
જમનાલાલ બજાજ
જીવન સેવામય, ઉન્નત, પ્રગતિશીલ, ઉપયોગી અને સાદાઈભર્યું હોય, એ ભાવના જ્યારથી હું સમજણો થયો, ત્યારથી અસ્પષ્ટ રૂપે મારી સામે હતી. એ હેતુની પૂર્તિ માટે સામાજિક, વ્યાપારિક, સરકારી અને રાજકીય ક્ષેત્રોમાં થોડો હસ્તક્ષેપ કરવાની મેં શરૂઆત કરી. સફળતા મારી સાથે હતી. પરંતુ હંમેશાં મને એ વિચાર મનમાં રહેતો કે જીવનની સંપૂર્ણ સફળતા માટે કોઈ યોગ્ય માર્ગદર્શક હોવો જરૂરી છે. મારાં વિવિધ કામોમાં રોકાયેલો હોવા છતાં મેં એ શોધ ચાલુ રાખી. એ માર્ગદર્શકની શોધમાં મને ગાંધીજી મળ્યા, અને હંમેશાંને માટે હું એમને પામ્યો.
માર્ગદર્શકની શોધમાં મેં ભારતની અનેક વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો … અનેક નેતાઓ અને વ્યક્તિઓ સાથે મેં ઓછોવત્તો પરિચય કર્યો હતો. એમના સંપર્કમાં રહ્યો, એમના જીવનનું નિરીક્ષણ કર્યું. મારી એ શોધમાં એક વાતે મારા હૃદય પર બહુ અસર કરી. એ હતી સમર્થ રામદાસની ઉકિત :
‘બોલે તૈસા ચાલે, ત્યાચી વંદાળી પાઉલેં’
(બોલે તેવું ચાલે, એના ચરણોને વંદન).
અનેક નેતાઓ સાથે મારો પરિચય થયા પછી મને એમના જીવનમાં ઉપલા સિદ્ધાંતની પ્રાપ્તિ જેટલા પ્રમાણમાં હોવી જોઈએ તે ન દેખાઈ. ભિન્ન ભિન્ન વ્યક્તિઓના ભિન્ન ભિન્ન ગુણોની મારા પર અસર પડી. સૌની પ્રત્યે મારી શ્રદ્ધા અને આદર તે રહ્યા જ. પણ મારા જીવનના માગદર્શકના સ્થાન પર હું એમાંથી કોઈને સ્થાપી શક્યો નહીં.
જ્યારે હું માર્ગદર્શકની શોધમાં હતો ત્યારે ગાધીજી દક્ષિણ આફ્રિકામાં સેવાકાર્ય કરતા હતા. એમના જે સમાચાર છાપાંઓમાં આવતા હતા તે હું ધ્યાનથી વાંચતો હતો, અને સ્વાભાવિક એ ઈચ્છા થતી હતી કે એઓ જો હિન્દુસ્તાનમાં આવે તો એમનો સંપર્ક સાધવો. સન ૧૯૦૭થી ૧૯૧૫ સુધી હું આ શોધમાં રહ્યો, અને જ્યારે ગાંધીજીએ હિન્દુસ્તાનમાં આવીને અમદાવાદમાં, કોચરબમાં મકાન ભાડે રાખીને આશ્રમ શરૂ કર્યો ત્યારે એમને પરિચય મેળવવા માટે હું ત્રણ વાર ત્યાં ગયો હતો. એમનું જીવન મેં સૂક્ષ્મતાથી જોયું. એ વખતે ગાંધીજી શરીરે અંગરખું, કાઠિયાવાડી પાઘડી અને પોતિયું પહેરતા. પગે તેઓ મોટે ભાગે ઉઘાડા જ રહેતા. જાતે દળતા, અને રસોડામાં પણ કામ કરતા હતા. પોતે જ પીરસતા પણ હતા. એમનો એ સમયનો આહાર કેળાં, મગફળી, જેતૂનનું તેલ અને લીંબુ – આટલો હતો. આશ્રમમાં સાંજ-સવારની પ્રાર્થના થતી. સાંજની પ્રાર્થનામાં હું જતો. ગાંધીજી પોતે પ્રાર્થનામાં રામાયણ, ગીતા આદિ પર પ્રવચન કરતા.
મેં એમની અતિથિ-સેવા અને માંદાઓની સારવાર પણ જોઈ. અને એ પણ જોયું કે આશ્રમની અને આશ્રમવાસીઓની નાનામાં નાની બાબતનું પણ ગાંધીજી ધ્યાન રાખે છે. આશ્રમના સેવાકાર્યમાં મગ્ન બાને ૫ણ મેં જોયાં. ગાંધીજીએ પણ મારે વિશે પૂછપરછ કરવી શરૂ કરી. ધીરેધીરે સંપર્ક અને આકર્ષણ વધતાં જ ગયાં. જેમજેમ હું એમના જીવનને સમાલોચકની સૂક્ષ્મ નજરે જોતો ગયો તેમતેમ મને અનુભવ થતો ગયો કે એમની ઉક્તિઓ અને કૃતિઓમાં સમાનતા છે. અને મારા ‘બોલે તૈસા ચાલે’ આદર્શનું અસ્તિત્વ છે. એ રીતે સંબંધ તથા આકર્ષણ વધતાં જ ગયાં.
બાપુ સાથે જમનાલાલ બજાજ
મહાત્માજીના કાર્યમાં હું ખોવાતો ગયો. એ મારા માર્ગદર્શક જ ન રહ્યા, પિતા-તુલ્ય થઈ ગયા. હું એમનો પાંચમો પુત્ર બન્યો.
મહાત્માજીમાં અલૌકિક ગુણો છે. આ શબ્દોમાં હું હૃદયને સાચો ભાવ વ્યક્ત કરું છું. એમને વિશે કહી શકું છું કે એમનામાં ગુણોનો ભંડાર છે. માનવી ગુણોના તો એ હિમાલય છે. એમની નિયમિતતા, સાર્વજનિક હિસાબ રાખવાની ઝીણવટ, માંદાઓની સારવાર, મહેમાનોનો સત્કાર, વિરોધીઓ સાથે સદ્દવ્યવહાર, વિનોદપ્રિયતા, આકર્ષણ, સ્વચ્છતા, બારીક નજર અને દૃઢ નિશ્ચય આદિ ગુણો મેં ઉત્તરોત્તર પ્રગટ થતા જોયા છે.
પરસ્પર વિરોધાભાસી લાગે એવા ગુણો ૫ણ મેં મહાત્માજીમાં જોયા છે. એમની અવિચળ દૃઢતા અને કઠોરતા, અગાધ પ્રેમ અને મૃદુતાના પાયા પર ઊભી છે, એમની પાઈ પાઈની કરકસર, મહાન ઉદારતાના જલથી સિંચાયેલી છે; અને એમની સાદાઈ સૌન્દર્યથી પોષાયેલી છે.
સૌજન્ય: નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 194