
રવીન્દ્ર પારેખ
આજની પેઢી સ્વેચ્છાએ પોતાનું જીવન નક્કી કરે છે. બીજા કોઇની દખલ તે બહુ સાંખતી નથી. માબાપ કે અન્ય સંબંધીઓનું પણ અમુક હદથી વધારે દબાણ યુવાનો પર ચાલતું નથી. એમાં યુવક કે યુવતી, કોઈ પણ હોય, વર્તણૂક કે જીવન શૈલીમાં બહુ ફરક પડતો નથી. વલણ એવું પણ રહ્યું છે કે યુવક કે યુવતીનું ભણતર એ પ્રકારનું હોય છે કે નોકરી મોટે ભાગે વતનથી દૂર મહાનગરોમાં મળતી હોય છે ને પગાર સારો હોય તો દૂર જવાનો પણ વાંધો હોતો નથી. આમ તો યુવાનો અંદર ખાને એવું ઇચ્છતા પણ હોય છે કે નોકરી ઘરથી થોડે દૂર હોય, તે એટલે કે ઘરનાઓની એટલી દખલ ઓછી ! બેંગલોર, મુંબઈ, દિલ્હી, કોલકાતા, મદ્રાસ જેવાં શહેરોમાં નોકરી હોય તો યુવાનોને મહાનગરની લાઈફ માણવા મળે એ લોભ પણ ખરો. મોટે ભાગના યુવાનોએ એકલાં રહેવું હોય છે ને ધારેલું કરવું હોય છે. એવું ઘરે હોય તો કરવાનું ઓછું મળે. હાથમાં સારી કંપનીની ઊંચી પોસ્ટવાળી નોકરી હોય તો ઘણું બધું અંકે કરી શકાય ને થોડી ફાસ્ટ લાઈફ પણ માણવા મળે, એવું યુવાનો ઇચ્છતા હોય છે. થોડું ગમતું થાય ને થોડી થ્રિલ અનુભવાય તો સોનામાં સુગંધ ભળે.
સુનિધિને મુંબઇમાં રોબોટ બનાવતી કંપનીમાં મોટા પેકેજની નોકરી મળી. 28 વર્ષની સુનિધિ ઘરનાં લોકોને નારાજ કરીને મુંબઈ ગોઠવાઈ હતી. ખાસી ટેલન્ટેડ ને ડેશિંગ હતી. થોડા વખતમાં તો ફ્રેન્ડ સર્કલ બની ગયું. આમ તો તે બધાંની બોસ હતી, પણ તે ડ્યૂટી અવર્સમાં. સર્કલમાં તો તે ખાસી ફ્રેન્ડલી હતી. શરૂઆતમાં તો સ્ટાફે તેને કો-ઓપરેટ કરી, પણ પછી એમને એમની લાઈફ પણ હતી, એટલે ડ્યૂટી પૂરી થતી કે સ્ટાફ નીકળી જતો. સુનિધિને પોતાના ફ્લેટ પર જવાનું મન થતું, પણ ત્યાં પણ કોઈ રાહ જોનારું હતું નહીં, એટલે ઓફિસમાં જ કામ કર્યા કરતી. કંપની તેના કામથી ખુશ હતી ને ઇન્સેન્ટિવ સાથે તેને જુદા જુદા પ્રોજેક્ટ્સ સોંપતી જતી હતી. તે પણ જીવ રેડીને કામ કરતી હતી. સવારે આવતી ને રાત્રે ફ્લેટ પર પહોંચતી. ડ્રાઈવર કે પ્યૂન થોડા અકળાતા પણ ખરા, કારણ તેમણે મોડે સુધી રોકાવું પડતું. એ ખરું કે સુનિધિને ઓફિસ સિવાય બીજું કામ ન હતું, પણ ડ્રાઈવર અને પ્યૂનને તો ઘરે રાહ જોનારું કોઈ હતું.
ધીરે ધીરે એવી સ્થિતિ આવી કે ઓફિસની બહાર તે જાણે હતી જ નહીં ! એક તબક્કે તો સ્ટાફ સાથે નાઈટ લાઈફ માણવા પણ તે નીકળી પડતી, પણ હવે તો કોઈ મોડે સુધી રોકાતું ન હતું ને તેણે ક્યાંક જવું હોય તો કોઈ કંપની ન હતી. આમ તો કામ જ એટલું પહોંચતુ કે બીજા કોઈ વિચાર માટે જગ્યા જ ન રહેતી. ઘરનાં લોકો સાથેનો સંપર્ક તેણે જ રાખ્યો ન હતો. કોઈ વાર મમ્મી ફોન કરતી તો એને ઉપાડવાની ફુરસદ જ ન હોય ને હવે એ ફોન કરતી તો મમ્મી લગ્નની વાત કાઢતી ને તે તેને માફક આવતી ન હતી, એટલે વાત ટૂંકી જ રહેતી. ભાઈ તેની ફેમિલીમાં વ્યસ્ત હતો ને પપ્પાને કમાવામાંથી ફુરસદ ન હતી. વળી પપ્પા તો સુનિધિની નોકરીથી જ નારાજ હતા, એટલે પણ એ બહુ વાત કરવા રાજી ન હતા. થોડો વખત વોટ્સએપ, ફેસબુક પણ કરી જોયું. મિત્રો તો થઈ જતા, પણ તેમાં ગંદકી સિવાય ખાસ કૈં રહેતું નહીં.
જો કે, કામ સિવાય સુનિધિને કશું સૂઝતું પણ નહીં ને એથી જ કદાચ એકધારા કામથી તે થાકવા લાગી. કામનો કંટાળો આવવા લાગ્યો. ઓફિસની બહાર પણ દુનિયા છે એ ભાન તેને થયું, ત્યાં સુધીમાં તો તે સાવ એકલી પડી ગઈ હતી. બધું જ હતું. ધારે તે કરી શકે એમ હતું, પણ ધારવાનું જ ભુલાઈ ગયું હતું. કામ તે ઘણું કરતી, પણ કામ કરી કરીને પણ ક્યાંક તો અટકવાનું હતું. કામના પૈસા મળતા હતા, પણ પૈસાથી આનંદ મળતો ન હતો. પૈસાથી તે ઘણું ખરીદી શકે એમ હતી, પણ આનંદ ખરીદવાનું શક્ય ન હતું. જિંદગી તેને સાવ નીરસ લાગવા માંડી. ભરચક પગાર હતો, લક્ઝુરિયસ ફ્લેટ હતો, કંપનીની ને પોતાની એમ બબ્બે કાર હતી, કપડાં, ઘરેણાંની પણ ખોટ ન હતી. બધું જ હતું, પણ તેને નિરાંત જોઈતી હતી, શાંતિ જોઈતી હતી ને તે તેને મળતી ન હતી. કંપની પ્રોજેક્ટ્સ આપ્યે જતી હતી ને તે કર્યે જતી હતી – જેમ તેનાં જ બનાવેલાં રોબોટ્સ કમાન્ડ ઉઠાવ્યે જતાં હોય તેમ ! આ બધું તે શું કામ કર્યે જતી હતી, તેવો સવાલ તેને થતો ને તેને બધું નિરર્થક લાગતું. તેને બધું જ ફગાવી દેવાનું મન થયું. નોકરી છોડીને ઘર ભેગાં થવાનું મન થયું, પણ ઘર કયાં મોઢે જવું? આ બધાંથી કુટુંબે તેને ચેતવી ન હતી એવું ન હતું.
બન્યું એવું કે સુનિધિનો બધી વાતોમાંથી રસ ઊડવા લાગ્યો. ખાવાપીવાનું મન મરવા લાગ્યું. લાખો રૂપિયા વપરાયા વગર પડી રહેવા લાગ્યા. હૈયું ને આંખો ભરાવાં લાગ્યાં. જિંદગી અકારી લાગવા માંડી ને વાત કાઉન્સેલિંગ, સાઇકિયાટ્રિસ્ટ સુધી આવી. સારવાર શરૂ થઈ અને થોડી સારવાર પછી સુનિધિ જિંદગીમાં પાછી ફરી, પણ જુદી જીવન શૈલીએ –
આવું સુનિધિ જેવી ઘણી મહિલાઓને અને ઘણા સુનિલ કે અનિલને બનતું હોય છે. આજના સમયમાં હતાશા, નીરસતા ઘણાંની જિંદગીમાં ઘૂસે છે. આ ઘૂસણખોરી માટે ખરેખર તો જે તે વ્યક્તિ જ વધારે જવાબદાર હોય છે. સુનિધિનો જ દાખલો જોઈએ, તો આવી જિંદગી તેણે સામે ચાલીને સ્વીકારી છે. તેનો વાંક છે એવું નથી, પણ કશુંક કરી નાખવાના ઉત્સાહમાં યુવાનો આગળ પાછળનો બહુ વિચાર કરતાં નથી. સાહસ, હસાહસમાં ન પરિણમે એટલું દરેકે જોવું જોઈએ. એકલપંડે ઘણું બધું કરી નાખવાનો ઉત્સાહ ઘણી વાર હતોત્સાહ કરે છે. સુનિધિએ એકલાં જીવવું હતું ને આવી પડેલી એકલતાએ તેને હતાશા તરફ ધકેલી. કોઈ પણ કાળમાં માણસ એકલો રહે એવું કુદરતે જ નથી રાખ્યું, પણ માણસને એકલાં રહેવાનું ગમે છે. હકીકત એ છે કે કોઈ પણ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તે માણસને ગમતી નથી. તે એકલો હોય તો બેકલો થવા ઈચ્છે છે ને બેકલો હોય તો એકલો થવા ઈચ્છે છે. કુદરતે મનુષ્ય જીવનના દરેક તબક્કા બહુ સમજીને નક્કી કર્યા છે. બાળપણમાં બાળપણ અનુભવી લેવું. તેને બદલે કોઈ વૃદ્ધત્વ કે સાધુત્વનો પ્રયત્ન કરે તો ઘાતક નીવડે એમ બને. સ્વેચ્છાએ એકલા રહેવું અને અનિચ્છાએ એકલા રહેવું, એ બે જુદી બાબતો છે. એકમાં આનંદ છે, બીજામાં પીડા છે.
સુનિધિ જેવી મહિલાઓ કે સુનિલ, અનિલ જેવા યુવાનો વધુ કમાણીની લાલચે એટલી બધી જવાબદારીઓ વહોરી લે છે કે પછી પહોંચી વળાતું નથી. સ્માર્ટનેસ એટલી સસ્તી થઈ ગઈ છે કે સ્માર્ટથી ઓછું તો કોઈને કશું ખપતું જ નથી. સ્માર્ટનેસ વ્યક્તિમાં હોય તો તે ડિપ્રેસ થાય નહીં ને ડિપ્રેશનમાં ફસાય નહીં. ફસાય તો પણ તેનો લાંબો સમય શિકાર બને નહીં, પણ આજકાલ સ્ટ્રેસનો એવો વાવર ચાલે છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ તેનો ભોગ બની શકે છે. બધું જ ઇચ્છિત મળ્યું હોય ને બધું જ અન્યને ઈર્ષા આવે એવું હોય, તો ય યુવાપેઢી ઝડપથી ખુશ કે હતાશ થઈ જાય છે. આ હતાશા ક્યારેક આત્મહત્યા સુધી પણ ખેંચી જાય છે. અત્યારની વિચિત્ર પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવું મોટો પડકાર છે. ઘણા એ પડકાર ઝીલે છે, તો ઘણા હારી જાય છે. આવનારા સમયમાં મનોરોગીઓની સંખ્યા અનેક ગણી વધવાની છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના ઘણા ડિપ્રેશનનો ભોગ બને છે. માણસ ભીડ વચ્ચે રહેતો હોય તો ય એકલતાથી પીડાતો હોય એમ બને ને એકલતા ભાગ્યે જ સુખદ હોય છે. વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 08 ડિસેમ્બર 2024