Opinion Magazine
Number of visits: 9483853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષકમાંથી લોકશિક્ષક બની ગયેલા સૂર્યશંકરભાઈ ગોર

રમજાન હસણિયા|Samantar Gujarat|15 December 2024

વાગડ પ્રદેશને કેટલાંક એવા અસ્તિત્વ પ્રાપ્ત થયાં છે જેનાથી આ પ્રદેશનું વર્તમાન ઊજળું છે ને આવનારું ભવિષ્ય એમના હોવાની ધન્યતા અનુભવશે. આવું એક નામ છે પરમ આદરણીય અને વંદનીય સૂર્યશંકરભાઈ ગોર. 

સૂર્યશંકરભાઈ ગોર

મૂળ ત્રમ્બૌ ગામના. પિતા પ્રાથમિક શાળાના શિક્ષક પણ પિતાની છત્રછાયા છએક વર્ષની બાળવયે ગુમાવી. ત્યારે વોન્ધ રહેતો પરિવાર ઊંટગાડીમાં ભરાઈ જાય એટલો અસબાબ લઈને પોતાના મૂળ ગામમાં આવી ગયો. કપરા કાળમાં બાળક સૂર્યશંકર માનો સધિયારો બન્યો. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લઈને માધ્યમિક શિક્ષણ લેવા નીલપર સોનટેકરીસ્થિત નાનાલાલ વોરા ઉત્તર બુનિયાદી શાળામાં પ્રવેશ મેળવ્યો. અહીંની શાળાના પ્રથમ બેચના તેઓ વિદ્યાર્થી. અહીં મણિભાઈ સંઘવી જેવા વિરલ ગાંધીજનનો પ્રત્યક્ષ સંગ મળ્યો ને નકુલભાઈ ભાવસાર જેવા સંનિષ્ઠ શિક્ષક મળ્યા. વારસામાં મળેલી સારપ અહીં વધુ કેળવાઈ. ગાંધીના રંગે રંગાયા. ૧૯૮૨માં એસ.એસ.સી. પાસ થયા. ત્યારે એસ.એસ.સી. બાદ તરત પી.ટી.સી. થતું. તેઓ બે વર્ષ ભુજના અધ્યાપન મંદિરમાં ભણ્યા. વર્ષ ૧૯૮૪માં અભ્યાસ પૂર્ણ કરી એ જ વર્ષે રામવાવમાં શિક્ષક તરીકે જોડાયા. નવેક મહિનામાં પોતાના ગામમાં બદલી મળી ગઈ. જે શાળામાં પાંચ-છ વર્ષ પહેલાં ભણતા ત્યાં શિક્ષક બની ભણાવવા આવી ગયા. ત્યાંથી રાપરની જુદી જુદી બે શાળાઓમાં સંનિષ્ઠ સેવાઓ આપી રાપરના થોડા ખૂણાના ને અલ્પ વિકસિત વિસ્તારની ત્રિકમસાહેબ પ્રાથમિક શાળામાં જોડાયા. આ જ શાળાના આચાર્ય બન્યા ને શાળાને અત્યાધુનિક બનાવી. ઉત્તમ મકાનની સાથોસાથ વિદ્યા ને પ્રેમનું વાતાવરણ ઊભું કર્યું. છેલ્લે પહેલા-બીજા ઘોરણના ભૂલકાઓને પ્રેમથી ભર્યું ભર્યું ભણતર આપી આજે [ગત ઓક્ટબર માસ વેળા] કાયદેસર નિવૃત્ત થયા. અલબત્ત એમનું શિક્ષકત્વ એમને નિવૃત્ત થવા દે એમ નથી. 

આવા સૂર્યશંકરભાઈ ગોરની શિક્ષક તરીકેની ચાળીસ વર્ષની સમાંતરે ચાલી છે ‘કચ્છમિત્ર’ના પત્રકાર તરીકેની સફર. એમાંયે એક નીડર પત્રકાર તરીકે તો તેઓ ખ્યાત છે જ પણ એમની વિધાયક દૃષ્ટિ સારું જુએ ને જગતને સારું જોવાની ટેવ પણ પાડે. તેમણે ડોંગરેજી મહારાજના ચરણ સેવ્યા છે ને ભાગવતનો ઊંડો અભ્યાસ કર્યો છે. એમની ‘કચ્છમિત્ર’માં ભાગવતકેન્દ્રી લેખમાળા પણ ઘણા સમય સુધી ચાલી ને એના અભ્યાસ થકી તેઓ ભાગવતની કથા કરતા થયા. નિરપેક્ષભાવે એમણે કેટલીક યાદગાર કથાઓ કરી. રામકથાના વ્યાસાસને પણ તેઓ બિરાજમાન થયા ને હૈયે બેઠેલા રામને એમણે લોકહૈયે બિરાજમાન કર્યા. વાગડના જાગતલ જણ જણના હૈયે તેઓ વસ્યા છે. એમનું શિક્ષકત્વ શાળાની ચાર દીવાલોમાં બંધાઈ ન રહ્યું ને વિસ્તર્યું ગામડે ગામડે ને વાંઢે વાંઢે. ખારસરવાંઢ જેવી કેટલીયે વાંઢના તો તેઓ આરાધ્ય દેવ જાણે. એમનામાં ધર્મ, નીતિ, સદાચાર, પ્રેમ આદિની વાત કરવાની એવી કુનેહ છે કે લોકો એમના પ્રેમી બની જાય. પાંડિત્યપ્રચૂર વાતો કરવાને બદલે તેઓ સહજ ગંગાના પ્રવાહની જેમ વહે ને એ પ્રવાહ સામેવાળાના અંતરને ઉજળા કરી દે. પૂનમસભાઓમાં એમની વાણીનો પ્રભાવ જુદી રીતે વર્તાતો મેં સગી આંખે અનુભવ્યો છે. એમની પ્રેરણાથી ગેડી ગામમાં આખું હિંગળાજધામ અત્યારે ધમધમી રહ્યું છે. દેવભૂમિ તો એ હતી જ પણ વૃક્ષો થકી એને હરિયાળી બનાવીને એમણે એને લીલપ બક્ષી છે. એમાં એક પુસ્તકાલય પણ ચાલે છે. ભાઈ દિવાનસિંહ અને એમના યુવાન મિત્રો સાહેબનો પડ્યો બોલ ઝીલે. એવા ઉદાહરણો તો બીજા ઘણા આપી શકાય. 

સૂર્યશંકરભાઈ ગોરને વાગડની ગાંધીત્રિપુટી(મગનભાઈ સોની, મણિભાઈ સંઘવી ને દયારામભાઈ કેવળિયા)નો ભરપૂર પ્રેમ મળ્યો. એમની સાથે જુદી જુદી રીતે તેઓ અનુસંધિત થતા રહ્યા ને એમની સાત્ત્વિક ઉર્જાને પોતાની ભીતર ભરતા રહ્યા. મુરારિબાપુના પણ તેઓ પ્રીતિપાત્ર. બાપુની કચ્છ વાગડની મોટાભાગની કથાઓમાં સંચાલન અને રિપોર્ટિંગ તેમણે જ કર્યું છે. લખે સરસ, બોલે સરસ, વિચારે સરસ ને જીવે તો એથીયે સરસ !

મારો ને એમનો અનુબંધ રાપર કૉલેજ થકી બંધાયો. વર્ષ ૨૦૧૪માં મને રાપર નોકરી મળી ત્યારે ગુરુજન દર્શનાબહેન ધોળકિયાએ એકમાત્ર વ્યક્તિના નમ્બર આપીને કહેલું કે, ‘આપણા એક સ્વજન રાપરમાં શિક્ષક છે, એ તમને કાંઈપણ જરૂર હશે તો મદદરૂપ થશે.’ કોલેજના એ શરૂઆતનાં વર્ષોની કથા તો ક્યારેક નિરાંતે કરીશ પણ એ કપરાકાળમાં મારી ઢાલ બનીને જે કેટલાંક સ્વજનો ઊભા રહ્યાં એમાંના એક તે સૂર્યશંકરભાઈ ગોર. કૉલેજમાં નાનો મોટો કોઈપણ કાર્યક્રમ હોય કે વિદ્યાર્થીઓનું વિદાયમાન હોય કે વાલીસંમેલન હોય સૂર્યશંકરભાઈ ખુલ્લે પગે હાજર જ હોય. એમની પ્રભાવક શૈલીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત ને પ્રેરિત થયા વગર ન રહે. એક પણ રૂપિયાની અપેક્ષા વગર તેઓ સદાય કોલેજની પડખે રહ્યા છે. કોલેજની જમીન માટે મામલતદારને રજૂઆત કરવા જવાની હોય તો પણ તેઓ સાથે જ હોય. હા .. એમની શાળાના બાળકોની એકપણ મિનિટ તેઓ કોઈ અન્યને ન આપે. ગમે એટલો મોટો કાર્યક્રમ હોય પણ એમના સમયે તેઓ નીકળી જ જાય. એમના સમયપાલનના દાખલા દેવાય. 

નાનામાં નાના માણસને પોતાના લાગે એવા સાહેબ અંદરથી બહુ જ ઋજુ હૃદય જીવ. સાધુ શબ્દ વેશ વિના જેમને લાગુ પાડી શકાય તેવા આ વિરલ શિક્ષક. એમની આંખ ને એમનું હૈયું બંને ભીનાં ભીનાં. કોઈનું દુઃખ ન જોઈ શકે. પોતે તો દૂર કરવા મથે પણ એમનો પડ્યો બોલ ઝીલનાર લોકોને પણ આંગળી ચીંધે. કાંઈ કેટલાંયના જીવતરમાં અજવાળાં કર્યાં હશે આ સૂર્ય-શંકરે ગયા ઓક્ટોબર માસે એમની નોકરીનો છેલ્લો દિવસ હતો. એમની શાળા તો એમને ભાવભેર વિદાય આપે જ. સરસ સન્માન સમારંભ પણ પૂર્વે યોજેલો. પણ તેઓ આરંભ સમારંભના માણસ નહિ. પણ જેમણે પોતાનાં ચાળીસ વર્ષ આ પ્રદેશને અજવાળવામાં આપી દીધાં હોય એમની શાળા છોડવાની ભાવુક ક્ષણો યાદગાર બનાવવા જે ગાંડું ઘેલું સુજ્યું તે કરવા અમે વિદ્યાર્થીઓ સહિત ઉપડ્યા. એ પૂર્વે આજે કોલેજના છેલ્લા દિવસે પણ ભેગા થયેલા વિદ્યાર્થીઓ સમક્ષ ગોરસાહેબની આખી યાત્રાની વાત કરી ને તેઓ ભાવપૂર્વક જોડાવવા તૈયાર થયા. સાહેબને સનરુફ કારમાં ઊભા રાખી એમને વાજતે ગાજતે શાળાથી લઈને ઘરે મુકવાનો અમે છૂપો (સરપ્રાઈઝ) કાર્યક્રમ ઘડી કાઢ્યો. બધા મિત્રો સરઘસ કાઢીને એમની નિશાળે પહોંચ્યા. ત્યારે શાળા તરફથી અપાતી વિદાયનો કાર્યક્રમ સંપન્ન થવા આવેલો. અમને જોઈને સાહેબ સહિત સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ સાહેબનો ચરણ સ્પર્શ કરી એમના આશિષ મેળવ્યા. એમને વચ્ચે ઊભા રાખી ગરબા કર્યા. સાહેબ પણ એમાં જોડાયા. પછી એક નાનકડો અનૌપચારિક કાર્યક્રમ ત્યાંના આચાર્ય બહેન ને સૌ શિક્ષકોના સહકારથી તરત ગોઠવાઈ ગયો. સાહેબની યાત્રાની થોડી વાત કરી જેનો સૂર એવો હતો કે અમે તમને કોલેજ માટે લેવા આવ્યા છીએ. વિદ્યાર્થીઓએ કુંકુ ચોખાના તિલકથી સાહેબના પોંખણા લીધાં. એમને સ્વસ્તિક કરેલું નાળિયેર, સાલ ને ડાયરી પેન આપી પ્રતીક સન્માન કર્યું. સાહેબે આજીવન બધાને લેસન દીધું તો અમે એમને શિક્ષણ જીવનનાં સંભારણાં લખવાનું લેસન આપી દીધું. સાહેબે સૌને મંગળ આશિષ આપી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. સૌને ચોકલેટનું મીઠું મોં કરાવી સાહેબની બાઈક કબજે લઈ એમને ભાઈ ઉમરની સનરુફ ગાડીમાં ઊભા રાખ્યા. આ બધું પ્રેમની સરમુખત્યારશાહીથી સાહેબે સ્વીકાર્યું. એ વિસ્તારના લોકોએ કહ્યું કે અમારા ફેરમાં તો સાહેબની ગાડીનો એક રાઉન્ડ લેવડાવો. ના કહેવાનો તો પ્રશ્ન જ ન્હોતો. એ ફળિયામાં દરેક ઘરના દરવાજે બે હાથ જોડેલા બહેનો, બાળકો ને વડીલો સાહેબને વંદન કરતાં ઊભા હતા. સાહેબની આંખમાં એમના પ્રત્યેનો ને એમની આંખમાં સાહેબ પ્રત્યેનો ભારોભાર પ્રેમ છલકાતો અનુભવાતો હતો. ત્યાંથી રાપરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતી અમારા પ્રિય શિક્ષકની ભાવયાત્રા એમના ઘરની નજીક પહોંચી. પાસેના ચોકમાં ફરી ગાડી ઊભી રાખી અમે સૌ તો ઢોલના તાલે ગરબા રમવા લાગ્યા. વિદ્યાર્થીઓના ચહેરા પર ગોરસાહેબ માટેનો અહોભાવ છલકાતો હતો ને ગામના લોકોની આંખોમાં અચરજ છલકાતું હતું. સાહેબ માટે તો બધું જ સરપ્રાઈઝ હતું ને એમના પરિવારજનો માટે પણ. નાચતાં નાચતાં રમજુ નામના વિદ્યાર્થીને યાદ આવ્યું કે, ‘સાહેબ ફૂલ તો ભુલાઈ ગયા છે દોડતો લઈ આવું ?’ આંખના ઈશારે દોડીને ફૂલ લઈ આવ્યા. સાહેબને ફૂલડે વધાવતાં ને નાચતાં ગાતાં સાહેબના આંગણે આવી ગયા. ફરી એમને ઊભા રાખી રાસ રમ્યા. સાહેબના પરિવારે એમની આરતી ઉતારી ને સાહેબે ઘરમાં પ્રવેશ કર્યો. ફરી એ જ પ્રેમભરી વાતોનો પ્રવાહ શરૂ થયો. જ્યાં મુરારિબાપુ ને બાબુભાઈ રાણપુરા આવીને બેસી ગયેલા એ જગ્યાએ અમારા ભૂલકાઓને સાહેબે બેસાડ્યા. સૌને જોઈએ એટલી કુલ્ફી ખવડાવી રાજી કર્યા. બધાએ સાહેબ સાથે પેટ ભરીને વાતો કરી ને મોબાઈલ ભરીને ફોટા પડાવ્યા. સાહેબ ને એમનો પરિવાર સૌને વળાવવા શેરીના નાકા સુધી આવ્યા. ભોજનનો સમય થઈ ગયેલો પણ ભૂખ ક્યાં ય ખૂણે ખાંચે પણ સળવળતી ન્હોતી અનુભવાતી. સૌનું હૈયું ને આંખ બે ય ભરાયેલાં હતાં. ‘સાહેબ ઉઘડતા સત્રે અમારી કોલેજમાં આવજો’ એમ કહેતાં કહેતાં વિદ્યાર્થીઓ વિદાય થયા. સાહેબને ભેટીને મેં ને નિયામતે પણ ઘર ભણી પગ ઉપાડ્યા; પણ હૈયે તો આજનો આનંદ ને ભીનાશ છલકાઈ રહ્યાં હતાં. 

પ્રિય સૂર્યશંકરભાઈ ગોરસાહેબ આમ પણ લોકશિક્ષક હતા જ આજે તેઓ શિક્ષકમાંથી ફુલટાઈમ લોકશિક્ષકમાં ફેરવાયા ને દ્વિજત્વની આ ધન્ય ક્ષણોના કુદરતે અમને સૌને સાક્ષી બનાવ્યા એનો રોમાંચ હજુ રોમેરોમ સળવળી રહ્યો છે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 December 2024 Vipool Kalyani
← બાંગ્લાદેશનો કાન આમળતાં પહેલાં ભારતમાં લઘુમતી રાજકારણનું સત્ય સમજવું જરૂરી
કાયદા પણ પક્ષપાત કરનારા હોય છે…  →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved