જ્યારે સંવિધાનની ચર્ચા થઈ રહી છે, જ્યારે સંસ્કૃતિની ચર્ચા થઈ રહી છે, ત્યારે શક્ય છે કે આપણને દેશદ્રોહી ઠરાવી દે !

સપના પાઠકજી
આ હોલમાં બેઠેલા લોકોમાંથી કેટલાંએ બંધારણ વાંચ્યું છે? સંવિધાન રાતોરાત બન્યું નથી. ઘણા સંઘર્ષો બાદ બંધારણ બન્યું છે. આજે આપની સમક્ષ હું બોલી રહી છું તે સંવિધાનના કારણે ! પહેલાં આપણી સંસ્કૃતિ એવી હતી કે પતિનું મૃત્યુ થાય તો પત્નીને સતિના નામે મારી નાખવામાં આવતી હતી.
આપણે બંધારણની વાતો કરવાની છે, ધર્મની વાતો બંધ કરવાની છે. ધર્મની વાતો બંધ કરવાથી આપણે સારી રીતે જીવી શકીશું. આપણી સંસ્કૃતિ સારી છે તો આપણા યુવાનો વિદેશ શા માટે જાય છે? આપણા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો લખેલાં છે. આપણે ગીતા / કુરાન / બાઇબલ વાંચ્યું હશે પણ બંધારણ વાંચ્યું નહીં હોય; જે આપણને માનવવાદી બનાવે છે. આપણી પ્રતિબદ્ધતા કોઈ વ્યક્તિ પ્રત્યે નહીં, સંવિધાનની પ્રત્યે હોવી જોઈએ. ‘રુલ ઓફ લો – કાયદાનું શાસન’ શું છે તેની જાણકારી હોવી જોઈએ. વિદેશોમાં કોઈ વ્યક્તિ ભક્તિ નથી, રાજકીય ભક્તિ નથી; ત્યાં ‘રુલ ઓફ લો’ છે. કાયદાથી ઉપર કોઈ નથી.
આપણને એ ખબર જ નથી કે સરકાર પાસે આપણે શું માંગવું જોઈએ. હું વારંવાર કહું છું કે રાજનીતિને સમજો. રાજનીતિ એ વસ્તુ છે કે બાળક માતાના પેટમાં હોય અને તે જીવન પૂર્ણ કરી મૃત્યુ પામે ત્યાં સુધી રાજનીતિ જોડાયેલી હોય છે. આપણે આપણા પરિવાર પાસે / માતાપિતા પાસે બધી ચીજવસ્તુઓ માંગીએ છીએ. કપડાં / રોટી / શિક્ષણ ! માબાપ ના પાડતાં નથી. માબાપ ભૂખ્યાં રહીને પણ સંતાનોને બધી વસ્તુઓ આપે છે. રાજનીતિમાં જે લોકો બેઠા છે તેમની પાસે પણ આપણે હકો માંગવા જોઈએ; સોશિયલ સિક્યોરિટી માંગવી જોઈએ. તેઓ આપણા રક્ષક છે. જ્યાં સુધી બંધારણના બેઝિક સ્ટ્રક્ચરને / મૂળભૂત અધિકારોને આપણે નહીં સમજીએ ત્યાં સુધી બંધારણનાં મૂળભૂત માળખાંને હાનિ પહોંચાડનારને ઓળખી શકીશું નહીં; આપણે આગળ વધી શકીશું નહીં. આપણે એ પણ વિચારવાનું છે કે મૂળભૂત અધિકારોમાં ‘રાઈટ ટુ વર્ક’નો સમાવેશ થવો જોઈએ.
આ બધું ત્યારે સમજી શકીએ જ્યારે આપણે ધાર્મિક ઉન્માદથી દૂર રહીએ. આપણે મસ્જિદની નીચે મંદિર શોધીએ છે, પણ આપણે રોજગારનું વિચારતા નથી. આપણને સારું શિક્ષણ મળતું નથી, એની ચિંતા નથી ! વિદેશોમાં 12 ધોરણ સુધીનું શિક્ષણ બિલકુલ ફ્રી છે; આપણે ત્યાં આવું કેમ ન થઈ શકે? આપણે ત્યાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો છે તે બીજી બાબતો માટે કરવામાં આવે છે. પ્યુન અને પ્રધાન મંત્રીના બાળકોને એક સરખું શિક્ષણ મળવું જોઈએ. કલ્યાણ રાજ્યની સ્થાપના થવી જોઈએ. આજે મોંઘવારી અને બેરોજગારીની વાત કરીએ તો દેશદ્રોહી ઘોષિત કરી દે છે. આપણે એ જોવાનું છે કે કોણ બંધારણીય મૂલ્યો સાથે છે, માનવવાદી મૂલ્યો સાથે છે.
ટૂંકમાં કોઈ રાજકીય પક્ષની ભક્તિ કરવાની નથી; ભક્તિ કરવી હોય તો ‘રુલ ઓફ લો’ની કરવાની છે !
[સૌજન્ય : સપના પાઠકજી, 8 ડિસેમ્બર 2024, સુરત]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર