બે વૃક્ષની વાત
આજે ‘નાઇન ઇલેવન’ના દિવસે સ્મરણ થાય છે એ વૃક્ષનું જેનાં હજુ થોડા દિવસ પર જ, ૨૦૦૧માં તહસનહસ ટિ્વન ટાવર્સની ધરતી પર દર્શન કરવાનું બન્યું હતું.’
એ આતંકી ઘટના તો ઘટતાં ઘટી, પણ ધ્વસ્ત, ઉદ્ધ્વસ્ત, ભસ્મીભૂત એવા એ માહોલમાં પણ એક વૃક્ષ મૃતઃપ્રાય છતાં જીવતા જેવું બચી ગયું હશે. લોકે એને જાળવ્યું, જીવાડ્યું ને મૂળસોતું અહીં જ પાછું રોપ્યું. એને જોવાનું થયું, થતું ગયું અને ચેતનાને જાણે સંજીવની સ્પર્શ અનુભવતો રહ્યો.
સંહાર વચ્ચે જીવનનું સ્થાપન … નાની વાત તો નથી એ!
આ વૃક્ષને પીતો હતો અને ચિત્તમાં એક બીજું વૃક્ષ લહેરાતું હતું. થોડાં વરસ પર એને વિશે વાંચ્યું હતું. નૃશંસ નાઝી અત્યાચારના દિવસોમાં એન ફ્રેન્કે ભોમભીતર ભંડકિયા જેવી જે ઓરડીમાં આશરો લીધો હતો એની એક નહીં સરખી બારીમાંથી દેખાતું એ વૃક્ષ હતું. આશંક્તિ, આતંકિત ઉદાસીન કમરાકેદ જિંદગાનીમાં નહીં સરખી બારીમાંથી દેખાતું એ વૃક્ષ, અને હવે તો એની ફૂટતી આવતી ટગલી ડાળ, એનના આર્ત અંતરને સારુ જાણે વિસામો હતી, સધિયારો હતી.
બીજા વિશ્વયુદ્ધ પછી એનનો એ અંતરવિસામો વિશ્વવિશ્રુત બની રહ્યો હતો. અને હવે સાઠે વરસે એ ઝાડ સડું સડું પડું પડું અનુભવાતું હતું. પણ વિશ્વમતની જાગતી જ્યોતે એનેય સાચવી લીધું.
આ જાણ્યું ત્યારે થયું’તું કે એની એક ડાળખી લાવી ગાંધી આશ્રમમાં વાવું, કે પછી ગુલબર્ગ સોસાયટીના સૂચિત મ્યુિઝયમના પ્રાંગણમાં.
બોધિવૃક્ષનો મહિમા હું જાણું છું. ક્યારેક એનું એક ડાળખું લઈ મહેન્દ્ર ને સંઘમિત્રા શ્રીલંકા સંચર્યાં હશે એ ખ્યાલે રોમાંચિત પણ થઈ ઊઠું છું.
છતાં ખેંચાણ ચિત્તવૃત્તિની શાંતિના એના સંદેશનું નહીં એટલું એ પ્રતિકાર ને સંઘર્ષ વચ્ચે ઊભવાના સંદેશનું છે જે ન્યુયોર્કની ધ્વસ્ત મિનારભૂમિ પર ખડા વૃક્ષનો કે એન ફ્રેન્કના અંતરવિસામારૂપ વૃક્ષનો છે.
૧૧-૯-’૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 01