· મૃત્યુ એ શાશ્વતનું દ્વાર ખોલવાની ચાવી છે
· ન્યાય અને સત્ય પર ઊભા થયેલા આત્મગૌરવથી શક્તિશાળી બીજું કઈં નથી
· જે પોતાના પર રાજ્ય કરે છે અને પોતાની લાલસા અને ભયને જીતે છે તે સમ્રાટોનો સમ્રાટ છે
· મનને તેના પોતાના સ્થળકાલ હોય છે અને તે પોતાનામાં જ પોતાનાં સ્વર્ગ અને નર્ક સર્જે છે
· એકાંત ક્યારેક શ્રેષ્ઠ મિત્ર પુરવાર થાય છે
— મિલ્ટન

જ્હોન મિલ્ટન
એક વાર સ્વર્ગમાં લડાઈ થઈ. વિદ્રોહી દેવદૂત લુસિફર અને તેના સાથીઓ હાર્યા. ઈશ્વરે તેમને નરકમાં મોકલી આપ્યા. આ લોકોએ ઈશ્વરના નવા સર્જન પૃથ્વી અને તેમાં વસતી માનવજાતને ભ્રષ્ટ કરવાનું નક્કી કર્યું. લુસિફર એટલે કે સેતાને સર્પનું રૂપ લીધું અને સ્વર્ગના બગીચામાં ગયો. ત્યાં આદમ અને ઇવ રહેતાં હતાં. સર્પે ઇવને જ્ઞાનવૃક્ષનું ફળ ખાવા લલચાવી. ઇવે ફળ ખાધું અને આદમ અને ઇવની નિર્દોષતા ચાલી ગઈ. એટલું જ નહીં, બંનેએ સ્વર્ગ ગુમાવ્યું …
આ છે સત્તરમી સદીના કવિ જ્હોન મિલ્ટનના મહાકાવ્ય ‘પેરેડાઈઝ લોસ્ટ’ની કહાણીનો અંશ. એ મહાકાવ્ય લખાયાને સાડાત્રણસો વર્ષ થઈ ગયાં છે, પણ આજે પણ એ એક ક્લાસિક કૃતિ તરીકે અડીખમ છે, અવિચળ છે. જ્હોન મિલ્ટને આ મહાકાવ્યનું સર્જન અંધ થઈ ગયા પછી કર્યું હતું. એ વખતે બ્રેલ લિપિ શોધાઈ ન હતી. મિલ્ટને આખું કાવ્ય બ્લેન્ક વર્સ એટલે કે અછાંદસ શૈલીમાં મનમાં રચ્યું હતું અને લખાવતો ગયો હતો.
આ જ્હોન મિલ્ટનનો જન્મ 09 ડિસેમ્બર 1608ના દિવસે થયો. તેના પિતાનું નામ પણ જ્હોન મિલ્ટન હતું. પિતા જ્હોન પ્રોટેસ્ટન્ટ ખિસ્તી બન્યા હતા એટલે પારિવારિક મિલ્કતમાંથી રદ્દબાતલ કરાયા હતા. આ વિદ્રોહ મિલ્ટનની રગોમાં પણ વહેતો રહ્યો. તેણે ત્રણ વાર લગ્ન કરેલાં. આ લગ્નોથી તેને થયેલાં સંતાનોમાં ચાર કે પાંચ દીકરીઓ હતી અને એક દીકરો હતો. એ દીકરાનું નામ પણ જ્હોન હતું. ત્રણ પેઢી સુધી એક જ નામ હોય એ જરા નવાઈની વાત તો ખરી.
એ વખતે ઇંગ્લેન્ડમાં ચાર્લ્સ-1નું રાજ્ય હતું. તે પછી ચાર્લ્સ-2 ગાદી પર આવ્યો. તેના નેજા નીચે અંગ્રેજ, સ્કોટીશ અને આઈરિશ રાજાઓ એક થયા અને પછી અંદર અંદર યુદ્ધ પણ થયાં. આ ઘટનાઓ વિશ્વઇતિહાસમાં રેસ્ટોરેશન નામથી ઓળખાય છે. મિલ્ટન આ બધાના સાક્ષી હતા.
કેમ્બ્રિજમાં અંગ્રેજી સાહિત્ય સાથે માસ્ટર્સ કરી મિલ્ટને ત્યાં જ ભણાવવાનું શરૂ કર્યું, હેમરસ્મિથમાંથી નિવૃત્ત થયા. એ દરમિયાન જુદા જુદા સ્થળે રહ્યા, પ્રવાસો કર્યા, કામો બદલ્યાં, વાંચ્યું-લખ્યું, વિખ્યાત વ્યક્તિઓને મળ્યા અને જબરદસ્ત બૌદ્ધિક વિકાસ સાધ્યો. ઘોડા પર ખૂબ ફરતા. સતત લખતા. લોકશાહી અને પ્રજાસત્તાક શાસનવ્યવસ્થા, ધર્મ, રાજનીતિ, સાહિત્ય જેવા વિષયો પર સતત લખ્યું. એ વખતે પણ મિલ્ટને ફ્રી સ્પીચ અને ફ્રીડમ ઑફ સ્પીચની વાત કરી હતી.
તેઓ સ્પેનિશ, ઇટાલિયન, લેટિન, અંગ્રેજી જેવી યુરોપની ભાષાઓ જાણતા અને એ દરેક ભાષામાં લખતા. અંગ્રેજીમાં ઘણા નવા શબ્દો પ્રયોજવાનો યશ એમને ફાળે જાય છે. બ્લેન્ક વર્સ એટલે કે અછાંદસ શૈલીના તેઓ જનક ગણાય છે.
‘પેરેડાઈઝ લોસ્ટ’ની વાર્તાની બે મુખ્ય ધારા છે. એક લુસિફર-સેતાનની અને બીજી આદમ-ઇવની. મિલ્ટનની ઇવ, આદમની આજ્ઞાંકિત ભાર્યા નથી, આદમ અને ઇવ બંનેમાં ઇવ વધુ બુદ્ધિમાન છે, વધુ કુતૂહલપ્રિય છે અને પોતાની જાત પ્રત્યે વધુ સભાન પણ છે. સુંદર અને ઉત્સુક છે. આદમને પ્રેમ કરે છે પણ એની સતત હાજરીથી ગૂંગળામણ અનુભવે છે. એના જ સૂચનથી બંને ઇડન ગાર્ડનના અલગ અલગ ભાગમાં વિચરતા હતા, ત્યારે સેતાને સર્પનું રૂપ લઈને ઇવને ભરમાવી હતી. આ ઉપરાંત ઈશ્વર અને ઈશ્વરપુત્ર આ બે પાત્રો પણ ‘પેરેડાઈઝ લોસ્ટ’માં છે. ઈશ્વર સર્વના પિતા છે, સર્વના સર્જક છે. પિતા-પુત્રના સંવાદ દ્વારા કવિએ ઈશ્વરની યોજનાઓ અને હેતુઓ વર્ણવ્યાં છે. ઈશ્વરપુત્ર ભવિષ્યમાં માનવદેહે પૃથ્વી પર જશે અને જિસસ તરીકે ઓળખાશે એવો સંકેત કાવ્યમાં મળે છે.
‘પેસેડાઈઝ લોસ્ટ’ પછી ત્રણ વર્ષે મિલ્ટને ‘પેરેડાઈઝ રિગેઈન’ નામનું કાવ્ય લખ્યું. એમાં મુખ્ય પાત્ર ઇસુ છે. સેતાન તેમને જુદી જુદી રીતે લલચાવે છે, પણ ઇસુ લલચાતા નથી અને જીત મેળવે છે. મિલ્ટનના ઇસુ બાઈબલના ઇસુ કરતાં વધારે માનવીય છે.
માત્ર 42 વર્ષની ઉંમરે મિલ્ટન અંધ બની ગયા હતા. તેમની તમામ પ્રસિદ્ધ રચનાઓ અંધત્વ બાદ સર્જાઇ. ‘ઓન હિઝ બ્લાઇન્ડનેસ’ નામનું પ્રસિદ્ધ સોનેટ મિલ્ટને પોતાના અંધત્વ પર લખ્યું છે. ‘મારો બધો પ્રકાશ ખર્ચાઈ ગયો અને હું અફાટ અંધકારવિશ્વમાં અટવાઈ ગયો’ એવું દુ:ખ વ્યક્ત કરતા કવિને ધૈર્ય માનવરૂપે મળે છે અને આશ્વસ્ત કરે છે આવું તેમાં વર્ણન છે. ‘જે શ્રદ્ધા રાખે છે, પ્રતીક્ષા કરે છે અને કામ ચાલુ રાખે છે તેને ઈશ્વર મદદ કરે છે.’ ધૈર્ય કહે છે. આ સોનેટ પેટ્રાર્કશાઈ પ્રકારનું છે, જે મોટે ભાગે પ્રેમ અને રોમાન્સની અભિવ્યક્તિ માટે વપરાય છે, પણ આમાં મિલ્ટને માણસનો ઈશ્વર સાથેનો અનુબંધ શોધવા પ્રયત્ન કર્યો છે. ‘અંધ થયો તો કામ અટકી જશે?’ એના જવાબમાં ધૈર્ય કહે છે, ‘બંધ તો બહારની આંખ થઈ છે. અંદરની શ્રદ્ધા જાગે છે, જુએ છે. કામ નહીં અટકે.’ તેને કહ્યું છે, ‘અંધત્વ અભિશાપ નથી. અંધત્વને સહેવાની અશક્તિ અભિશાપ છે.’
મિલ્ટનનો સમય અને મિલ્ટનનાં સર્જનોનો ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે. મિલ્ટન 1608માં જન્મ્યો. એ વખતે ભારતમાં મોગલોનું શાસન હતું. 1604માં ગુરુ ગ્રંથસાહેબની રચના થઈ હતી. 1612માં કૅપ્ટન બેસ્ટની આગેવાની હેઠળ અંગ્રેજોનાં બે વહાણો સૂરતમાં પ્રવેશવા દેવામાં આવ્યાં. 1613માં અંગ્રેજોને સૂરતમાં કાયમી કોઠી સ્થાપવાની પરવાનગી આપતું ફરમાન જહાંગીરે આપ્યું. 1652માં શાહજહાંએ લાલ કિલ્લો બંધાવેલો. દક્ષિણમાં મીનાક્ષી મંદિર અને ઉત્તરમાં તાજમહાલ બંધાયાં હતાં. શિવજીએ સિંધુદુર્ગ બાંધ્યો હતો. આઇઝેક ન્યૂટને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ શોધ્યું હતું. 1666માં શાહજહાંનું મૃત્યુ થયું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાનો પગ મજબૂત કરી ચૂકી હતી. અમેરિકામાં હજી યુરોપની વસાહતો હતી. તેને સ્વતંત્ર થવાને એક સદીની વાર હતી. 1679માં પ્રેશર કૂકરની શોધ થઈ હતી.
મિલ્ટન વિલિયમ બ્લેન્ક, વર્ડઝવર્થ અને થોમસ હાર્ડી જેવા પ્રખ્યાત કવિઓના એમનાથી ય વધુ પ્રખ્યાત પુરોગામી હતા. સાહિત્યસ્વરૂપ અને શૈલીમાં તેમણે અનેક નવા આયામો આપ્યા હતા. અંધત્વ આવ્યા પછી પણ છ વર્ષ તેમણે કોમનવેલ્થ કાઉન્સેલમાં સેક્રેટરી ઑફ ફોરેન ટંગ્સ તરીકે કામ કર્યું હતું. તેને ડેપ્યૂટીઓ આપવામાં આવ્યા હતા જેમના દ્વારા એ કામ કરતા. બહેન એનનાં સંતાનોને તેમણે ભણાવ્યાં હતાં એમાંના એક એડવર્ડે મિલ્ટનનું પહેલું જીવનચરિત્ર આપ્યું. બીજો જોન મિલ્ટનના સેક્રેટરી તરીકે કામ કરતો. બંને સારા લેખકો હતા.
1674માં 65 વર્ષની વયે મિલ્ટનનું મૃત્યુ થયું. લંડનમાં એમનું સ્મારક છે. મિલ્ટને લખ્યું હતું, ‘મૃત્યુ એ શાશ્વતનું દ્વાર ખોલવાની ચાવી છે.’ ‘ન્યાય અને સત્ય પર ઊભા થયેલા આત્મગૌરવથી શક્તિશાળી બીજું કઈં નથી.’ અને ‘જે પોતાના પર રાજ્ય કરે છે અને પોતાની લાલસા અને ભયને જીતે છે તે સમ્રાટોનો સમ્રાટ છે.’
‘મનને તેના પોતાના સ્થળકાળ હોય છે અને તે પોતાનામાં જ પોતાનાં સ્વર્ગ અને નર્ક સર્જે છે.’ આ તેની પ્રખ્યાત ઉક્તિ આજે પણ કેટલી સાચી છે! ‘એકાંત ક્યારેક શ્રેષ્ઠ મિત્ર પુરવાર થાય છે’ એ કહે છે …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 ડિસેમ્બર 2024