંટી ચૂંટીને ઘરભેગા કરવાની પેરવીમાં છે. ભારત સરકાર સાથે તો ટ્રમ્પને સારું ગોઠે છે છતાં ય આવું શા માટે એ પ્રકારના પ્રશ્નો પણ ખડા થઇ રહ્યા છે, પણ હકીકતે તો આપણે બધાં સારી પેઠે જાણીએ છીએ કે પોતાના દેશમાં ગેરકાયદે આવીને વસી જનારાઓનો દેશનિકાલો કોઇ અમાનુષી કામ નથી. છતાં પણ ગાંઠના ગોપીચંદન કરીને, જેમ તેમ કરી પૈસા ઊભા કરી વિદેશ જઈ નકરી મજૂરી કરનારા આ લોકોની હાલત દયનીય હોય છે. ‘અમેરિકન ડ્રીમ’ પૂરું કરવાની લ્હાયમાં બધું જ નેવે મુકનારાઓના સમાચારો તો નવા નથી જ, હવે તો ‘ડંકી’ જેવી ફિલ્મોએ પણ આવાં વલખાં મારનારાઓની વાર્તા દર્શાવી છે. ટ્રમ્પના આ ‘સફાઇ અભિયાન’નો તર્ક શું હોઇ શકે? શા માટે લોકોને કેદીઓની માફક અને તે પણ મિલિટરી જેટમાં ‘ડિસ્પેચ’ કરાઇ રહ્યા છે?
‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (Make Amerirca Great Again – MAGA) વાળા સૂત્રને કોટે વળગાડી શાસન કરવા સજ્જ ટ્રમ્પને પોતાના દેશમાં ગેરકાયદે રહી કામ કરનારા તમામને કાઢી મૂકવા છે. વળી નાટ્યાત્મક પ્રદર્શનની વાત આવે ત્યારે ટ્રમ્પ ગાંજ્યા જાય એવા નથી. મિલિટરી જેટનો ઉપયોગ, હાથ બાંધીને ડિપોર્ટ કરાયેલા લોકો એ બધું જ એ જોણું બને તેની પૂરી તકેદારી રખાઇ છે. આ અમેરિકાનું, ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન છે. ટ્રમ્પે પોતાના પ્રચારમાં ગેરકાયદે રહેનારા લોકોને ઘરભેગા કરવાના જે પણ દાવા કર્યા હતા તે સાચા પાડવા માટે તેનું વહીવટી તંત્ર બધી જ સત્તા અને શક્તિ વાપરવા તૈયાર છે તેના આ પુરાવા છે. ટ્રમ્પનું આ પગલું તેના ટેકેદારોને અપાઇ રહેલી ખાતરી છે કે જુઓ મેં જે પણ વાયદા કર્યા હતા એ હું પૂરા કરી જ રહ્યો છું. એટલું જ નહીં પણ અમેરિકામાં કાયદેસર રહેનારા વસાહતીઓના મનમાં પણ ફડક પેસાડવાનો આ કારસો છે. જે લોકો ડિપોર્ટ થઇ રહ્યા છે, ઘરે ભેગા કરાઇ રહ્યા છે તેમને માટે આ આઘાત છે પણ ટ્રમ્પ માટે આ બહુ મોટી પી.આર. એક્સર્સાઇઝ છે. આપણે ભારતીય નાગરિક તરીકે સારી પેઠે સમજીએ છીએ કે કોઇ પણ સત્તાધીશ માટે પોતે જે નથી કરી શકતા કે નથી કરવાના તેનો ઢાંક પિછોડો કરવા માટે પી.આર. એક્સર્સાઇઝ કેટલી જરૂરી હોય છે. યુ.એસ.એ.નું ઇમિગ્રેશન તંત્ર ગુંચવાયેલું છે અને તેના આગવા પ્રશ્નો છે પણ તેનો તાર્કિક ઉકેલ આવી નાલેશીભરી હકાલપટ્ટી જ છે, એવું નથી પણ જટિલ પ્રશ્નો ઉકેલવા કરતાં આવી પહેલ આઘાતનો માહોલ ખડો કરનારી સાબિત થશે એ ટ્રમ્પ જાણે છે અને માટે જ આ થઇ રહ્યું છે. MAGAના ટેકેદારો ગેલમાં છે અને ટ્રમ્પની વાહવાહી ટોચ પર. આ સફાઇ અભિયાનની અસર સૌથી વધારે તો ગ્વાન્તાનામો બે એરિયામાં વર્તાઇ રહી છે જેને ટ્રમ્પ એક વિશાળ ડિટેન્શન સાઇટ તરીકે જોઇ રહ્યા છે, અને ત્યાં યુ,એસ, મિલિટરીએ ડિપોર્ટેડ માઇગ્રન્ટ્સને અટકમાં લઇ ગોંધી રાખ્યા છે.
અત્યારે અમેરિકામાં સાત લાખ જેટલા ભારતીયો ગેરકાયદે રહી રહ્યાં છે જેમાંથી અઢાર હજાર જેટલાના રિમુવલ ઓર્ડર્સ પાસ થઇ ચૂક્યા છે અને ત્રણ હજારને અટકમાં લેવાયા છે. રવિવારની સવારથી આખા અમેરિકામાં લગભગ 956 જેટલી ધરપકડો થઇ છે જેમાં ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકો છે. વળી ટ્રમ્પ સરકારમાં જેને ‘બોર્ડર ઝાર’નું લેબલ મળ્યું છે તેવા ટોમ હોમેને આ બધી અટકાયતો અને ધરપકડનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું છે અને અન્ય દેશના નાગરિકોમાં તો ફફડાટ થયો જ છે, પણ સૌથી વધુ અસર ભારતીયોને થઇ રહી છે. હાઇ પ્રોફાઇલ રેડ્ઝનું પ્રદર્શન એક સિદ્ધિની માફક ત્યાં સ્ક્રીન્સ પર દર્શાવાયું છે અને તેનો પ્રભાવ વિઝા હોલ્ડર્સ, મિક્સ સ્ટેટસ પરિવારો અને નેચરલાઇઝ્ડ નાગરિકો પર પડ્યો છે. લગભગ વીસ હજાર જેટલા ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવશે તેવી ગણતરી છે. વળી આ રિમૂવલ ઓર્ડર્સ એવી રીતે તૈયાર કરાયા છે કે કોઇને પણ જજ સામે ખડાં કરી કોઇ ચોખવટો આપવાનો મોકો નથી મળવાનો. જેમને અટકમાં લેવાયા છે તેમને શોધવા સહેલા છે. 95 ટકા કરતાં વધારે જેમને માથે હજી આ તલવાર તોળાઇ રહી છે તેમાંથી કદાચ દરેકને ફફડવાની કદાચ જરૂર પણ નથી કારણ કે માણસ પકડાય નહીં ત્યાં સુધી તેનું સ્ટેટસ કાયદેસર છે કે ગેરકાયદેસર એ કોઇ તપાસવાનું નથી.
યુ.એસ.એ.માં 10 મિલિયન કરતાં વધુ ગેરકાયદે રહેનારા ઇમિગ્રન્ટ્સ છે અને પોલીસ રોજની બે હજાર જેટલી ધરપકડ કરે છે. તેમાંથી બધાંને ઘરભેગા ડિપોર્ટ પણ નથી કરાઇ રહ્યા. ધારો કે રોજના ત્રણ હજારને પકડમાં લેવાય તો પણ દરેકે દરેક ગેરકાયદે વસાહતીને અમેરિકામાંથી તગેડી મુકવા માટે દસ વર્ષ કરતાં વધારે સમય લાગવાનો છે. બોર્ડર પેટ્રોલ અને ICE જેવી વ્યવસ્થાઓને મોટે પાયે વિસ્તારવામાં આવે એ પણ આ કામ માટે જરૂરી છે અને આમે ય આ મામલે તો લાંબા સમયથી નિમણૂકમાં સમસ્યા થઇ જ રહી છે. આ તો હજી ઘણી દૂરની વાત છે પણ યુ.એસ.એ.ના મોટા ઔદ્યોગિક ક્ષેત્રો જેમ કે ખેતીવાડી, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ્સ વગેરેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર અમેરિકા પહોંચેલા લોકો જ કામ કરી રહ્યા છે. ડિપોર્ટેશન ચાલુ થયું છે તેની અસર આ ઉદ્યોગો પર પણ દેખાઈ રહી છે. જેમ કે કેલિફોર્નિયા જેવા સ્ટેટમાં પાક ચૂંટનારા, શાકભાજી ભેગાં કરી માર્કેટમાં પહોંચાડનારા લોકો પકડાઇ જવાના ડરથી કામે નથી જઇ રહ્યા અને સીધી અસર શાકભાજીના ભાવ પર પડી રહી છે અને તે મોંઘા થઇ રહ્યા છે. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પર પણ આ સફાઇ અભિયાનની અસર દેખાવાની છે. આ બધું ભલે થાય એમ માનનારા ટ્રમ્પનો ઇરાદો સ્પષ્ટ છે કે જે દેશો તેમના આ પગલાંને ટેકો નહીં આપે તેમની પર ટેરિફનો બોજ અને પ્રતિબંધો લાદવામાં તે કોઇ કચાશ નહીં છોડે. ટ્રમ્પને બરાબર ખબર છે કે ધાર્યું કરાવવા કઇ કળ દબાવવી.
અત્યારે આવા સંજોગોમાં અમેરિકામાં માનવાધિકારને લગતી કાયદાકીય વ્યૂહરચના પણ એટલી જ સંદિગ્ધ છે જેટલી સંદિગ્ધ અમેરિકન ધરતીની બહાર આવેલા ડિટેશન સેન્ટર પર ટ્રમ્પની સત્તાની વાત છે. ટ્રમ્પ સામ-દામ-દંડ-ભેદ વાપરીને જે તે સ્થાનિક સરકારોને ડિપોર્ટ કરાયેલા નાગરિકો સ્વીકારવાનું દબાણ કરી રહ્યા છે અને તેમને ક્યાંક ટેકો મળી રહ્યો છે તો અલ સાલ્વાડોર જેવા સ્થળેથી ટ્રમ્પને ત્યાંનું જેલ તંત્ર વાપરવાની ઑફર પણ કરાઇ છે. ટ્રમ્પના આ એજન્ડા સામે વિરોધ પણ શરૂ થઇ ગયો છે પણ ટ્રમ્પના પ્લાન બહુ મહત્ત્વાકાંક્ષી છે અને વેનેઝુએલાના ગ્વાન્તાનામો બે એરિયામાં ૩૦ હજાર લોકને અટકમાં લઇ ડિટેન્શન ફેસિલીટી વિસ્તારી તેમને ત્યાં રાખવાનો ટ્રમ્પનો ઇરાદો છે. આવું તો ઘણું બધું એક સાથે ચાલી રહ્યું છે પણ આ કંઇ ઉકેલ ન હોઇ શકે. મેગા પ્રિઝનના વિચારને ક્યાંક ટેકો છે તો ક્યાંક એ વ્યવસ્થા કેવી રીતે પાર પાડવી તેના પ્રશ્નો છે.
આ અન્ય રાષ્ટ્રોની વાત છે પણ ભારતની વાત કરીએ તો અત્યાર સુધી તો મોદી સરકાર તરફથી ટ્રમ્પે હાથ બાંધીને ઘર ભેગા કરેલા ભારતીયોને આપણે ત્યાં કોઇપણ વિરોધ વગર સ્વીકારાયા છે અને તેઓ ભવિષ્યમાં પણ ટ્રમ્પના આ પગલાંને ટેકો આપશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જો કે આ અભિગમની પણ ટીકા થઇ રહી છે કારણ કે પાછા મોકલાયેલાઓને માટે આપણે ત્યાં રોજગારી હશે કે કેમ તેની કોઇ ખાતરી નથી. ભારત સરકારે શિક્ષણ અને રોજગારી પર નક્કર કામ કરવું પડશે, જેથી અન્ય લોકો આ ચક્કરમાં ન ફસાય. ટ્રમ્પનું આ સફાઇ અભિયાન વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન પૉલિસી પર કામગીરી માગી લેશે તે ચોક્કસ. ઇમિગ્રન્ટ્સના અધિકારોના પ્રશ્નો આખી દુનિયા માટે એક ઐતિહાસિક વૈશ્વિક સંઘર્ષ છે અને હવે તેની પ્રત્યે વધુ ગંભીરતાથી પગલાં લેવાય એવી શક્યતા અને આવશ્યકતા બન્ને છે.
બાય ધી વેઃ
આપણે ત્યાં ભારતમાં ગેરકાયદે રહેનારા બાંગ્લાદેશી, અફઘાની, તિબેટિયન, શ્રીલંકન અને મ્યાનમારના નાગરિકોની સંખ્યા નાની નથી. તેમના દેશોની સરખામણીએ આપણે ત્યાંની આર્થિક સ્થિતિ, ભૌગોલિક સંજોગો અને લોકશાહી આસપાસના દેશોના નગારિકોને અહીં આવીને વસવા માટે આકર્ષે છે. બાંગ્લાદેશીઓનો પ્રશ્ન તો બહુ મોટો છે પણ તેની પર કોઇ નક્કર કામ હજી સુધી નથી થયું. શું ભારતમાં પણ આવું સફાઇ અભિયાન થઇ શકે? જો થાય તો તેમાં માનવાધિકારની કાળજી લેવાશે ખરી? જો કે આપણી પાસે નેશનલ રિફ્યુજી કાયદો હજી નથી પણ જો એ લાગુ કરાશે તો શું થશે? આપણે ત્યાં અંદાજે 15 મિલિયનથી વધુ તો બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહે છે. ભારત સરકાર જો આ ગેરકાયદે વસાહતીઓનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં વિચારશે તો અમેરિકા જેવા શક્તિ પ્રદર્શન અને ભયના માહોલને બદલે કોઈ તાર્કિક કામગીરી કરે તો બહેતર રહેશે. આપણે હજી મહાસત્તા બન્યા નથી ત્યારે બેફામ વહેવાર કરવો આપણી રાજકીય અને સામાજિક સ્થિતિ માટે જોખમી સાબિત થશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2025