એકદા ન્યુ યૉર્કારણ્યે પ્રકાશ ન. શાહ અને શાહબાનો નયના, એક ગુજરાતી છાપાના દફ્તરમાં આવી ચડેલાં, જે છાપાના તંત્રી આ લેખક હતા. મુલાકાતથી હરખાઈને આ લેખકે પ્રયોજન પૂછ્યું ત્યારે શાહંશાહે જણાવ્યું કે "બસ, કાંઈ નહીં." પછી શાહંશાહે ઘોડા ભડકી ઊઠે તેવું અટ્ટહાસ્ય કરીને હાથ લાંબા કરેલા, જેનું પ્રયોજન પણ કાંઈ નહોતું, અને આ લેખકને તે હાવભાવ "વર્ક ઑફ આર્ટ" જેવું રોચક લાગેલું. ઊગતા સૂરજને, ઊડતા પંખીને, દોડતા હરણને કાંઈ "કહેવું" નથી. ભીમસેન પાંડવ જ્યારે ગદા લઈને દુ:શાસનના ઉરુનો ભુક્કો કરે ત્યારે તે સપ્રયોજન કહેવાય, પણ ભીમસેન જોષી જ્યારે તબિયતથી રાગ ભીમપલાસ કે જે બી લલકારતા હોય તે લલકારે ત્યારે તે કાંઈ કહેતા, માગતા કે જાહેર કરતા નથી, ફક્ત પોતાની ફનકારી બતાવે છે કે યારો, દિલના દરિયામાં તુફાન આવ્યું છે, ને મસ્તક ડોલાવો. બહેન વૈજયંતી હાથ લાંબા કરીને તેની કમળની દાંડલી જેવી આંગળીઓ વડે જ્યારે કથક કે કથકલી કે જે બી નટખટ નર્તન કરતી હોય તે કરવા માંડે તેને પ્રયોજન હોતું નથી. તે યથાર્થને પોતાની મનચલી રીતે ઇન્ટરપ્રેટ કરે છે, જે દર્શકને કલાકારની દિલની ગલીમાં ચક્કર મરાવે છે.
આ લેખકનું માનવું છે કે કલા કશાય પ્રયોજન વિનાની હોય. ઇન્સાફ માગવો હોય, કશીક નાલિશ કરવી હોય, કશુંક "કહેવું" હોય ત્યારે નિબંધ લખાય જેનું ચાક્ષુષ રૂપ ડૉક્યુમેન્ટરી હોઈ શકે. કેટલાક પ્રસંગોને ફિક્શનના રૂપમાં સાંકળી નાટ્યરૂપે કોઈ ફિલ્મ બનાવે તેને ડોક્યુડ્રામા કહેવાય છે. રતિમગ્ન પંખીબેલડીને તીર મારતો પારધી જોતાંવેંત કશીક કવિતા બોલાઈ જાય તે કલા છે, પણ "આપણે ત્યાં જુઓને આ નિર્દય પારધી લોકો બિચારાં પંખીઓને કારણ વિના હણી નાખે છે," અથવા "દેરાસરના રસ્તે ઇંડા ફેરિયા ઇંડા વેચે છે તે ક્યારે બંધ થશે" એમ કહેવું હોય તો "તંત્રીને પત્ર" લખાય.
ફિલ્મી ટેકનીકની રીતે ગગનવાલાને "ફિરાક" સુરેખ પ્રોડક્ટ લાગેલી, પણ ગાગનિક મત એવો હતો કાર્ટુન પાત્રોના કારણે તે પ્રોડક્ટ સુરેખ ફિક્શનની પાયરીએ પહોંચી નથી. ગાગનિક મત એવો પણ હતો કે "ફિરાક"માં લોહીયાળ હિંસા ન બતાવીને નંદિતાબહેને પ્રશસ્ય સંયમ બતાવ્યો છે, જે રાહુલભાઈની "પરઝાનિયા" ફિલ્મમાં નહોતો. ગગનવાલાએ એમ પણ કહ્યું છે કે આ "વસ્તુ"ની એક બીજી ફિલ્મ અર્પણાબહેનની "મિસ્ટર એન્ડ મિસિસ ઐયર" અત્યંત રોચક ફિક્શન બની શકી છે. "ફિરાક"ના વસ્તુનો નહીં, તેની રજૂઆતનો અને તેની પાછળના અભિનિવેશનો વાંધો છે.
ગગનવાલાના "ફિરાક" વિશેના લેખના પ્રતિભાવમાં પ્રકાશ ન. શાહ માયા કોડનાનીની અને પરેશ નાયકની "ધાડ"ની વાત કરે છે, જેને આ ચર્ચા સાથે કોઈ સંબંધ નથી. એકદા પ્રકાશ ન. શાહ "જનસત્તા" છાપાના તંત્રી હતા ત્યારે તેમાં આ લેખક "દિલ કી ગલી" શીર્ષકથી એક કોલમ લખતા હતા. તેની એક કોલમનું ગમ્મતિયાળ મથાળું હતું, "પ્રકાશ શાહ બકવાસ છે." તેને ને આ ઉત્તરને પણ કોઈ સંબંધ નથી.
['ફિરાક' નિમિત્તે ગગનવાલાએ વ્યક્ત કરેલા વિચારોના સંદર્ભમાં શાહસાહેબનો મત (ગગનથી ધરા કેટલે, સમાંતર ગુજરાત, ૧-૪-૨૦૦૯), હમણાં જ જાણવા મળ્યો તેથી તેના ઉત્તરમાં વિલંબ થયો છે (જુલાઈ ૨૭, ૨૦૦૯)]
લેખકની વાત : જેમની ગાળ પણ ઘીની નાળ લાગેમધુરાય એવા ચહેતા લેખકો પૈકી છે. ફિલ્મ વિશે એમણે કરેલી સ્વરૂપગત સમીક્ષા સાથે મતભેદનો કોઈ મુદ્દો મેં કર્યો પણ નથી. માત્ર, એમણે ગુજરાત ૨૦૦૨ના વિષયવસ્તુને લઈને ગુજરાત ૨૦૦૯ના સંદર્ભમાં જે ટીકાટિપ્પણ કર્યાં છે એને વિશે મારે કહેવાનું હતું અને છે. જયનિબંધ!(પ્ર. ન. શા.(જુલાઈ ૨૯, ૨૦૦૯))