દોરાબજીને જમશેદજીની છેલ્લી શીખ : હું ગયા વેરે તમે ધંધાને ઉપર લઈ જઈ સકો નહિ, તો બી નીચે પરવા નહિ દેતા
ઇન્ડિયન રેલવે બોર્ડના ચેરમેન સર ફ્રેડરિક એપકોટ તેમની ઓફિસમાં બેઠા છે. એક મિત્ર અમલદાર તેમને મળવા આવે છે. વાતવાતમાં કહે છે : ‘તમને ખબર પડ્યા છે કે નહિ?’
‘શું?’
‘આ દેશી લોક હિન્દુસ્તાનમાં સ્ટીલ બનાવવાનું કારખાનું શરૂ કરવાના છે.’
‘ગઈ કાલે રાતે તેં જરા વધુ પી લીધી લાગે છે. આ દેસના લોક એક પેન્સિલ બી બનાવી સકતા નથી. આપરા ગ્રેટ બ્રિટનથી મગાવીને વાપરે છે. એ વલી સ્ટીલ બનાવવાનાં સપનાં જુએ! અને ટુ બી એ વાત સાચી માની લે!’
‘હું બી નહિ માનતે. પન આ સપનું જોનાર છે દોરાબજી તાતા, સર જમશેદજી તાતાના નબીરા.’
‘તો તો ચાલ! લાગી સરત. જો આ દેશમાં કોઈ બી માઈનો લાલ સ્ટીલ બનાવે તો ઇન્ડિયન રેલવેને જેટલું સ્ટીલ જોઈએ તે બધ્ધું એવનની ફેક્ટરીમાંથી જ ખરીદસ.’
*
આય સ્ટીલ બનાવવાનું કામ તો પછીથી સુરુ થિયું, પન એનું સપનું તો જોયું હુતું સપનાના સોદાગર જમશેદજીએ. છેક ૧૮૮૨માં એક જર્મન નિષ્ણાતનો રિપોર્ટ જમશેદજીના જોવામાં આવિયો. તેમાં જનાવેલું કે લોહારા ગામ (આજના મહારાષ્ટ્રમાં આવેલું) અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં આયર્ન ઓર છે જેનો ઔદ્યોગિક રીતે લાભ લઈ શકાય. જમશેદજીએ તરત ચકરડાં ઘુમાવ્યાં. વાત તો સાચી હતી. પણ ખાટલે મોટ્ટી ખોડ એ હુતી કે ત્યાં આસપાસમાં ક્યાં ય કોલસાની ખાન નહોતી. અને પોલાદ બનાવવા માટે તો કોલસાની મોટા પ્રમાણમાં જરૂર પડે. એટલે વાત અટકી.
સર જમશેદજી તાતાએ સેક્રેટરી ઓફ સ્ટેટને લખેલો પત્ર
૧૮૯૯માં મેજર મોહનનો રિપોર્ટ જોવામાં આવ્યો. જો હિન્દુસ્તાનને આગળ લાવવવું હોય તો તેને માટે આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી અનિવાર્ય છે એમ તેમાં જણાવ્યું હુતું. ફરી જમશેદજીએ કોશિશો કરી, પણ કિસ્મતે યારી આપી નહિ. પણ પછી ૧૯૦૦માં ગ્રેટ બ્રિટનની મુલાકાત દરમ્યાન જમશેદજી સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ જ્યોર્જ હેમિલ્ટનને મળ્યા. ઘણી વાતો થઈ તેમાં હિન્દુસ્તાનમાં પોલાદ ઉદ્યોગ વહેલી તકે સુરુ કરવાની હિમાયત જમશેદજીએ કીધી, જે લોર્ડ સાહેબે સ્વીકારી. હિન્દુસ્તાન પાછા આવ્યા પછી જમશેદજીએ તેમને કાગળ લખીને જે વાત થયેલી તે પાક્કી કરી લીધી. હવે આ કામ શુરુ થઈ શકશે એમ જમશેદજીને લાગ્યું. પણ હજી કાચા લોખંડની ખાણોની શોધ તો ચાલુ જ હતી.
પ્રમથ નાથ બોઝ અને તેમણે જમશેદજી તાતાને લખેલો પત્ર
પણ એ દિશામાં પણ અણધારી મદદ મળી ગઈ, ૧૯૦૪માં. પ્રમથ નાથ બોઝ (૧૮૫૫-૧૯૩૪) નામના એક જાણીતા ભૂસ્તરશાસ્ત્રીએ જમશેદજીને કાગળ લખી જનાવિયું કે મયૂરભંજ (એ વખતે દેશી રાજ્ય હતું) વિસ્તારમાં બહુ મોટા પ્રમાણમાં આયર્ન ઓર મળવાની પૂરેપૂરી શક્યતા છે. એટલું જ નહિ, આ વિસ્તારમાં કોલસા અને ચૂનાની ખાણો પણ આવેલી છે. અને જો અહીં સ્ટીલ ઇન્ડસ્ટ્રી સુરૂ કરવામાં આવે તો મયૂરભંજના રાજવી પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે. જમશેદજીને લાગ્યું કે હવે હિન્દુસ્તાનમાં સ્ટીલ ઉદ્યોગ સુરુ કરવાનું સપનું સાચું પડવામાં થોડી જ વાર છે.
પન ખોદાયજીએ તો કૈંક જૂદું જ વિચારી રાખ્યું હુતું. જમશેદજી જેટલું કામ કરતા હતા તેનાથી જાસ્તી ખાતા હુતા, અને જેટલું ખાતા હુતા તેનાથી જાસ્તી કામ કરતા હુતા. દારૂને હાથ બી નહિ લગારતા. પન જાતજાતનું ખાવાના ભારે શોખીન. એટલે શરીર ખોટકાવા લાગ્યું. એ જમાનાના સારામાં સારા ડોકટરોએ જે વારે હાથ હેઠા મૂકિયા તે વારે એવનને ટ્રીટમેન્ટ માટે પરદેસ લઈ જવાની નક્કી થિયું. પન જમશેદજી માને નહિ. કહે કે મુને કંઈ બી થયું નથી જે. થોરા દિવસમાં સારું થઈ જસે. કઝીન ‘આર.ડી.’ જમશેદજીનો ખાસ લાડકો. એવને યુક્તિ કરી. કહે કે હું માંદો છેઉ અને સારવાર માટે પરદેસ જવું પરે તેમ છે. પણ તમે સાથે આવો તો જ હું જાવસ, નહિતર નહિ. એટલે જમશેદજી તૈયાર થયા. સુએઝ પહોંચ્યા પછી બરાબર છ કલાક પછી આર.ડી. બોલીયા કે મારી તબિયત તો રાતી રાયન જેવી છે. અને એ જ વારે પાછા હિન્દુસ્તાન આવવા નીકલી ગિયા!
ઇટાલીના વિયેનાના એક જાણીતા ડોક્ટર નોથન્ગેલને તબિયત બતાવવાનું નક્કી થિયું હુતું. પન ડોકટરે સંદેશો મોકલ્યો કે અત્યારે અહીં પુષ્કળ ઠંડી છે જે તમારે માટે સારી નથી. થોડા દિવસ પછી હું સાન રેમો જવાનો છું તો તમે ત્યાં આવીને મને મળો. એટલે જમશેદજી, દોરાબજી અને એમની પત્ની, બધાં સાન રેમો જવા નીકલિયાં. એ જ વખતે મુંબઈમાં જમશેદજીનાં ધનીયાની બેહસ્તનશીન થીયાં તેના સમાચાર મલતાં બધાં ઘન્નાં જ ગમગીન થીયાં, પન જમશેદજીએ પોતે ઘન્ની ધીરજ બતાવી. એપ્રિલની સુરુઆતમાં બધાં સાન રેમો પહોચ્યાં. સારવાર સુરુ થઈ. એક દિવસ સુધારો લાગે, તો બીજે દિવસે બગારો.
વનસ્પતિશાસ્ત્રી સર જ્યોર્જ કિંગ
જમશેદજી જે હોટેલમાં ઊતર્યા હુતા એ જ હોટેલમાં વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી સર જ્યોર્જ કિંગ પણ ઉતર્યા હતા. બંને સરસાહેબ મળ્યા. બંનેએ જાતજાતનાં ઝારપાન, તેનો ઉછેર, તેની ખાસિયતો, વગેરે વિષે એક કલાક વેર ચર્ચા કરી. પછીથી સર જ્યોર્જ કિંગે દોરાબજીને કહ્યું કે હું તો વ્યવસાયી વનસ્પતિશાસ્ત્રી છું. પણ આજે એકાદ કલાકમાં હું તમારા બાવા પાસેથી ઘન્નું નવું શીખ્યો! આટલી બધી જાણકારી એવને ક્યારે અને કઈ રીતે મેળવી હશે!
સાન રેમોથી જમશેદજી અને દોરાબજી વિએના ગયા. ડો. રો પણ ત્યાં આવીને તેમને મળ્યા. ત્યાં કાગજ બનાવનારી એક મિલનો માલિક જમશેદજીને મળવા આવ્યો. અગાઉ સ્વદેશી મિલ માટે તેની પાસેથી જમશેદજીએ થોરો કાગજ ખરીદેલો. પન પેલો કહે કે તમારી બધી કંપની માટેનો પેપર મારી પાસેથી ખરીદો. હું તમને સારો ડિસકાઉન્ટ આપસ. દોરાબજી કહે કે અગાઉ અમે તમારી પાસેથી જે કાગજ ખરીદેલો તે ઊતરતી ક્વોલીટીનો હતો, અને છતાં મોંઘો હતો. પણ પેલો એકનો બે થાય નહિ. એટલે જમશેદજીએ તેને સમજાવ્યું કે કાગળ બનાવવાની સાચી રીત શી છે, તેમાં કઈ કઈ જનસ કેટલા પ્રમાણમાં નાખવી જોઈએ, કાગળ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, વગેરે, વગેર, વગેરે. કાગળ બનાવવાની આખી પ્રોસેસ અંગેની જમશેદજીની આવી જાણકારી જોઈ પેલો તો ડઘાઈ જ ગયો, અને કાગળ ખરીદવા અંગે એક અક્ષર પણ બોલ્યા વગર ત્યાંથી ઊભી પૂંછડીએ નાઠો.
એક વાર જમશેદજી અને દોરાબજી એકલા બેઠા હતા. ત્યારે જમશેદજી કહે: ‘જો બેટા! મેં ઘન્ની મેનત કરી આપરા ધંધા વિકસાવ્યા છે. હું ગયા વેરે તમે એને ઉપર લઈ જી સકો નહિ, તો બી નીચે પરવા નહિ દેતા. પછી તો જેવી પાક પરવરદીગારની મરજી! દીકરા સાથે વાતો કરતાં ઘન્ની વાર જમશેદજી એવનના નવસારીના ઘેરને, ત્યાંનાં સગાંવહાલાંને યાદ કરતા.
પન પછે ૧૭મી મેએ જમશેદજીની તબિયત એકદમ બગરી. દોરાબજી અને એવનની ઘરવાલી બીજે ગામ ગયેલાં, તે તાબડતોબ ૧૮મી તારીખે પાછાં આવી ગિયાં. તેમની સાથે વાત કરતાં જમશેદજી બોલ્યા : ‘મને મોતની બીક મુદ્દલ નથી. આજે નઈ તો કાલે એ આવસે એ તો નક્કી જ છે. હું નહિ હોવસ ત્યારે તમે બધાં હસીખુશીથી, સંપીને સાથે રહેજો.’ અને ૧૯મી મેની રાતે પોઢેલા હુતા તે વારે જ જમશેદજી ખોદાયજીને પ્યારા થઈ ગિયા.
તેમના ગુજર્યા પછી તેમનું સ્ટીલ પ્લાન્ટ નાખવાનું સપનું કઈ રીતે પૂરું થિયું તેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 નવેમ્બર 2024