Opinion Magazine
Number of visits: 9456816
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો

ભદ્રા વડગામા|Samantar Gujarat - Samantar|1 December 2012

બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ લેખકો ઃ મકરન્દ મહેતા, શિરીન મહેતા : પ્રકાશક ઃ વિશ્વ ગુજરાતી સમાજ, ૧૦૨, ૧લા માળે, મણિપ્રભુ, નવરંગ સ્કૂલ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ : પ્રથમ અાવૃિત્ત – ૨૦૦૯ : મુખ્ય વિક્રેતા – રંગદ્વાર પ્રકાશન,૧૫, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ : કિંમત – રૂ. ૨૨૦.

૩૪૩ પાનાંના આ પુસ્તકમાં, પહેલાં વધારાનાં ૧૬ પાનાંમાં, ‘વિશ્વ ગુજરાતી સમાજ’ના પ્રમુખ ક઼ષ્ણકાંત વખારીઆએ, બ્રિટનનાં ગુજરાતીઓના વસવાટને સંબોધીને, લખ્યું છે ઃ ‘આપણી સંસ્કૃિતએ દુનિયામાં બંદૂક તલવારથી નહીં પણ કેવળ સ્વમાન, નીડરતા અને પ્રેમથી નામના મેળવી છે.’

ત્યારબાદ, પ્રસ્તાવનામાં લેખકોએ બ્રિટનનાં ગુજરાતીઅોનાં ’સ્થળાંતરો, તેની ગતિ વિધિઓ, પડકારો અને નિષ્ફળતાઓના ગુણાત્મક રીતે ભિન્નભિન્ન સ્વરૂપો’નું આલેખન કર્યું છે. બ્રિટિશ ગુજરાતીઓની વર્ણવ્યવસ્થા, બે પેઢીઓ વચ્ચેનું અંતર, બ્રિટનનું રાજકારણ, આર્થિક ક્ષેત્ર, બ્રિટનની સંસ્કૃતિ અને સમાજમાં ગુજરાતીઓનું યોગદાન વગેરે વિષયોને સમેટી લીધા છે. તે ઉપરાંત, તેમણે બ્રિટિશ ગુજરાતીઓને અમુક પડકારો પણ કર્યા છે. દા.ત. તેઓ કહે છે કે બ્રિટનમાં  ’એક  અને  અખંડ  ગુજરાતી  જાતિ’  તરીકેની  આઈડેન્ટિટી જ નથી િકસી! ગુજરાતીઓ રાજકરણ તરફ ઉદાસીન છે, ગુજરાતીઓમાં સેકયુલર મૂલ્યો વધારવાની જરૂરત છે….’ વગેરે.

આખરમાં, તેમને મદદરૂપ થયેલ વ્યકિતઓનો આભાર ઉલ્લેખ છે.

તેમણે પુસ્તકને ૧૩ પ્રકરણોમાં ગોઠવ્યું છે, જેમાં બ્રિટનની ભૌગોલિક અને ઐતિહાસિક રૂપરેખા આપી છે અને બ્રિટનનાં ગુજરાતીઓ, જેમાં હિન્દુ, જૈન, મુસ્લિમ અને પારસી જનસમુદાયોને આવરી લેતાં વિવિધ પાસાં બતાવ્યાં છે. બ્રિટનનો ઈતિહાસ ખૂબ વિગતવાર આપી પુસ્તકની ગુણવત્તા વધારી છે.

આ પુસ્તકનું એક આગવું રૂપ એ છે કે પહેલીવાર કોઈએ બ્રિટનની સમગ્ર ગુજરાતી પ્રજાને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ વાતનો ઉલ્લેખ સિરાજ પટેલે “ઓપિનિયન”માં અા પહેલાં કર્યો જ છે. વળી, ફકત ઊંચ વર્ણને જ નહીં પણ બીજી ઘણી જ્ઞાતિઓના સભ્યોને મળી તેમના વિકાસનું વર્ણન પણ લેખકોએ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે શુદ્ર વર્ણોનો વિકાસ બ્રિટનના સેકયુલર અને વેલ્ફેર સ્ટેટને આભારી છે.

અહીં મારે એટલું કહેવું જરૂરી લાગે છે કે પુસ્તકના આ આગવા રૂપને સફળ બનાવવામાં લેખકોને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું માર્ગદર્શન ખૂબ મદદરૂપ નીવડ્યું છે. અકાદમીએ હંમેશ નાતજાત કે ધર્મના વાડામાંથી અલિપ્ત રહીને જેની માત઼ૃભાષા ગુજરાતી હોય તે દરેકેદરેકને સરખું મહત્ત્વ આપ્યું છે અને લેખકોને પણ એ જ દિશા સૂચવી છે.

લેખકોએ ખોજા, મેમણ અને બહોરા સમાજનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે પણ શિયા ઈથ્નાશરી ખોજાઓનો એક માત્ર ઉલ્લેખ જ કર્યો છે. આનું કારણ છે સમયનો અભાવ અને અમારા ઘણા પ્રયત્નો છતાં ય એ કોમમાંથી કોઈ યોગ્ય વ્યકિતનો મેળાપ લેખકો સાથે કરાવી આપવામાં મળેલી નિષ્ફળતા. પૂર્વ આફ્રિકામાં, ખાસ કરીને ટાન્ઝાનિયામાં, આ સમાજે કિસ્વાહિલી ભાષામાં એટલી બધી પારંગતતા મેળવી લીધી છે કે તે લોકો હજુ પણ ત્યાંનાં સ્થાનિક આફ્રિકનો સાથે વધુ સુમેળ સાધી રહી શકયાં છે. અહીં લંડનમાં, સ્ટેનમોર ખાતે, તેમની મોટી મસ્જિદ પણ છે અને તેમનું એક અલાયદું સ્મશાન પણ છે. બ્રિટનના દરેક ક્ષેત્રમાં તેમનો પણ ફાળો મહત્ત્વનો છે. તેમની મસ્જિદોમાં ઊંચ કક્ષાના અંગ્રેજી માધ્યમ દ્વારા ધર્મનું જ્ઞાન અપાય છે.

તે ઉપરાંત હાલ યુરોપિયન યુનિયનની સુવિધા હેઠળ પોર્ટુગલથી બ્રિટન આવી વસેલાં દીવ અને દમણની ગુજરાતી કોમ વિશે પણ વિસ્તારપૂર્વકની માહિતી નથી આપેલી. તળ ગુજરાતથી આવેલાં લોકો કરતાં એ લોકોની સમસ્યાઓ ઘણી જુદી હોઈ શકે છે. બીજી જે જ્ઞાતિઓનો સમાવેશ નથી તે વિશેનો ઉલ્લેખ પ્રકરણ દીઠ આપેલા આલેખનમાં છે.

યાદ રહે કે અહીં મહેતા દંપતીને ઉતારી પાડવાનો પ્રયાસ હરગીજ નથી. આ પુસ્તક ‘દર્શક ઇતિહાસ નિધિ’ના ભંડોળ દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત થશે એવી સમજૂતી રતિલાલ ચંદરિયાએ લેખકો જોડે કરી છે. એટલે તેનો અંગ્રેજી અનુવાદ થશે ત્યારે તેમાં આ ક્ષતિઓ કેવળ સુધરે અને વાચકોને વિશુદ્ધ ગ્રંથ મળે તે જ એક મારો હેતુ છે. 

આ પુસ્તકમાં એડિટીંગ અને પ્રૂફ રિડીંગ ન થવાને કારણે ઘણી બધી ક્ષતિઓ નજરે ચડતાં કિરીટ પરમારના શબ્દોમાં કહું તો ’સોનાની થાળીમાં લોઢાની મેખ વાગી હોય તેવી પ્રતીતિ થાય છે.’

હવે, પ્રકરણ દીઠ જે  મને સારું નરસું લાગ્યું તેનું આલેખન કરીશ.

પ્રકરણ ૧ : બ્રિટનની ભૌગોલિક રચના અને પરિવર્તનની પ્રક્રિયા

આ પ્રકરણમાં આપેલી માહિતીની ચોકકસાઈ મેં નથી કરી, પણ કોઈ પણ વાચકને તે પાર્શ્વભૂમિકા માટે ઉપયોગી થઈ પડે તેવી સામગ્રી તેમાં આપેલી છે. પરંતુ આટલી સુંદર માહિતીને માટે જાણે કલંકરૂપ હોય તેવાં રંગોમાં આપેલા ગુજરાત, આફ્રિકા અને બ્રિટનના નકશાઓની કક્ષા દયાજનક છે. ગુજરાતના નકશાને શીર્ષક જ નથી અપાયું. આફ્રિકાના નકશામાં સાત રંગોને બદલે કાળા રંગના જુદાજુદા ‘શેડ્સ’થી નકશો અર્થહીન લાગે છે. કોઈ પણ અાકૃિતનો લેખનના સંદર્ભમાં ઉલ્લેખ ન થયો હોય, તો તેનો સમાવેશ કરવો જરૂરી નથી. પાના ૧૩ પર એક નકશાનો ઉલ્લેખ છે ખરો, પણ તેમાં વર્ણવેલો યુરોપ ખંડ કયાં ય દેખાતો નથી કે નથી દેખાતી સ્કોટલેન્ડની ગિરિમાળા. વળી અમુક સમુદ્રોના ઉલ્લેખનું પણ ખાસ કોઈ અગત્ય નથી જણાતું.

ચિત્રાકૃતિની વાત કરું છું ત્યારે એ પણ કહેવું જરૂરી છે કે બ્રિટનનાં શહેરોનું ગુજરાતીકરણ (પાનાં ૧૨૦-૧૨૧ પરનો કોઠો) ઘણું ભૂલભર્યું છે. દા.ત. બ્રિસ્ટોલ, પ્લેમાઉથ, બ્લેકવર્ન, લઘબરો વગેરે. આ નામો જો અંગ્રેજી લિપિમાં તેમ જ સાચા ઉચ્ચારણ સાથે લખ્યાં હોત તો કદાચ નકશામાં જોવા સહેલાં પડત. જો કે બધાં શહેરો નકશામાં છે પણ નહીં.

પ્રકરણ ૨ : બ્રિટિશ ગુજરાતીઓનાં ઐતિહાસિક મૂળિયાં

આ પ્રકરણમાં ઘણી માહિતી દિલચશ્પ રીતે આપેલી છે. જુદાજુદા સમયગાળાને આવરી લઈને જુદાજુદા પ્રકારનાં લોકો જુદાંજુદાં કારણોસર ગુજરાતી ભારતીયો શા માટે બ્રિટનની મુલાકાતે આવ્યાં હતાં તેનો વિગતવાર ઐતિહાસિક અહેવાલ આપીને લેખકોએ આપણને બતાવ્યું છે કે આપણો બ્રિટન સાથેનો નાતો ચારસો વર્ષ જૂનો છે.

પ્રકરણ ૩ : ડાયસ્પોરાની સમસ્યાઓ અને પડકારો

સામાજિક દર્શનો લખાય છે ત્યારે ઘણા લેખકો કોઈ માપદંડ તૈયાર નથી કરતા, અને કરે છે ત્યારે તેને વળગી રહેતા નથી. અહીં લેખકોએ જણાવ્યું છે કે ’તર્કબદ્ધ રીતે વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂ કરવાની જરૂરત’ને ખ્યાલમાં રાખીને તેમણે ચાર પ્રશ્નો તૈયાર કર્યા છે જે તેમણે જેમનો ઈન્ટરવ્યુ લીધો હોય તેમને તે પૂછ્યા છે.

૧. કેવાં મૂલ્યાંકનો લઈને ગુજરાતીઓ બ્રિટનમાં આવ્યાં છે?
૨. મૂળ વતનીઓનાં વલણ અને ઈમિગ્રેશનના કાયદાઓની શી અસર થઈ છે અને તેના પ્રત્યાઘાત કેવી રીતે ઝીલાયા છે?
૩. જુદીજુદી જ્ઞાતિઓ કયાં કયાં વસી છે અને શા માટે?
૪. લઘુમતી પ્રજા તરીકે ગુજરાતીઓ અહીં કયાં સુધી જીવશે?

આ પ્રશ્નોને વળગીને લેખકોએ ગુજરાતીઓની પરિસ્થિતિનું પોતાની રીતે મૂલ્યાંકન કર્યું છે અને એક વાતની સ્પષ્ટ છાણવટ કરી છે કે બ્રિટનનાં ગુજરાતીઓએ સામૂહિક રીતે પ્રગતિ નથી કરી. એક નેતાગીરી નીચે રહીને તેમણે કોઈ ’ઠોસ કામ’ નથી કર્યંુ.

અહીં અને બીજી ઘણી જગ્યાએ વિરામચિહ્નો, જોડણી અને બીજી નાનીમોટી ભૂલોથી સ્પષ્ટ થાય છે કે આ પુસ્તકનંુ જરૂરી સંપાદન [editing] નથી થયું કે નથી થયું પ્રૂફ રિડીંગ. આ પુસ્તક અંગ્રેજીમાં પ્રસિદ્ધ થવાનું છે ત્યારે આ ભૂલો સુધારી શકાય એ આશયથી તે ભૂલો નીચે દર્શાવી છે.

પાનાં ૬૭ પર પહેલા જ ફકરામાં લખ્યું છે ‘પણ એક જમાનામાં કટ્ટર પક્ષ નેશનલ ફ્રન્ટે હાહાકાર મચાવી દીધો હતો.’ આ વાકય પૂરું થયું કે તરત જ ઈનોક પોવેલનો ઉલ્લેખ કર્યો છે પણ તે કઈ પાર્ટીના છે તે કહ્યું ન હોવાથી વાચક એવું માની બેશે કે તે નેશનલ પાર્ટીના સભ્ય હતા.

• તે જ ફકરામાં ભીખુ પારેખ કયા કમિશનના ચેરમેન હતા એ નથી લખ્યું.
• પાના ૭૭ પર લતા પટેલ ’પ્રથમ’ મહિલા મેયર હતાં એમ લખ્યું તે ભૂલભરેલું છે.
• તે જ પાના પર લખ્યું છે કે ’ બ્રિટનમાં કાન્તિ નાગડાનું નામ ઘણું મોટું છે.’ ભારતથી આવતાં લોકો માટે લંડન અને બ્રિટન ‘ઈન્ટરચેન્જેબલ’ શબ્દો લાગે છે.

પ્રકરણ ૫ : બ્રિટનમાં ગુજરાતી પત્રકારત્વ

અહીં ઘણી સરસ માહિતી આપેલી છે જે વિશે કોઈ શક નથી, પણ મારા “ગજુરાત સમાચાર” અને “એશિયન વોઈસ”ની બીજાં પત્રો કરતાં પ્રમાણમાં વધારે ચર્ચા થયેલી જણાય છે. તે જ રીતે “અમે ગુજરાતી” બાબત અતિરેકી બની છે. વળી, “ગરવી ગુજરાત”ને અન્યાય  થયો હોય, તે શકય છે.

પાના ૯૨ પર લખ્યું છે કે “ઓપિનિયન” અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો મહામંત્ર છે ઃ ’ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ.’ પહેલાં તો આ મહામંત્ર અધૂરો છે. એમાં હજુ એક વાત છે ’ગુજરાતી જીવીએ’, જે લેખકો લખતાં ચૂકી ગયાં છે. અને વિપુલ કલ્યાણી ભલે “ઓપિનિયન”ના તંત્રી હોય અને અકાદમીના મહામંત્રી હોય, પણ આ મંત્ર ફકત અકાદમીનો જ છે. “ઓપિનિયન” અને અકાદમીની પ્રવૃતિઓ એક જ સંસ્થાની હોય તે રીતે વર્ણવી છે તે સરિયામ બેહૂદું તથા ખોટું છે.

“ઓપિનિયન” વિશે પણ ઘણું લખ્યું છે, પણ તે સામયિકને જુદાજુદા વિષયોની ચર્ચા કરતી વખતે સાંકળી લીધું છે અને તેમાં આપેલા ઘણા લેખોનો ઉપયોગ બ્રિટનના ગુજરાતીઓની અસ્મિતા દર્શાવવા કર્યો છે, એટલે તે અસ્થાને નથી તેવું લાગે છે.

અલગ શીર્ષક આપ્યા વિના “ઓપિનિયન”ની માહિતી નીચે ‘ગુજરાતી લેક્સિકોન’ વિશેની માહિતી પણ વણી લીધી છે અને રતિભાઈ ચંદરિયાની ઓળખાણ પણ આપી દીધી છે, જે લગીર યોગ્ય નથી લાગતું. અા અન્યાયી છે.

આ પ્રકરણમાં યુવાપેઢીના પ્રત્યાઘાતો સુંદર રીતે વણી લીધા છે, પણ તે વિષય અગત્યનો છે જે માટે એક અલાયદું પ્રકરણ હોવું જરૂરી લાગે છે.

પ્રકરણ ૬ : આર્થિક વિકાસ, સમાજ પરિવર્તન ઃ ઓસવાળ, લોહાણા અને પાટીદારો

આ ત્રણ જ્ઞાતિઓ વિશે વિગતવાર લખી લેખકોએ સારી અને ઉપયોગી માહિતી પૂરી પાડી છે. યુવાપેઢીને ખૂબ ઉપયોગી થઈ પડે તેવો ઈતિહાસ અહીં આપેલો છે.

હવે ક્ષતિઓ પણ જોઈએ. અહીં એક જ માહિતીનું પુનરાવર્તન ઘણું છે. પહેલાં લોહાણા, ઓસવાળ અને પાટીદાર વિશે સામાન્ય રીતે જે જણાવ્યું છે તે ફરીફરી દરેક કોમની વાત કે પછી તે કોમમાંની વ્યકિતગત વાતોમાં વણી લેવામાં આવ્યું. જે બિનજરૂરી લાગે છે. ખેદની વાત એ છે કે પુસ્તકના સંપાદન અને પ્રૂફ રીડીંગના અભાવથી પુસ્તકની ગુણવત્તામાં ડાઘ પડેલો લાગે છે. જો આ ક્ષતિઓ પર ધ્યાન અપાશે તો અંગ્રેજી અનુવાદને ખૂબ succinctly લખી શકાય તેમ છે. જો તેમ નહીં થાય તો અંગ્રેજી વાચક વર્ગ તો મારાથી ય વધુ critical રહેશે અને એક ઊંચ કક્ષાના સંશોધનની અવગણના થશે.

પાનાં ૧૧૨ પર છેલ્લા ફકરામાં લખ્યું છે ’ઓસવાળોએ…..સમાજ પરિવર્તનની દિશામાં પગરણ તો બ્રિટનમાં જ માંડ્યાં.’ મને નથી લાગતું કે આ વાતથી બધાં ઓસવાળ સહમત હોય. ઇતિહાસ તપાસવામાં અહીં કચાશ રહેવા પામી છે. લેખકોએ લખ્યું છે તેમ શું ખરેખર બાળલગ્ન અને કન્યાવિક્રય જેવા કુરિવાજો પૂર્વ આફ્રિકામાં જન્મેલી ઓસવાળ પ્રજામાં ગઈ સદીના પાંચમા અને છઠ્ઠા દાયકામાં હતા ખરા?

પાનાં ૧૩૩ પર નિરંજના દેસાઈને નિરુપમા દેસાઈ નામ આપ્યું છે.

પ્રકરણ ૭ : બ્રિટનના આર્થિક વિકાસમાં ગુજરાતીઓનું પ્રદાન

આનંદની વાત એ છે કે અહીં ફકત ખૂબ મોટા ઉદ્યોગપતિઓને જ નહીં પણ જે યુવાન લોકોએ વેપાર ક્ષેત્રે પ્રગતિ સાધી છે તેમને પણ નવાજયા છે. અહીં બ્રિટનના ગુજરાતીઓ કેવા વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં ગૂંથાયેલાં છે તેની રસપ્રદ માહિતી આપેલી છે.

એક વાતની ચોખવટ કરી શકશો? પાનાં ૧૪૪ પર અને તે પહેલાં પણ લેખકોએ બેત્રણ વાર કહ્યું છે કે ‘૧૯૭૦ના દાયકામાં આફ્રિકાથી ગુજરાતીઓ પહેરેલે લૂગડે જ હિજરત કરી ગયા હતા.’ શું આ સાવ સાચું છે? શું કેટકેટલા ય નાનામોટા વેપારીઓ અને અમુક પ્રોફેશનલ વર્ગનાં લોકોએ શું થોડો ઘણો પૈસો બ્રિટન કે સ્વીસ બેન્કોમાં પહેલેથી જમા નહોતો કર્યો? કયારેક એવું લાગે છે કે લેખકો ઘણી બાબતોનો બહુ simplistic view લઈ લે છે.

એક બીજી નાનકડી પણ પાયાગત ભૂલ છે પાનાં ૧૫૫ પર. લખુભાઈ પાઠક કંપાલામાં ખાદ્યપદાર્થોનો ધંધો નહોતા કરતા, કિસુમુમાં કરતા હતા.

અને નાનકડો પશ્ન. Entrepreneur શબ્દ પહેલાં ઘણીવાર વાપરી લીધા પછી છેક પાનાં ૧૫૭ પર તેની વિગતવાર વ્યાખ્યા આપવાનું કંઈ કારણ?

પ્રકરણ ૮ : અંધકારથી પ્રકાશ તરફ – બ્રિટિશ ગુજરાતણોની વિકાસ કૂચ

ગુજરાતણોનાં ઉત્થાન માટે એક અલગ પ્રકરણ લખ્યું તે ખૂબ ગમ્યું. ઘણા સંશોધકો આ વિષયને કોઈ ખાસ મહત્ત્વ આપતા હોતા નથી. અહીં ફકત ગુજરાતી સમાજ નહીં, પણ સ્થાનિક બ્રિટિશ સમાજમાં પણ જેમણે કશુંક અગત્યનું કામ કર્યું છે તેવી સ્ત્રીઓનાં જીવન વિશે ઉમદા પ્રકારની માહિતી આપેલી છે. બ્રિટનમાં ગુજરાતી સ્ત્રીઓની છૂપી શકિત ખીલી છે એ બિલકુલ સાચી વાત લેખકોએ કરી છે. અહીં મુસ્લિમ સ્ત્રીઓની સમસ્યાઓ અને પ્રગતિને પણ વણી લીધાં છે, જે પ્રસંશનીય છે.

હવે આવું ક્ષતિઓ પર અને પ્રકરણને વધુ સારું બનાવવાનાં સૂચનો પર.

• બ્રિટનના ઈમિગ્રેશન કાયદાઓનું સવિસ્તાર વર્ણન આ પ્રકરણમાં આપવાનો હેતુ સમજાતો નથી. આ વિષય પ્રકરણ ૪ બ્રિટનની રાજકીય ગતિવિધિઓમાં લેવાયો હોત તો વધુ યોગ્ય ગણાત.
• પાનાં ૧૮૧ પર અગત્યના એક મંડળનું નામ આપ્યું છે ’સત્સંગ મંડળ’. હકીકતે હોવું જોઈએ, –  ’શ્રાવિકા સત્સંગ મંડળ’.
• પાનાં ૧૮૨ પર લખ્યું છે કે વિલાસબહેન કે રતિલાલ ધનાનીનાં (સમજાતું નથી) માતા પ્રભાતબા રાજકોટમાં આકાશવાણીમાં પ્રોગ્રામ આપતાં??? ખરેખર ?!

આવી ભૂલો દૂર કરી શકાઈ હોત, જો લેખકોએ દરેક વ્યકિત વિશે લખેલી માહિતીની ચોકકસાઈ કરવા માટે તેમને તે માહિતી પહેલાં વાંચવા મોકલી હોત. સમય મર્યાદાને કારણે લેખકો આમ નથી કરી શકયાં કે પછી આમ કરવું જરૂરી છે એ વાતમાં તેઓ સહમત ન થતાં હોય, તે પણ શકય હોઈ શકે. ટૂંકામાં ઉતાવડનું અા પરિણામ છે.

આવી બાબતે એક બહેનને ખૂબ દુઃખ પહોંચ્યું છે જે વિશે હું અહીં લખીશ તો અસ્થાને નહીં ગણાય. પાનાં ૧૮૯ પર ‘જાગૃતિ એશિયન વિમેન્સ ગ્રુપ, ક્રોયડન’ના શીર્ષક હેઠળ જ હંસાબહેન પુરોહિતનો પત્ર મૂકેલો છે. તેમાં લખ્યું છે કે તેમના શારીરિક ક્ષતિઓવાળા બાળકના ‘ઉછેરમાં મારાં વર્ષો ઘવાઈ ગયાં. હું પોતે ખૂબ તવાઈ અને ઘવાઈ. સારા બાળક પાછળ અને બાળકીના અભ્યાસ પાછળ જાત ઘસી નાંખી’. 

આ વાંચી હંસાબહેનને એટલું બધું ખરાબ લાગ્યું હતું કે તે મહેતા દંપતીને ફરિયાદ કરવા છેક અમદાવાદ તેમને ઘેર ગયાં હતાં. હંસાબહેને જે પત્ર લેખકોને લખ્યો હતો તે મેં વાંચ્યો છે જેમાં બાળઉછેર માટે હાડમારી શબ્દ વાપર્યો છે પણ જાત ઘવાઈ જવા વિશે કશું નથી લખ્યું. ગમે તેવું બાળક જન્મે તેના ઉછેરની ફરજ માબાપ પર સ્વાભાવિક આવે જ છે. અને વળી બ્રિટનમાં તો કેટલીયે સહાયતા મળે છે એટલે તેમણે આ બાળકના ઉછેરમાં કંઈક અતિશયોકિત કરી છે એવું જરા ય નથી, તેમ તેમનું કહેવું છે.

બે બાળકો ગોરી અને કાળી વ્યકિતને પરણ્યાં. હંસાબહેન લખે છે કે, ‘લોમાં માસ્ટરેટ કર્યા પછી દીકરી પરણી બ્લેક સાથે તો તમે જ જણાવો કે સંસ્કૃિતને છોડી ન હોય તો પણ જીવનધારા કુદરતી રીતે વહ્યા કરતી હોય તો વાંક કોનો?’

એમના પત્રમાંથી મેળવેલી માહિતીની લેખકોએ પોતાની રીતે તારવણી કરી. સ્ત્રી તરીકેની હંસાબહેનની જે વ્યથા હોઈ શકે તેને મોખરે રાખી છે, પણ તેનું અર્થઘટન ગેરવાજબી થયું છે તેમ હંસાબહેનનું કહેવું છે. તેમનાં બાળકોએ આંતરવર્ણીય લગ્નો કર્યાંં તેમાં તેમનો ‘મતભેદ હતો ખરો, પણ મનભેદ’ કયારે ય નથી થયો.

આ ગેરસમજ માટે મકરન્દભાઈ મહેતાએ હંસાબહેનની રૂબરૂ અને પત્ર દ્વારા માફી માગી છે અને તેમના લખાણની ઢબથી ઊભી થયેલી ગેરસમજને લીધે અહીં એ વાતનો ઉલ્લેખ કરાવી હંસાબહેને મહેતા દંપતીની માફી માગી છે.

અમુક સ્ત્રીઓ માટેનું લખાણ ખૂબ લાંબુ કહેવાય. એક જ વ્યકિત માટે એક કે બેથી વધુ પાનાંનો અહેવાલ આ પ્રકારના પુસ્તકમાં ન પાલવે.

પાનાં ૨૧૦ પર લખ્યું છે કે ચંદ્રકળાબહેને ’કોપલેન્ડ સ્કૂલ, અાલપર્ટન સ્કૂલ શરૂ કરી.’ આ તો સરકારી સ્કૂલો છે. લેખકો શું એમ કહેવા માગે છે કે એ સ્કૂલોમાં ગુજરાતી વર્ગો શરૂ કર્યા?

સ્ત્રી મંડળોનાં દ્ષ્ટાંતો આપી ભલે અહીં સંયુકત રીતે થઈ રહેલાં કાર્યોને લેખકો મહત્ત્વ આપે છે, પણ લગભગ દરેક સ્ત્રી મંડળના સિદ્ધાંતો એક સરખા હોવાથી તેમને મંડળ દીઠ વિગતવાર આપીને લેખકોએ સમય અને જગ્યાને વેડફી હોય તેવું લાગે છે. તે કરતાં આ ધ્યેયોને એકવાર જણાવી બધાં મંડળોનો દ્ષ્ટાંતરૂપે વિગતવાર અહેવાલ આપ્યો હોત તો વધુ યોગ્ય રહેત.

તે જ રીતે તેમેને મળેલી દરેક બહેન વિશે જુદુંજુદું લખવા કરતાં ગુજરાતણોએ જે ક્ષેત્રોમાં આગેકૂચ કરી છે તે વર્ણવીને દરેક બહેનને યોગ્ય ક્ષેત્રમાં દ્ષ્ટાંતરૂપે મૂકી હોત તો જે અગ્રગણ્ય બીજી બહેનો જેમનો અહીં સમાવેશ નથી તેમને અન્યાય થયો હોય તેવું ન લાગત.

આ પ્રકરણમાં બ્રિટનમાં જન્મેલી કે સાવ નાની ઉંમરે આવીને ઉછરેલી યુવાન સ્ત્રીઓની સફળતા વિશે કંઈ પણ લખાયું નથી એ ગેરવાજબી લાગે છે. સમયનો અભાવ કારણસર હોઈ શકે.

પ્રકરણ ૯ : કચડાયેલા ગુજરાતીઓનો બ્રિટનમાં ડાયસ્પોરા

અહીં માંધાતા સમાજ વિશેના લેખમાં ભવિષ્યના અભ્યાસ માટે ઘણી મદદરૂપ થાય તેવી માહિતી પૂરી પાડેલી છે. લેખકોએ કહ્યું છે તેમ ક્ષુદ્ર પ્રજા માટે એક આખું પ્રકરણ રચી પહેલાં સરળતાથી ઉપલબ્ધ નહોતી એવી મહત્ત્વની સામગ્રી એમાં રજૂ કરી છે. અહીં કેસ સ્ટડી તરીકે કેશવલાલ પટેલ વિશે લખ્યું છે તે જ રીત અન્ય પ્રકરણોમાં વપરાશ હોત તો બહેતર રહેત. તે જ રીતે, વાંઝા અને ખલીફા વાળંદો તેમ જ મોચીઓ વિશેની માહિતી રસપ્રદ છે.

હવે થોડી ક્ષતિઓ તરફ વળીએ.

 બ્રિટનની એક બીજી મુખ્ય જ્ઞાતિ, – પ્રજાપતિઓનો અહીં નથી સમાવેશ કે નથી ઉલ્લેખ.

• પાનાં ૨૨૮ પર કાનજીભાઈએ કરેલા દાનની રકમ આપવી જરૂરી છે?
• પાનાં ૨૪૬ પર આપેલી જાહેરાતો અસ્થાને લાગે છે. તેમના વિવિધ ધંધા ક્ષેત્રોનો ઉલ્લેખ પૂરતો રહેત.
• આફ્રિકા વિશેની માહિતી ઐતિહાસિક દૃષ્ટિએ યોગ્ય ગણાય પણ કયારેક એ માહિતી આ પુસ્તકના વિષયના સંદર્ભ માટે જરા વધારે પડતી  લાગે છે.

પ્રકરણ ૧૦ : બ્રિટનના મુસલમાનો ઃ ખોજા અને દાઉદી વહોરાનો કેસ સ્ટડી

અહીં ઈસ્માઈલી ખોજાઓ વિશે સરસ માહિતી પૂરી પાડી છે. અને અહીં જે રીતે ઈસ્માઈલીઓ વિશેની માહિતી આપીને પછી દૃષ્ટાંતરૂપે અમુક વ્યકિતઓનો ઉલ્લેખ કર્યો છે તે જો આખાયે પુસ્તકમાં કર્યું હોત તો હજુ ઘણી વધારે કોમોનો સમાવેશ એમાં થઈ શકત અને પુસ્તકની ગુણવત્તા વધત.
થોડી ક્ષતિઓ:

• પાનાં ૨૬૨ પર અંગ્રેજીમાં લખાયેલા બીજા ફકરામાં અાપેલા શબ્દ initeractionની જોડણી ખોટી છે.
• પાનાં ૨૬૩ પર લખ્યું છે કે ‘ખોજા અને દાઉદી વહોરાઓનો કેસ સ્ટડી સ્પષ્ટ રીતે પુરવાર કરે છે કે તેઓ અસલ હિંદુ હતા અને મુસ્લિમ સૂફી સંતોના ઉપદેશકોની અસરોને લીધે તેમણે ઈસ્માઈલી શિયા પંથ સ્વીકાર્યો હતો.’ લેખકોએ તેમ થયું હોવાનો ઉલ્લેખ જ માત્ર પાનાં ૨૫૬ પર કર્યો છે. પુરાવો કયાં બતાવ્યો છે?  અશગર અલી એન્જિનિયરના પુસ્તકની નોંધ જ ફકત કૌંસમાં આપી છે. નથી કહ્યું કે તે શા માટે ત્યાં મુકાઈ છે કે નથી અપાયું તેમાંથી કોઈ અવતરણ કે પાનાંનો સંદર્ભ.
• મેમણ કોમનો અને ઈથ્નાશરીઓનો ફકત ઉલ્લેખ છે પણ તેમના વિશે વધુ માહિતી નથી આપી. મેમણ કોમ દક્ષિણ લંડનમાં વધુ પ્રમાણમાં વસેલી છે અને મલાવીથી આવેલાં મેમણો તેમાં અગ્રસ્થાને છે. ‘ખય્યામ’ જેવા કવિ તો ખરા, પણ ઈકબાલ સકરાની જે ‘મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન’ના જનરલ સેક્રેટરી છે. તેમનો ઉલ્લેખ રાજકારણની દૃષ્ટિએ પણ કરવો મહત્ત્વનું હતું.

પ્રકરણ ૧૧ : બ્રિટનમાં વિકાસની સાથે શેરશાયરીની ધૂમ મચાવનાર વહોરા પટેલો

આ કોમના મોટા ભાગના લેખકોએ મુલાકાત લીધી હતી એટલે તેમનો અહેવાલ વાંચવો ગમે ,તે રીતે લખેલો છે. તેમનાં સાહિત્યિક યોગદાનને સરસ રીતે પોરસાવ્યું છે. ગઝલો અને કાવ્યોના નમૂનાઓ આપીને આ પ્રકરણને હળવું બનાવ્યું છે.

અહીં વળી યુવાનોની સમસ્યાઓને પણ આવરી લીધી છે તે આવકારદાયક છે.

એમ છતાં, વેસ્ટ યોર્કશરના બેટલી જેવા વિસ્તારોમાં, ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’ તથા ‘ઇન્ડિયન મુસ્લિમ વેલફેર સોસાયટી’નાં ભાતીગળ કામોની વિગતો અાવરી નથી શકાઈ તેનો રંજ છે.

પ્રકરણ ૧૨ : ત્રિભેટાને આરે બ્રિટિશ પારસીઓ

આ પ્રકરણ વાટે એક ઉમદા કોમનો અહેવાલ આપણે જોઈ શકયા છીએ, પણ અહીં હેરો ખાતે આવેલા તેમના ઝોરોઆસ્ટૃિયન સેન્ટરનો કયાંય ઉલ્લેખ નથી.
નાનીનાની પણ કંટાળાજનક ક્ષતિઓથી, ફરી એકવાર, પુસ્તકની ગુણવત્તા મારી દૃષ્ટિએ ઓછી થઈ જાય છે.

ફરી અહીં, કોરેલિયા સોરાબજી માટે લગભગ ચાર પાનાં ફાળવાળા તે મને ગેરવાજબી લાગ્યા છે.

ફ્રેડી મરકયુરી વિશેની માહિતીમાં તેને સંગીતવાદક કહ્યો છે. તે પીઆનો અને ગીટાર ભલે વગાડતો પણ તે નામાંકિત થયો તેના અવાજથી, તેનાં ગીતોથી. તે દારેસલામમાં નહીં, પણ ઝાંઝિબારમાં જન્મ્યો હતો અને આઠ વર્ષની ઉંમરે પંચગીની ભણવા જતો રહ્યો હતો. મારી દૃષ્ટિએ તેના સંગીતનો ફાળો વિશ્વભરને મળ્યો છે, પણ અહીં તેના યોગદાનનું યોગ્ય મહત્ત્વ અંકાયું નથી .

નામોની ભૂલો, માહિતીની ભૂલો

ફારૂક ધોની છે Farukh Dhondi. તે ચેનલ ફોર નથી ચલાવતા

એક જગ્યાએ જરબાનો તો કયાંક જરબાનુ લખ્યું છે. અંગ્રેજીમાં એમનું નામ આમ લખાય છે Zerbanoo એટલે બાનો નહીં પણ બાનુ તો ખરી જ.

કયાંક બરજર છે તો કયાંક છે બરજોર.

રોહિન્તન મિસ્ત્રી બ્રિટિશ નથી કેનેડિયન છે.

બાપસી સિધ્વા બ્રિટિશ નથી, પાકિસ્તાની છે.

આ ચિહ્ન ‘બોા’, પાનાં ૩૦૭ અને ૩૧૦ પર જોવા મળે છે. એ શું છે?

કરણ બિલિમોરિયાને ‘સર્વશ્રેષ્ઠ એશિયન’ તરીકે કોણે નવાજયા?

પ્રકરણ ૧૩ : સમાપન

અહીં લેખકોએ બ્રિટનના ગુજરાતીઓ સમક્ષ આપણી નવી પેઢી વિશેના જે પડકારો મૂકયા છે તે ખૂબ મહત્ત્વના છે જેની મથામણ આપણે કરી જ રહ્યાં છીએ.

Appendix :

વિશ્વ ગુજરાતી સમાજ  એન્ડ ડાયસ્પોરા નામનો કૃષ્ણ વખારીઆનો લેખ સરસ માહિતી પૂરી પાડે છે, પણ આપેલા ફોટાઓની કક્ષા એટલી ખરાબ છે કે મંચ પર બેઠેલી એક પણ વ્યકિતને ઓળખી શકવી મુશ્કેલ છે.

Bibliography :

અહીં આપેલી સૂચિ પરથી ખ્યાલ આવે છે કે તેમનાં સંશોધન માટે લેખકો અનેક પુસ્તકો ખોળી વળ્યાં છે, પણ ફરી એકવાર અહીં પણ ક્ષતિઓ છતી થાય છે. પુસ્તક કે સામયિક સાથે તેના પ્રકાશકનું નામ આપવું અનિવાર્ય ગણાય. પુસ્તકોનો સંદર્ભ કઈ રીતે રજૂ કરવો એ લેખકોને અહીં આપેલા કોઈ પણ ઉત્તમ પુસ્તકમાંથી જાણવા મળત. લાઈબ્રેરીઅન તરીકે પુસ્તકમાં index હોવું સહજ જરૂરી છે. જેથી, દા.ત., વિપુલ કલ્યાણી વિશે જાણવું હોય તો તેમનો ઉલ્લેખ કયા કયા પાને થયો છે, તે તેમાંથી વાચક જોઈ શકે. ગુજરાતી પુસ્તકોમાં index જવલ્લે જ જોવા મળે છે. એ એક professional પ્રક્રિયા છે અને તેને અસરકારક રીતે તૈયાર કરવા માટે તેવી પારંગત વ્યકિતની જરૂર પડે છે.

આખરમાં કહેવું જરૂરી માનું છું કે આ વિષય પર લખાયેલાં પુસ્તકોમાં આ પુસ્તક આગવું તરી આવે છે, પણ મારે પુસ્તકની ગુણવત્તા બાબતનું વિવેચન કરતી વખતે ક્ષતિઓ બતાવવી એને ફરજ માની છે. તેમ કરવા બાબત મકરન્દભાઈનો ખાસ આગ્રહ પણ હતો. છેવટે, જે તે પુસ્તકના લોકાર્પણ પછી,  પુસ્તક લેખકોનું નહીં, પણ લોકોનું બની જાય છે.
અત્યાર સુધી આવું ઐતિહાસિક પુસ્તક મેં આખું નથી વાંચ્યું પણ આ પુસ્તકનું વિવેચન લખવા માટે મારે તેમ કરવું જરૂરી હતું. વાંચવું ગમે તેવું અા પુસ્તક નીવડ્યું, અને બદલામાં મને તેમાંથી ઘણી ઘણી નવી માહિતીઅો પણ પ્રાપ્ત થઈ છે. મહેતા દંપતીએ આ પુસ્તક લખીને બ્રિટિશ ગુજરાતીઓને અમર બનાવ્યાં છે તે બદલ તેમનો આભાર. તેમને આર્થિક સહાય આપાવ બદલ રતિભાઈ ચંદરિયા તેમ જ ચ’દિરયા ફાઉન્ડેશનનો પણ તેટલો જ આભાર. હવે તેના અંગ્રેજી અનુવાદની રાહ જોવી રહી.

e.mail : bhadra.v@btinternet.com

(સદ્ભાવ : “ઓપિનિયન”, ૨૬ જુલાઈ ૨૦૦૯)
 

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved