
સુમન શાહ
મારે આર્કિટૅક્ટ થવું’તું પણ s.c.c.-માં માંડ ૩૫ % આવેલા, એટલે m.s. Univercity-માં ઍડમિશન નહીં મળેલું. એ પછી ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ થવા કૉમર્સમાં ગયેલો, બે વર્ષ બગડેલાં કેમ કે બે વાર નાપાસ થયેલો. એ પછી વતન ડભોઈમાં આર્ટ્સમાં જોડાયેલો. બહુ ફાવી ગયેલું – એટલું બધું કે પહેલી સત્રાન્ત પરીક્ષામાં કૉલેજમાં ફર્સ્ટ આવેલો!
એથી શું યે ચાનક ચડેલી કે અંગ્રેજી સાહિત્ય વાંચવા માંડેલું. મને બરાબર યાદ છે કે કૉલેજની લાઇબ્રેરીમાંથી હૅમિન્ગ્વેની નવલકથા “A Farewell to Arms” લઈ આવેલો અને વાંચવા માંડેલી. સમજાય ન સમજાય, પણ વાંચ્યે જતો. એ સાલ હતી, 1959. ત્યારે જરા ય ખયાલ પણ હોય ખરો કે 2024-ના ડિસેમ્બરમાં આમ બનશે?
પ્રૉફેસર થયા પછી “The Old Man and the Sea” વિશે એકથી વધુ વાર વ્યાખ્યાનો આપેલાં, એ વિશે દીર્ઘ લેખ પ્રકાશિત કરેલો, “The Snows of Kilimanjaro” વગેરે વાર્તાઓ વાંચેલી, ત્યારે કલ્પના પણ શી રીતે હોય કે આમ બનશે?
ગયા વીકે ચિ. પૂર્વરાગ, અ.સૌ. પાયલ અને પૌત્રો પ્રિયમ અને આસવ સાથે હું ફ્લોરિડાના Key West ટાપુના પ્રવાસે ગયેલો. ત્યારે પણ વિચાર આવે ખરો કે આમ બનશે?
પણ શું? એ કે હું હૅમિન્ગ્વેના ઘરે જઈ આવ્યો!
ફ્લોરિડાથી દૂર પશ્ચિમમાં Key West નામના ટાપુ પર એમનું વિલક્ષણ શૈલીનું બે માળનું સુન્દર ઘર છે, અને તેને એક મ્યુઝિયમ રૂપે સરસ વિકસાવાયું છે. મને તો એની Key West પ્હૉંચ્યા પછી જ ખબર પડી.
દેશ-વિદેશના સહેલાણીઓની મોટી લાઇન હતી, તડકો હતો. પણ અમે ગયાં. ગાઇડ બધું બતાવે, સમજાવે, આપણે પૂછીએ, એ જવાબો આપે. હૅમિન્ગ્વેના અનેક ફોટોગ્રાફ્સ, એમનો બેડરૂમ, સોફા, એમનું ડાઇનિન્ગ ટેબલ, એમનું એ જમાનાનું ટૉયલેટ, પાણી ભરી રાખવા માટેની કોઠી, શું ગણાવું ને શું નહીં !
પણ એક પેઇન્ટિન્ગ એવું જેમાં હૅમિન્ગ્વે અને એમનો old man સાન્ટિયાગો સામસામે છે, મને બહુ જ ગમેલું.
પછી આપણે સ્વન્ત્રપણે એ ઘરના ગાર્ડનમાં વૃક્ષોની ભરપૂર છાયા માણતા માણતા ચાલતા રહેવાનું.
હૅમિન્ગ્વે બિલાડીઓ-પ્રેમી હતા. આ ઘરમાં એમણે ‘સ્નો વ્હાઈટ’ નામની બિલાડી પાળેલી. એ સિક્સ-ટો ધરાવતી polydactyl cat હતી. એ પછી આ ઘર એ વિશિષ્ટ જાતિની કૉલોની બની ગયેલું. પણ મજાની વાત એ છે કે એની વંશજ બિલાડીઓ હજી આ ઘરના બૅકયાર્ડમાં કે વૃક્ષો નીચે આળોટતી કે ઊંઘતી જોવા મળે છે – કોઇ કાળી – કોઈ તપખીરિયા રંગની …
આપણાં અચરજો જાગે ને શમે ને ક્રમે ક્રમે થાક શરૂ થાય. પૂરા દોઢેક કલાકનો અનુભવ.
હૅમિન્ગ્વે ૪ વાર પરણેલા. પહેલી પત્ની Hadley Richardson; બીજી Pauline Pfeiffer; ત્રીજી Martha Gellhorn; ચૉથી Mary Welsh.
Hemingway home in Key West —
હૅમિન્ગ્વે આ ઘરમાં Pauline Pfeiffer સાથે 1931-થી 1939 લગી રહેલા. એ એમનાં late 30s and early 40s દરમ્યાનનાં વર્ષો હતાં.
સાવ વાસ્તવધર્મી બલિષ્ઠ અને ઘટનાભરપૂર જીવન હતું, છતાં હૅમિન્ગ્વે લેખનને એકાકી જીવનની કક્ષાએ મૂકે છે. નોબેલના સ્વીકાર વખતે કહેલું — Writing, at its best, is a lonely life.
આ અગાઉના લેખમાં મેં કહેલું કે મારા અધ્યવસાય દરમ્યાનના સમ્પ્રત્યયો મને ટુકડાઓમાં વેરવિખેર લાગે છે. પણ મારા અનુભવો તો એકબીજા સાથે જોડાતા ચાલે છે; એટલું જ નહીં, એક-અનુભવ રૂપે જુદા તરી આવે છે :
પ્ર-સિદ્ધ સાહિત્યકારોનાં સ્થળે જઈ એ દેશકાળને ફરીથી ‘જીવન્ત’ થતો અનુભવવો, અને તેથી તેમાં એમની સાહિત્યકલાના મારા રસાનુભવને આપોઆપ ઉમેરાઈ જતો જોવો, અને તેથી તત્ક્ષણે રચાતા એક સમ્મિશ્ર નવા જ અનુભવમાં ખોવાઇ જવું … એવી લાક્ષણિક રૂપે ઉત્તરોત્તર વર્ધમાન ચાર અનુભવયાત્રાને હું મારી કારકિર્દીમાં નૉંધપાત્ર ગણું છું : 1990-માં રવીન્દ્રનાથના શાન્તિનિકેતનની યાત્રા; 1992-માં શેક્સપીયરના સ્ટ્રેટફર્ડ અપૉન એવનની યાત્રા, એ જ વર્ષમાં વર્ડ્ઝવર્થના લેઇક ડિસ્ટ્રિક્ટની યાત્રા : 2016-માં ફિલસૂફીની લોકચર્ચા માટેના સૉક્રેટિસના બજારધામ અગોરા, ઍથન્સની યાત્રા; અને આ પાંચમી યાત્રા હૅમિન્ગ્વેના હોમની …
બીજી મજાની વસ્તુ તો એ બને છે કે એમાં જીવન અને સાહિત્યકલા અવિશ્લેષ્ય થઈ જતાં હોય છે બલકે ફિલસૂફી અને ટૅક્નોલૉજિવિષયક ફિલસૂફી વિશેની મારી સમજદારી પર જીવન મને સરસાઇ ભોગવતું લાગવા માંડે છે :
મારા વતન ડભોઇમાં, 1940-50s-ની વાત, કૂકડા બોલે ને સવાર પડે. એવી જ સવારો 2024-ના ડિસેમ્બરમાં કૂકડાઓના કૂકડે કૂકથી મેં Key West -માં અનુભવી; ઉપરાન્ત, કૂકડાઓને શેરીઓમાં અને જાહેર ફૂટપાથ પર ભમતા જોયા. ચોપાસ લોકો બધાં જીવનનો આનન્દ મેળવી રહેલાં, ત્યારે તેઓ માત્ર સહેલાણી ન્હૉતાં, મનુષ્ય હતાં.
અત્યન્ત નૉંધપાત્ર હકીકત તો એ હતી કે આ યાત્રામાં કોઈને AI ટૅક્નીનોલૉજિ ખબર ન્હૉતી એમ ન કહું પણ કોઈ એથી જરા ય ડરતું ન્હૉતું બલકે એ વડે પાવર્ડ કેટલીક સગવડોની સૌ લિજ્જત લેતાં’તાં.
નગરદર્શન કરાવનારી ટુરિન્ગ ટ્રેનના સ્ટેશનની એક બૅન્ચ પર હું સ્વજનોની રાહ જોતો એકલો બેઠેલો. નક્કી રાખેલા સમય કરતાં વધારે વાર થઈ એટલે હું મારો ફોન જોડવા ગયો, પણ બૅટરી જ ખતમ નીકળી! મને ઊંચોનીચો થતો જોઈને બૅન્ચના છેડે બેઠેલી એક જાડી બાઇ મારી મુશ્કેલી પામી ગઈ અને કહેવા લાગી – If it’s, I-phone, I can recharge … મારી પાસેનો ફોન ત્યારે સૅમ્સન્ગનો હતો એટલે મેં no please કહ્યું, તો પોતાનો ફોન મને ધરીને બોલી – you can use this. અપરિચિત સ્ત્રીનો ફોન વાપરવાની વાતે હું અવઢવમાં હતો, એટલે કહ્યું – will you please dial yourself for me? એ એટલા બધા ઉલ્લાસથી બોલેલી – of course! but, you use it, no problem! એટલે પછી, પૂર્વરાગ જોડે વાત થઈ ગયેલી, એ લોકો થોડાક સમયમાં આવી પ્હૉંચવાનાં’તાં. બાઈએ મને કહ્યું – I’m a train driver, injured last month, here I’m today to sign some papers. મેં જોયું કે એનો પગ પા’નીથી ઊંચે લગી cast હતો, એટલે કે સિમેન્ટ જેવા સખત plaster-માં બન્ધ હતો.
હું ફિલસૂફી અને ટૅક્નોલૉજિવિષયક ફિલસૂફીનો ચાહક નથી એમ જરા ય નથી. પણ મને થાય, આવાં સ્થળો, આવી બાઈઓ, અને આવા કૂકડા હજી છે – મતલબ એવી નિર્દોષતા છે – ત્યાંલગી AI-ને લીધે મોટું નુક્સાન નથી થવાનું. મને એમ પણ થયું કે પૃથ્વીનો મોટો ભાગ એ નિર્દોષતાથી વધારે જીવન્ત છે એ કારણે પણ નુક્સાનને પ્રસરતાં વાર લાગશે.
કેમ કે હજી સમગ્ર માનવજાતના જી-વ-નની ગતિ ધીમી છે – slower pace. દાખલા તરીકે, ભારતીય જીવનનો મોટો હિસ્સો કલ્પો. મહાનગરોની પ્રજાને બાદ રાખો. સમજાશે કે લોક અને લોકડિયાંને ફોન પર કે FB પર સન્તત જોડાયેલા રહેવાની તલબ નથી કે તત્ક્ષણે ખુશ થઈ જવાની લ્હાય પણ નથી. વળી, ખાસ તો એમને વર્ચ્યુઅલમાં નહીં પણ વાતે વાતે એકબીજાના સાથસંગાથ માટે રૂ-બ-રૂ થવાની, ઍક્ચ્યુઅલમાં રહેવાની, ટેવ છે. એમને ટૉક્નોલૉજિ ગમે છે, પણ ખપ-પૂરતી.
ટૂંકમાં, જીવનશૈલી હજી analog feel-થી રસિત છે. માણસોથી કમ્પ્યુટર-ડેટાની જેમ 0s and 1s જેવી બાયનરી સિસ્ટમથી, એવાં વિલક્ષણ પ્રવાહિત મૂલ્યોથી, નથી જિવાતું. તાત્પર્ય, જીવન હજી પૂર્ણતયા dijital નથી થયું, નિષ્ણાતોને ભલે લાગે કે બૌદ્ધિકોનો સમાજ dijital devide-થી વિભક્ત થઈ રહ્યો છે.
એ જ પ્રકારે La Costa કે CheesFactory-ની વેઇટ્રેસ સ્મિતપૂર્વક, અરે, ઉમળકાથી હસી હસીને, ઑર્ડર લેતી’તી. એકે તો સ્ટાર્ટર તરીકે અમારા ટેબલ પર જ લાકડાના ખરલમાં ‘આવોકાડો’-નો ગર્ભ, લૅમન જ્યુસ, ઝીણા સમારેલાં કાંદા, ટામેટાં, મને અજાણ્યું બીજું પણ, બધું ભેગું કરી લાકડાના બત્તાથી વાટી આપેલું, જેને અમે ટોર્ટિલા ચિપ્સમાં લઈને, બીયરના ઘૂંટ સાથે, ફટાફટ આરોગવા લાગેલાં. એ ડિશનું નામ મૅક્સિકન છે – guacamole.
ત્યારે એ યુવતી, “Being and Nothingness”-માં સાર્ત્ર કહે છે એવો વેઇટર તરીકેનો play ન્હૉતી કરતી; as an actor તરીકે ન્હૉતી વર્તતી; અધિકૃત વ્યક્તિ તરીકેના, authentic individul તરીકેના, દાયિત્વને avoid પણ ન્હૉતી કરતી. ખરેખર તો શૉર્ટ-ટીશર્ટમાં સજ્જ એ યુવતી પોતાની જિન્દગીમાં પોતાને ભાગે આવેલા વ્યવસાયને દિલચસ્પીથી માણતી હતી. મેં જોયું કે જીવન, ફિલસૂફીને કેટલું હંફાવે છે. સાર્ત્રનું ‘Bad Faith’ વિભાવનાનું એ દૃષ્ટાન્ત મને સયુક્તિક નથી લાગ્યું.
હું Key West-ની વાત પૂરી કરું :
સ્પેનિશ વસાહતીઓ Cayo Hueso કહેતા એ પરથી key West. એ US-નો અતિપશ્ચિમે આવેલો અને Florida Keys-નો અતિદક્ષિણે આવેલો એક ટાપુ છે. એનું ક્ષેત્રફળ માંડ ૬ ચૉરસ માઈલ છે. ફ્લોરિડાથી અમે ડ્રાઇવ કરીને નીકળેલાં. સાગરમાંથી પસાર થતા Overseas highway પર કાર દોડતી હોય અને બન્ને તરફ સાગરનાં ભૂરાં અપાર જળ દૂર સુદૂરની ક્ષિતિજે જઈ મળી-ભળી જતાં હોય – અવાક થઈ જવાય ! વચ્ચે, સાત માઇલ લગીનો Seven Mile Bridge આવે – માત્ર આશ્ચર્ય !
મને થાય, આપણે સાહિત્યમાં અને તેમાંયે ગુજરાતી સાહિત્યની નાનકડી ઓરડીમાં જીવીએ છીએ – જાણે એ જ આપણી નિયતિ હોય !
= = =
(27Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર